લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી નોકરી કર્યા પછી એમણે સ્વતંત્ર કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. દેશ-વિદેશનાં વિવિધ સ્થળો પર રહીને કાર્ય કરવાનો અનુભવ મેળવ્યા પછી હાલ તેઓ અમદાવાદ સ્થાયી થઈને દેશ અને દુનિયામાં મુખ્યત્વે ટ્રેનિંગ, આઈટી સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં પ્રવૃત્ત છે.
વિકિપીડિયા વિશે સામાન્ય રીતે લોકોમાં “જ્યાંથી વિના સંકોચ કોપી મારી શકાય એવી એક વેબસાઇટ એવી માન્યતા જોવા મળતી હોય છે. આપણામાંથી બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે વિકિપીડિયા પર આપણે પોતે કશું ઉમેરીને જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવી શકીએ છીએ. ‘સાયબરસફર’ના વાચકો માટે આવી જ્ઞાન સાથે ગમ્મત કેવી રીતે મેળવી શકાય એની કેટલીક વાતો પ્રસ્તુત છે.
વિકિપીડિયા પર આ રીતે કામ કરવાના એટલે આપણું પણ યોગદાન આપવાના અનેક ફાયદા છે અને એને કારણે હવે ઘણી કોલેજીસ અને યુનિવર્સિટીઝ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ પાસે એક આખો વિકિપીડિયા લેખ લખાવવાનો આગ્રહ રાખતી થઈ છે.
દક્ષિણ ભારતમાં શરૂ થયેલી આ પ્રથાની હકારાત્મક અસર આ વર્ષે ગુજરાતમાં પણ જોવા મળી છે. ઉદાહરણ તરીકે, હમણાં અમદાવાદ યુનિવર્સિટીએ એના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે એક ખાસ તાલીમ શિબિરનું આયોજન કરેલું, જેમાં પહેલા તબક્કે વિકિપીડિયાના કાર્યકરોએ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો સાથે બેસીને એક માળખું તૈયાર કરવાં આવ્યું.
બીજા તબક્કે, એ માળખા મુજબ પ્રોફેસર્સને, તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વિકિપીડિયા વિશે માર્ગદર્શન આપી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા, પછી વિદ્યાર્થીઓને વિકિપીડિયા પર જાતે કશું ઉમેરી શકવા માટે વિકિપીડિયાની સિન્ટેક્સથી પરિચિત કરવાથી માંડીને વિકિપીડિયા પર સ્વયંસેવકોને લાગુ પડતા શિરસ્તાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.
આપણે પણ એ દિશામાં આગળ વધતાં, સૌ પ્રથમ વિકિપીડિયાનું માળખું સમજવાની કોશિશ કરીએ. વિકિપીડિયા ૨૦૦ કરતાં વધારે ભાષાઓમાં ઉપલબ્ધ જ્ઞાનકોષ છે. એમાં દરેક ભાષામાં બંધુ-પ્રકલ્પો (કે સિસ્ટર પ્રોજેક્ટ્સ!) પણ છે. દરેક વિકિપીડિયાના મુખપૃષ્ઠ પર તેના બંધુ-પ્રકલ્પોની યાદી મળી રહે છે.
ગુજરાતી વિકિપીડિયાની વાત કરીએ તો એના વિકિસ્રોત નામના બંધુ-પ્રકલ્પ પર ગુજરાતી ભાષાનાં ૧૦૦ કરતાં વધારે પુસ્તકોનું સ્વયંસેવકો દ્વારા ટાઈપ કરીને તૈયાર કરવામાં આવેલું લખાણ ઉપલબ્ધ છે.
વિકિપીડિયામાં સહયોગ કરવાના ફાયદાઓ
- જ્ઞાનકોષલાયક લખાણ (એનસાયક્લોપેડિક કન્ટેન્ટ) કેવી રીતે તૈયાર કરાય, એ માટે શું શું કાચા સામાનની જરૂર પડે અને એ કેવા પ્રકારના માળખામાં લખાયેલું હોવું જોઈએ એ શીખવા મળે, ગમ્મતની સાથે જ્ઞાનની રીતે શીખવા મળે છે.
- વિવિધ સમજણશક્તિ અને જ્ઞાન-સીમાડાઓ ધરાવતા અન્ય વિકિપીડિયનો સાથે કેવી રીતે કાર્ય કરી શકાય એની સમજણ વિકસે. ભવિષ્યમાં તમારે જો મોટી મલ્ટિનેશનલ કંપનીમાં કાર્ય કરવા માટે તમારી જાતને કેળવવી હોય તો તમારા માટે વિકિપીડિયા પર સ્વયંસેવક તરીકે કામ કર્યાનો અનુભવ કામમાં આવે એમ છે.
- કેમ કે આ રીતે ટીમ વર્કની ભાવના તમારામાં સારી રીતે કેળવાય છે જે તમને તમારા ભવિષ્ય માટે ખૂબ મદદરૂપ બની શકે છે.
- બહોળા વિષયો સાથે દરરોજ પરિચયમાં આવવાનું બનતું હોવાથી તમારા જ્ઞાનના સીમાડા વિકસે છે. જે તમને શાળા કે કોલેજ જીવનના ગ્રુપ ડિસ્કશન કે ડિબેટ કોમ્પિટિશનમાં ઉપયોગી બની શકે.
- અન્ય સ્થળોએ વિવિધ પ્રકારના પૂર્વગ્રહવાળા લેખ વાંચીને એમાંથી તટસ્થ દૃષ્ટિકોણ શોધતાં આવડે અને અને એકનું એક વાક્ય કેટકેટલા વિવિધ પ્રકારે લખી શકાય એ વિષેની ભાષા પરની પકડ મજબૂત બને છે. આ રીતે સંસ્કૃતમાં જેને “નીર-ક્ષીર ન્યાય કહે છે એ આપણામાં વિકસે છે. જે દેશની ભાવિ પેઢીમાં નીર-ક્ષીર ન્યાય વિકસ્યો હોય એ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને છે.
- વિકિપીડિયા થોડા થોડા સમયાતંરે કેટલીક ઈવેન્ટ્સનું પણ આયોજન કરે છે. આપણે જો વિકિપીડિયા પર સહયોગ આપી રહ્યા હોઈએ તો આપણને આ ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે તક મળે છે. જેમાં આપણને અન્ય દેશ અને દુનિયાના અલગ અલગ શહેરોમાંથી આવતા લોકોને મળવાની તક મળે છે. કેટલાક પ્રતિભાશાળી અને બહુ સારું યોગદાન કરતા હોય એવા લોકોને વિકિપીડિયા ઈવેન્ટ જવા-આવવાની ટિકિટ સાથે રહેવા અને જમવાનો ખર્ચ પણ મળે છે, જેને ‘વિકિપીડિયા તરફથી સ્કોલરશિપ’ મળી એમ કહે છે. આ બધી ઈવેન્ટ્સ દુનિયાના વિવિધ ખૂણે થતી હોવાથી ઘણી વખત કોઈ સુંદર પ્રવાસન સ્થળ આપણને વિકિપીડિયા તરફથી જોવા મળી જવાની પણ શક્યતા આમાં સમાયેલી છે.
- આ વર્ષે ભારતમાં ગૂગલ ને વિકિપીડિયા, બંનેએ સહયોગ કરીને કેટલાક જરૂરિયાતમંદ વિકિપીડિયનોને લેપટોપ અને ડેટાપેક ઉપલબ્ધ કરાવ્યાં છે. આ પ્રકારની સ્કીમ્સ સમયાંતરે જાહેર થતી રહેતી હોય છે, એ રીતે જો ફરી જાહેર થાય તો તમે પણ લેપટોપ અને ડેટાપેક ભેટ તરીકે મેળવી શકો છો (હા, એ લેપટોપની માલિકી એ લોકોની જ રહે છે – આપણને ફક્ત ઉપયોગ કરવા માટે મળે છે).
વિકિપીડિયા પર શું શું કરી શકો કે જેમાં તમને મજા પડે?
સૌથી સહેલું કામ :
- ગુજરાતી વિકિપીડિયા એક માત્ર એવો વિકિપીડિયા છે કે જેના પર અમુક કદથી મોટા હોય (ચોક્કસપણે જણાવું તો જ્યાં પણ ગ્રામપંચાયત અસ્તિત્વ ધરાવે છે તેવાં લગભગ ૧૮ હજાર) એવાં ગુજરાતનાં તમામ ગામ વિશેના લેખ હાજર છે. તમે એમાં તમારા ગામનો લેખ શોધીને વાંચી શકો છો. જો તમારું ગામ કોઈ છેવાડાનું ગામ હોય તો શક્ય છે કે તમારા ગામ વિશેની બધી જ માહિતી એમાં ન પણ હોય. તમે એ લેખમાં તમારા ગામ વિશેની માહિતી ઉમેરી શકો છો. ગામના અક્ષાંશ-રેખાંશ વિષેની માહિતી ઉમેરી શકો છો કે ગામમાં આવેલા સ્મારક, પાળીયા, ખાંભી, સરકારી કે સહકારી સ્થળો, ગામની ભાગોળની કે ગામમાં આવેલા જળાશયની છબીઓ તમારા મોબાઈલથી પાડીને લેખમાં ઉમેરી શકો છો. હા, લેખમાં છબીઓ ઉમેરવા માટે તમારે પહેલાં છબીઓ commons.wikipedia.org પર જઈને upload file સિલેક્ટ કરીને અપલોડ કરવી પડશે અને એ છબીઓ તમારી પોતાની હોવી જરૂરી છે. જો તમારી ન હોય તો વસ્તુસ્થિતિ થોડી અલગ બની જાય છે. હાલ પૂરતું લેખની લંબાઈને ધ્યાનમાં રાખીને આપણે એ વાત અહીં નથી કરતા.
- અન્ય સહેલું કામ છે હયાત લેખો ચકાસીને જો ભૂલો દેખાય તો એને સુધારતા જવાનું. જો તમારી ગુજરાતી ભાષાની જોડણી પર માસ્ટરી હોય તો આ કામ તમને સાવ જ સહેલું લાગશે. જે લેખમાં જોડણીની ભૂલ દેખાય એ લેખ પર ‘ફેરફાર કરો’ લખ્યું દેખાય તે જગ્યાએ ક્લિક કરવાથી જે તે પાનું કે જે તે ફકરો એક એડિટરમાં ખૂલશે. તમને જે સાચી જોડણી લાગે છે તે ખોટી જોડણીની જગ્યાએ ઉમેરી દો. ફેરફાર કરશો એટલે ‘પબ્લિશ ચેન્જીસ’ લિંક એનેબલ થશે. એના પર ક્લિક કરવાથી તમે કરેલો ફેરફાર કાયમ માટે વિકિપીડીયા પર સચવાઈ જશે.
વિકિ કાર્યશૈલીની થોડી સમજણ માગી લે એવું કામ :
- કોઈ ખાસ વિષયને સ્પર્શતા લેખ લખવાનું કે કોઈ જીવિત કે મૃત વ્યક્તિ વિશે લખવાનું કે પછી લેખમાં કોઈ દાવાઓ કે આંકડાઓ ઉમેરવાનું કામ વિકિ કાર્યશૈલીની થોડી સમજણ માગી લે એવું કામ છે. આપણે ગુજરાતી વિકિપીડિયા પર આપણું ખાતું ખોલાવીએ ત્યારે આપણા સભ્ય-પાનાના ચચર્નિા પાને આપણને ગુજરાતી વિકિના સંચાલકો તરફથી સ્વાગત સંદેશ મળે છે. એ સંદેશો જો આપણે આખો બરોબર સમજી લઈશું તો આ કામ આપણા માટે સહેલું થઈ જશે.
- તમારા પોતાના ગામનો લેખ શોધીને એમાં લખેલા ગામના અક્ષાંશ-રેખાંશ ચકાસી જોવાનું અને જો એ તાલુકા મથકના લખ્યા હોય તો એને સુધારીને તમારા ગામના જ અક્ષાંશ-રેખાંશ ઉમેરવાનું કામ કરી શકાય. ગુજરાતી વિકિ પર કોઈ પણ ગામ, નગર કે શહેરનો લેખ જોશો તો એમાં જમણી તરફ સાઇડમાં એક ઊભું બોક્સ દેખાશે. વિકિપીડિયાની પરિભાષામાં અંગ્રેજીમાં એને ઈન્ફોબોક્સ અને ગુજરાતીમાં માહિતીચોકઠું કહે છે. જોકે એમાં આપણે યોગ્ય રીતે ફેરફાર કરી શકીએ એ પહેલાં આપણને વિકિપીડિયાની સિન્ટેક્સ ખાસ ખબર હોવી જોઈએ. નહીંતર ‘ધરમ કરતાં ધાડ પડી’ એ કહેવતની માફક કંઈક સારું કરવા જતાં કશું ખરાબ થઈ જવાની પૂરી શક્યતા છે.
પ્રમાણમાં થોડું અઘરું કામ :
- નવા વિષય પર સાવ નવા જ લેખ બનાવવાનું કામ એ વિકિપીડિયા પર સૌથી અઘરું કામ છે. એ માટે પહેલાં થોડું રિસર્ચ કે વાંચન કરી રાખેલું હોય તો આપણને ઘણી સુવિધા રહે છે નહીંતર આપણો નવો જ બનાવેલો લેખ કોઈ કશા કારણે તરત જ રદ કરી નાખશે.
- નવો લેખ બનાવતાં પહેલાં તો આપણે એ લેખને લગતું સાહિત્ય-ઓનલાઇન કે ઓફલાઇન ભેગું કરી રાખેલું હોવું જોઈએ. એ પછી લેખનું મથાળું શું રાખવું છે એ નક્કી કરવું જોઈએ. દા.ત. ધારો કે કોઈ વ્યક્તિ વિષેનો લેખ બનાવવો છે તો એ વ્યક્તિનું આખું નામ એ લેખ માટેનું સહુથી યોગ્ય મથાળું બને છે. દા.ત. આપણે ગાંધીબાપુ વિષે લેખ બનાવવો છે એમ નક્કી કર્યું તો લેખનું મથાળું ‘પૂ.બાપુ’ કે ‘ગાંધીબાપુ’ એવુ રાખવું યોગ્ય નહીં ગણાય, પરંતુ એમનું પૂરું નામ ‘મોહનદાસ કરમચંદ ગાંધી’ જ રાખવું જોઈએ. પણ જો આપણે ગુજરાતી વિકિપીડિયા પર ‘મોહનદાસ કરમચંદ ગાંધી’ નામનો લેખ શોધીશું તો એ લેખ મળી આવશે. એનો અર્થ એ થયો કે આપણે ગાંધીબાપુનો નવો લેખ બનાવવાની જરૂર નથી. હયાત લેખમાં જો કોઈ માહિતી ખૂટતી લાગે તો એ આપણે ફક્ત સુધારી શકીએ છીએ. આપણી પહેલાંના લેખ બનાવનારે જો કોઈ ટાઈપિંગ કરવામાં ભૂલ કરી હોય તો એ આપણે વિના સંકોચ સુધારી શકીએ છીએ. જોડણીની બાબત માટે ગુજરાતી વિકિપીડિયા પર ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણી કોષ એમ બંનેની જોડણીમાંથી જોઈને મૂકવાની પ્રથા છે.
- જો આખું નામ એકસરખું હોય એવી બે વ્યક્તિઓ હોય તો એમના વ્યક્તિત્વના કે કારકિર્દીના લોકોમાં જાણીતા હોય એવા પાસાને નામ પૂરું થયા પછી સાદો કૌંસ કરીને એમાં અંદર લખી નાખી શકાય છે. દા.ત. કોઈ એક જ આખું નામ ધરાવતી બે વ્યક્તિ છે જેમાંની એક વ્યક્તિ ક્રિકેટર છે અને અન્ય વ્યક્તિ લેખક છે તો એ બન્નેના લેખનાં મથાળાં તો નામ સુધી સરખાં જ રહેવાનાં, પછી પહેલી વ્યક્તિના નામ પાછળ કૌંસમાં ક્રિકેટર અને અન્ય વ્યક્તિના નામની પાછળ કૌંસમાં લેખક લખી દેવાથી લેખનું મથાળું અદ્વિતીય બની રહે છે, જે વિકિપીડિયા પરના દરેક લેખનું મથાળું અલાયદું ઓળખાય એવું એટલે કે અદ્વિતીય હોવું જોઈએ એ પ્રાથમિક જરૂરિયાતને સંતોષે છે.
ઉપયોગી કડીઓ:
- ગુજરાતી વિકિપીડિયાનું મુખપૃષ્ઠ: https://gu.wikipedia.org
- ગુજરાતી વિકિપીડિયાના અન્ય સભ્યોની સાથે ચર્ચા કરવા માટેનો “ચોતરો : https://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:ચોતરો


