(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આખા વિશ્વમાં સતત વિસ્તરી રહ્યું છે સ્માર્ટ સીસીટીવી સર્વેલન્સ

જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી લોકોની દરેક હીલચાલ પર નજર રાખીને તેને ડેટાને એઆઈ અને ફેસિયલ રેકગ્નિશન જેવી ટેક્નોલોજી સાથે સાંકળવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે.

થોડા સમય પહેલાં એક મુદ્દો ખાસ્સો ચર્ચાનો અને રમૂજનો વિષય બન્યો હતો. અમદાવાદમાં એક મહિલા તેમના પતિને નામે આવેલું ટ્રાફિક પોલીસનું ઇ-ચલણ લઇને પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ત્યાં હાજર સ્ટાફને પૂછ્યું હતું કે ‘‘મારા પતિ હેલમેટ વિના બાઇક ચલાવી રહ્યા હતા એટલે આ ચલણ તો તમે ભલે ઠપકાર્યું, પણ બાઇક પર એમની પાછળ એમની આ કઈ ‘સગલી’ બેઠી છે એ મને ઓળખી બતાવો!’’

ગુજરાતનાં શહેરોમાં આપણે ટ્રાફિક સંબંધિત કોઈ પણ ગુનો કરીએ તો ગુનાના પુરાવારૂપ ફોટોગ્રાફ સાથેનું ઈ-ચલણ આપને મોકલવામાં આવે છે એ તો હવે જાણીતી અને ઘણા લોકોના પોતાના અનુભવની વાત છે! પેલી મહિલાને અમદાવાદની પોલીસે શું જવાબ આપ્યો એ તો ખબર નથી પરંતુ…

જો આવો જ કિસ્સો ચીનના કોઈ શહેરમાં બન્યો હોત તો કદાચ ત્યાંની પોલીસે બાઇક પર પાછળ બેઠેલી પેલી બીજી યુવતીનું નામ અને સરનામું તો ઠીક, પેલા મહાશય અને એ યુવતી બંને ક્યાં રહે છે, કેટલા વખતથી એકબીજાના સંપર્કમાં છે, પાછલા થોડા દિવસો કે મહિનામાં કેટલી વાર, કેટલા વાગ્યે પેલા મહાશય યુવતીના ઘરે ગયા છે, બંને એકબીજા સાથે સોશિયલ મીડિયા પર શું વાતચીત કરે છે અને ક્યા ફોટોગ્રાફ્સની આપ-લે કરે છે, ભાઇએ કઈ વેબસાઇટ પરથી કઈ ચીજ વસ્તુ ખરીદીને પેલી યુવતીને ભેટ મોકલી છે, એ માટે કઈ રીતે કેટલું પેમેન્ટ કર્યું છે વગેરે બધી જ વિગતો એ વ્યક્તિની પત્નીને આપી હોત – જો ચીનની પોલીસે ધાર્યું હોત તો.

અમદાવાદ પોલીસે પણ આવી આવડત કેળવી લીધી હોય તો તેની આપણને ખબર નથી!

આગળ શું વાંચશો?

  • ચીનઃ સ્માર્ટ સર્વેલન્સમાં મોખરે

  • સીટીટીવી કેમેરાનો વધતો વ્યાપ

  • ભારતમાં પણ વધતું સ્માર્ટ સર્વેલન્સ

આપણી આખી દુનિયામાં અત્યારે સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ એટલે કે દરેક નાગરિકોની હિલચાલ પર બાજ નજર રાખવાનું પ્રમાણ જબરજસ્ત તેજ ગતિએ વધી રહ્યું છે. ખાનગી બંગલા કે એપાર્ટમેન્ટ્સ, રસ્તા પરની શોપ્સ, રેસ્ટોરાં વગેરે ઉપરાંત પોલીસ અને અન્ય સરકારી સંસ્થાઓ દ્વારા ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે અને પરિણામે આપણું લગભગ કોઈ પગલું આ કેમેરાના જાળાથી છૂપું રહી શકતું નથી.

અહીં આપણે આખી દુનિયાના વિવિધ દેશોમાંની સ્થિતિથી લઇને આપણા ઘર આંગણ સુધી સીસીટીવી કેમેરાનું નેટવર્ક કેવું અને કેટલી ઝડપે ફેલાઈ રહ્યું છે તથા કેવું સ્માર્ટ બની રહ્યું છે તેના પર એક નજર ફેરવીએ.

ચીન : સ્માર્ટ સર્વેલન્સમાં મોખરે

‘કમ્પેરિટેક’ નામની ઇંગ્લેન્ડની એક કંપનીએ હમણાં સમગ્ર વિશ્વનાં જુદાં જુદાં શહેરોમાં સીસીટીવી કેમેરાના પ્રમાણ વિશે એક વિસ્તૃત સર્વે કર્યો. આ સર્વેનાં તારણો અનુસાર, સમગ્ર વિશ્વમાં ચીનનાં શહેરોમાં સૌથી વધુ વ્યાપક રીતે સીસીટીવી આધારિત સર્વેલન્સ થઈ રહ્યું છે.


એટલી હદે કે વિશ્વનાં આ બાબતે ટોચનાં ૧૦ શહેરોમાંથી ૮ શહેર એકલા ચીનમાં છે!

માત્ર લંડન અને એટલાન્ટા એ બે જ, ચીન સિવાયનાં શહેર આ યાદીમાં સામેલ છે. આ જ યાદીમાં ટોપ ૨૦ના લિસ્ટમાં ભારતનું નવી દિલ્હી શહેર પણ સામેલ છે. અમેરિકાનું સાનફ્રાન્સિસ્કો કે ભારતના બેંગલુરુ જેવા ટેકનોલોજીની દૃષ્ટિએ સૌથી આગળ પડતાં ગણાતાં શહેરો આ યાદીમાં ઘણાં પાછળ છે.

ચીનમાં સીસીટીવ કેમેરાથી સર્વેલન્સનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે એક અંદાજ મુજબ આવતા એકાદ વર્ષ સુધીમાં ચીનમાં પબ્લિક સીસીટીવી કેમેરાની સંખ્યા દર બે વ્યક્તિએ એક કેમેરા જેટલી થઈ જશે!

સમગ્ર વિશ્વમાં શહેરોના ચાર રસ્તે અને અન્ય જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી લોકોની હિલચાલનું પળે પળનું રેકોર્ડિંગ કરવાથી આ આખી વાતની શરૂઆત થાય છે. લગભગ દરેક દેશમાં આ રીતે રેકોર્ડિંગ કર્યા પછી કોઈ ને કોઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ફેસ રેકગ્નિશન એટલે કે ચહેરો ઓળખવાની ટેકનોલોજી કામે લગાડવામાં આવે છે.

સ્માર્ટ સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં વિશ્ર્વના અન્ય દેશો કરતાં ચીન ઘણું આગળ છે. અહીં નાગરિકની દરેક હિલચાલ પર સરકારની નજર રહે છે અને સરકારી રેટિંગ સિસ્ટમમાં અપૂરતું રેટિંગ ધરાવતા નાગરિકને વિવિધ લાભ મેળવતાં અટકાવી શકાય છે.

વિશ્વના ૧૭૬માંથી ઓછામાં ઓછા ૭૫ દેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સીસીટીવી સર્વેલન્સનો ઉપયોગ વધી રહ્યો છે.

એ પણ ખાસ નોંધવા જેવું છે કે સર્વેલન્સ સિસ્ટમની ટેકનોલોજી વિકસાવવામાં ચીન અત્યંત આગળ છે અને ચીન પોતાની ટેકનોલોજી અન્ય દેશોને લોન આપી આપીને પણ વેચી રહી છે. ચીનની હુવેઈ કંપની વિશ્વના ૫૦ જેટલા દેશોમાં એઆઈ સર્વેલન્સ ટેકનોલોજી વેચી રહી છે. એઆઈ આધારિત સર્વેલન્સ ટેકનોલોજી વેચતી ચીન સિવાયના દેશની અને વિશ્વની બીજા ક્રમની કંપની જાપાનની એનઇસી કોર્પોરેશન છે, જે માત્ર ૧૪ દેશોમાં પોતાની ટેકનોલોજી વેચે છે.

ચીન પોતાના દેશ ઉપરાંત, વિશ્વના અન્ય દેશોમાં પણ પોતાની ટેકનોલોજી બહુ મોટા પાયે ઘૂસાડી રહ્યું છે. બિઝનેસ ઉપરાંત તેનો હેતુ અન્ય દેશોનો ડેટા મેળવવાનો પણ હોઈ શકે છે.

ચીન અને જાપાન ઉપરાંત યુએસની કંપનીઝ પણ આ દિશામાં ઘણી આગળ છે. જોકે ચીન જે રીતે તેની ટેકનોલોજીને વિશ્વભરમાં ફેલાવી રહ્યું છે એ જોતાં માત્ર બિઝનેસ ઉપરાંત અન્ય દેશોમાંથી મળતા ડેટા પર પણ તેની નજર હોય એ નકારી શકાય તેમ નથી. ભારતમાં પણ અવારનવાર ભારતીય સેના અને ગૃહ મંત્રાલય તરફથી વિવિધ ચાઇનીઝ એપ્સ કે સ્માર્ટફોન્સના ઉપયોગ સામે ચેતવણીઓ જારી કરવામાં આવે છે એ આપણે જાણીએ છીએ.

ચીનમાં ‘સોશિયલ ક્રેડિટ સિસ્ટમ’ નામની એક વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. આ વ્યવસ્થા કંઈક અંશે ભારતની આધારકાર્ડ વ્યવસ્થા જેવી છે. તેમાં જોડાવું દેશના દરેક નાગરિક માટે ફરજિયાત છે.

આ વ્યવસ્થાથી દેશના દરેક નાગરિકની લગભગ દરેક પ્રવૃત્તિ પર સરકારની નજર રહે છે અને તેને આધારે એ નાગરિક કેટલો વિશ્વાસપાત્ર છે એ નક્કી કરવામાં આવે છે. જેમ કે કોઈ નાગરિક પોતાના ટેક્સથી લઇને ટેલિફોનના બિલ નિયમિત રીતે ભરે છે કે નહીં, ડ્રાઇવિંગ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં, ધૂમ્રપાન પ્રતિબિંધિત હોય તેવા વિસ્તારમાં ધૂમ્રપાન કરે છે કે કેમ, સોશિયલ મીડિયા પર ખોટી વાતો પોસ્ટ કરે છે કે કેમ કે વધુ પડતી વીડિયો ગેમ્સ ખરીદે છે કે કેમ વગેરે જેવી અનેક ઝીણવટભરી બાબતો પર નજર રાખવામાં આવે છે!

સમગ્ર વિશ્વમાં શહેરોના ચાર રસ્તે અને અન્ય જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી લોકોની હિલચાલનું પળે પળનું રેકોર્ડિંગ કરવાથી આ આખી વાતની શરૂઆત થાય છે અને પછી વિવિધ રીતે વાત આગળ વધતી રહે છે…

આ બધો જ ડેટા સીસીટીવી સર્વેલન્સ સાથે સાંકળવામાં આવે છે અને તેની મદદથી જો કોઈ વ્યક્તિનું સોશિયલ રેન્કિંગ સરકારની અપેક્ષા કરતાં નીચું હોય તો તેમને વિવિધ સરકારી સુવિધાઓ જેમ કે પ્લેન, ટ્રેન કે બસ સુવિધાનો લાભ લેવો, ઇન્ટરનેટની પૂરતી ઝડપ મેળવવી, બાળકોને સારી સ્કૂલમાં પ્રવેશ અપાવવો, સારી નોકરી મેળવવી, સારી હોટેલમાં રોકાવું કે જમવું વગેરે કરતાં અટકાવવામાં આવી શકે છે!

મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં હજ પઢવા આવેલા લાખો શ્રદ્ધાળુઓના રક્ષણ માટે પોલીસ અને અન્ય સલામતી સંસ્થાઓ આખા શહેરમાં સીસીટીવી કેમેરા લગાવે છે ને આ પ્રકારના કંટ્રોલરૂમમાં તેના ફીડ મેળવીને પળેપળની સ્થિતિ પર બાજનજર રાખે છે.

ચીને પોતાના નાગરિકોની પળેપળની માહિતી મેળવવાનું આખું નેટવર્ક જબરદસ્ત રીતે મજબૂત બનાવ્યું છે. સામાન્ય રીતે ચીનની આવી બધી બાબતો અન્ય દેશોથી ઘણે અંશે ખાનગી રાખવામાં આવે છે. પરંતુ બે વર્ષ પહેલાં ચીનના એક શહેરમાં બીબીસીના એક પત્રકારને ચીનનું સર્વેલન્સ નેટવર્ક કેટલું પાવરફૂલ છે તેનો પરિચય કરાવવામાં આવ્યો.

ચીનના ઝીયાંગ નામના શહેરના તમામે તમામ નાગરિકની ઇમેજિસનો ડિજિટલ કેટેલોગ તૈયાર કરવામાં આવ્યો છે. એ કેટેલોગમાં બીબીસીના બ્રિટિશ પત્રકારનો એક ફોટોગ્રાફ ઉમેરવામાં આવ્યો. એ પછી એ પત્રકાર શહેરના રસ્તાઓ પર નીકળી પડ્યા. દરમિયાન સર્વેલન્સ સેન્ટરના હેડક્વાર્ટરમાંથી સમગ્ર શહેરના નેટવર્ક પર એક એલર્ટ મોકલવામાં આવ્યો અને એ બ્રિટિશ પત્રકાર ‘શંકાસ્પદ વ્યક્તિ’ હોવાનું જણાવવામાં આવ્યું. આ એલર્ટ નેટવર્ક પર વહેતો થયો તેની બરાબર સાતમી મિનિટે એક જાહેર સ્થળે પાંચ-છ પોલીસ ઓફિસર્સ પેલા પત્રકારને ઘેરી વળ્યા! (જુઓ આ લેખના આરંભે આપેલો વીડિયો)

સમગ્ર ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કેમેરાનો ઉપયોગ વધી રહ્યો છે. આવા કેમેરા તદ્દન ઓછા પ્રકાશમાં પણ ચહેરા ઓળખી શકે છે, માત્ર ઇમેજને આધારે વ્યક્તિની ઉંમર અને તે કઈ જાતિની છે તે પણ ઓળખી શકે છે.

અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સે ગયા વર્ષતી દેશનાંં વિવિધ એરપોર્ટ્સ પર બાયોમેટ્રિક ટર્મિનલ્સ શરૂ કર્યાં છે. વિવિધ ફ્લાઇટ્સમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ સેલ્ફ-સર્વિસ કિઓસ્ક પર પોતાનો ચહેરો બતાવે અને તેમને સિક્યોરિટી ક્લિયરન્સ મળે તો તેઓ વિના વિલંબે ચેક-ઇન કરી શકે છે.

ચીનના અન્ય એક શહેરમાં આવેલી એક ફેકટરીએ ચહેરો ઓળખી શકતા દસ લાખથી વધુ કેમેરાનું ચીનમાં વેચાણ કર્યું છે. ચીનનું નેટવર્ક આવા કેમેરામાં ઝીલાતા દરેક ચહેરાને, દરેક નાગરિક માટે બનાવવામાં આવેલા આઇડી કાર્ડ સાથે મેચ કરી શકે છે અને એ વ્યક્તિની પાછલા એક અઠવાડિયા દરમિયાનની તમામ મૂવમેન્ટ તપાસી શકે છે.

આ સિસ્ટમ દરેક વ્યક્તિના ચહેરા અને એની હંમેશ ઉપયોગમાં લેવાતી કાર સાથે મેચ કરી શકે છે. દરેક વ્યક્તિને તેના સંબંધીઓ સાથે સાંકળી શકે છે અને દરેક વ્યક્તિ બીજા કયા કયા લોકોના સંપર્કમાં રહે છે એ પણ પારખી શકે છે. કઈ વ્યક્તિ બીજી કઈ વ્યક્તિને વારંવાર મળે છે એ પણ આ સિસ્ટમ જાણી શકે છે.

આ આખી વ્યવસ્થાનો આખરી હેતુ માત્ર ગુના અને ગુનાખોરને પકડવાનો જ નહીં પરંતુ તેની આગાહી કરીને ગુનો થતો અટકાવવાનો પણ છે.

અલબત્ત એ ખાસ યાદ રાખવા જેવું છે કે ચીનમાં વિશ્વના અન્ય લોકશાહી દેશો (જેમ કે ભારત) જેવું સ્વતંત્ર ન્યાયતંત્ર નથી. ચીનના સતાધિકારીઓનો દાવો છે કે દેશના દરેક નાગરિકની માહિતી માત્ર એ નાગરિકને મદદની જરૂર હોય ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવે છે એ સિવાય બાકી બધો ડેટા બિગ ડેટાબેઝીસમાં સચવાયેલો રહે છે. પરંતુ તેનો વાસ્તવિક કેવો ઉપયોગ થાય છે તેની કોઈ સ્પષ્ટતા નથી!

સીસીટીવી કેમેરાનો વધતો વ્યાપ

૧૯૪૯માં એટલે કે આજથી ૭૦ વર્ષ પહેલાં એક બ્રિટિશ નવલકથાકારે યુરોપિયન સત્તાધિશો નાગરિકો પર સતત નજર રાખી રહ્યા છે એવો બળાપો કાઢતાં તેમની એક સાહિત્યકૃતિમાં લખ્યું હતું કે ‘‘બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ’’ એટલે કે એ લોકો તમારી હિલચાલ જોઈ રહ્યા છે.

બરાબર એ જ વર્ષે એક અમેરિકન કંપનીએ તેની પહેલી સીસીટીવી સિસ્ટમ બજારમાં વેચવા મૂકી હતી. તેના બે વર્ષ પછી ૧૯૫૧માં કોડાક કંપનીએ તેના પોર્ટેબલ મૂવી કેમેરા લોન્ચ કર્યા અને ત્યારથી ૭૦ વર્ષ પછી હવે તો પૃથ્વી પરના લગભગ દરેકે દરેક વ્યક્તિના હાથમાં કેમેરા આવી ગયો છે!

એક અંદાજ મુજબ ઇન્ટરનેટ પર દર વર્ષે ૨.૫ ટ્રિલિયનથી વધુ તસવીરો શેર થાય છે કે ઇન્ટરનેટ પર સંગ્રહ થાય છે. એવા પણ અબજો ફોટોગ્રાફ્સ અને વીડિયો હશે જેને લોકો ઇન્ટરનેટ પર અપલોડ નહીં કરતા હોય. ટેલિકોમ કંપનીના અંદાજ મુજબ આવતા વર્ષ સુધીમાં પૃથ્વી પરના ૬.૧ અબજ લોકોના હાથમાં કેમેરાવાળા ફોન આવી ગયા હશે. તેની સામે દર વર્ષે વિશ્વમાં ૧૦.૬ કરોડ એવા કેમેરા વેચાઈ રહ્યા છે જેનો એક માત્ર હેતુ સર્વેલન્સનો હોય છે.

વિશ્વમાં પથરાયેલા ૩૦ લાખથી વધુ એટીએમ્સમાં આપણે દાખલ થઈએ ત્યારથી કેમેરાની નજરમાં આવી જઇએ છીએ. રસ્તાઓ પર ખૂણેખાંચરે લાગેલા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (એએનપીઆર) ડિવાઇસ તરીકે ઓળખાતા ખાસ પ્રકારના કેમેરા કાર્સની નંબર પ્લેટ્સ ઝડપતા રહે છે.

કોઈ પણ સ્ટોર – ફક્ત સોના-ચાંદીનું ઝવેરાત નહીં પરંતુ કરિયાણું વેચતા સ્ટોર્સમાં પણ ઠેકઠેકાણે લાગેલાં બોર્ડ આપણને કહેતાં રહે છે કે ‘‘ચહેરા પર સ્મિત રાખજો કેમ કે તમે કેમેરાની નજર હેઠળ છો!’’ સંખ્યાબંધ ઘરોના દરવાજે ડોરબેલ પર પણ એક ટચૂકડો કેમેરા લાગેલો હોય છે. હાઇવે પર દરેક ટોલનાકે આપણું કેમેરાથી સ્વાગત થાય છે.
આ બધા તો એવા કેમેરા છે જેને આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય હવે પોલીસ કર્મચારીઓના ડ્રેસ પર પણ બોડી કેમેરા લાગી રહ્યા છે (અમેરિકા જેવા દેશોમાં તેની સામે વિરોધ પણ થઈ રહ્યો છે).

યુએસ, ઇંગ્લેન્ડ, રશિયા, ચીન, ઇરાન, ઉત્તર કોરિયા વગેરે અનેક દેશોમાં સરકારો આકાશમાં ઉડતા ડ્રોનના કેમેરાથી સતત સર્વેલન્સ કરે છે. ભારતમાં અમદાવાદમાં યોજાતી રથયાત્રા જેવા તહેવારોની ઉજવણી દરમિયાન પણ ડ્રોનથી સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવે છે.

કેમેરા ઉપરાંત આપણા હાથમાંના સ્માર્ટફોનને કારણે ડિજિટલ નકશાઓ પર પણ આપણી ગતિવિધિ સતત નોંધાતી રહે છે. આપણે ક્યાંથી ક્યાં ગયા, કઈ જગ્યાએથી કોની સાથે શું વાતચીત કરી કે શેર કર્યું…

એથી પણ ઊંચે જઇએ તો ૩૦૦ માઇલ્સથી વધુ ઊંચાઈએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ૧૭૦૦થી વધુ સેટેલાઇટ્સમાંના ઘણા ગજબની ચોકસાઈ સાથે પૃથ્વીના ખૂણે ખૂણાની તસવીરો લઈ શકે છે.

અમેરિકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર, તેના હિટલિસ્ટમાંના ટોચના ત્રાસવાદીઓને સેટેલાઇટ્સ, ડ્રોન અને જે તે સ્થળ પરના બાતમીદારની મદદથી ઓળખીને ત્રાસવાદી પર ડ્રોનથી મિસાઇલનો મારો કરે છે.

આવી રીતે છેક ઊંચે આકાશ કે અવકાશમાંથી લેવાતી તસવીરો ઉપરાંત આપણી આસપાસ તદ્દન નજીકના અનેક કેમેરા પણ ગૂપચૂપ આપણને રેકોર્ડ કરતા રહે છે. એ ઉપરાંત આપણા હાથમાંના સ્માર્ટફોનને કારણે ડિજિટલ નકશાઓ પર પણ આપણી ગતિવિધિ સતત નોંધાતી રહે છે. આપણે ક્યાંથી ક્યાં ગયા, કઈ જગ્યાએથી કોની સાથે શું વાતચીત કરી કે શેર કર્યું, સોશિયલ મીડિયા પર આપણે શું પોસ્ટ કર્યું, ઇન્ટરનેટ પર શું સર્ચ કર્યું વગેરે બધું જ રેકોર્ડ થતું રહે છે. આ બધાનો છેવટે એવો તાળો મળે છે કે આપણી કોઈ વાત કોઈ રીતે ખાનગી રહી શકતી નથી.

ચીનમાં સ્માર્ટફોન સાથે કનેક્ટેડ કેમેરાવાળા ગ્લાસીસ પહેરીને પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ ઓફિસર્સની હવે કોઈ નવાઈ રહી નથી. યુએસએ અને યુએસ જેવા દેશોમાં પણ પોલીસ ઓફિસર્સના ડ્રેસમાં જ કેમેરા ફીટ કરવામાં આવી રહ્યા છે, જોકે આ દેશોમાં નાગરિકો તેનો વિરોધ કરી શકે છે!

નિષ્ણાતો હવે ત્યાં સુધી કહે છે કે અગાઉના જમાનામાં કોઈ ગુનેગારના મનમાં શું છે એ ઓકાવવું હોય તો પોલીસે તેના પર ત્રાસ ગુજારવો પડતો. હવે એવી કોઈ જરૂર જ નથી રહી!

વિશ્વના શહેરોમાં સીસીટીવી સર્વેલન્સ વિશેના કમ્પેરિટેકના રિપોર્ટમાં જે તે શહેરમાંની ગુનાખોરી અને કેમેરાની સંખ્યાની સરખામણી પણ કરવામાં આવી હતી. તેના તારણો અનુસાર કેમેરાની સંખ્યા જેમ વધુ એમ ગુનાખોરી ઓછી કે લોકો વધુ સલામતી અનુભવતા હોય એવું સાબિત થતું નથી! અલબત્ત વધુ ને વધુ પ્રમાણમાં સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલા ફૂટેજને કારણે ગુનાના કેસો ઉકેલવામાં તપાસ સંસ્થાઓને વધુ ને વધુ મદદ મળી રહી છે એ પણ હકીકત છે.

અભ્યાસો મુજબ, સીસીટીવીથી નાગરિકો વધુ સલામતી અનુભવતા નથી, પણ કેપ્ચર થયેલા ફૂટેજને કારણે ગુનાના કેસો ઉકેલવામાં તપાસ સંસ્થાઓને વધુ ને વધુ મદદ મળી રહી છે એ પણ હકીકત છે.

વિશ્વભરના એરપોર્ટસ અને બંદરો પરથી હેરફેર થતા કાર્ગોની તપાસ સલામતી સંસ્થાઓ માટે એક મોટો માથાનો દુઃખાવો હોય છે. અગાઉ મેટલ ડિટેકટરથી કામ ચાલી જતું હતું પરંતુ હવે તો પ્લાસ્ટિક એક્સ્પ્લોઝિવ્સ વિકસી ગયા હોવાથી વાત વધુ મુશ્કેલ બની છે.

તેમ છતાં સાયબર સિક્યોરિટી નિષ્ણાતોએ હવે એવાં સ્ક્રીનિંગ અને સર્વેલન્સ સાધનો વિકસાવી લીધા છે, જે કુદરતી અને કૃત્રિમ હીરા વચ્ચેનો ભેદ પારખી શકે છે. આવી સિસ્ટમ્સ સાદા પ્લાસ્ટિક અને ભારે વિસ્ફોટક ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિક વચ્ચેનો ભેદ તથા સાદી દવા અને પ્રતિબંધિત ડ્રગ વચ્ચેનો ભેદ પણ પારખી શકે છે.

ભારતમાં પણ વધતું સ્માર્ટ સર્વેલન્સ

ભારતની વાત કરીએ તો નવી દિલ્હીમાં દિલ્હી પોલીસના અંદાજે અઢી લાખ કેમેરા કાર્યરત છે અને તે ઉપરાંત આમ આદમી પાર્ટીની સરકાર સમગ્ર દિલ્હી રાજ્યમાં બીજા ત્રણ લાખ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની કવાયત હાથ ધરી રહી છે. દિલ્હી સરકારના દાવા મુજબ ખાસ કરીને મહિલાઓની સલામતી માટે આ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હી ઉપરાંત મુંબઈ, ચેન્નઇ, કોલકત્તા ને લખનૌમાં પણ સીસીટીવી સર્વેલન્સનો વ્યાપ જબરો વધી રહ્યો છે.

અમદાવાદ પોલીસે પણ ખાસ્સી આધુનિક ટ્રાફિક સર્વેલન્સ સિસ્ટમ વિકસાવી લીધી છે. શહેરમાં ઠેક ઠેકાણે લાગેલા કેમેરા ચાલકોએ હેલમેટ ન પહેરી હોય કે કાર્સમાં સીટબેલ્ટ્સ ન પહેર્યા હોય તો એ તો પારખી જ લે છે, એ ઉપરાંત ટુ વ્હિલર પર સાઇટવ્યૂ મિરર ન હોય તો એ પણ તેની નજરમાં છૂપું રહેતું નથી.

ગુજરાતમાં ૪૧ નાનાં શહેરો, યાત્રાધામો અને ગામોને રોડ કેમેરા સર્વેલન્સમાં આવરી લેવામાં આવશે. આટલા મોટા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારોને સીસીટીવી સર્વેલન્સમાં આવરી લેનાર ગુજરાત પહેલું રાજ્ય બનશે.

દિવસના સમયે કારના વિન્ડ શીલ્ડ પર આકાશનું પ્રતિબિંબ પડતું હોવાથી અને રાતના સમયે બીજા વાહનોની હેડલાઇટ્સના અજવાળાને કારણે વાહનની અંદર રહેલી વ્યક્તિનો ચહેરો અને તેણે સીટબેલ્ટ પહેર્યો છે કે નહીં તે પારખવું મુશ્કેલ બને, પરંતુ શહેર પોલીસે લગાવેલા ઇન્ફ્રારેડ એલ્યુમિનેશન સાથેના ખાસ પ્રકારના કેમેરાને આવા કોઈ અંતરાય નડતાં નથી અને વાહન ગતિમાં હોવા છતાં તે સ્પષ્ટ તસવીર લઈ શકે છે.

ટૂંક સમયમાં અમદાવાદ શહેર પોલીસ એવી પણ ક્ષમતા વિકસાવી લેશે કે જેને કારણે શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ગુના માટે પોલીસના ડિજિટલ ‘ચોપડે’ ચઢેલી તસવીરને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપોઆપ વાહન ચાલકોની તસવીર સાથે સરખાવી શકાશે.

આ ઉપરાંત પોલીસના પેટ્રોલિંગ સ્ટાફ અને ટ્રાફિક સર્વેલન્સ ટીમના શરીર પર, પીસીઆર વાન તથા કેટલાક સંવેદનશીલ પોલીસ સ્ટેશનના વ્હિકલ્સ પર પણ કેમેરા લાગી જશે, જે પોલીસના મુખ્ય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે કનેક્ટેડ રહેશે.

અમદાવાદ શહેરમાં લાગેલા કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર વાહનની અંદર રહેલી વ્યક્તિ વાહન ચલાવતી વખતે ધૂમ્રપાન કરી રહી છે કે મોબાઇલનો ઉપયોગ કરી રહી છે એ પણ પારખી શકે છે.

નો પાર્કિંગ એરિયામાં પાર્ક થયેલ કારની નંબર પ્લેટ ઓળખીને કાર તથા વાહન ચાલક વિશેની તમામ વિગતો પોલીસ જાણી શકે છે. વાહન ચલાવનાર વ્યક્તિ મૂળ વાહન માલિક છે કે નહીં એ પણ નક્કી થઈ શકે છે!

જો કોઈ વ્યક્તિ જાહેર દીવાલો પર કંઈ લખી રહી હોય કે પાર્ક થયેલા વાહનોના કાચ તોડી રહી હોય તો તે જ ક્ષણે કમાન્ડ સેન્ટર પર તેની જાણ થઈ શકે છે.

પોલીસની આ સિસ્ટમ છેક ઓગસ્ટ ૨૦૧૮થી વિવિધ વાહનોની મૂવમેન્ટ તથા તેનાથી થયેલા ટ્રાફિકના ગુના ટ્રેક કરી શકે છે તેમ જ બ્લેક લિસ્ટેડ વાહનો ઓળખીને તેની કમાન્ડ સેન્ટરમાં જાણ કરી શકે છે.

પોલીસના કેમેરાથી બચવા ઘણા લોકો પોતાના વાહનની એચએસઆરપી નંબર પ્લેટ્સ વાળી દેતા હતા પરંતુ ખાસ પ્રકારના કેમેરા આવી નંબર પ્લેટ્સના નંબર પણ પારખી શકે છે.

ભારતમાં હાલમાં મોટાં શહેરોમાં સીસીટીવી કેમેરાથી સર્વેલન્સનું પ્રમાણ વધતું જાય છે, પરંતુ ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ઉપરાંત ૪૧ નાનાં શહેરો, યાત્રાધામો અને ગામોને પણ રોડ કેમેરા સર્વેલન્સમાં આવરી લેવામાં આવશે. આટલા મોટા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારોને સીસીટીવી સર્વેલન્સમાં આવરી લેનાર ગુજરાત ભારતનું પહેલું રાજ્ય બનશે.

મતલબ કે આગામી દિવસોમાં આપણી પ્રાઇવસી ખાસ્સી જોખમાશે, પણ સામે પક્ષે આપણે એવી ધરપત સાથે પણ જીવી શકીશું કે આપણી સાથોસાથ પોલીસ ગુનાખોરો પર પણ નજર રાખી રહી છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!