(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મારા ફોનમાં સેટિંગ્સ એપમાં પણ જાહેરાતો દેખાય છે, શું કરી શકાય?

સવાલ મોકલનાર : મુકેશગીરી ગોસ્વામી, વડોદરા

આ પ્રશ્ન ખરેખર સ્માર્ટફોનના હેન્ડસેટ બનાવતી ચાઇનીઝ કંપની ઝાયોમીના ફોનના સંદર્ભે પૂછાયો છે.

ઇન્ટરનેટનું સમગ્ર અર્થતંત્ર જાહેરાતો પર આધારિત છે એ આપણે સૌ જાણીએ છીએ. ઇન્ટરનેટ પર જુદા જુદા પ્રકારની સર્વિસ કે કન્ટેન્ટ આપતી કંપનીઝ, પોતાની સાઇટ કે એપમાં ગૂગલ કે તેના જેવા અન્ય એડવર્ટાઇઝિંગ નેટવર્ક તરફથી મળતી જાહેરાતોમાંથી આવક થતી હોવાને કારણે પોતાની સર્વિસ કે કન્ટેન્ટ મફત આપી શકતી હોય છે એ પણ આપણે જાણીએ છીએ.

પરંતુ મોબાઇલમાં અત્યાર સુધી આવી જાહેરાતો, ઇન્ટરનેટ બ્રાઉઝર કે આપણે ડાઉનલોડ કરેલી થર્ડ પાર્ટી એપ્સ પૂરતી સીમિત રહેતી હતી. એ સિવાય, ફોનનાં સેટિંગ્સ બતાવતી એપમાં કે માત્ર એપ ડ્રોઅર ઓપન કરીએ ત્યારે પણ જાહેરાત દેખાવા લાગે, તો અત્યાર સુધી એમ મનાતું હતું કે ફોનમાં એડવેર કે માલવેર ઘૂસી ગયો છે!

પરંતુ હવે આપણો હેન્ડસેટ બનાવતી કંપની અથવા આપણે જે કંપનીનું સિમ કાર્ડ મેળવ્યું હોય તે પોતે પણ આપણા ફોનમાં જાહેરાતો બતાવીને કમાણીના નવા રસ્તા શોધવા લાગી છે.

જો તમારા ફોનમાં રિલાયન્સ જિઓનું સિમકાર્ડ હોય તો તમારો અનુભવ હશે કે કંપની થોડા થોડા સમયે કે ખાસ તો આપણો પ્લાન પૂરો થવાનો હોય ત્યારે તેની જાહેરાતો બતાવે છે. અલબત્ત, આ જાહેરાતો જિયોની પોતાની જ હોય છે.

થોડા સમયથી સેમસંગ અને એચટીસી કંપનીએ પણ પોતાના મોબાઇલ પ્લેટફોર્મ્સ પર યૂઝર્સને જાહેરાતો બતાવવાનું શરૂ કર્યું છે અને હવે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અત્યંત લોકપ્રિય થયેલ ઝાયોમી કંપનીએ પણ યૂઝર્સને જાહેરાત બતાવવાનું શરૂ કરી દીધું છે.

આ કંપનીએ અત્યાર સુધી કંપનીની પોતાની એપ્સમાં જાહેરાતો બતાવવાનું વલણ રાખ્યું હતું. ઝાયોમીના ફોનમાં એમઆઇયુઆઇ નામે એન્ડ્રોઇડનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન હોય છે અને તેમાં ફાઇલ મેનેજર એપ તથા મ્યુઝિક એપમાં ઘણા સમયથી જાહેરાતો દેખાતી હતી, પરંતુ હવે કંપનીએ ફોનમાં સેટિંગ્સએપમાં પણ જાહેરાતોનો મારો શરૂ કર્યો છે!

છેલ્લા કેટલાક સમયથી ઝાયોમીના ફોનનો ઉપયોગ કરતા સંખ્યાબંધ લોકોએ ટવીટ્ર, રેડિટ વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે પોતાની નારાજગી દર્શાવવાનું શરૂ કર્યું છે, પણ કંપનીએ સ્પષ્ટતા કરી દીધી છે કે જાહેરાતોની તકલીફ તો રહેવાની જ છે! કંપનીના મતે, જાહેરાતો એ કંપની માટે આવકનો બહુ મોટો સ્રોત હોવાથી કંપની ફોનમાંથી જાહેરાતો સંપૂર્ણ દૂર નહીં કરે, પરંતુ યૂઝર્સ ઇચ્છે તો તેને બંધ કરી શકે છે.

તમે આ જાહેરાતો બંધ કરવા માગતા હો તો…


પહેલી સ્પષ્ટતા એ કે કંપની પોતે, પોતાના ફોનમાં જાહેરાતો બતાવવાનું બંધ કરવા માગતી ન હોવાથી, આ કામમાં સો ટકા સફળતા મળવી મુશ્કેલ છે. આમ છતાં, કેટલુંક સમાધાન કરીને તમે થોડે ઘણે અંશે આ જાહેરાતોથી પીછો છોડાવી શકો છો.

એ માટે….

ફાઇલ એક્સ્પ્લોરર અને મ્યુઝિક પ્લેયર એપમાં સેટિંગ્સમાં જઈને ‘રેકડમન્ડેશન્સ’નો વિકલ્પ તમે બંધ કરી શકો છો.

સેટિંગ્સ જેવી અન્ય એપમાં જાહેરાતો બંધ કરવા માટે…

  1. ફોનના સેટિંગ્સમાં જાઓ.
  2. તેમાં સિસ્ટમ એપ્સમાં જાઓ.
  3. તેમાં, જે એપ્સમાં તમે જાહેરાતો જોવા માગતા ન હો તે શોધી કાઢો, જેમ કે સેટિંગ્સ એપ.
  4. એ એપના સેટિંગ્સમાં જાઓ. અહીં જાહેરાત બંધ કરવાનો કોઈ વિકલ્પ નહીં દેખાય, પણ એ એપ માટે ડેટા કનેક્શન બંધ કરવાનો વિકલ્પ મળશે.
  5. જાહેરાતો ડેટા કનેક્શન ઓન હોવાને કારણે જ સર્વ થતી હોવાથી, ડેટા કનેક્શન બંધ કરતાં જાહેરાતો દેખાવાનું બંધ થશે.

અલબત્ત, એ એપ હવે તમને વારંવાર પોપ-અપ બતાવીને ડેટા કનેક્શન ઓન કરવાનું યાદ કરાવ્યા કરશે!

પરંતુ આનો અર્થ સ્પષ્ટ છે, એક તો જાહેરાત બંધ કરવા માટે આપણે જે તે એપનું ઇન્ટરનેટ કનેક્શન બંધ કરવું પડે અને તેને કારણે કેટલાક લાભ જતા કરવા પડે અને બીજું, જાહેરાતો બંધ થાય તોય, ડેટા-કનેક્શન ઓન કરવાનું યાદ અપાવતા પોપ-અપ્સની મગજમારી તો રહેશે જ!

આપણા સ્માર્ટફોનમાં ધરાર જાહેરાતો બતાવવાનું આ વલણ બીજી કંપનીઝ પણ અપનાવવા લાગશે તો ખરેખર મુશ્કેલી થશે.

ચાઇનીઝ હેન્ડસેટ બનાવતી કંપનીઝ પર વારંવાર ભારત સરકાર અને સંરક્ષણ દળો તરફથી પણ યૂઝર્સના ડેટાની ચોરી થતી હોવાની અને ચીનમાંનાં સર્વર્સમાં આપણો ડેટા પહોંચાડાતો હોવાની શંકા બતાવવામાં આવે છે. એ ધ્યાનમાં રાખતાં, ધરાર જાહેરાતો બતાવવાનું આ વલણ પણ ચોક્કસ જોખમી બની શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!