આઇટીમાં મનગમતી કારકિર્દી : આગળ વધવાના અનેક રસ્તા છે.
આ વર્ષની શરૂઆતમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે આપેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૬-૧૭માં કમ્પ્યુટર સોફ્ટવેર/સર્વિસીઝ અને આઇટી આધારિત સેવાઓ એક્સપોર્ટ કરવાથી ભારતને થતી આવકનો આંકડો પૂરા ૧૧૧ અબજ યુએસ ડોલરના આંકને પાર કરી ગયો! રૂપિયામાં ગણતરી માંડો તો આંકડો ૭૮,૪૨,૭૦,૫૦,૦૦,૦૦૦ જેવા આંકે પહોંચે!
આંકડો વાંચીને આંખ ચમકી ગઈને! ભારતમાં આઇટી ક્ષેત્ર કેટલું વિકસી રહ્યું છે એનો આ પુરાવો છે. આજના ડિજિટલ યુગમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇટી)ના જાણકારોની સમગ્ર વિશ્વમાં ડિમાન્ડ વધી રહી છે. આઇટી ક્ષેત્રમાં નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનોની કમી નથી એટલે એમાં હરીફાઈ પણ એટલી જ છે, પણ બધા માટે આઇટી એન્જિનીયરિંગ કે તેને સમકક્ષ ડિગ્રી મેળવવી શક્ય ન પણ હોય.
સદભાગ્યે, આઇટીનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેમાં અનેકવિધ પ્રકારનાં કામના જાણકારો માટે સારી કારકિર્દી ઘડવાનો અવકાશ છે. જો તમે આઇટીના ૩-૪ વર્ષના ડિગ્રી કોર્સમાં જોડાઈ શકો એમ ન હો, તો તમારા માટે ઓછા સમયમાં ડિપ્લોમા કે આઇટી સર્ટિફિકેટ કોર્સ પૂરો કરીને તરત નોકરી મળી શકે તેવા ઓપ્શન્સ પણ છે.
ઓપ્શન્સ ઘણા છે, તમારી પોતાની રુચિ, સમજ અને કુશળતાને આધારે સમજી વિચારીને કોર્સ પસંદ કરવો રહ્યો અને પછી એમાં જીવ રેડી દો તો સફળતા અચૂક મળે.
‘સાયબરસફર’ના મે ૨૦૧૮ અંકમાં કપ્યુટર ટેકનોલોજીમાં ડિગ્રી અભ્યાસક્રમો આટાપાટા સમજીને તેમાંથી સરળ માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હવે, આ અંકમાં ડિગ્રી સિવાયના પણ વિવિધ પ્રકારના સર્ટિફિકિેટ કોર્સીઝની પ્રારંભિક માહિતી આપી છે.
એટલું યાદ રાખશો કે તમે જે પણ કોર્સ કરો એમાં તમારી સ્કિલ્સ પૂરેપૂરી વિકસાવો કારણ કે જોબમાર્કેટમાં ગજબની હરીફાઈ છે. આ કોર્સીઝમાંથી અમુક એવા છે, જેમાં જો તમે ખરેખર ખૂંપી જાવ અને તમારામાં કુદરતી ટેલેન્ટ હોય તો તમે ડિગ્રીધારી એન્જિનીયર કરતાં ક્યાંય આગળ નીકળી જઈ શકો. જ્યારે અમુક કોર્સ એવા છે, જે બહુ આકર્ષક કારકિર્દી ન અપાવી શકે, પણ સ્વમાનભેર જીવી શકાય એવી નોકરી જરૂર આપી શકે.
પહેલી શરત એ છે કે ફેસબુક કે વોટ્સએપમાં આવતી ફ્રેન્ડ્સની પોસ્ટ્સમાં જ રચ્યા પચ્યા રહેવાને બદલે, આ જ સર્વિસીઝનું પ્રોગ્રામિંગ, સ્ટ્રક્ચર કોડિંગ, યૂઝર ઇન્ટરફેસ વગેરે બાબતોમાં પણ રસ રસ લેવો પડશે.
પછી આઇટીની ડિગ્રી વિના પણ, અત્યારે તેજ ગતિએ આખી દુનિયાને બદલી રહેલા આ ક્ષેત્રમાં તમારે પોતાને માટે અને તમારા પરિવાર માટે ગૌરવભરી કારકિર્દી ઘડી શકશો – ઓલ ધ બેસ્ટ!
આગળ શું વાંચશો?
- આઇટી ડિપ્લોમા
- કમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા
- વીએફએક્સ અને એનિમેશન
- સાયબર સિક્યુરિટી
- એપ, વેબ અને ગેમ ડેવલપમેન્ટ
- વેબ ડિઝાઇનિંગ
- હાર્ડવેર અને નેટવર્કિંગ
- કમ્પ્યુટર હાર્ડવેર મેઇન્ટેનન્સ
- એકાઉન્ટિંગ સોફ્ટવેર
- માઇક્રોસોફ્ટ ઓફિસ અને ડેટા એન્ટ્રી કોર્સ
આઇટી ડિપ્લોમા
દસમું ધોરણ પાસ થયેલા વિદ્યાર્થીઓ આ ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરી શકે છે. ધોરણ ૧૨ સાયન્સ (ગણિત વિષય સાથે) પછી પણ આ કોર્સ કરી શકાય છે. કોર્સનો સમયગાળો, દેખીતી રીતે લેખમાં આપેલા અન્ય સર્ટિફિકેટ કોર્સીઝ કરતાં લાંબો છે પણ તેની વેલ્યુ ઘણી છે.

જેમને આઇટી સેક્ટરમાં કરિયર બનાવવી હોય, પણ ડિગ્રીમાં એડમિશન ન મળ્યું હોય તેઓ આ કોર્સ વિશે વિચારી શકે છે. જો તમે ૩ વર્ષ આ કોર્સ માટે આપવા માગતા હો, આઇટી સ્કિલ્સમાં શ્રેષ્ઠ બનવા માગતા હો તો બીજા બધા આઇટી સર્ટિફિકેટ કોર્સ કરતાં આ ડિપ્લોમા કરવાનો વિકલ્પ વધુ સારો છે, સિવાય કે તમારામાં વિઝ્યુઅલ આર્ટ્સ જેવી કોઈ નેચરલ ટેલેન્ટ હોય.
આઇટીમાં ડિપ્લોમા કર્યા પછી એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી પણ લઈ શકાય છે. આઇટીમાં ડિપ્લોમા મેળવનારને એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં સીધું બીજા વર્ષમાં એડમિશન મળી શકે છે.
કમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા
આઇટી ડિપ્લોમાની જેમ આ કોર્સ પણ એક જૂનો ને જાણીતો ડિપ્લોમા કોર્સ છે. ૩ વર્ષના આ કોર્સમાં ૧૦મું ધોરણ પાસ કરેલા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. સાયન્સ (મેથ્સ ગ્રૂપ) સાથે ૧૨મા ધોરણમાં પાસ થઈને પણ આ કોર્સ કરી શકાય છે.
સોફ્ટવેર, હાર્ડવેર, કમ્પ્યુટર એપ્લિકેશન અને પ્રોગ્રામિંગ જેવા વિષયો શીખવતા આ ૩ વર્ષના કોર્સથી તમારું સોફ્ટવેર અને પ્રોગ્રામિંગનું કૌશલ્ય ખીલી ઊઠી શકે છે.
આ ડિપ્લોમા કર્યા પછી એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી પણ લઈ શકાય છે. આ ડિપ્લોમા મેળવનારને એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં સીધું બીજા વર્ષમાં એડમિશન મળી શકે છે.
આ કોર્સના બીજા નોંધપાત્ર વિકલ્પો છે : કમ્પ્યુટર એપ્લિકેશનમાં સર્ટિફિકેટ કોર્સ, કમ્પ્યુટર સોફ્ટવેર ટેક્નોલોજીમાં ડિપ્લોમા, એડવાન્સ્ડ સોફ્ટવેર ટેક્નોલોજીમાં ડિપ્લોમા અને હાર્ડવેર અને નેટવર્ક એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
વીએફએક્સ અને એનિમેશન
પરંપરાગત ડિગ્રી કે ડિપ્લોમાને બાજુએ રાખીએ અને વાત કરીએ જબરી ગતિએ વિકસતા અનોખા ફિલ્ડની.
હોલીવૂડની ‘મિનિયન્સ’ કે ’મેડાગાસ્કર’ જેવી ફિલ્મની એનિમેશન કે આપણી ‘બાહુબલી’ જેવી ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જોઈને તમને ‘આનાથી હજી વધુ સારું કંઈક થઈ શકે’ એવો વિચાર આવતો હોય તો તમારે વીએફએક્સ (વિઝ્યુઅલ ઇફેક્ટ્સ) અને એનિમેશનના કોર્સ કરવાનો વિચાર અચૂક કરવો જોઈએ.
લોકો આજકાલ સારી એનિમેશન ફિલ્મ્સ જોવાનું ખૂબ પસંદ કરે છે એટલે દર ચાર-છ મહિને હોલીવૂડ, ડિઝની કે ડ્રીમવર્કસ જેવી કંપનીઓ આવી ફિલ્મ્સ સાથે માર્કેટમાં આવે છે. ફિલ્મની સાથે એડવર્ટાઇઝિંગ અને અન્ય મીડિયામાં પણ એનિમેશન અને વિઝ્યુલ ઇફેક્ટ્સનું મહત્ત્વ ઘણું વધ્યું છે.
એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બંને અલગ અલગ, પણ નજીકનાં ક્ષેત્રો છે.
એનિમેશનમાં તમારામાં વિઝ્યુઅલ આર્ટની ઊંડી સમજ હોવી જરૂરી છે, જ્યારે વિઝ્યુઅલ ઇફેક્ટ્સમાં કલ્પનાને છૂટો દોર આપીને કોઈએ કલ્પી પણ ન હોય એવી સૃષ્ટિ રચવાની આવડત જરૂરી છે.
એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, બંનેમાં આખરે તો કલ્પનાને સોફ્ટવેરની મદદથી સાકાર કરવાની વાત છે એટલે સોફ્ટવેરની બારીક ખૂબીઓ આત્મસાત કર્યા વિના નહીં ચાલે.
હવે ઘણાં ઇન્સ્ટિટ્યૂટ્સ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, એનિમેશન, ૩ડી ટેક્નોલોજી, ગ્રાફિક્સ જેવા વિષયો શીખવતા કોર્સ ઓફર કરે છે. આવા કોર્સ કર્યા પછી, તમારામાં એકલા હાથે બધે પહોંચી વળવાની હિંમત અને આવડત હોય તો તમે તમારું સ્વતંત્ર કામ શરૂ કરી શકો છો. બાકી આવડત જોઈને નોકરી તો તમને સામેથી શોધતી આવી શકે છે.
જોકે આ નોકરી ધારીએ એટલી સહેલી નથી. એમાં ખૂબ મહેનત કરવી પડે છે અને આ ક્ષેત્રમાં કામના કલાકોનો કોઈ હિસાબ નથી રહેતો. તમને ખરેખર જ એનિમેશન અને આર્ટ્સમાં રસ હોય તો આ કોર્સ કરવો ઉપયોગી થશે.
આ ક્ષેત્ર અત્યારે જબરજસ્ત વિકસી રહ્યું છે એટલે જો તમે તેમાં માસ્ટરી કેળવી શકો તો ઊડવા માટે આસમાન નાનું પડશે.
સાયબર સિક્યુરિટી
એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કરતાં બિલકુલ સામા છેડાનું ફિલ્ડ છે સાયબર સિક્યુરિટી. પહેલામાં, દુનિયા જેવી છે એના કરતાં પણ વધુ સુંદર બતાવવાની વાત છે (હોરર મૂવીઝને બાદ કરતાં!), તો બીજામાં સાયબરજગતની કાળી બાજુ સાથે પનારો છે!
હવે ઘણાં બધાં કામ ઓનલાઇન થાય છે. લોકો બેન્કનું કામકાજ, બિલનું પેમેન્ટ કરવું, શોપિંગ કરવું એવું ઘણું ઘણું ઓનલાઇન કરવા લાગ્યા છે કેમ કે એમાં સમયનો ખૂબ બચાવ થાય છે અને ઘરેબેઠા કે ઓફિસમાં બેઠા તમે સહેલાઈથી આવાં કામ પતાવી શકો છો. પણ એમાં ખૂબ મોટું જોખમ છે સલામતીનું. દિવસે દિવસે સાયબર ગુનાઓ પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની અને ઉદ્યોગધંધાની ઓનલાઇન સુરક્ષાને લગતા કોર્સની ડિમાન્ડ વધી રહી છે.

આ પ્રકારના કોર્સ કરીને તમે જુદી જુદી કંપનીની કમ્પ્યુટર સિસ્ટમ્સના સિક્યુરિટી સ્પેશ્યલિસ્ટ તરીકે જોબ કરી શકો છો. તમે એથિકલ હેકર કે સિક્યુરિટી ઓડિટર તરીકે સ્વતંત્ર રીતે પણ તમારો પોતાનો બિઝનેસ જમાવી શકો છો.
ઓનલાઇન છેતરપિંડી કરનારા દિવસે દિવસે વધુ સ્માર્ટ બનતા જાય છે એ જોખમને ટાળવા કંપનીઓ કુશળ સાયબર સિક્યુરિટી ઓફિસરની ભરતી કરવા લાગી છે. આમાં પગારધોરણ પણ સારું એવું હોય છે.
એપ, વેબ અને ગેમ ડેવલપમેન્ટ
અત્યારે ખાસ્સું વિકસી રહેલું વધુ એક ક્ષેત્ર. હજી થોડા સમય પહેલાં, ડેપલપર્સની દુનિયાનું ફોકસ ‘પીસી એન્ડ મોબાઇલ’ પર હતું. પછી, પીસી પાછળ ધકેલાયાં અને ‘મોબાઇલ ફર્સ્ટ’નો જમાનો આવ્યો અને હવે તો ‘મોબાઇલ ઓન્લી’ની વાત આવી ગઈ છે.
એન્ડ્રોઇડ અને એપલની ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ્સ ડેવલપ કરી શકે અને જુદા જુદા પ્રકારની વેબ એપ્લિકેશન પણ ડેવલપ કરી શકે એવા ડેવલપર્સની અત્યારે ખાસ્સી ડિમાન્ડ છે. અલબત્ત, આ કોઈ નવી વાત નથી એટલે આ કોર્સ કરનારા લોકોની સંખ્યા પણ બહુ મોટી છે.
પરિણામે આ ક્ષેત્રમાં હરીફાઇ બહુ વધી ગઈ છે. તેમ છતાં, આ ફિલ્ડ એટલું મોટું છે કે તમે જો સારી આવડત ધરાવતા હોય અને આ ફિલ્ડના લેટેસ્ટ ટ્રેન્ડ્સ (અહીં બધું સતત બદલાતું રહે છે!) સાથે અપડેટ રહેતા હો, ઉપરાંત તમને નોકરી કે કામ આપનારને સમજાવી શકતા હો કે તમે તમારું કામ તમે બરાબર જાણો છો – તો આ ક્ષેત્રમાં તમારે માટે પૂરતી તકો છે.
એપ અને વેબની સાથોસાથ હવે ગેમ્સ ડેવલપમેન્ટનું ક્ષેત્ર પણ જોરદાર વિકસી રહ્યું છે. ‘પબ્જી’ જેવી ગેમનું લોકોને જે રીતે ઘેલું લાગે છે અને શરૂઆતમાં બિલકુલ ફ્રી મળતી હોવા છતાં આ ગેમની ટીવી ચેનલ્સ જેવા મોંઘા પ્લેટફોર્મ પર જાહેરાત થઈ શકતી હોય એ જ બતાવે છે કે ગેમિંગનું ફિલ્ડ કેટલું કસદાર છે.
કોઈ પણ એપ કે સોફ્ટવેર ડેવલપ કરવું હોય તો એચટીએમએલ, જાવા, સી++ જેવી કમ્પ્યુટર લેંગ્વેજ શીખવી પડે અને આઇટી કંપનીઝમાં સોફ્ટવેર ડેવલપરની ઘણી ડિમાન્ડ છે એટલે આ કોર્સ કરવો ઘણો ઉપયોગી થઈ શકે.
કોઈ પણ સારા ઇન્સ્ટિટ્યૂટમાં આ માટેના કોર્સીઝ કરી શકાય. કોર્સીઝનો વ્યાપ ઘણો મોટો છે એટલે કયા કોર્સની પસંદગી કરવી તે થોડું મુશ્કેલ થશે, પણ જો આ ફિલ્ડની જાણકારી આપતી વિવિધ સાઇટ્સની મુલાકાત લેતા રહેશો તો ટ્રેન્ડ્સની સમજ કેળવાશે. ઉપરાંત, ‘સાયબરસફર’માં અવારનવાર જેની વાત કરવામાં આવે છે તે ઓપન અને ફ્રી ઓનલાઇન કોર્સીઝની સવલત આપતી સાઇટ્સનો પણ લાભ લઈ શકાય.
ઘણા વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન કોર્સને સહારે પણ આગળ વધી શકે છે. તમે પરંપરાગત ઇન્સ્ટિટ્યૂટનો કોર્સ અને ઓનલાઇન કોર્સ બંનેનો સુમેળ કરી શકો તો ચોક્કસ ઘણા લાભ થશે.
વેબ ડિઝાઇનિંગ
જેમને સ્વતંત્ર રીતે કામ કરવું હોય તેમને માટે વેબ ડિઝાઇનિંગમાં પણ ઘણી તક છે. વેબસાઇટ બનાવવી અને તેને મેન્ટેઇન કરવી એ વેબ ડિઝાઇનર્સનું મુખ્ય કામ છે. એ માટે જરૂરી એચટીએમએલ, પીએચપી, જાવાસ્ક્રિપ્ટ જેવી કોડિંગ લેંગ્વેજ આ કોર્સમાં શીખવા મળે છે.
તમે વર્ડપ્રેસ, જૂમલા અને દ્રૂપલ જેવી લોકપ્રિય કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કે મજેન્ટો જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફોકસ કરીને તમારી આગવી એક્સપર્ટાઇઝ પણ કેળવી શકો.
ઘણી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ આવા કોર્સીસ ઓફર કરે છે. આ કોર્સની ફી ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે જુદી જુદી હોય છે. એક વર્ષના આ કોર્સના અંતે વેબ ડિઝાઇનિંગનું ડિપ્લોમા સર્ટિફિકેટ મળે છે. ચારથી છ મહિના જેવી ઓછી મુદતમાં પૂરા થતા કોર્સ પણ હોય છે પરંતુ એક વર્ષનો પ્રોફેશનલ વેબ ડિઝાઇનિંગ કોર્સ કરવો હિતાવહ છે.
કોર્સ પૂરો કર્યા પછી તમે સ્વતંત્ર રીતે કામ કરી શકો છો અથવા તો કોઈ કંપનીમાં જોડાઈ શકો છો. તમારા કામમાં કેટલા સફળ થાઓ છો એનો આધાર તમારી આવડત પર છે. સર્જનાત્મકતાની કોઈ સીમા હોતી નથી!
હાર્ડવેર અને નેટવર્કિંગ
આપણે ત્યાં આવા કોર્સીસની લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને જાણ હોય છે કારણ કે અખબારો અને ટીવીમાં આવા કોર્સીસની જાહેરખબરો સતત આવ્યા કરતી હોય છે. જો તમે કોઈ પ્રતિષ્ઠિત, જાણીતી ઇન્સ્ટિટ્યૂટમાંથી કોર્સ કરો તો તમારા માટે નોકરીની તક વધી જાય છે.
આ ક્ષેત્રના કોર્સીસ ઓફર કરતી મોટા ભાગની સંસ્થાઓ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એમ ઘણા બધા કોર્સ શીખવે છે. અહીં તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળે છે.
કોર્સ પૂરો કર્યા પછી જુદી જુદી આઇટી ઇન્ડસ્ટ્રીમાં આસાનીથી નોકરી મળી શકે છે. તમારામાં કંઈક નવું કરવાની ઘગશ હોય, સાહસ હોય તો તમારો પોતાનો કમ્પ્યુટર હાર્ડવેરનો નાનો-મોટો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.
કમ્પ્યુટર હાર્ડવેર મેઇન્ટેનન્સ
જેમને સોફ્ટવેરમાં ઝાઝો રસ ન પડતો હોય તેમને માટે આ કોર્સ છે, જેમાં પ્રિન્ટર, મોનિટર, માઉસ વગેરે જેવા કોમન કમ્પ્યુટર હાર્ડવેર કોમ્પોનન્ટ્સ, તેમાં આવતી મુશ્કેલીઓ અને તેના રિપેરિંગને લગતાં કામ શીખવવામાં આવે છે.

તમને નેટવર્કિંગમાં પણ રસ હોય તો બંને વિષયને સંયુક્ત રીતે શીખવાના જુદા જુદા કોર્સ પણ ઉપલબ્ધ છે. આ સિવાય કમ્પ્યુટર ઓપરેટર કોર્સ, ડીટીપી કોર્સ, એલએએન (લેન) કોર્સ, ગ્રાફિક ડિઝાઇનિંગ, પ્રિન્ટિંગ ટેક્નોલોજી અને સીએડી (કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન) જેવા કોર્સ પણ છે જે તમને નોકરી અપાવી છે.
એકાઉન્ટિંગ સોફ્ટવેર
તમને કમ્પ્યુટર સાયન્સ કે તેના ડેવલપમેન્ટમાં ખાસ રસ કે સમજ ન પડતાં હોય, પણ કમ્પ્યુટર પર કામ કરવું ગમતું હોય, ઉપરાંત કોમર્સમાં પણ તમારી ચાંચ ડૂબતી હોય તો ટેલી જેવા એકાઉન્ટિંગ સોફ્ટવેરનો કોર્સ સારી નોકરીની તક આપશે.
અલબત્ત, એકાઉન્ટિંગ સોફ્ટવેરના ક્ષેત્રે ટેલીનો લગભગ ઇજારો હોવાથી ટેલીના ઓપરેટર્સ પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. બીજી બાજુ, એકાઉન્ટિંગ માટેનાં તેમ જ જ્વેલરી બિઝનેસ કે હૉસ્પિટલ મેનેજમેન્ટ જેવા સેક્ટર માટેનાં, ટેલી ઉપરાંતનાં સ્પેશ્યલાઇઝ્ડ એકાઉન્ટિંગ સોફ્ટવેર અને બિઝનેસ સોલ્યુશન્સ પણ હવે ખાસ્સાં વિસ્તરી રહ્યાં છે.
કોમર્સ ગ્રેજ્યુએટ થયા પછી તમે સીએ કે સીએસ ન થઈ શકો તો નિરાશ થવાને બદલે, આવાં ચોક્કસ ક્ષેત્ર માટેનાં સોફ્ટવેર સોલ્યુશન્સ પર ફોકસ કરશો તો તમે જબરજસ્ત ડિમાન્ડમાં રહેશો અને વિવિધ કંપની તમને શોધતી આવશે.
માઇક્રોસોફ્ટ ઓફિસ અને ડેટા એન્ટ્રી કોર્સ
આ બહુ જ બેઝિક અને સાદો સરળ કોર્સ છે. જેમને કમ્પ્યુટરનો ઝાઝો ઉપયોગ કરતાં ન આવડતું હોય એવા લોકો માટે આ કોર્સ છે. એમાં એમએસ વર્ડ, એમએસ એક્સેલ, પાવરપોઇન્ટ જેવા વિષયો શીખવવામાં આવે છે. આ પ્રકારના કોર્સ કર્યા પછી કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મળી શકે.
જો તમે કોઈ નોકરીમાં ગોઠવાયેલા હો તો પરંપરાગત ઢબે કામ કરતા રહેવાને બદલે, આ કોર્સ કરીને નવી આવડત કેળવી શકો તો તે મદદરૂપ થશે.
અલબત્ત, એમએસ ઓફિસના જૂનાપુરાણા કોર્સ કરવાને બદલે એમાં જ સ્માર્ટ કમ્પ્યુટિંગની નવી વાતો જાણશો તો વધુ ચોક્કસ વધુ ફાયદો થશે.
આવા કોર્સની સાથોસાથ ‘સાયબરસફર’માં અવારનવાર જેની વાત થાય છે તે ઓપન અને ફ્રી ઓનલાઇન કોર્સીઝની સવલત આપતી સાઇટ્સનો પણ લાભ લેશો તો તમારા મનગમતા ક્ષેત્રમાં ઘણા આગળ વધી શકશો.

