જો તમને જીમેઇલની સુવિધાઓ વધુ અનુકૂળ લાગતી હોય, પણ અન્ય મેઇલ સર્વિસ પણ ચાલુ રાખી હોય તો તેમાંના તમામ મેઇલ્સ જીમેઇલમાં લાવી શકાય છે.
છેલ્લા ઘણા સમયથી વધુ ને વધુ લોકો ઈ-મેઇલ સર્વિસ માટે જીમેઇલનો ઉપયોગ કરવા લાગ્યા છે. ખાસ કરીને એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ જબરદસ્ત વધ્યા પછી જીમેઇલ તરફ વળવાનું પ્રમાણ વધ્યું છે કારણ કે એન્ડ્રોઇડ અને ગૂગલ એકાઉન્ટ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.
આને કારણે થયું છે એવું કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ઘણા લોકોએ એક તરફ ગૂગલ (એટલે કે જીમેઇલ) એકાઉન્ટ ખોલાવ્યું છે અને બીજી તરફ પોતાના જૂના યાહૂ કે રીડીફમેઇલ જેવી જૂની સર્વિસનો ઉપયોગ ચાલુ રાખ્યો છે.
બીજા અનેક લોકોની જેમ જો તમને જીમેઇલનો ઉપયોગ વધુ માફક આવી ગયો હોય તો તમારા ઈ-મેઇલ અલગ અલગ બે-ચાર સર્વિસમાં વિખરાયેલા રહે અને વારંવાર જુદી જુદી સર્વિસમાં મેઇલ ચેક કરવા જવું પડે, એને બદલે તમે જૂની કોઈ પણ સર્વિસના ઈ-મેઇલ તમારા નવા ગૂગલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.
અહીં એક વાત ખાસ ધ્યાન પર લેવા જેવી છે. જીમેઇલમાં બીજી ઈ-મેઇલ સર્વિસીસનો મુખ્યત્વે બે રીતે ઉપયોગ કરી શકાય છેઃ
- અન્ય સર્વિસમાંના બધા મેઇલ્સ જીમેઇલમાં ટ્રાન્સફર કરી લેવા.
- અન્ય સર્વિસ યથાવત રાખવી પણ તેનો ઉપયોગ જીમેઇલમાંથી કરવો, એટલે કે ફોનની જીમેઇલ એપમાં કે વેબ વર્ઝનમાં અન્ય સર્વિસનું એકાઉન્ટ ઉમેરવું.
આ લેખ પૂરતું આપણે અન્ય સર્વિસના ઈ-મેઇલ જીમેઇલમાં ટ્રાન્સફર કેવી રીતે કરવા તેના પર ધ્યાન આપીશું. આ માટેનાં પગલાં નીચે મુજબ છેઃ
- પીસીમાં તમારા જીમેઇલ એકાઉન્ટમાં લોગ-ઇન થાઓ.
- ડાબી તરફના ગિયર જેવા આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ. અહીં ‘એકાઉન્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ’ સેકશનમાં જાઓ.
તેમાં ‘ઇમ્પોર્ટ મેઇલ એન્ડ કોન્ટેક્ટસ’નો વિકલ્પ જોવા મળશે.- અહીં ‘ઇમ્પોર્ટ મેઇલ એન્ડ કોન્ટેક્ટસ’ની લિંક ક્લિક કરો.
આથી એક વિન્ડો ઓપન થશે. તેમાં તમે જે અન્ય સર્વિસમાંથી મેઇલ્સ ટ્રાન્સફર કરવા માગતા હો તે એકાઉન્ટનું એડ્રેસ લખો (જેમ કે xyz@yahoo.com). હવે ‘કન્ટીન્યૂ’ બટન ક્લિક કરો.- હવે આપણને એ અન્ય મેલ સર્વિસમાં સાઇન-ઇન થવાનું કહેવામાં આવશે.
- ગૂગલ આપણને જણાવે છે કે મેઇલ્સ ટ્રાન્સફર કરવાની આ સેવા ‘શટલક્લાઉન્ડ’ નામની સર્વિસની મદદથી આપવામાં આવે છે અને આપણે તેની શરતો અને પ્રાયવસી પોલિસીને મંજૂરી આપવી જોઈશે.
હવે ‘કન્ટીન્યૂ’ કહેતાં આપણે અન્ય ઈ-મેઇલ સર્વિસમાં લોગ-ઇન થઈ શકીશું અને તે પછી આપણે જૂની સર્વિસમાંથી શું શું નવા જીમેઇલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું છે તે નક્કી કરી શકીશું.- આપણે ઇચ્છીએ તો જૂની સર્વિસમાંના મેઇલ્સની સાથોસાથ તમામ કોન્ટેક્ટ્સ પણ જીમેઇલમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ.
- એ ઉપરાંત જૂની સર્વિસમાં આવતા નવા મેઇલ્સ, આવતા ૩૦ દિવસ સુધી આપોઆપ જીમેઇલમાં ટ્રાન્સફર થતા રહે એવું સેટિંગ પણ કરી શકાય છે.
- આટલું નક્કી કરીને ‘સ્ટાર્ટ ઇમ્પોર્ટ’ બટન ક્લિક કરતાં જૂની સર્વિસમાંના મેઇલ્સ નવા જીમેઇલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થવાનું શરૂ થશે.
આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે ગૂગલના સેટિંગ્સમાં ‘એકાઉન્ટસ એન્ડ ઇમ્પોર્ટ’ સેકશનમાં જઇને ઈ-મેઇલ્સ ટ્રાન્સફર કરવાનું કામ કેટલે પહોંચ્યું તે જોઈ શકીએ છીએ. જો જૂની સર્વિસમાં મેઇલ્સની સંખ્યા ઘણી વધુ હોય તો બધા મેઇલ્સ ટ્રાન્સફર થતાં અમુક દિવસ પણ લાગી શકે છે.
આમ તો જીમેઇલના ફ્રી એકાઉન્ટમાં ૧૫ જીબીની સ્ટોરેજ મળે છે, પરંતુ તે ગૂગલ ડ્રાઇવ અને ફોટોઝ સાથે વહેંચાયેલી છે. એટલે જો તમારી અન્ય મેઇલ સર્વિસમાંના મેઇલ્સ વધુ પડતી સંખ્યામાં હોય, તો પહેલાં એ એકાઉન્ટમાંથી બિનજરૂરી મેઇલ્સ દૂર કરીને પછી, માત્ર જરૂરી મેઇલ્સ જ જીમેઇલમાં ઇમ્પોર્ટ કરવા વધુ યોગ્ય રહેશે.
આ જીમેઇલમાંનાં સેટિંગ્સનો ઉપયોગ કરીને જૂની મેઇલ સર્વિસના મેઇલ્સ એક સાથે ઇમ્પોર્ટ કરવાની વાત થઈ. એ સિવાય, જૂની સર્વિસનાં સેટિંગ્સનો ઉપયોગ કરીને (જો તેમાં એ પ્રકારની સુવિધા હોય તો) તેમાં આવતા નવા મેઇલ્સ જીમેઇલમાં ફોરવર્ડ થાય એવું સેટિંગ પણ કરી શકાય.

