માઇક્રોસોફ્ટે રજૂ કરેલા નવા ડેમો મુજબ, કોઈ વ્યક્તિ હોલોગ્રામ સ્વરૂપે વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચીને, પોતે જાણતી ન હોય એવી ભાષામાં વાતચીત કરી શકે છે!
હમણાં જોરદાર ગાજેલી ‘એવેન્જર્સ એન્ડગેમ’ જેવી મૂવીઝમાં માર્વેલ સુપરહીરોઝને હવામાં જ મોનિટરની જેમ ડેટા એક્સેસ કરતા બતાવવામાં આવ્યા છે એ મોટા ભાગે કમ્પ્યુટર ગ્રાફ્કિસની કમાલ છે, પરંતુ હવામાં જ ડેટા કે જીવતા જાગતા માણસની પ્રતિકૃતિ સર્જવાની દિશામાં ટેકનોલોજી ઘણી બધી આગળ વધી રહી છે.
આવું ‘વર્ચ્યુઅલ રીયાલિટી’, ‘ઓગ્મેન્ટેડ રીયાલિટી’ તથા ‘મિક્સ્ડ રીયાલિટી’ જેવી વિવિધ ટેક્નોલોજીથી શક્ય બને છે અને માઇક્રોસોફ્ટ કંપની છેલ્લા ઘણા સમયથી આ ક્ષેત્રમાં ખાસ્સું સંશોધન કરી રહી છે. માઇક્રોસોફ્ટે હમણાં તેના ‘હોલોગ્રામ’ પ્રોજેક્ટનો ડેમો રજૂ કર્યો, જેનો વીડિયો જોતાં આપણે ખરેખર અચંબામાં પડી જઈએ કેમ કે આ ડેમોમાં હોલોગ્રામથી પણ એક ડગલું આગળ જતી ટેકનોલોજી દર્શાવવામાં આવી છે!
આ ડેમોમાં માઇક્રોસોફ્ટનાં વાઇસ પ્રેસિડેન્ડ જુલિયા વ્હાઇટનો હોલોગ્રામ એટલે કે તેમની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે અને આ પ્રતિકૃતિ પાછી જાપાનીઝ ભાષામાં પ્રેઝન્ટેશન આપે છે, જે ભાષા જુલિયા ખરેખર જાણતાં જ નથી!
માઇક્રોસોફ્ટે મૂવી પ્રોડ્યુસર્સ, મ્યુઝિશિયન્સ, એથ્લેટ્સ વગેરે હોલોગ્રામ ટેક્નોલોજીનો લાભ લઈ શકે એ માટે ખાસ પ્રકારના ‘મિક્સ્ડ રીયાલિટી કેપ્ચર સ્ટુડિયો’ તૈયાર કર્યા છે. આ ડેમો ત્યાં જ તૈયાર કરવામાં આવ્યો હતો.
હોલોગ્રામ ટેકનોલોજીમાં લેસર કે તેના જેવા પ્રકાશના અન્ય સ્રોતમાંથી નીકળતાં કિરણોની મદદથી થ્રી-ડાયમેન્શનલ ઇમેજ તૈયાર કરવામાં આવે છે.
ડેમોની શરૂઆતમાં જુલિયા કહે છે કે તેમને પોતાના કામના સંદર્ભે આખા જગતમાં પ્રવાસો ખેડીને પ્રેઝન્ટેશન્સ આપવાનાં થાય છે, પણ હવે તેઓ ક્યાંય ગયા વિના, પોતાના હોલોગ્રામની મદદથી, પોતે જે ભાષાઓ જાણતાં જ નથી એવી ભાષાઓમાં પણ પ્રેઝન્ટેશન આપી શકે એવી સ્થિતિ સર્જાઈ રહી છે!
અલબત્ત, આપણે આ ડેમોનો જે વીડિયો જોઈએ છીએ તે ખાસ વિક્સાવેલી સ્થિતિમાં, સ્પેશિયલ સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં તમે જોશો કે જુલિયા વ્હાઇટ પોતાના ચહેરા પર એક ડિવાઇસ પહેરીને પહેલાં, પોતાની એક નાની રેપ્લિકા (પ્રતિકૃતિ) પોતાના જ હાથમાં સર્જે છે અને પછી એક વોઇસ કમાન્ડથી એ પ્રતિકૃતિને પોતાના કદ જેટલી મોટી કરે છે. પછી આ પ્રતિકૃતિ જાપાનીઝ ભાષામાં પ્રેઝન્ટેશન આગળ વધારે છે!
આ ડેમો બે ટેકનોલોજીની મદદથી સર્જાયો છેઃ મિક્સ્ડ રીયાલિટી અને ન્યુરલ ટેક્સ્ટ-ટુ સ્પીચ ટેકનોલોજી.
વાસ્તવમાં માઇક્રોસોફ્ટે મૂવી પ્રોડ્યુસર્સ, મ્યુઝિશિયન્સ, એથ્લેટ્સ વગેરે હોલોગ્રામ ટેક્નોલોજીનો લાભ લઈ શકે એ માટે ખાસ પ્રકારના ‘મિક્સ્ડ રીયાલિટી કેપ્ચર સ્ટુડિયો’ તૈયાર કર્યા છે. તાજેતરના ડેમો માટે, પહેલાં જુલિયા વ્હાઇટનો આ સ્ટુડિયોમાં એક લાઇવ સાઇઝ હોલોગ્રામ તૈયાર કરવામાં આવ્યો અને તેઓ અંગ્રેજી ભાષામાં પ્રેઝન્ટેશન આપતા હોય તેવું રેકોર્ડિંગ કરવામાં આવ્યું. એ પછી માઇક્રોસોફ્ટની હોલોલેન્સ ડિવાઇસ પહેરેલી કોઈ પણ વ્યક્તિ એવો અનુભવ કરી શકે છે કે જુલિયા વ્હાઇટ તેમની સામે જ ઊભીને પ્રેઝન્ટેશન આપે છે. તેની સાથોસાથ, ન્યુરલ ટેક્સ્ટ-ટુ-સ્પીચ ટેક્નોલોજીથી તેમના પ્રેઝન્ટેશનને, તેમના જ અવાજ અને શૈલીમાં જાપાનીઝ ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું. ડેમોમાં, જીવતાં જાગતાં જુલિયા અને તેમનો હોલોગ્રામ બંને એક સાથે સ્ટેજ પર હોય એવું દર્શાવવામાં આવ્યું છે.
આપણે ડેમો વીડિયોમાં જે જોઇએ છે તેવો અનુભવ વાસ્તવમાં હોલોલેન્સ ડિવાઇસ પહેર્યા પછી જ થઈ શકે છે. પરંતુ આ વીડિયો આપણે કેવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ તેની એક ઝલક જરૂર આપે છે.


