ફેસબુકમાં જાહેરાતો એટલે ફેસબુક માટે સૌથી લાભદાયી અને આપણા માટે સૌથી નુક્સાનકારક પાસું!
ફેસબુક પર આપણે આપણા વિશે જે કંઈ માહિતી મૂકી હોય, જે કંઈ પોસ્ટ કરી હોય અને બીજા લોકોની પોસ્ટ પર જે કંઈ એકશન લીધાં હોય તે બધું ધ્યાનમાં રાખીને ફેસબુક આપણને બીજા લોકોની કઈ પોસ્ટ વધુ પ્રમાણમાં બતાવવી તે નક્કી કરે છે અને તેની સાથોસાથ આ જ બધી વિગતોને આધારે આપણને કઈ જાહેરાત બતાવવી તે નક્કી થાય છે.
આ વાત ઉદાહરણ આપીને સમજાવતાં ફેસબુક પોતે કહે છે કે જો તમે ટ્રાવેલ વેબસાઇટ્સ કે એપ્સનો વધુ ઉપયોગ કરતા હો તો તમને ફેસબુક પર હોટેલ ડિલ્સની જાહેરાતો જોવા મળશે!
- જો તમે આવી ઇન્ટરેસ્ટ આધારિત જાહેરાતો બંધ કરો તો જાહેરાત બતાવતી વખતે માત્ર આપણા સર્ફિંગને ધ્યાને લેવાનું બંધ થશે, તેનાથી જાહેરાતના પ્રમાણમાં કોઈ ફેર પડશે નહીં.
- એ ખાસ યાદ રાખશો કે ફેસબુક પર તમે કોઈ પણ પેજ લાઇક કરો તો એ પેજની ફેસબુક પરની જાહેરાતમાં તમે તેને લાઇક કરો છો એવું તમારા નામ સાથે જોવા મળી શકે છે.
- હજી વધુ ગંભીર બાબત એ છે કે કોઈ પણ બિઝનેસ પેજને તમે લાઇક કર્યું હોય, તો એ પેજની કોઈ પણ – ફરી ધ્યાન આપશો – કોઈ પણ પોસ્ટ તમે લાઇક કરો છો એવા શીર્ષક સાથે ફેસબુક તમારા મિત્રોને બતાવી શકે છે.
- ફેસબુક આવી પોસ્ટની બાજુમાં માત્ર ‘રીલેટેડ પોસ્ટ’ એવો ઉલ્લેખ કરીને છૂટી જાય છે!
- મતલબ કે તમે જે પોસ્ટ લાઇક કરવાનું કે કમેન્ટ કરવાનું દૂર રહ્યું, જેને ક્યારેય જોઈ પણ ન હોય એવી પોસ્ટ પણ તમે લાઇક કરો છો એવું ફેસબુક આખી દુનિયાને કહી શકે છે.
- એટલે કે તમે શાકાહારી હો પણ કોઈ વેજ નોનવેજ બંને પ્રકારનું ફૂડ આપતી રેસ્ટોરાં ચેઇનના બિઝનેસ પેજને લાઇક કર્યું હોય અને એ પેજ પર ચીકન બર્ગરને પ્રમોટ કરતી પોસ્ટ મૂકાય, તો એ પોસ્ટને તમે લાઇક કરી છે એવું તમારા મિત્રોને જોવા મળે એવું બની શકે છે.
- ઉપરાંત આવી જાહેરાત ફેસબુક તમને પોતાને ક્યારેય બતાવતું નથી એટલે કોઈ મિત્ર તમને જાણ કરે ત્યારે જ ઝાટકો લાગી શકે છે.
માનવું મુશ્કેલ છે પણ તમે કોઈ પણ વેબપજની લિંક બીજા મિત્રો સાથે શેર કરો, જેને ફેસબુક પર લાઇક કરી શકાય તેમ હોય, તો ફેસબુક આપોઆપ એ પેજને તમે લાઇક કર્યું છે એવું ગણી લે છે. મતલબ કે તમને કોઈ વેબવતામાં દર્શાવાયેલી માહિતી સામે સખત વાંધો હોય અને એ વાંધો તમારા મિત્રો સમક્ષ રજૂ કરવા તમે એ પેજની લિંક મિત્રો સાથે શેર કરી હોય તો પણ ફેસબુક તેને લાઇક ગણી લે છે!
નીચેના સેટિંગ્સ અચૂક તપાસો.
ફેસબુકના સેટિંગ્સમાં, એડ્સ વિભાગમાં તમે જોઈ શકો છો કે ફેસબુકે તમારા ઇન્ટરેસ્ટ્સ, શા કારણે નોંધ્યા છે. અહીંથી તમે તે દૂર કરી શકો છો.
તમે કઈ કઈ એડવર્ટાઇઝર કંપની સાથે ફેસબુક દ્વારા ઇન્ટરએક્ટ કર્યું છે તે અહીં જોવા મળશે. આ કંપનીની વધુ ને વધુ જાહેરાતો તમને જોવા મળી શકે.
તમારી વિગતોના આધારે એડ ટાર્ગેટ ન કરી શકાય તેવાં આ સેટિંગ્સ બંધ કરવાથી ખાસ ફાયદો નથી. ફેસબુક આપણને વિવિધ કેટેગરીમાં આપમેળે ઉમેરી લે છે.
અહીંથી પણ તમે વિવિધ જાહેરાતોનું ટાર્ગેટિંગ બંધ કરી શકો છો. તમે જે બિઝનેસ પેજ લાઈક કરો તેની જાહેરાતમાં તમારું નામ કોણ જોઈ શકે તે પણ અહીંથી નક્કી કરી શકો.
ફેસબુક પર તમે અમુક નિશ્ચિત પ્રકારની જાહેરાતો ન જોવા માગતા હો તો તેને અહીંથી બંધ કરી શકો છો. આવી નવી કેટેગરી પણ તમે સૂચવી શકો છો.

