આપણે જ્યારે પણ વોટ્સએપમાં ફોટો કે વીડિયો બીજાને મોકલીએ ત્યારે સામેવાળી વ્યક્તિને એ ફોટા કે વીડિયોની ઓરિજનલ ક્વોલિટી કરતાં ઊતરતી ક્વોલિટી મળે છે. એ ફોટોઝ મોબાઇલમાં સામાન્ય જોવામાં એટલા ખરાબ લાગતા નથી પણ એ ફોટોને ઝૂમ કરીને જુઓ અથવા તો પ્રિન્ટ લેવી હોય તો સારા આવશે નહીં.
આવું એટલા માટે થાય છે કે વોટ્સએપ આપણે મોકલેલ ફોટો કે વીડિયોને કમ્પ્રેસ કરી ડેટાની બચત કરે છે, જેથી આપણે મોકલેલ ફોટો કે વીડિયોની ફાઇલ સાઇઝ નાની થઈ જાય છે, પણ સાથે તેની ક્વોલિટી પણ નબળી થઈ જાય છે.
બીજી તરફ, અત્યારે મિત્રો, સંબંધી કે નાના મોટા બિઝનેસ માટે ફોટો/વીડિયો મોકલવા માટે સૌથી સહેલા રસ્તો હોય તો તે છે વોટ્સએપ. તો સારી ક્વોલિટીવાળા ફોટો કે વીડિયો વોટ્સએપમાં મોકલવા હોય તો?
આપણે હંમેશા ફોટો કે વીડિયો મોકલવા માટે ‘એટેચ’ ઓપ્શન ક્લિક કરી સીધા ગલેરીમાં ખાબકીએ અને જે ફોટો કે વીડિયો મોકલવાના હોય તેને સિલેક્ટ કરી મોકલી આપીએ, પણ જો ‘ગેલેરી’ને બદલે ‘ડોક્યુમેન્ટ’ ઓપ્શન પસંદ કરીને મોકલવામાં આવે તો ફોટો કે વીડિયોની ક્વોલિટી સામેવાળાને સારી મળશે!
