આજે બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિ છે. ગાંધીજીના જન્મનાં ૧૫૦ વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે કોઈ એમ કહે કે ‘‘ગાંધીજીએ સો વર્ષ પહેલાં, વોટ્સએપ, ઇ-કોમર્સ સાઇટ્સ, ન્યૂઝ એપ્સ, કેબ્સ એપ, ફૂડ ડિલિવરી એપ્સ, સોશિયલ મીડિયા વગેરેની કલ્પના કરી લીધી હતી’’ તો આપણને ચોક્કસ લાગે કે ‘‘માર્કેટ મેં કુછ નયા આયા હૈ, ફોરવર્ડ કરો’’ ટાઇપનું જ કંઈક ફેંકાયું!
પરંતુ આ હકીકત છે!
ગાંધીજીએ સો વર્ષ પહેલાં, ભારત હજી આઝાદ પણ થયું નહોતું ત્યારે લખેલા ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકમાં જે શબ્દો લખ્યા છે એ વાંચીને તમે પણ કહેશો કે ગાંધીજીને માત્ર રાષ્ટ્રપિતા નહીં, આજના ઇન્ટરનેટના પિતા પણ કહેવા પડે તેમ છે!
આગળની વાત, ગાંધીજીના જ શબ્દોમાં, ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકમાંથી, કોંસમાંના શબ્દો આ લખનારના છે….
‘‘અગાઉ માણસો કોઈક જ પુસ્તકો લખતાં તે અમૂલ્ય ગણાતાં, આજે જેને જેવું ફાવે તેવું લખે છે ને છાપે છે તથા લોકોના મન ભમાવે છે (આજનું વોટ્સએપ!), આ સુધારાની નિશાની છે. માણસોને હાથપગ નહીં વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાનો પોશાક આવી મળશે (ઇ-કોમર્સ એપ્સ!), બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે (ન્યૂઝ એપ્સ!), ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે (કેબ એપ્સ), નિત્ય નવાં ભોજન મળશે (ફૂડ ડિલિવરી એપ્સ!), હાથ અથવા પગનો ખપ જ નહીં પડે. બધું સંચાથી જ કામ લેવાશે…. અગાઉ કાગળો લખતા ત્યારે ખસૂસ ખેપિયો જતા અને બહુ ખરચે તેવું બની શકતું. આજ મારે કોઈને ગાળ ભાંડવાનો કાગળ લખવો હોય તો એક દોઢિયે હું ગાળ કાઢી શકું છું. કોઈને મારે શાબાશી આપવી હોય તો તે પણ હું તેટલી જ કિંમતે પહોંચાડી શકું છું (આજની સોશિયલ સાઇટ્સ!), આ સુધારાની નિશાની છે…’’
મૂળ ગાંધીજીએ એ સમયના કહેવાતા સુધારાઓ અને કહેવાતા વિકાસ સામે પુણ્યપ્રકોપ ઠાલવ્યો હતો, પણ એમ કરતાં કરતાં તેમણે આજના ઇન્ટરનેટ યુગની અત્યંત સચોટ આગાહી કરી નાખી!
આટલું વાંચીને, ‘ગાંધીજી ટેક્નોલોજીના કે મશીનના વિરોધી હતા’ એવું માનવાની સહેજે ભૂલ કરશો નહીં.
નવજીવન દ્વારા પ્રકાશિત ‘ગ્રામનિર્માણ’ પુસ્તકમાં ઉલ્લેખ છે કે એક ખાદીપ્રેમી સજ્જને, 1923ના અરસામાં નવી ડિઝાઇનનો રેંટિયો વિક્સાવવા, પાંચ હજાર રૂપિયાના ઇનામ સાથે એક સ્પર્ધા યોજી હતી.
એ સ્પર્ધા મુજબ, નવી ડિઝાઇન કેવી હોવી જોઈએ એના માપદંડો વાંચો તો સ્ટીવ જોબ્સે આઇપેડ જેવા કોઈ નવા ડિવાઇસની ડિઝાઇન માટે સ્પર્ધા યોજી હોય એવું લાગે!
- સાધન વજનમાં બિલકુલ હળવું હોવું જોઈએ,
- ફક્ત એક હાથ કે પગથી પણ ચલાવી શકાય તેવું હોવું જોઈએ,
- કોઈ મહિલા તેના પર એક સાથે ૮ કલાક કામ કરે તોય તેને બહુ મહેનત ન પડે એવું હોવું જોઈએ,
- તેના પર ૮ કલાક કામ કરવામાં આવે તો અમુક નિશ્ચિત ઉત્પાદન મળવું જોઈએ.
- સાધન એ રીતે ડિઝાઇન થયેલું હોવું જોઈએ કે તેની કિંમત રૂ. ૧૫૦થી વધવી ન જોઈએ (આવું સ્ટીવ જોબ્સ ન વિચારે!) અને એ ભારતમાં જ બની શકવું જોઈએ,
- સાધન એવું મજબૂત હોવું જોઈએ કે તે સતત ૨૦ વર્ષ સુધી ચાલવું જોઈએ,
- તેના રીપેરિંગ અને સર્વિસનો ખર્ચ સાધનની કિંમતના પાંચ ટકાથી વધવો ન જોઈએ…
આ જાહેરાતને પગલે જર્મની અને તૂર્કીથી પણ રેંટિયાની નવી ડિઝાઇન્સ આવી હતી, પણ ગાંધીજી રેંટિયામાં જે સુધારા ઇચ્છતા હતા તે તેમાંથી એકેમાં નહોતા. ગાંધીજીના અવસાન સુધી તેમને જોઈતો હતો એવો રેંટિયો ન જ વિકસ્યો.
અચ્છા, આ બધી માહિતી ક્યાંથી મળી? બે-ચાર ચાંપ દબાવીને! તમે પણ ઇચ્છો તો https://www.mkgandhi.org/ebks/gujarati_ebooks.html પરથી ગાંધીજીનાં પુસ્તકોની ઇ-બુક્સ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.

