ગૂગલે તેના દરેક વર્ઝનમાં એક નાની-અમથી રમૂજ કે ગેમ જેવું કંઈક મૂકવાનો રિવાજ પાળ્યો છે (ટેક જગતમાં આવી રમૂજ-કરામતોને ‘ઇસ્ટર એગ્સ’ કહે છે).
જો તમારી પાસે હજી બાવા આદમના સમયનો જિંજરબ્રેડ (એન્ડ્રોઇડ ૨.૩) વર્ઝનનો હોય અને હજી ચાલતો હોય તો તેમાં ફોનના સેટિંગ્સમાં જાઓ, તેમાં સિસ્ટમ અથવા એબાઉટ ફોન વિભાગમાં જાઓ અને તેમાં એન્ડ્રોઇડ વર્ઝન અથવા ફર્મવેર વર્ઝન પર ધડાધડ સંખ્યાબંધ વાર ટેપ કરશો તો એક વોલપેપર ઇમેજ ખૂલશે, જેમાં એન્ડ્રોઇડની સાથે સંખ્યાબંધ ઝોમ્બી મોબાઇલ પર વાત કરતા દેખાશે!
એન્ડ્રોઇડ ૩માં ફરી એ જ રીતે, એન્ડ્રોઇડ વર્ઝન પર ક્લિક કરતાં, ડિઝનીની એક સાઇ-ફાઇ મૂવીના સંદર્ભ સાથે, એન્ડ્રોઇડ મધમાખી સ્વરૂપે જોવા મળે છે. એન્ડ્રોઇડ ૪, આઇસક્રીમ સેન્ડવીચમાં આ રીતે, એક વીડિયોની લિંક આપવામાં આવી.
૪.૧, જેલી બીનમાં સંખ્યાબંધ બીન્સને આંગળીથી દૂર કરવાની, ક્યારેય પૂરી ન થાય એવી ગેમ મળી. ૪.૪ કિટકેટમાં પણ આવી એક ગેમ છૂપાયેલી છે.
ફોનમાં લોલિપોપ કે ત્યાર પછીનાં વર્ઝન છે? દરેકમાં આ રીતે, કંઈક અનોખું છૂપાયેલું છે.
જેમ કે નવમા વર્ઝન પાઇમાં હિપ્નોટાઇઝ કરે એવું એનિમેશન છૂપાયેલું છે. તમારે એન્ડ્રોઇડ વર્ઝન શોધી, તેના પર સંખ્યાબંધ ટેપ કરીને આ છૂપાયેલી કરામત શોધવાની રહેશે!
