(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…

ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યો છે ત્યારે શું સાચું અને શું ખોટું એ પહેલી નજરે ન પરખાય તો તમે કેટલીય વેબસાઇટ્સ અને કેટલાંક ખાસ ટૂલ્સની મદદથી હકીકત જાણી શકો છો.

આગળ શું વાંચશો?

  • ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે?

  • ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા?

  • પુલવામા હુમલાનું ‘ષડયંત્ર’

  • નરેન્દ્ર મોદીએ ‘પાકિસ્તાની ધ્વજ’ લહેરાવ્યો?

  • પ્રણવદા ‘સંઘી’ બન્યા?

  • કોંગ્રેસની ઓફિસમાં બાદશાહ ઔરંગઝેબનો ફોટો?

  • કેરળના ધારાસભ્યની કાર પર ‘પાકિસ્તાની’ ધ્વજ?

ફેક ન્યૂઝ. આ બંને શબ્દ પોતે જ એકબીજાના વિરોધાભાસી છે, પણ ભારતમાં આ શબ્દની કોઈ નવાઈ નથી. આપણા દેશમાં અત્યંત લોકપ્રિય વોટ્સએપ પર ફેલાયેલી અફવાને કારણે લોકોનાં ટોળાં, રસ્તા પર ખુલ્લેઆમ હત્યા કરવાની હદે પહોંચી શકે છે. એટલે જ, જે મહિનામાં દેશની લોકસભાની ચૂંટણી થવાની હોય એ મહિનામાં ફેક ન્યૂઝ બરાબર પારખવાનું મહત્ત્વ બહુ વધી જાય છે.

સામાન્ય રીતે, ફેક ન્યૂઝની વાત નીકળતાં જ દોષનો બધો ટોપલો સોશિયલ મીડિયા પર ઢોળી દેવામાં આવે છે. સોશિયલ મીડિયા સાઇટ્સની જવાબદારી ચોક્કસ છે, પરંતુ એ ભૂલી જવામાં આવે છે કે સોશિયલ મીડિયા આખરે એક સાધન છે. ફેક ન્યૂઝ ક્યાંથી પેદા થાય છે એ મુદ્દા તરફ પૂરતું ધ્યાન અપાતું નથી.

એ જ રીતે, આ વર્ષની શરૂઆતમાં પુલવામામાં આતંકી હુમલા અને તેના પગલે ભારતની એર સ્ટ્રાઇકનું જે રીતે અખબારો, ટીવી ન્યૂઝ ચેનલ્સ અને જાણીતાં મીડિયા હાઉસીઝની વેબસાઇટ્સ પર જે રીતે રિપોર્ટિંગ થયું એ જોતાં, ફેક ન્યૂઝ માત્ર સોશિયલ મીડિયાની પેદાશ છે એમ પણ કહી શકામ તેમ નથી. એ ધ્યાનમાં રાખીએ, પણ લેખ ‘સાયબરસફર’નો છે એટલે આપણે આપણું લક્ષ્ય સોશિયલ મીડિયા પૂરતું સીમિત રાખીએ!

માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં જનમાનસ પર સોશિયલ મીડિયાની પકડ વધુ ને વધુ મજબૂત થતી જાય છે. એટલે જ ચૂંટણી સમયે તેનો ધારદાર હથિયાર તરીકે ઉપયોગ પણ વધુ ને વધુ વ્યાપક થતો જાય છે. ભારતમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. તેને અસરકારક કહેવો કે ખતરનાક એ તમારું પોતાનું રાજકીય વલણ કેવું છે તેના પરથી નક્કી થાય, પણ ચૂંટણીમાં સોશિયલ મીડિયા જબરજસ્ત લાભ અપાવે છે એ સમજાયા પછી ભારતના તમામ પક્ષો સોશિયલ મીડિયા પર પોતપોતાની સેના ઊભી કરવા લાગ્યા છે.

ભારતના સંદર્ભે વાત કરીએ તો, ફેસબુક-ટવીટર કે વોટ્સએપ પર આવતા અમુક મેસેજીસ આપણે જોતાંવેત સમજી શકીએ કે આ બનાવટી છે, ફેક છે. છતાં, જો તમે તટસ્થ નાગરિક ન હો, કોઈ ને કોઈ પક્ષ તરફી હો તો સામેના પક્ષવિરોધી મેસેજ – પછી ભલે તે દેખીતી રીતે ફેક હોય – ફોરવર્ડ કરવાની લાલચ છોડી શકતા નથી.

આ એક જ કારણે, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝને નાથવાનું કામ બહુ મુશ્કેલ છે.

આ લેખ સાથેનાં જુદાં જુદાં બોક્સમાં એવાં કેટલાંક ઉદાહરણો આપ્યાં છે, જેમાં ફેક ન્યૂઝ પાછળની હકીકતો બહાર આવી હોય. અહીં આપણે એ જાણીએ કે ફેક ન્યૂઝના અનેક માથાળા રાવણને નાથવા માટે કેવા પ્રયાસો થઈ રહ્યા છે અને ખાસ તો, તમે પોતે ફેક ન્યૂઝને કેવી રીતે પારખી શકો.

ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે?


ગયા મહિને, લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા પછી ચૂંટણી પંચ અને ઇન્ટરનેટ કંપનીઝના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ. તેમાં ફેસબુક, ટવીટર, વોટ્સએપ, ગૂગલ, શેરચેટ અને ટિકટોકે ભાગ લીધો હતો.

ચૂંટણી પંચના નિવેદન મુજબ, આ ઇન્ટરનેટ કંપનીઝ ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ‘મુક્ત, યોગ્ય અને નૈતિક’ ઉપયોગ થાય એ માટે ચૂંટણી પંચે સૂચવેલી ‘સ્વૈચ્છિક આચારસંહિતા’નું પાલન કરશે. એ સાથે ચૂંટણી દરમિયાન, સોશિયલ મીડિયા પર મૂકાયેલ કોઈ પણ સામગ્રી વાંધાજનક છે એવું રિપોર્ટ થાય તો ત્રણ કલાકની અંદર તેને પ્લેટફોર્મ પરથી દૂર કરવાની તૈયારી પણ બતાવવામાં આવી છે.

ફેસબુક અને ટવીટરે કહ્યું છે કે તે ચૂંટણી પહેલાંના ૪૮ કલાક દરમિયાન ‘વધુ સતર્ક’ રહેશે.

ફેસબુક ‘થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ પ્રોગ્રામ’ ચલાવે છે, જેમાં તે ફેક ન્યૂઝ પાછળની હકીકતો શોધવા મથતી વિવિધ સાઇટ્સની મદદ લઈને ફેસબુક પર ફેક ન્યૂઝનું દૂષણ અંકુશમાં લેવાનો પ્રયાસ કરે છે. ફેસબુક પર બૂમ (www.boomlive.in/) અને એએફપી (www.afp.com/) ફેક્ટ ચેકિંગ પાર્ટનર તરીકે કાર્યરત હતી જ, હવે ભારતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાંચ નવા પાર્ટનર ઉમેર્યું છે, જેમાં ઇન્ડિયા ટુડે ગ્રૂપ (www.indiatoday.in/fact-check), વિશ્વાસ.ન્યૂઝ (www.vishvasnews.com/), ફેક્ટલી (https://factly.in/), ન્યૂઝમોબાઇલ (http://newsmobile.in/) અને ફેક્ટ ક્રેસેન્ડો (www.factcrescendo.com/) સામેલ છે. આ બધી કંપની ઇન્ટરનેશનલ ફેક્ટ-ચેકિંગ નેટવર્ક દ્વારા પ્રમાણિત છે.

આ તમામ સાઇટ ઇંગ્લિશ, હિન્દી, બંગાળી, તેલુગુ, મલયાલમ અને મરાઠી ભાષામાં પોસ્ટ્સ અને ઇમેજ/વીડિયો વગેરેમાંની હકીકતો તપાસવાનો પ્રયાસ કરશે.

ફેસબુક તેના આ પાર્ટનર્સને ફોટોઝ અને વીડિયો તપાસવાનાં વિવિધ ટૂલ્સ આપે છે. આ પાર્ટનર ફેસબુક પર પોસ્ટ થતી ન્યૂઝ સ્ટોરીઝ તપાસતા રહે છે અને તેમને કોઈ સ્ટોરી શંકાસ્પદ લાગે તો તેને ન્યૂઝ ફીડમાં બતાવવાનું પ્રમાણ ફેસબુક ઘટાડી નાખે છે, જેથી તે વધુ ઝડપથી ફેલાય નહીં.

ગૂગલ પણ યુટ્યૂબ અને સર્ચ એન્જિનમાં ફેક ન્યૂઝને અંકુશમાં રાખવા સક્રિય હોવાનું કહે છે.

તમને વિવિધ ફેક ન્યૂઝ પાછળની હકીકતો જાણવામાં રસ હોય તો ઓલ્ટન્યૂઝ (www.altnews.in) સાઇટ કે  એસએમહોક્સસ્લેયર (http://smhoaxslayer.com) જેવી સાઇટ્સ ણ તપાસી શકો.

આ બધી જ સાઇટ્સ ફેક ન્યૂઝ સામે ઝુંબેશ ચલાવી રહી છે એમ કહી શકાય. તમને મળેલો કોઈ પણ મેસેજ સાચો છે કે ખોટો એ તપાસવું હોય તો આ સાઇટ્સની મુલાકાત લઈ શકાય. તેમાંની ઘણી ખરીમાં હિન્દીમાં પણ વિગતો આપેલી છે.

જોકે હમણાં ‘નેશનલ હેરાલ્ડ’ અખબારે એક વિગતવાર લેખ પ્રકાશિત કરીને લખ્યું છે કે ફેકબુકના હાલના સાત ફેક્ટ ચેકિંગ પાર્ટનર્સમાંથી ત્રણ (ઇન્ડિયા ટુડે ગ્રૂપ, જાગરણ મીડિયા ગ્રૂપની પહેલ વિશ્વાસ.ન્યૂઝ અને ન્યૂઝમોબાઇલ)એ પુલવામા પછીની સ્થિતિમાં બિનઆધારભૂત માહિતી (ખાસ તો ૩૦૦ આતંકીઓનો સફાયો!) ફેલાવી હતી અને હકીકતો બહાર આવ્યા પછી પણ, પોતાની વેબસાઇટ્સ પર તેને સુધારી નહોતી!

આમાં આપણે કોનો વિશ્વાસ કરવો?! દેખીતી રીતે આપણી પોતાની કોમનસેન્સનો અને કેટલીક ખાસ ટેકનિક્સનો!

ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા?

આમ તો આ તદ્દન કોમનસેન્સનો જ મુદ્દો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનનો ધ્વજ ક્યારેય લહેરાવે નહીં અને રાહુલ ગાંધી ક્યારેય પોતાની ઓફિસમાં ઔરંગઝેબનો ફોટો રાખે નહીં!

ઉપરાંત મોટા ભાગના અસલી ફોટોમાં છેડછાડ કરીને બનાવાયેલા ફોટોગ્રાફ એટલી નબળી રીતે બનાવેલા હોય છે કે તરત એ બનાવટી હોવાનું પરખાઈ આવે.

છતાં, ઘણા ફેક ન્યૂઝને એવી સ્માર્ટ રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવે કે ભલભલા તેને સાચા માની લે (બીજું એક કારણ એ પણ ખરું કે આપણે કોઈ ને કોઈ બાજુ ઝુકેલા હોવાથી, આપણું મન ખોટી વાત સાચી માની લેવા તત્પર હોય!).

આ સ્થિતિમાં, વોટ્સએપ, ફેસબુક, ટવીટર પર શેર થતી બાબતોની તમારે પોતે ખરાઈ કરવી હોય તો કેવી રીતે કરવી એ જાણી લઈએ.

ટેક્સ્ટ અને લિંક્સની ખરાઈ  માટે : જ્યારે  માત્ર લખાણથી કોઈ દાવા કરવામાં આવી રહ્યા હોય ત્યારે તેની ખરાઈ પ્રમાણમાં સહેલી છે. ગૂગલ પર સર્ચ કરી લેતાં ખરી વાત મોટા ભાગે બહાર આવી જાય.

જ્યારે લખાણ સાથે કોઈ લિંક પણ હોય ત્યારે જો ટૂંકું કરેલું યુઆરએલ હોય તો પહેલાં તેને https://unshorten.it/ જેવી કોઈ સર્વિસની મદદથી આખા યુઆરએલમાં ફેરવી નાખો.

પછી તે આખી લિંકને કોઈ પણ બ્રાઉઝરના ઇનકોગ્નિટો મોડમાં એડ્રેસ બારમાં કોપી-પેસ્ટ કરી જુઓ. જો તમારું બ્રાઉઝર નિયમિત રીતે અપડેટ થતું હશે અને સાઇટ જોખમી હશે તો એ તરત તમને ચેતવશે કે અહીંથી આગળ ન વધો. એવી ચેતવણી ન મળે, તો સાઇટ ખૂલતાં મોટા ભાગે પહેલી નજરે જ તે બનાવટી કે તરકટી હોવાનું પરખાઈ આવશે.

જેમ કે હમણાં વોટ્સએપ પર એવા ‘ન્યૂઝ’ ફરતા થયા હતા કે “બીબીસીના એક સર્વે અનુસાર, વિશ્વના સૌથી ભ્રષ્ટ રાજકીય પક્ષોમાં કોંગ્રેસનું નામ સામેલ છે. એ ‘ન્યૂઝ’ સાથેની લિંક ઓપન કરો તો ખ્યાલ આવે કે ફક્ત આ ન્યૂઝ નહીં, ‘બીબીસીન્યૂઝહબ’ નામની એ આખેઆખી વેબસાઇટ જ ફેક છે!

તેમાં અન્ય એક સર્વેમાં “વિશ્વના સૌથી ભ્રષ્ટ વડા પ્રધાનોમાં એક છે નરેન્દ્ર મોદી એવા “સમાચાર પણ છે. આ સાઇટ પર માત્ર ભારત નહીં, અનેક દેશના આવા ‘ચોંકાવનારા’ સમાચાર છે.

ઇમેજની ખરાઈ માટે : આગળ કહ્યું તેમ મોટા ભાગના બનાવટી ફોટોગ્રાફ તરત પરખાઈ આવે તેવા હોય છે, પણ ઘણી વાર કોઈ છેડછાડ વિનાનો અસલી ફોટોગ્રાફ, ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવે છે.

આવા ફોટોની હકીકત તપાસવી હોય તો ગૂગલની રિવર્સ ઇમેજ સર્ચ સર્વિસ કામ લાગી શકે છે.

પીસીમાં આ કામ બહુ સહેલું છે. https://images.google.com/ પર જાઓ અને તેમાં કેમેરા આઇકન પર ક્લિક કરો. હવે તમે જે ઇમેજ વિશે સર્ચ કરવા માગતા હો તેનું યુઆરએલ અહીં કોપી-પેસ્ટ કરો અથવા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલી ઇમેજ અહીં ડ્રેગ કરી લાવો.

આ કામ મોબાઇલમાં કરવા માટે, ગૂગલ ક્રોમમાં કોઈ પણ ફોટો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં ‘સર્ચ ગૂગલ ફોર ધીસ ઇમેજ’ એવો વિકલ્પ મળશે. તેને ક્લિક કરતાં, એ ઇમેજ જેવી જ અન્ય ઇમેજીસ ગૂગલ શોધી લાવશે.

જેમ કે પાકિસ્તાના ધ્વજ સાથેની વડાપ્રધાનની ઇમેજને આ રીતે રિવર્સ સર્ચ કરતાં, સાદી લીલી ઝંડી સાથેની તેમની અસલી ઇમેજ મળી આવે છે.

જ્યારે ઇમેજમાં કોઈ છેડછાડ ન હોય, પણ ફક્ત જૂની ઇમેજને નવી ગણાવવામાં આવતી હોય કે સિરિયા, સર્બિયાની કોઈ તસવીરને કાશ્મીરની ગણાવવામાં આવતી હોય ત્યારે રિવર્સ ઇમેજ સર્ચ કરતાં એ તસવીરનો સાચો સંદર્ભ, સાચો સમય વગેરે જણાઈ આવે છે.

જોકે હવે ફેક ન્યૂઝ ફેક્ટરીમાં કામ કરતા લોકો સ્માર્ટ થઈ ગયા હોવાથી, તે જ્યાં ગૂગલની પહોંચ નથી એવા ચીન, રશિયા વગેરે દેશોમાંથી ઇમેજ શોધી લાવે છે અને ખોટા સંદર્ભ સાથે વાઇરલ કરે છે.

આવી ઇમેજની અસલિયત જાણવા માટે તમે રશિયાના ગૂગલ જેવા યાન્ડેક્સ  (https://yandex.com/images/) કે ચીનના બૈડુ (https://image.baidu.com/) સર્ચ એન્જિનમાં ગૂગલની જેમ જ રિવર્સ ઇમેજ સર્ચ કરશો તો તરત જણાઈ આવશે કે ક્યાંથી કયો ફોટો ઉઠાવવામાં આવ્યો છે અને તેના પર શું કરામત કરવામાં આવી છે!

ફેક ઇમેજીસ વોટ્સએપ પર બહુ મોટા પ્રમાણમાં ફરતી હોવાથી, તેમાં પણ હવે ગૂગલની જ રિવર્સ ઇમેજ સર્ચની સુવિધા ઉમેરાઈ રહી છે, જેથી આપણે તરત જ રિવર્સ સર્ચ કરીને જે તે ફોટોની અસલિયત જાણી શકીએ.

એ સિવાય, મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં https://images.google.com/  પર જઈ, સેટિંગ્સમાં ડેસ્કટોપ વર્ઝન પસંદ કરીને, ઉપર જણાવ્યા મુજબ ઇમેજ વિશે રિવર્સ સર્ચ થઈ શકે છે.

વીડિયોની ખરાઈ માટે : બનાવટી ઇમેજ પારખવી સહેલી છે, પણ લોકો વીડિયોમાં પણ જુદી જુદી રીતે બનાવટ કરી શકે છે અને એ પકડવી થોડી મુશ્કેલ હોય છે. ઘણી વાર વીડિયો સાચો હોય, પણ તેમાં ઓડિયો ખોટો ઉમેરી દેવામાં આવે છે.

ભારતા સંદર્ભે વાત કરીએ તો, આણે ત્યાં મોટા ભાગે મુસ્લિમ દેશોના જૂના વીડિયોનો ઉપયોગ કરીને, કાશ્મીરમાં સામાન્ય પ્રજા પર જુલમ થઈ રહ્યો છે એવો દુષ્પ્રચાર થાય છે.

આવા વીડિયોની ખરાઈ તપાસવા યુટ્યૂબ પર એ વીડિયો ઓપન કરી, તેનું યુઆરએલ કોપી કરો. તેને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સંસ્થાએ વિક્સાવેલ યુટ્યૂબ ડેટા વ્યૂઅર (https://citizenevidence.amnestyusa.org/)માં પેસ્ટ કરો. આ ટૂલની મદદથી, આપણે મળેલો વીડિયો ખરેખર હમણાંનો છે કે જૂનો છે તે જાણી શકાય છે.

આ ટૂલ વીડિયોમાંથી વિવિધ થમ્બનેઇલ ઇમેજીસ તારવી આપે છે, જેની આપણે રિવર્સ ઇમેજ સર્ચ કરીને વીડિયો વિશે વધુ વિગતો જાણી શકીએ છીએ.

તમે શેરલોક હોમ્સ કે હરક્યુલ પોઇરો જેવા ડિટેક્ટિવ બનીને, તમારા પર આવતા બધા મેસેજ અસલી છે કે નકલી એ તપાસવા ન માગતા હો તો ચોક્કસ ચાલે, ફક્ત આંખ મીંચીને તેને ફોરવર્ડ ન કરીને પણ આપણે સાચો રાષ્ટ્રધર્મ નિભાવી શકીએ!


પુલવામા હુમલાનું ‘ષડયંત્ર’

ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૯ના દિવસે પુલવામા હુમલા અને ફેબ્રુઆરી ૨૬ની ભારતીય વાયુ સેનાની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક પછી, માર્ચ ૧, ૨૦૧૯ના દિવસે અવિ દાંડિયા નામની એક વ્યક્તિએ ફેસબુક લાઇવ પોસ્ટ કરી. જેમાં તેણે એક ઓડિયો ક્લિપ શેર કરી. એ ક્લિપમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ અમિત શાહ અને એક અજાણી મહિલા વચ્ચેની કહેવાતી વાતચીત હતી. આ વાતચીતનો સાર એવો હતો કે લોકસભાની ચૂંટણી જીતવા માટે, લોકોમાં ઉન્માદ જગાવવા આ ત્રિપૂટીએ ષડયંત્ર રચ્યું.

દેખીતી રીતે પાકિસ્તાની મીડિયાએ પણ આ લાઇવ પોસ્ટને ચગાવી.

બાદમાં @ArifKIndian નામના એક ટવીટર યૂઝરે અવિ દાંડિયાએ જે ઇન્ટરવ્યૂમાંથી ઓડિયો કોપી-પેસ્ટ કરીને પોતાની ઓડિયો ક્લિપ બનાવી હતી તેની લિંક ટવીટર પર પોસ્ટ કરી.

ઓલ્ટ ન્યૂઝ વેબસાઇટે વધુ તપાસ કરીને રાજનાથ સિંહ અને અમિત શાહનાં દરેક વાક્યો તેમના જે જે જૂના-નવા ઇન્ટરવ્યૂમાંથી ઉઠાવવામાં આવ્યાં હતાં તેની લિંક શોધી કાઢી.

આ હકીકતો ઓલ્ટ ન્યૂઝ પર પ્રકાશિત થયા પછી અવિ દાંડિયાએ પોતાનો વીડિયો ફેસબુક પરથી દૂર કર્યો, પણ ત્યાં સુધીમાં ૨૦ લાખ જેટલા લોકોએ તે જોયો હતો અને એકાદ લાખ લોકોએ તેને શેર પણ કરી લીધો હતો! અવિ દાંડિયા યુએસ સ્થિત ભારતીય છે.

ઓલ્ટ ન્યૂઝ પરનો ફેક્ટ ચેક આર્ટિકલ :  https://www.altnews.in/dangerous-manufactured-audio-clip-used-to-claim-pulwama-terror-attack-an-inside-job-by-bjp/


નરેન્દ્ર મોદીએ ‘પાકિસ્તાની ધ્વજ’ લહેરાવ્યો?

જાન્યુઆરી ૨૯, ૨૦૧૯ના દિવસે ફેસબુક પર ‘ભાષન યા રાશન’ નામના એક પેજ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનનો ધ્વજ લહેરાવતા હોય એવો ફોટોગ્રાફ શેર થયો, સાથે લખાણ હતું ‘આ ગયા અપની અસલિયત પર…’ આ ફોટો સાચો હોવાનું કોઈ માની ન શકે, છતાં એ ફોટો વાઇરલ થયો.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ગૂગલ પર રીવર્સ ઇમેજ સર્ચ કરીને શોધ્યું કે એ ફોટોગ્રાફ વડા પ્રધાને ડિસેમ્બર ૨૦૧૮માં બ્રહ્મપુત્ર નદી પરના ભારતના સૌથી લાંબા રેલમ-કમ-રોડ પૂલનું ઉદ્ઘાટન કર્યું ત્યારનો હતો.ફોટોગ્રાફ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો હતો. ટવીટર પર આ અસલી ફોટો કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી શેર થયો હતો. વડા પ્રધાનના હાથમાંની લીલી ઝંડીમાં પાછળથી પાકિસ્તાનના ધ્વજના ચાંદ-તારા ઉમેરાયા હતા!

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની સાઇટ પર ફેક્ટ ચેક આર્ટિકલ : https://timesofindia.indiatimes.com/news/fact-check-photo-showing-pm-modi-with-islamic-flag-is-fake/articleshow/68106706.cms


પ્રણવદા ‘સંઘી’ બન્યા?

ગયા વર્ષે પીઢ કોંગ્રેસી નેતા અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના એક સમારોહમાં હાજરી આપી તેના એક દિવસ પહેલાં મુખરજીનાં દીકરીએ ટવીટર પર તેમને ચેતવ્યા હતા કે નાગપુરમાં તેમની હાજરીનો ગેરલાભ ઉઠાવાશે. સમારોહના ગણતરીના કલાકો પછી ટવીટર એક ફોટો વાઇરલ થયો, જેમાં મુખરજીને સંઘની કાળી ટોપીમાં, ધ્વજ પ્રણામ કરતા દર્શાવાયા!

મુખરજીનાં દીકરીએ તરત પોતાનો ભય સાચો પડ્યો હોવાનું ટવીટ કર્યું. આરએસએસે આ બનાવટી ફોટાને વખોડ્યો. પાછળથી, ઇન્ડિયા ટુડેની તપાસમાં બહાર આવ્યું કે ટવીટર પર @MinirKJha નામની એક વ્યક્તિએ, મિત્ર @Athiest_Krishnaને મુખરજીનો અસલી ફોટો ટવીટર પર શેર કરીને કહ્યું હતું કે “તું આમાં (મુખરજીના) માથે કાળી ટોપી મૂકીને હાથના સ્થિતિ બદલી શકે? કોંગ્રેસ આઇટી સેલમાંના એક મિત્ર માટે આ કહું છું.’’

ક્રિશ્ર્ના ફોટો પર હાથ અજમાવે એ પહેલાં, બંનેના ત્રીજા એક મિત્ર અભિ @DarrKeAage એ ઝંપલાવ્યું અને તેણે છેડછાડવાળો ફોટો ટવીટર પર શેર કર્યો, જે જોતજોતામાં વાઇરલ બની ગયો. આ બધી પોસ્ટ પછી ડિલીટ કરવામાં આવી, પરંતુ ઇન્ડિયા ટુડેએ તે પાછી શોધી કાઢી.

ઇન્ડિયા ટુડેની પૂછપરછમાં મિહિર અને અભિએ પોતે માત્ર મજાકમાં નકલી ફોટો બનાવ્યો હોવાનું કબૂલ્યું પણ સાથે કહ્યું કે કોઈ પક્ષ કે સંસ્થાએ તેમને આ કામ સોંપ્યું નહોતું. હવે કોણ સાચું, કોણ ખોટું એ આપણે નક્કી કરવાનું, પણ કેવી રીતે?!

ઇન્ડિયા ટુડે પરનો ફેક્ટ ચેક આર્ટિકલ : https://www.indiatoday.in/india/story/viral-test-who-photoshopped-ex-prez-mukherjee-in-rss-cap-1255678-2018-06-08


કોંગ્રેસની ઓફિસમાં બાદશાહ ઔરંગઝેબનો ફોટો?

ડિસેમ્બર ૨૦૧૭માં રાહુલ ગાંધીને કોઈ ચૂંટણી વિના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસી નેતા મણીશંકર ઐયરે બચાવમાં કહ્યું હતું કે “જહાંગીરના સ્થાને શાહ જહાં બાદશાહ બન્યો ત્યારે કોઈ ચૂંટણી થઈ હતી? શાહજહાંને સ્થાને ઔરંગઝેબ બાદશાહ બન્યો ત્યારે કોઈ ચૂંટણી થઈ હતી?

એ સંદર્ભમાં, ગુજરાતમાં એક રેલીને સંબોધતાં નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીની ઔરંગઝેબ સાથે સરખામણી કરી હતી.

આ વાત, પ્રણવ મુખરજીની બનાવટી તસવીરના પ્રકરણમાં ચમકેલા પેલા ફોટોશોપ આર્ટિસ્ટ @Athiest_Krishnaના દિમાગમાં ઘૂસી ગઈ.

તેણે કોંગ્રેસની ઓફિસમાં રાજીવ ગાંધી નોમિનેશન ફોર્મ ભરતા હતા, ત્યારે પાછળની દિવાલ પર ઔરંગઝેબની તસવીર મૂકી અને એ નકલી ઇમેજ ટવીટર પર શેર કરી. જોતજોતામાં મોદી-ભાજપના ભક્તોએ સમજ્યા-વિચાર્યા વિના ટવીટર, ફેસબુક, વોટ્સએપ પર તેને વાઇરલ કરી દીધી.

ફેક ન્યૂઝની હકીકત તપાસતી વેબસાઇટ બૂમલાઇવે આ ફોટોને રિવર્સ સર્ચ કર્યો. કોંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પર એ જ દિવસના, લગભગ એ જ સમયના અલગ એંગલના અન્ય ફોટોગ્રાફ્સ મળી આવ્યા, જેમાં ઔરંગઝેબની તસવીરની જગ્યાએ વાસ્તવમાં મહાત્મા ગાંધીની તસવીર જોવા મળે છે! ફોટોશોપ આર્ટિસ્ટ @Athiest_Krishnaનું કામ ટવીટર પર ચાલુ જ છે.

બૂમની સાઇટ પર ફેક્ટ-ચેક આર્ટિકલ : https://www.boomlive.in/no-thats-not-aurangzeb-at-congress-hq-looking-down-at-rahul-gandhi/


કેરળના ધારાસભ્યની કાર પર ‘પાકિસ્તાની’ ધ્વજ?

થોડાં વર્ષથી સોશિયલ મીડિયા પર એક લીલા રંગની મર્સિડીઝ કારનો ફોટો વારંવાર ફરતો રહે છે. આ કાર પર નંબર પ્લેટની ઉપર ‘એમએલએ’ લખેલું છે અને કાર પર એક લીલો ઝંડો છે. ફોટો સાથે કહેવામાં આવે છે કે “કેરળના એક કોંગ્રેસી એમએલએએ પોતાની કાર પર પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો છે.’’

હકીકતમાં આ ફોટો અસલી છે, તેમાં કોઈ જ છેડછાડ નથી (સિવાય કે કારના રજિસ્ટ્રેશન નંબરની વિગતના આધારે, રજિસ્ટ્રેશન વખતે તેનો રંગ સફેદ હતો – લીલો રંગ ફોટોશોપની કરામત હોય કે કાર માલિકે કાર પછીથી ખરેખર લીલા રંગાવી હોય). ઝંડો પણ પાકિસ્તાનનો નથી, પણ ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતાપ્રાપ્ત ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટીનો છે!

આ જ ધ્વજ સાથેનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં દાવો કરાતો હતો કે કણર્ટિકમાં કોંગ્રેસની સભામાં પાકિસ્તાની ધ્વજ ફરકાવાયો!

મજાની વાત એ છે કે ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના, જુલાઈ ૨૦૧૮ના એક અહેવાલ મુજબ, આ પક્ષ હવે પોતાનો ધ્વજ બદલવાનું વિચારી રહ્યો છે! અલબત્ત, આ લખાય છે ત્યાં સુધી તો તેનો ધ્વજ બદલાયો નથી.

આ ધ્વજ સાથેનો ફોટો કે વીડિયો વાયરલ થયાં તેનું કારણ સાદું છે – લોકો એ સાચું માની લે છે, જે તેમને માનવું ગમે છે!

ફેક્ટ હન્ટ પર ફેક્ટ ચેક આર્ટિકલ : https://facthunt.in/posts/193/Fact-Check:-Did-a-Congress-MLA-from-Kerala-put-Pakistan%27s-flag-on-his-car


 

2 responses

  1. Just started reading the article but I must say, it is an eye-opener. We all should check the authenticity of the forwarded message on sites mentioned in the article. I am sure 90% of forwards will stop circulating if ppl will send messages wisely and referring to websites in case of doubt before forwarding.

    1. This is the root cause of the fake news, even well-educated people keep on forwarding messages, without realising its impact. It can prove costly to their dear ones too!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!