સવાલ મોકલનાર : અનિલ ખોડિદાસ પટેલ, મહેસાણા
હજી હમણાં સુધી આપણે લેપટોપ કે ડેસ્કટોપ ખરીદીએ તો તેમાં સ્ટોરેજ કેપેસિટી માટે આપણને ખાસ કોઈ વિકલ્પ મળતા નહોતા. દરેક ડેસ્કટોપ કે લેપટોપમાં હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (એચડીડી) નામે ઓળખાતી વ્યવસ્થાથી ડેટા સ્ટોર કરવાની સગવડ મળતી હતી.
હવે આપણી પાસે સોલિડ સ્ટેટ ડ્રાઇવ (એસએસડી)નો વિકલ્પ પણ છે. સોલિડ સ્ટેટ ડ્રાઇવ પ્રમાણમાં ઘણી નવી ટેકનોલોજી છે.
અહીં આપણે બંનેના ફાયદા અને ગેરફાયદા સમજીએ, જેથી તમે તમારું પોતાનું ડેસ્કટોપ કે લેપટોપ લેવાનો નિર્ણય કરો ત્યારે તેમાં ક્યા પ્રકારની સ્ટોરેજ ડ્રાઇવ હોવી જોઇએ તેનો વધુ માહિતીભર્યો નિર્ણય કરી શકો.
એચડીડી : હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રમાણમાં ઘણી જૂની ટેકનોલોજી છે. સૌથી પહેલાં છેક ૧૯૫૬માં આઇબીએમ કંપનીએ તે રજૂ કરી હતી. આ પ્રકારની ડ્રાઇવમાં, સપાટી પર મેગ્નેટિક કોટિંગ ધરાવતી અને વર્તુળાકારે ફરતી પ્લેટ પર આપણો ડેટા સ્ટોર થાય છે. આપણે જ્યારે કમ્પ્યુટર સિસ્ટમ બંધ કરીએ ત્યારે પણ આ ડ્રાઇવમાં સ્ટોર થયેલો ડેટા યથાવત જળવાઈ રહે છે.
પ્લેટ પર એક યાંત્રિક વ્યવસ્થાની મદદથી ડેટા લખાય છે અથવા વંચાય છે. કંઇક અંશે હાર્ડ ડિસ્ક ડ્રાઇવને આપણે જૂના જમાનાના ગ્રામોફોન સાથે સરખાવી શકીએ. જેમ મેગ્નેટિક કોટિંગ ધરાવતી ગ્રામોફોન રેકર્ડ પર ગીતો સ્ટોર થાય અને ગ્રામોફોનને ચાવી ભરાવતાં રેકર્ડ ગોળ ગોળ ફરે અને તેના પર પિન મૂકતાં ગ્રામફોનના ભૂંગળામાંથી ગીત વાગવાનું શરૂ થાય કંઈક એવી જ રીતે હાર્ડડિસ્ક ડ્રાઇવ કામ કરે છે!
એસએસડી : સોલિડ સ્ટેટ ડ્રાઇવ સામાન્ય હાર્ડ ડ્રાઇવનું બધું જ કામ કરે છે ફેર ફક્ત એટલો છે કે તેમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી. એક રીતે આપણે એસએસડીને સામાન્ય પેન ડ્રાઇવ સાથે સરખાવી શકીએ.
પેન ડ્રાઇવમાં પણ હાર્ડ ડિસ્ક ડ્રાઇવની જેમ હાર્ડ ડિસ્ક ડ્રાઇવ જેવા કોઈ મૂવિંગ પાર્ટસ હોતા નથી પરંતુ તેમાં ડેટા સ્ટોર કરી શકાય છે.
ફેર એટલો છે કે એસએસડીમાં યુએસબી પેન કરતાં જરા જુદા પ્રકારની ફ્લેશ મેમરી ચિપ્સ હોય છે અને તે સામાન્ય પેન ડ્રાઇવ કરતાં ઘણી વધુ ઝડપી અને વિશ્વસનીય હોય છે.
એસએસડી એચડીડી કરતાં ઘણી ઓછી જગ્યા રોકે છે, પરિણામે પીસી કે લેપટોપ ડિઝાઇન કરતી કંપનીને ઘણી સરળતા રહે છે.
આ પ્રકારની ડ્રાઇવ ડાયરેકટલી મધર બોર્ડ પર પણ મૂકી શકાય છે. મોટા ભાગના હાઇ એન્ડ લેપટોપમાં આવી જ વ્યવસ્થા હોય છે.
એસએસડી નવા પ્રકારની ટેક્નોલોજી છે, તેના નિર્માણમાં વપરાતા કોમ્પોનન્ટ્સ મોંઘા છે તથા નિર્માણ પ્રક્રિયા પણ જટિલ હોવાથી તે એચડીડી કરતાં ઘણી મોંઘી છે.
એચડીડી ક્યારે લાભદાયી?
જો તમારું બજેટ ઓછું હોય, વધુમાં વધુ ડેટા સ્ટોરેજની જરૂરિયાત હોય, લેપટોપ/પીસી કેટલું ઝડપી ઓપન થાય કે કેટલી વધુ ઝડપથી ફાઇલ્સ ઓપન કરે એની સાથે તમને નિસ્બત ન હોય તો એચડીડીથી કામ ચલાવી શકો.
એસએસડી ક્યારે લાભદાયી?
જો તમે ફાસ્ટ પર્ફોર્મન્સ માટે વધુ રૂપિયા ખર્ચવા તૈયાર હો અને પ્રમાણમાં ઓછી સ્ટોરેજથી કામ ચલાવી શકો એમ હો તો તમે એસએસડી લઈ શકો.

