(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇ વિશે ગૂંચવતા સવાલોના સરળ જવાબ…

યુપીઆઈ એક્ઝેટલી શું છે?

યુપીઆઈ કોઈ એક એપ નથી. યુપીઆઈ એ ભારતની વિવિધ બેન્કસ દ્વારા બનેલી સંસ્થા  નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી રકમની આપ-લે કરી શકે છે.

ગૂગલ તેઝ એ ગૂગલ કંપનીએ લોન્ચ કરેલી એક પેમેન્ટ સિસ્ટમ છે, જે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) પર આધારિત છે.

નીચેના ગૂંચવતા સવાલોના સરળ જવાબ માટે આગળ વાંચો

  • ભીમ એપ એટલે જ યુપીઆઈ?
  • તો પછી યુપીઆઇનો ઉપયોગ કરવા આપણે કઈ એપ ડાઉનલોડ કરવી?
  • યુપીઆઈ એપ્સ અને  મોબાઇલ વોલેટ્સમાં ફેર શું છે?
  • યુપીઆઇનો ઉપયોગ કેવી રીતે કરી  શકાય?
  • યુપીઆઈ આઈડી શું છે?
  • યુપીઆઈ આઇડી કેવી રીતે મેળવાય?
  • યુપીઆઈ એપથી રકમની લેવડદેવડ

ભીમ એપ એટલે જ યુપીઆઈ?

ના. ભીમ એ યુપીઆઈનો ઉપયોગ કરતી અને એનપીસીઆઈએ પોતે લોન્ચ કરેલી ફક્ત એક એપ છે.

યુપીઆઈ વ્યવસ્થામાં જોડાયેલી વિવિધ બેન્ક પોતાની રીતે પણ યુપીઆઈ આધારિત એપ આપે છે. એનસીપીઆઈ અને બેન્ક ઉપરાંત અન્ય કંપની પણ, જુદી જુદી બેન્ક સાથે જોડાણ કરીને યુપીઆઈ આધારિત એપ લોન્ચ કરી શકે છે. ઉદાહર તરીકે,

  • ગૂગલ તેઝ આવી જ એક એપ છે, જે ગૂગલ જેવી બિનસરકારી કંપનીની છે. તે આખરે તો વિવિધ બેન્કની યુપીઆઈ વ્યવસ્થાનો જ ઉપયોગ કરે છે.
  • હાઇક મેસેન્જરમાં યુપીઆઇનો ઉપયોગ થાય છે તે યસ બેન્કની યુપીઆઈ એપ આધારિત છે.
  • ફ્લિપકાર્ટની ફોન પે નામની એપ પણ યુપીઆઈ આધારિત વ્યવસ્થાનો ઉપયોગ કરે છે.
  • એ જ રીતે વોટ્સએપમાં પણ જુદી જુદી બેન્કની યુપીઆઈ એપ આધારિત વ્યવસ્થા આવશે.

તો પછી યુપીઆઇનો ઉપયોગ કરવા આપણે કઈ એપ ડાઉનલોડ કરવી?

કોઈ પણ એપ, જે યુપીઆઈ આધારિત હોય! બસ આટલું સમજી લો કે…

  • જેમ ઈ-મેઇલ એક વ્યવસ્થા છે અને લોકો જીમેઇલ, યાહૂ, હોટમેઇલ વગેરેમાં પોતાનાં એકાઉન્ટ ખોલાવીને, આમાંની કોઈ પણ સર્વિસમાં એકાઉન્ટ ધરાવતા લોકો સાથે ઈ-મેઇલની આપ-લે કરી શકે છે, બરાબર એ જ રીતે આપણે યુપીઆઈ વ્યવસ્થા આધારિત કોઈ પણ એપનો ઉપયોગ કરીને, બીજી કોઈ પણ યુપીઆઈ આધારિત એપમાં એકાઉન્ટ ધરાવતા લોકોસાથે રકમની આપ-લે કરી શકીએ છીએ.
  • તમે ભીમ એપનો ઉપયોગ કરતા હો અને બીજી કોઈ વ્યક્તિ ગૂગલ તેઝનો ઉપયોગ કરતી હોય તો પણ તમે બંને એકબીજા સાથે રકમની આપ-લે કરી શકો છો.
  • તમને ફક્ત સામેની વ્યક્તિનું, ચોક્કસ યુપીઆઇ એડ્રેસ ખબર હોવું જોઈએ, તેની વધુ વાત આગળ કરી છે.
  • યુપીઆઈ એપથી રકમની લેવડદેવડના બીજા રસ્તા પણ છે, તેની વાત પણ આગળ કરી છે.

યુપીઆઈ એપ્સ અને  મોબાઇલ વોલેટ્સમાં ફેર શું છે?

મુખ્ય બે ફેર છે.


  • મોબાઇલ વોલેટમાં બેન્ક ખાતામાંથી રકમ જમા કરવી પડે અને પછી તેનો ઉપયોગ કરી શકીએ. જ્યારે યુપીઆઈ એપમાં રકમની લેવડદેવડ સીધી જ આપણા બેન્ક ખાતામાંથી થાય છે.
  • બીજો ફેર એ છે કે, પેટીએમ જેવી મોબાઇલ એપમાંથી, સામેની વ્યક્તિ પાસે પેટીએમ એપ હોય તેને જ પેમેન્ટ થઈ શકે છે. જ્યારે યુપીઆઇમાં, અલગ અલગ યુપીઆઈ એપ વચ્ચે પણ રકમની લેવડદેવડ થઈ શકે છે.

યુપીઆઇનો ફાયદો એ છે કે રકમની લેવડદેવડ સીધી જ બેન્કના ખાતા વચ્ચે થાય છે, એટલે આપણને ખાતામાંની બધી રકમનું વ્યાજ મળતું રહે છે. ઉપરાંત યુપીઆઈ એક સરકારી વ્યવસ્થા છે અને મોટા ભાગની બધી જ બેન્ક તેમાં સંકળાયેલી હોવાથી, તેમાં સલામતીનું પ્રમાણ સૌથી ઊંચું છે.

યુપીઆઇનો ઉપયોગ કેવી રીતે કરી  શકાય?

તમે ભીમ એપ, ગૂગલ તેઝ કે પછી કોઈ પણ બેન્કની યુપીઆઈ એપનો ઉપયોગ કરો, મુખ્ય સ્ટેપ્સ આ મુજબ જ રહેશે…

  1. સ્માર્ટફોનમાં કોઈ પણ યુપીઆઈ એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.
  2. તમારા મોબાઇલ નંબરની ખરાઈ પછી, એ એપ માટેનો પિન નક્કી કરી લો.
  3. યુપીઆઈ આઇડી બનાવો (આગળ વધુ વિગતો છે)
  4. તમારા બેન્ક ખાતાને એ યુપીઆઈ આઇડી સાથે જોડો.
  5. એ બેન્ક ખાતા માટેના યુપીઆઈ આઇડીનો જ્યારે પણ ઉપયોગ થાય ત્યારે આપવાનો રહેતો ૬ અંકનો યુપીઆઇ પિન નક્કી કરો.
  6. કોઈને રકમ આપવા આ એપનો ઉપયોગ કરો અને ત્યારે યુપીઆઈ પિન આપી લેવડ-દેવડ માટે મંજૂરી આપો.
  7. કોઈ પાસેથી રકમ મેળવવા, તેને ફક્ત તમારું યુપીઆઈ આઇડી આપો અને રકમ મેળવો!

યુપીઆઈ આઈડી શું છે?

જેમ કોઈ પણ ઇમેઇલ સર્વિસમાં આપણે એક એકાઉન્ટ ખોલાવીએ ત્યારે પછી આપણી ઓળખ તરીકે આપણને xyz@gmail.com કે xyz@yahoo.com જેવું ઇમેઇલ એડ્રેસ મળે છે એ જ રીતે યુપીઆઇમાં આપણી મરજી પડે તે યુપીઆઈ એપ સાથે આપણું બેન્ક એકાઉન્ટ કનેક્ટ કર્યા પછી, આપણને xyz@upi અથવા xyz@icici જેવું યુપીઆઈ આઇડી મળે છે, તે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (યુપીઆઈ આઇડી) તરીકે પણ ઓળખાય છે.

  • ભીમ એપમાં તમને himanshukikani@upi અથવા 9227251513@upi જેવું યુપીઆઈ આઇડી મળશે. જેને બદલીને તમે cybersafar@upi જેવું પણ કરી શકો છો.
  • ગૂગલ તેઝમાં તમારા ગૂગલ એકાઉન્ટમાંના નામ મુજબ himansu@okhdfcbank જેવું યુપીઆઈ આઇડી મળશે. તમે @okicici કે પછી @okaxix જેવું એડ્રેસ પણ મેળવી શકો છે. તમારું બેન્ક ખાતું આ સિવાયની બેન્કમાં પણ હોઈ શકે છે.
  • ભીપ એપમાં ફક્ત એક બેન્ક એકાઉન્ટ કનેક્ટ કરી શકાય છે, તેઝમાં એવી મર્યાદા નથી.

આ મુદ્દા પણ યાદ રાખશો…

  • આગળ કહ્યું તેમ યુપીઆઈ આધારિત કોઈ પણ એક એપમાં તમારું બેન્ક એકાઉન્ટ કનેક્ટ કરીને આ રીતે એક યુપીઆઈ આઇડી તૈયાર કરી લો એટલું પૂરતું છે. અલગ અલગ એપમાં વધુ યુપીઆઈ આઇડીની કોઈ જરૂર નથી.
  • એટલે કે, તમે ભીમ એપમાં યુપીઆઈ આઇડી તૈયાર કરી લીધું હોય તો પછી બીજી કોઈ પણ વ્યક્તિ ગૂગલ તેઝનો ઉપયોગ કરીને પણ તમને પેમેન્ટ મોકલી શકશે.
  • અલબત્ત, તમે પોતે ભીપ એપમાં બનાવેલા પોતાના યુપીઆઈ આઇડીનો ગૂગલ તેઝમાં ઉપયોગ કરી શકશો નહીં.

યુપીઆઈ આઇડી કેવી રીતે મેળવાય?

આ જ એ પહેલું, ઘણું ઊંચું પગથિયું છે જે ઘણા લોકો ઓળંગી શકતા નથી!

ભીમ એપ હોય કે ગૂગલ તેઝ આપણે તેમાં આપણા બેન્ક એકાઉન્ટની વિગતો આપીને યુપીઆઈ આઇડી મેળવવાનું હોય છે. રકમની બધી આપલે આ યુપીઆઈ આઇડીના આધારે જ થાય છે. એ ધ્યાનમાં રાખશો કે ભીમ એપના કિસ્સામાં જે મોબાઇલ નંબર આપણે બેન્કમાં આપ્યો હોય એ જ મોબાઇલ નંબર ધરાવતા સ્માર્ટફોનમાં આપણે ભીમ એપનો ઉપયોગ કરી શકીએ છીએ. ગૂગલ તેઝમાં આવું નિયંત્રણ નથી.

અહીં આપણે ગૂગલ તેઝ એપમાં યુપીઆઈ આઇડી મેળવવાની પ્રક્રિયા સમજીએ.

  • પ્લે સ્ટોરમાંથી ગૂગલ તેઝ એપ ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરો. આ એપ ફક્ત ૭ એમબીની છે.
  • એપ ઓપન કરતાં, તેમાં ભાષા પસંદ કરવાનું કહેવામાં આવશે. આપણે ગુજરાતી પણ પસંદ કરી શકીએ છીએ.
  • પછી આપણો ફોન નંબર પૂછવામાં આવશે, જે બેન્કમાં રજિસ્ટર કરાવેલો હોવો જોઈએ. હવે એપ કોન્ટેક્ટ્સ, એસએમએસ અને લોકેશન વિશેની મંજૂરી માગશે.
  • એ આપીશું એટલે આપણો ગૂગલ એકાઉન્ટ પૂછવામાં આવશે.
  • હવે ફોનમાં એક ઓટીપી આવશે અને એ રીતે આપણા ફોનનંબરની ખરાઈ થશે.
  • હવે આ એપ માટેનો પાસવર્ડ નક્કી કરવાનો થશે. વધુ એક પાસવર્ડ યાદ ન રાખવો હોય તો સ્માર્ટફોનના મૂળ લોકના પાસવર્ડનો ઉપયોગ કરી શકાય છે.
  • હવે આપણને એપનાં વિવિધ પાસાં સમજાવવામાં આવશે. આ બાબતે ભીમ એપ ગૂગલ તેઝ કરતાં પણ સરળ છે. તેઝમાં, યુપીઆઈનો પરિચય ન હોય તો કશું જ સમજાશે નહીં!
  • હવે આપણે યુપીઆઈ આઇડી ક્રિએટ કરવાના તબક્કે પહોંચી ગયા છીએ. એ માટે, તમારા બેન્ક ખાતાનું ડેબિટ કાર્ડ હાથવગું રાખો.
  • હવે એપમાં, ડાબી તરફ દેખાતા તમારા ફોટોગ્રાફ પર ક્લિક કરો અથવા જમણી બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ.
  • તેમાં ‘બેન્ક એકાઉન્ટ’ પર ક્લિક કરો. હવે બેન્ક્સનું લાંબું લિસ્ટ જોવા મળશે. યુપીઆઈમાં અત્યારે ૫૦થી વધુ બેન્ક્સ જોડાયેલી છે. તેમાંથી તમારી બેન્ક પસંદ કરો.
  • સિસ્ટમ એક એસએમએસ મોકલી, એ બેન્કમાં, આપણા મોબાઇલ નંબર સાથેનું ખાતું હોવાની ખરાઈ કરશે (જો એ બેન્કમાં તમે એકથી વધુ ખાતામાં એક જ મોબાઈલ નંબર આપ્યો હશે, તો સિસ્ટમ નંબરની ખરાઈ થતી નથી એમ કહેશે અથવા એ બધાં એકાઉન્ટમાંથી કયા એકાઉન્ટનો ઉપયોગ કરવા માગો છો તે પૂછશે).
  • યાદ રાખશો, બેન્ક તરફથી આવેલો ઓટીપી એપ પોતે રીડ કરી લેશે. તેને કોપી-પેસ્ટ કરવા એસએમએસ એપમાં જવાની જરૂર નથી. એમ કરવા જતાં, વધુ સમય થશે તો તેઝ એપમાં ફરી દાખલ થવા ફરી પાસકોડ આપવો પડશે અને બધી વિધિ ફરી કરવી પડશે! ભીમ એપમાં કેટલાય લોકો આ જ કારણે ગૂંચવાઈને, યુપીઆઈ આઇડી મેળવવાનું કામ પડતું મૂકે છે!
  • આપણા મોબાઇલ નંબર અને તેની સાથેના બેન્ક ખાતાની ખરાઈ થતાં જ એપ આપણી બેન્કનું નામ, ખાતા નંબરના છેલ્લા ચાર આંકડા બતાવી, તે માટે એપે બનાવેલું યુપીઆઈ આઇડી બતાવશે.
  • હવે આ યુપીઆઈ આઇડી માટે આપણે છ અંકનો એક પીન નક્કી કરવાનો રહેશે.
  • યાદ રહે, આ જ બેન્ક ખાતા માટે તમે અગાઉ ભીમ જેવી એપમાંથી યુપીઆઈ આઇડી મેળવ્યું હોય અને તેનો યુપીઆઇ પિન નક્કી કર્યો હોય, તો ગૂગલ તેઝમાં એ બેન્ક એકાઉન્ટ માટે યુપીઆઈ આઇડી નવું ક્રિએટ કરવાનું થશે, પણ પિન જૂનો ચાલશે.
  • જો બેન્ક એકાઉન્ટ માટે પહેલી જ વાર યુપીઆઇ આઇડી અને યુપીઆઇ પિન નક્કી કરી રહ્યા હો, તો હવે આ માટે આપણા એ બેન્ક ખાતાના ડેબિટ કાર્ડ નંબરના છેલ્લા છ આંકડા તથા કાર્ડ એક્સપાયરી મન્થ અને યર જણાવવાના રહેશે (મેસ્ટ્રો કાર્ડમાં એક્સપાયરી વિગતો ન હોવાથી ૦૧/૪૯ લખવાનું હોય છે).
  • આપણી વિગતો સાચી હશે તો જે તે યુપીઆઈ એપ સાથે આપણું બેન્ક ખાતું જોડાઈ જશે.

આ બધી વિધિ આપણે ફક્ત એકવાર કરવાની છે. આટલું થયા પછી આપણે ફક્ત ૩ વિગતો યાદ રાખવાની રહેશે :

  1. આપણને મળેલું યુપીઆઈ આઇડી.
  2. આપણી યુપીઆઈ એપ (ભીમ કે ગૂગલ તેઝ કે બીજી કોઈ)માં દાખલ થવા માટેનો પાસવર્ડ (ગૂગલ તેઝના કિસ્સામાં એ ફોનનો મૂળ પાસવર્ડ હોઈ શકે છે).
  3. પેમેન્ટ માટે, બેન્ક ખાતા સાથે સંકળાયેલ યુપીઆઈ પિન.

તમે ઇચ્છો એટલા પોતાના બેન્ક ખાતા માટે, તમે ઇચ્છો એટલા યુપીઆઈ આઇડી બનાવી શકો છો.

યુપીઆઈ એપથી રકમની લેવડદેવડ કેવી રીતે કરી શકાય?

મોટા ભાગની યુપીઆઈ એપમાં રકમની લેવડદેવડ માટેના એકથી વધુ સરળ રસ્તા છે. કોઈ પણ વ્યક્તિને રકમ મોકલવા માટે આપણને નીચેનામાંથી કોઈ એક વાતની ખબર હોવી જોઈએ:

૧. સામેની વ્યક્તિનું યુપીઆઈ આઇડી

આ સૌથી સહેલો રસ્તો છે. પછી ભલે તે વ્યક્તિએ બીજી કોઈ યુપીઆઇ એપમાં પોતાનું યુપીઆઈ આઇડી તૈયાર કર્યું હોય. પછી, શાકવાળા ભાઈ એમનું યુપીઆઈ આઇડી એડ્રેસ જણાવે તો એને પણ આપણે કોઈ પણ યુપીઆઇ એપથી રકમ ચૂકવી શકીએ છીએ.

૨. સામેની વ્યક્તિનો મોબાઇલ નંબર

આ થોડો મુશ્કેલ રસ્તો છે. કેમ કે સામેની વ્યક્તિનું, યુપીઆઈ આઇડી એડ્રેસ હોવું તો જરૂરી છે જ.

તમે જે યુપીઆઇ એપનો ઉપયોગ કરી રહ્યા હો તે જ એપમાં સામેની વ્યક્તિએ પણ પોતાનું યુપીઆઈ આઇડી બનાવ્યું હશે તો તમે ફક્ત મોબાઇલ નંબરને આધારે તેને રકમ મોકલી શકશો.

પરંતુ તમે ગૂગલ તેઝનો ઉપયોગ કરતા હો અને સામેની વ્યક્તિએ ભીમમાં પોતાનું યુપીઆઈ આઇડી બનાવ્યું હોય (જેની તમને જાણ નથી) તો ફક્ત મોબાઇલ નંબરને આધારે તમે તેને રકમ મોકલી શકશો નહીં. આ અવરોધ નજીકના ભવિષ્યમાં દૂર થવાની શક્યતા છે.

૩. સામેની વ્યક્તિનો ક્યુઆર કોડ

દરેક યુપીઆઇ એપ, તેનો ઉપયોગ કરતી વ્યક્તિના યુપીઆઈ આઇડીનો એક આગવો ક્યુઆર કોડ તૈયાર કરે છે. યુપીઆઇ એપ હવે યુપીઆઇ કોડ અને ભારત ક્યુઆર કોડ (વધુ વિગતો માટે જુઓ સાયબરસફરનો માર્ચ ૨૦૧૭નો અંક) બંને સ્વીકારી શકે છે. એટલે સામેની વ્યક્તિ તેનો ક્યુઆર કોડ આપણને બતાવે તો આપણે પોતાની યુપીઆઇ એપથી તેને સ્કેન કરી પેમેન્ટ કરી શકી છીએ.

૪. સામેની વ્યક્તિનો બેન્ક ખાતા નંબર + આઇએફએસસી કોડ

ઓનલાઇન પેમેન્ટની આ જૂની પદ્ધતિ થઈ. સામેની વ્યક્તિએ કોઈ યુપીઆઈ એપમાં પોતાનું યુપીઆઈ આઇડી તૈયાર કર્યું ન હોય, પણ તેનો ખાતા નંબર અને આઇએફએસસી કોડ આપણને જણાવે તો આપણે તેના આધારે પણ પેમેન્ટ કરી શકીએ છીએ.

૫. સામેની વ્યક્તિનો આધાર નંબર

સામેની વ્યક્તિના ફક્ત આધાર નંબરના આધારે પણ આપણે યુપીઆઇ એપમાંની રકમ મોકલી શકીએ છીએ. એ માટે એમનો આધાર નંબર, કોઈ એક બેન્ક ખાતા સાથે કનેક્ટેડ હોવો જરૂરી છે.

બેન્ક ખાતા સાથે કનેક્ટેડ આધાર નંબર માટે aadhaarrnumber@aadhaar.npci એવું યુપીઆઈ આઇડી બનતું હોય છે. આ વ્યવસ્થા ભીમ એપમાં શરૂ થઈ ગઈ છે, ગૂગલ તેઝમાં હજી શરૂ થઈ નથી.

આ જ રીતે, કોઈ વ્યક્તિ પાસેથી રકમ મેળવવા માટે, ઉપરની કોઈ પણ બાબતનો ઉપયોગ કરીને આપણે તેમને રકમ મોકલવાની વિનંતી મોકલી શકીએ છીએ.

યુપીઆઇની આ આખી વ્યવસ્થાનો બધો આધાર એક જ વાત પર છે – વધુમાં વધુ લોકો, કોઈ પણ એપનો ઉપયોગ કરીને, પોતાના બેન્ક ખાતાને તેની સાથે જોડીને પોતાનું એક વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (યુપીઆઈ આઇડી) બનાવે.

આટલું થશે તો ભારતમાં ઓનલાઇન પેમેન્ટને ચોક્કસ વેગ મળશે!

યુપીઆઇ સંબંધિત મહત્ત્વના મુદ્દા


યુપીઆઇ આધારિત સરળ લેવડ-દેવડ માટે આપણે કોઈ પણ યુપીઆઇ એપમાં પોતાનું બેન્ક ખાતું કનેક્ટ કરી, તેના માટે એક યુપીઆઇ આઇડી (સાદી ભાષામાં યૂઝરનેમ) અને યુપીઆઇ પિન (સાદી ભાષામાં પાસવર્ડ) તૈયાર કરવાનો હોય છે.


ભીમ, ગૂગલ તેઝ જેવી કોઈ પણ યુપીઆઈ એપમાંથી આપણે યુપીઆઈ આઈડી બનાવી શકીએ છીએ. ભીમમાં યુપીઆઈ આઈડી બનાવનાર વ્યક્તિ, ગૂગલ તેઝમાં બનેલા યુપીઆઈ આઇડી સાથે લેવડ-દેવડ કરી શકે છે.


આ આખી વાતમાં યુપીઆઈ આઇડી અને તેનો પિન સૌથી મહત્ત્વની બાબત છે. આમ જુઓ તો, જુદી જુદી એપની ભૂમિકા આ બંને બાબત નક્કી કરવા પૂરતી જ સીમિત છે. લેવડ-દેવડ તો કોઈ પણ એપમાંથી થઈ શકશે.


યુપીઆઇ એપ્સ પેટીએમ જેવા મોબાઇલ વોલેટ કરતાં હજી ઘણી પાછળ છે. પેટીએમમાં રકમ તરત જ ટ્રાન્સફર થાય છે, જ્યારે યુપીઆઈમાં વેરિફિકેશનમાં ઘણો સમય જાય છે અને ક્યારેક તે નિષ્ફળ પણ જાય છે.


આપણો યુપીઆઇ પિન સમગ્ર યુપીઆઇ સાથે સંકળાયેલી બાબત છે, કોઈ એપ સાથે નહીં. યુપીઆઇ ભારતના સમગ્ર બેન્કિંગ તંત્રને સાંકળતી વ્યવસ્થા છે. આથી તેમાં સલામતીના પાસા તરફ સૌથી વધુ ધ્યાન અપાશે.


આપણો ફોન ખોવાય/ચોરાય તો મુખ્ય લોક/એપ પિન અને છેવટે યુપીઆઇ પિન જાણ્યા વિના કોઈ વ્યક્તિ આપણા એકાઉન્ટથી લેવડદેવડ કરી શકશે નહીં. નવા ડિવાઇસમાં આ એકાઉન્ટ એક્ટિવેટ કરવાથી પણ જૂનામાં તે તરત બંધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!