ભારત સરકારે આધાર વ્યવસ્થામાં નવા સુધારા સૂચવતો ખરડો લોકસભામાં રજૂ કર્યો છે.
ભારતની લગભગ તમામ વસતીને આગવી ઓળખ આપવાની વિશાળ અને લાંબી કવાયત પછી આધારની વ્યવસ્થા કાયદાકીય ગૂંચવણો અને ખાસ કરીને ડેટાની સલામતી તથા પ્રાયવસીના મુદ્દે અટવાઈ પડી છે. આધાર આધારિત વેરીફિકેશનથી બેન્ક એકાઉન્ટ ખોલાવવા કે નવું સિમકાર્ડ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરી એક વાર ઓળખ સાબિત કરવા માટે કાગળિયાં આધારિત જૂની પદ્ધતિ અમલમાં આવી હતી.
જોકે હવે નવા ખરડા મુજબ ઓળખ સાબિત કરવા માટે આધારના ઉપયોગને ફરજિયાત નહીં પણ સ્વૈચ્છિક બનાવીને વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ ‘નો યોર કસ્ટમર’ની પ્રક્રિયા, ગ્રાહકની સહમતિ હોય તો આધારની મદદથી પૂરી કરવાની બેન્ક્સને છૂટ આપી છે.
આ ઉપરાંત, આપણા આધાર ડેટાને સલામત બનાવવા માટે, જેમ પેમેન્ટ કરતી વખતે ઓટીપી જનરેટ થાય છે કંઈક એવી જ રીતે આધાર આધારિત વેરિફિકેશન પ્રક્રિયા વખતે વર્ચ્યુઅલ નંબર જનરેટ કરવાની વ્યવસ્થા અમલી બનશે.
