સ્માર્ટફોનમાં આપણને સૌને કોઈ પણ ઇમેજ વધુ મોટી કરીને જોવા માટે બે આંગળીથી પિન્ચ આઉટ કરવાની ટેવ છે. એ માટે આપણે એક હાથમાં સ્માર્ટફોન પકડીને બીજા હાથની આંગળીઓની મદદ લેવી પડે.
પરંતુ ક્યારેક એવું બને કે આપણે એક હાથે જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈએ (માની લો કે ત્યારે બીજા હાથમાં કોઈ વસ્તુ હોય જે આપણે છોડી શકીએ તેમ ન હોઇએ).
આવી સ્થિતિમાં પણ તમે ગૂગલ મેપ્સનો સારી રીતે ઉપયોગ કરી શકો છો (કદાચ એવું બને કે આ રીત જાણ્યા પછી તમારા બંને હાથ ફ્રી હોય તો પણ મેપ્સનો એક જ હાથે ઉપયોગ કરવાનું પસંદ કરશો!).
એ માટે સ્માર્ટફોનમાં મેપ્સ ઓપન કર્યા પછી જે પણ ભાગને ઝૂમ કરીને જોવો હોય ત્યાં અંગૂઠાથી ફટાફટ ડબલ ટેપ કરો. તમે જેટલી વાર ડબલ ટેપ કરશો એટલી વાર એ ભાગ ઝૂમ થતો જશે અને પછી તમે અંગૂઠાથી જ સ્ક્રીનમાંના મેપને ઇચ્છો એ દિશામાં ખસેડી શકશો.
આ તો ઝૂમ ઇન કરવાની વાત થઈ. ઝૂમ આઉટ કરવું હોય તો? એ માટે બીજા હાથની જરૂર પડશે. પરંતુ બે આંગળીથી ઝૂમ આઉટ કરવાને બદલે તમે એક આંગળી સ્ક્રીન પર ટચ કરી રાખીને બીજી આંગળીથી ટેપ કરતા જશો તો મેપ ઝૂમ આઉટ થતો જશે.
વાત બહુ નાની છે પરંતુ મેપ્સનો ઉપયોગ કરવાની તમારી સ્ટાઇલ કાયમ માટે બદલી શકે છે!
