બે વર્ષ પહેલાં અણધારી આવી પડેલી નોટબંધી ભારત અને ભાજપ બંનેને કેટલી ફળશે એ તો આગામી ચૂંટણીમાં ખબર પડશે, પણ એક વાત નક્કી કે તેના કારણે ભારતમાં ઓનલાઇન પેમેન્ટને ખાસ્સો વેગ મળ્યો છે. તેનો લાભ લેવામાં પેટીએમ કંપનીએ સૌથી વધુ ચપળતા દાખવી છે. નોટબંધી વખતે તેણે મોટા પાયે જાહેરાતો શરૂ કરી અને ફિલ્ડ સેલ્સ ટીમ કામે લગાડીને પાણીપૂરીના ખૂમચે ને ચાની કિટલીએ પણ પેટીએમનાં સ્ટીકર પહોંચાડી દીધાં.
એ પછી યૂઝર્સની કેવાયસી પ્રક્રિયા કરવામાં પણ પેટીએમે બીજી કંપની કરતાં ખાસ્સી ઝડપ બતાવી. પેમેન્ટ્સ બેન્ક બનવામાં પણ પેટીએમ મોખરે હતી. આધાર સંબંધિત સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી કેવાયસીની પ્રક્રિયા ગૂંચવાઈ તો સમય પારખી પેટીએમ કંપનીએ પોતાની એપમાં વોલેટ સાથે યુપીઆઇ વ્યવસ્થા સાંકળી લીધી.
અને હવે પેટીએમ પર અલગ અલગ પ્રકારના વીમા ખરીદી શકાય છે, વીમાનાં પ્રીમિયમ ભરી શકાય છે! કંપનીએ ‘પેટીએમ મની’ નામે મ્યુચ્યુઅલ ફંડ્સના માર્કેટમાં પણ ઝંપલાવ્યું છે જેથી આપણે ખરેખર આંગળીના ઇશારે મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શકીએ!
પેટીએમ પર અત્યારે એલઆઇસી સહિત ૩૦ ટોચની વીમા કંપનીનાં પ્રીમિયમ ભરી શકાય છે. તમે પેટીએમ વોલેટ ઉપરાંત, નેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુપીઆઇ વગેરે રીતે પણ અહીંથી પેમેન્ટ કરી શકો છો.
પ્રક્રિયા બહુ સરળ છે. પેટીએમના કહેવા મુજબ, આપણે જે દિવસે પેટીએમ પર પેમેન્ટ કરીએ એ દિવસ પ્રીમિયમ પેમેન્ટ તારીખ ગણાશે, પણ વીમા કંપનીમાં આપણા એકાઉન્ટમાં તે રીફ્લેક્ટ થતાં બે દિવસ લાગી શકે છે.
૧
વીમા પ્રીમિયમ ભરવા પેટીએમ એપના હોમ સ્ક્રીન પર ‘મોર’ પર ક્લિક કરો.
૨
સ્ક્રોલ કરીને અથવા સર્ચ બારનો ઉપયોગ કરીને ઇન્સ્યોરન્સ સર્વિસ શોધો.
૩
વર્તમાન પોલિસીનું પ્રીમિયમ ભરવા માટે પહેલા વિકલ્પ પર ક્લિક કરી આગળ વધો.
૪
તમારી વીમા કંપની સર્ચ કરો. ધારો કે આપણે એલઆઇસીનું પ્રીમિયમ ભરવું છે.
૫
હવે તમારી પોલિસીનો નંબર પૂછવામાં આવશે (અન્ય વીમા કંપની વધુ વિગતો પૂછી શકે છે).
૬
તમારી પોલિસીનો નંબર આપતાં તેની વિગતો અને કેટલું પ્રીમિયમ ભરવાનું છે તે જોવા મળશે.
૭
‘ફાસ્ટ ફોરવર્ડ’ ટિક કરી, વોલેટથી ચૂકવણી કરો કે અન્ય પદ્ધતિ માટે ‘પ્રોસિડ ટુ પે’ ક્લિક કરો.
૮
તમને અનુકૂળ પદ્ધતિથી પેમેન્ટ કરો. પેમેન્ટ સફળ થયાનો મેસેજ સ્ક્રીનશોટ રૂપે સાચવી રાખો!
અગાઉના અંકમાં વધુ જાણો : યુપીઆઇ વિશે સવાલ-જવાબ (સપ્ટેમ્બર ૨૦૧૭)

