સ્માર્ટફોન ખરેખર માયાવી જિન છે.
એક બાજુ, એના અપાર લાભ છે. ભારત સરકાર સ્માર્ટફોનની મદદથી તમામ સરકારી સેવાઓનો લાભ આપણા સુધી એક એપમાં, એક લોગ-ઇનથી આપવાની દિશામાં આગળ વધી રહી છે. બીજી બાજુ, હમણાં બહાર આવેલી વાત મુજબ, એન્ડ્રોઇડ ફોનમાં લોકેશન સર્વિસીઝ બંધ કર્યા પછી પણ ગૂગલને આપણા લોકેશનની જાણ થતી હતી, ગૂગલે આ વાત સ્વીકારી પણ છે!
ત્રીજી બાજુ, સ્માર્ટફોનમાં માલવેર અને છેતરપીંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેનાથી બચવા માટે, આપણી પોતાની સજાગતા સિવાય આપણી પાસે લગભગ કોઈ હથિયાર જ નથી.
આ અંકમાં આ ત્રણેય પાસાંની વિગતવાર વાત કરી છે.
પણ, એક લેખ તરફ આપનું વિશેષ ધ્યાન દોરવા ઇચ્છું છું અને એમાંના વિચારો અંગે આપના પ્રતિભાવ પણ ઇચ્છું છું. યુવાનો તો ઠીક, નાનાં બાળકો પણ હવે સ્માર્ટફોનમાં રચ્યાંપચ્યાં રહીને પોતાની આગવી, અલગ, એકાકી દુનિયા ઊભી કરી રહ્યાં છે ત્યારે તેમને વાસ્તવિક દુનિયા તરફ પરત વાળવાનું કામ દાદા-દાદી કે નાના-નાની જ કરી શકશે, જો તેઓ બાળકોને ગમે એ રીતે, એમની નવી દુનિયા સમજીને તેમની સાથે સંવાદ કેળવી શકે તો. આપના અનુભવો અને વિચારો જરૂર જણાવશો!
– હિમાંશુ

