આપણે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કોઈ પણ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે બ્રાઉઝર દ્વારા અનેક પ્રકારની કૂકીઝ (એક પ્રકારની ફાઇલ) આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ થાય છે. આ ફાઇલ્સ કે કૂકીઝનો હેતુ બહુ સ્પષ્ટ હોય છે – જે તે વેબસાઇટ પરની અથવા ત્યાર પછીની બીજી સાઇટ્સ પરની આપણી દરેક ગતિવિધિઓની નોંધ કરવી અને કૂકીઝ ઉમેરનાર કંપનીને તે પહોંચાડવી. કૂકીઝ આપણી જાસૂસી કરે છે એ વાત સાચી, પણ બધી કૂકીઝ ખરાબ હોતી નથી.
આવો જાણીએ અવનવી કૂકીઝના પ્રકાર અને તેનાં કામકાજ :
સેશન કૂકીઝ
તમે કોઈ ઓનલાઇન શોપિંગ સાઇટ પર જાઓ અને વિવિધ ચીજવસ્તુઓ શોપિંગ કાર્ટમાં ઉમેરતા જાઓ, એ બધું કાર્ટમાં સચવાઈ રહે છે, એનું કારણ છે તમે એ સાઇટ પર પહોંચો એ સાથે તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ થયેલી સેશન કૂકીઝ. સેશન કૂકીઝ, આપણી એ સાઇટની મુલાકાત – એટલે કે સેશન – દરમિયાનનાં આપણાં એક્શન્સ યાદ રાખે છે.
સેશન કૂકીઝ ટેમ્પરરી હોય છે. સામાન્ય રીતે તેમાં, આપણી ઓળખ છતી થાય તેવી કોઈ માહિતી સ્ટોર થતી નથઈ. જ્યારે તમે બ્રાઉઝરમાં જે તે સેશન બંધ કરો ત્યારે સેશન કૂકીઝ આપોઆપ ડિલીટ થાય છે.
પર્સિસ્ટન્ટ કૂકીઝ
આ પ્રકારની કૂકીઝ, તેના નામ પ્રમાણે લાંબા સમય સુધી આપણો પીછો છોડતી નથી. તેને ‘ફર્સ્ટ પાર્ટી કૂકી’ પણ કહે છે. આવી કૂકીઝની મદદથી સાઇટ્સ આપણી માહિતી યાદ રાખી શકે છે અને ભવિષ્યમાં આપણે એ જ સાઇટની ફરી મુલાકાત લઈએ ત્યારે જૂનાં સેટિંગ્સ ફરી આપી શકે છે.
આમ તો આવી કૂકીઝ આપણને ઉપયોગી છે, પણ તેની મદદથી કંપનીઝ આપણી બ્રાઉઝિંગ હેબિટ્સ પણ ટ્રેક કરી શકે છે.
થર્ડ પાર્ટી કૂકીઝ
આ એવા પ્રકારની કૂકીઝ છે જેને કારણે બધી કૂકીઝ બદનામ થાય છે!
પહેલા બે પ્રકારની કૂકીઝ, આપણી એટલે કે સાઇટના મુલાકાતીની સગવડ સાચવવા માટે જે તે સાઇટ દ્વારા જ ઇન્સ્ટોલ થાય છે. જ્યારે થર્ડ પાર્ટી કૂકીઝ, તેના નામ મુજબ, મોટા ભાગે એ સાઇટ પર જે એડવર્ટાઇઝિંગ નેટવર્ક દ્વારા જાહેરાતો બતાવવામાં આવતી હોય તેના દ્વારા ઇન્સ્ટોલ થાય છે.
પહેલા બે પ્રકારની કૂકીઝની જરૂર આપણને હોય છે, જ્યારે આ કૂકીઝની જરૂર જાહેરાત આપનાર નેટવર્કને હોય છે. તેનું એક માત્ર કામ આપણને ટ્રેક કરવાનું હોય છે. આ કૂકીઝની મદદથી એડવર્ટાઇઝિંગ નેટવર્ક્સ અને તેના દ્વારા જાહેરાત આપનારી કંપનીઝ આપણી બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ઓનલાઇન ગતિવિધિ, આપણે શું શું જોઈએ છીએ, ખરીદીએ છીએ વગેરે જાણી શકે છે.
સિક્યોર કૂકીઝ
આ અને અહીંથી આગળ જે કૂકીઝની વાત કરી છે તે મોટા ભાગે સાઇટ ડેવલપર્સ માટે કામની વાત છે, પણ આપણે પણ તેના વિશે જાણવા જેવું ખરું.
સિક્યોર કૂકીઝ એવી કૂકીઝ હોય છે જેમાં માત્ર એન્ક્રિપ્ટેડ કનેક્શનની સ્થિતિમાં જ માહિતી મોકલવામાં આવે છે. જો ડેવલપર અમુક કૂકીઝ માટે ‘સિક્યોર’ ફ્લેગ ન લગાવે તો તેની માહિતી સામાન્ય ટેક્સ્ટ તરીકે મોકલાય છે, જેને વચ્ચેથી કોઈ પણ આંતરી શકે છે. જોકે સિક્યોર કૂકીઝ પણ જડબેસલાક રીતે સલામત ન હોવાથી, ડેવલપરે કોઈ પણ પ્રકારની સંવેદનશીલ માહિતી માટે કૂકીઝનો ઉપયોગ ટાળવો જોઈએ.
સુપર અને ઝોમ્બી કૂકીઝ
સુપરમેનની જેમ સુપરકૂકીઝ પણ હોય છે, જે વાસ્તવમાં હીરોને બદલે વિલનનું કામ કરે છે! આવી કૂકીઝને શોધીને ડિલીટ કરવી મુશ્કેલ હોય છે.
આવી કૂકીઝ સામાન્ય કૂકીઝ જેવી નથી હોતી. સામાન્ય રીતે, આપણે જ્યારે કોઈ બ્રાઉઝરમાં કોઈ વેબપેજ જોવાની રિક્વેસ્ટ કરીએ ત્યારે એ સર્વર પરથી એ વેબપેજની સાથોસાથ કૂકીઝ પણ આવીને આપણા ડિવાઇસમાં ઇન્સ્ટોલ થાય છે. જ્યારે સુપરકૂકીઝના કિસ્સામાં, મોટા ભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સર્વર અને ડિવાઇસની વચ્ચે તે દાખલ કરાય છે.
આવી કૂકી આપણા ડિવાઇસના બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થતી નથી એટલે તેને આપણે ડિલીટ કરી શકતા નથી! ઘણા લોકો ફ્લેશના પ્લગ-ઇનમાં કૂકીઝ છુપાવે છે એટલે આપણે બ્રાઉઝરના સેટિંગ્સમાંથી કૂકીઝ ડિલીટ કરીએ ત્યારે તે ડિલીટ થતી નથી! ‘ઝોમ્બી’ નામે ઓળખાતી કૂકીઝ આવી જ હોય છે અને તેને ડિલીટ કરતાં તે ફરી આપોઆપ ક્રિએટ થઈ જાય છે! આ પ્રકારની કૂકીઝ અત્યારે સૌથી વિવાદાસ્પદ છે.
ક્વિક નોટ્સ
- બધી કૂકીઝ ખરાબ અને જોખમી હોતી નથી.
- કૂકીઝ માત્ર પ્લેઇન ટેક્સ્ટ ધરાવતી નાની ફાઇલ હોય છે.
- કૂકીઝમાં કોઈ સ્પાયવેર કે વાઇરસ હોતા નથી.
- ઇન્ટરનેટનો આપણો ઉપયોગ સરળ બનાવવા કૂકીઝ અનિવાર્ય છે.
- થર્ડ-પાર્ટી કૂકીઝને કારણે એડવર્ટાઇઝિંગ નેટવર્ક્સને આપણી ગતિવિધિ અને પસંદ-નાપસંદની ખબર પડે છે અને તેથી તેઓ એ મુજબની જાહેરાતો આપણને બતાવી શકે છે.
- આજનાં મોટા ભાગનાં નેટવર્ક્સ આવી થર્ડ-પાર્ટી કૂકીઝ બ્લોક કરવાની સુવિધા આપે છે.
- પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં સેટિંગ્સ>એડવાન્સ્ડ>પ્રાઇવસી એન્ડ સિક્યુરિટી > કન્ટેન્ટ સેટિંગ્સ, તેમાં કૂકીઝ અને તેમાં બ્લોક થર્ડ પાર્ટી કૂકીઝનો વિકલ્પ બંધ કરી શકો છો.
- મોબાઇલમાં ક્રોમ એપના સેટિંગ્સમાં ‘સાઇટ સેટિંગ્સ’માં આ વિકલ્પ મળશે.
- જો તમે કોઈ કૂકી એલાઉ નહીં કરો, તો જેમાં સાઇન-ઇન જરૂરી હોય તેવી સાઇટ્સનો ઉપયોગ મુશ્કેલ બનશે!
અગાઉના અંકમાં વધુ જાણો : કેવી રીતે ચાલે છે ઇન્ટરનેટનું અર્થતંત્ર?
અગાઉના અંકમાં વધુ જાણો : કરામતી કૂકીઝ

