હમણાં ટવીટરે તેના ઇન-એપ કેમેરામાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ટવીટર એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હો, તો હવે તમે આ એપ ઓપન કરી, સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ સ્વાઇપ કરો તો એપમાંની કેમેરા સર્વિસ એક્ટિવેટ થશે (આ સુવિધા હજી રોલ-આઉટ થાય છે, એટલે કદાચ તમારે થોડી રાહ જોવી પડે).
હવે તમારી પાસે બે વિકલ્પ છે, કેપ્ચર અને લાઇવ. કેપ્ચર વિકલ્પથી, તમે શટર બટન ક્લિક કરીને ફોટો લઈ શકશો, અથવા જરા લાંબો સમય પ્રેસ કરીને રાખીને વીડિયો શૂટ કરી શકશો. જ્યારે લાઇવ વિકલ્પથી, તમે ટવીટર પર લાઇવ બ્રોડકાસ્ટિંગ કરી શકશો. તમે ઇચ્છો તો ફોનની ફ્લેશ ઓન-ઓફ કરી શકો અને બેક કે ફ્રન્ટ કેમેરામાં સ્વિચ થઈ શકો છો
ફોટો લીધા પછી તમે તેમાં કોઈ ટેક્સ્ટ, લોકેશન વગેરે ઉમેરવું હોય તો એ ઉમેરીને તરત તેને ટવીટ તરીકે વહેતો મૂકી શકો. ટવીટરના જીવ સમાન હેશટેગ્સ પણ ઉમેરી શકાશે. આ રીતે, ફટાફટ નવી ઇમેજ કેપ્ચર કરીને ટવીટ ન કરવી હોય, તો તમારા ફોન ગેલેરીમાંનો કોઈ ફોટો શેર કરવાનો વિકલ્પ તો છે જ.
અત્યાર સુધી, દુનિયામાં આ ક્ષણે શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ટવીટર એક ખરેખર જીવંત સ્રોત હતું, પણ મોટા ભાગે તેમાં શબ્દોનો દબદબો હતો. ટવીટરે તેની ટાઇમલાઇનમાં પણ ફેરફાર કર્યા છે, જેને કારણે આપણે ઇચ્છીએ તો આપણને સંબંધિત ટોપ ટવીટ્સ જોઈ શકાય અથવા ક્ષણે ક્ષણની લેટેસ્ટ ટવીટ્સ જોઈ શકીએ છીએ. ટવીટર પર જુદા ટ્રેન્ડ્સ પર પણ તમે નજર રાખી શકો.
પરંતુ નવી જનરેશનને શબ્દો કરતાં ઇમેજીસમાં વધુ રસ પડે છે એ ધ્યાનમાં રાખીને ટવીટરે ઇન્સ્ટન્ટ કે લાઇવ ઇમેજ શેરિંગને ખાસ્સું સહેલું બનાવી દીધું છે.

