તમારે ક્યારેક વીડિયો જોતી વખતે, તેમાંના મહત્વના મુદ્દાની નોંધ કરવાની જરૂર ઊભી થઈ છે? લગભગ ક્યારેય એવી જરૂર ઊભી નહીં થઈ હોય અથવા, એવું પણ કરી શકાય એવો વિચાર કદાચ આવ્યો નહીં હોય, પણ નીચેની સ્થિતિઓ વિચારી જુઓ…
- તમારી દીકરીએ સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. તમે તેને મદદ કરવા માટે ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સની સાથોસાથ યુટ્યૂબ પર વિવિધ વીડિયો પણ તપાસી રહ્યા છો.
- તમે સિવિલ એન્જિનીયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છો અને દુનિયાના ‘ટોપ 10 આર્ક બ્રિજ’ વિશે તમારે એક પ્રેઝન્ટેશન આપવાનું છે. દેખીતું છે, તમે યુટ્યૂબ પર આવા બ્રિજના કન્સ્ટ્રક્શનની ડોક્યુમેન્ટરીઝ તપાસશો.
- તમારે જુદી જુદી હરીફ કંપનીની પ્રોડક્ટ્સની ટીવી કમર્શિયલ એડ્સનો અભ્યાસ કરીને, તમારી પોતાની પ્રોડક્ટ માટે કેમ્પેઇન તૈયાર કરવાનું છે. ફરી, તમારે યુટ્યૂબ કે બીજે ક્યાંક ટીવી એડ્સના વીડિયો શોધીને જોવા પડશે.
- આ બધી જ સ્થિતિમાં, તમે જે વીડિયો જોઈ રહ્યા હો એ જુદા જુદા વીડિયોમાં, જુદા જુદા તબક્કે કોઈક એવી માહિતી હશે, જેની તમારે નોંધ કરી લેવી જરૂરી હશે.
આ કામ બે રીતે થઈ શકે.
એક, તમે વીડિયો જોતી વખતે કાગળ-પેન સાથે રાખો અને જોયેલા દરેક વીડિયોનું યુઆરએલ લખો, તેમાં જે તે સમયે આવતો મુદ્દો લખો અને સાથે તેનો સમય પણ નોંધતા જાઓ. છેવટે તમારું પોતાનું પ્રેઝન્ટેશન તૈયાર કરો ત્યારે જરૂર પડે તેમ તેમ આ નોંધના આધારે, બધા વીડિયો ફરી જોવાની કસરત કરો!
બીજો સ્માર્ટ ઉપાય, એક ગૂગલ ક્રોમ એક્સટેન્શનનો ઉપયોગ કરવાનો છે. આ એક્સટેન્શન વિશે એક યૂઝરે પોતાના રીવ્યુમાં લખ્યું છે કે યુટ્યૂબ લોન્ચ થયે આટલાં બધાં વર્ષ થયાં છતાં, ગૂગલને પોતાને તેમાં આવી સગવડ ઉમેરવાની જરૂર કેમ દેખાઈ નથી એ નવાઈની વાત છે!
જો તમે ક્રોમમાં આ એક્સટેન્શન – ટર્બોનોટ – ઉમેરી દેશો તો તે પછી તમે જ્યારે પણ યુટ્યૂબ કે બીજી કોઈ પણ જગ્યાએ વીડિયો જોતા હશો ત્યારે આ એક્સટેન્શન ઓપન કરી, તેમાં વીડિયો સંબંધિત જુદા જુદા મુદ્દા નોંધી શકશો. દરેક વીડિયો તમે બુકમાર્ક કરી શકશો, એટલે જ્યારે જરૂર પડે ત્યારે એ વીડિયો સુધી ફરી સહેલાઈથી પહોંચી શકશો. બીજો ફાયદો એ છે કે તેમાં વીડિયો જે ચોક્કસ તબક્કે તમે તમારી નોંધ ઉમેરશો એ તબક્કાનો વીડિયોનો ટાઇમસ્ટેમ્પ આપોઆપ ઉમેરાતો જશે. એટલે કે જ્યારે તમારે કોઈ ચોક્કસ મુદ્દા સંબંધિત વીડિયોનો ભાગ ફરી જોવો હશે ત્યારે એ નોટ ક્લિક કરવાની રહેશે અને વીડિયો ત્યાંથી ફરી પ્લે થવાનું શરૂ થશે! તમારી નોટ્સ ઓટોમેટિકલી સેવ થતી જશે અને તમે તમે જ્યારે પણ એ વીડિયો ફરી જોશો ત્યારે તમારી નોટ્સ તેમાં જોવા મળશે. નોટ્સમાં તમે જોઈતો મુદ્દો સર્ચ કરી શકશો અને ઇચ્છો તો બીજા મિત્રો કે તેમને પોતાને શેર પણ કરી શકશો.
એકથી વધુ મિત્રો અલગ અલગ જગ્યાએથી એક વીડિયો જુએ અને તેમાં પોતપોતાની નોટ્સ ઉમેરતા જાય એવી સગવડ પણ તેમાં ઉમેરાઈ રહી છે! આવાં એક્સટેન્શન વધુ એક વાર સાબિત કરે છે કે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા ફક્ત વાંચવા-જોવાનં માધ્યમ નથી. તમે પોતે એમાં તમારું કન્ટેન્ટ ઉમેરી શકો, તેમ જે કામનું લાગે તે જુદી જુદી રીતે સાચવી પણ શકો. વેબ પરની ટેક્સ્ટ કે ઇમેજને જુદી જુદી રીતે સેવ કરવાની સગવડ તમે જાણતા જ હશો, પણ વીડિયો પોટ્સ જેવાં આ ટૂલનો પણ ઉપયોગ કરતા થશો એ તમને તમારી કરિયરમાં ચોક્કસ આગળ રાખી શકશે.
પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં વેબ સ્ટોર (https://chrome.google.com/webstore)માં જાઓ. અહીં ડાબી તરફથી પેનલમાંના સર્ચ બોક્સમાં Turbonote સર્ચ કરો. આ એક્સટેન્શન ક્રોમમાં ઉમેરી દો (તમે ગૂગલ એકાઉન્ટમાં લોગ-ઇન ન હો તો કરવું પડશે).
હવે આ એક્સટેન્શન તમે જે વેબસાઇટનુ મુલાકાત લેશો તેના પર તમે ઉમેરેલો ડેટા વાંચી અને બદલી શકશે તથા જે તે વેબસાઇટ સાથે કમ્પ્યુનિકેટ કરી શકશે એ મુદ્દા તરફ આપણું ધ્યાન દોરવામાં આવશે. ટર્બોનોટનો હેતુ જ એ હોવાથી, તે માટે સંમતિ આપો. હવે ક્રોમમાં આ એક્સટેન્શન ઉમેરાઇ જશે અને તેના એડ્રેસબારની પેનલમાં છેક જમણે છેડે તેનો આઇકન ઉમેરાઈ જશે.
યુટ્યૂબ જેવી સાઇટ પર વીડિયો ચાલુ કર્યા પછી, ક્રોમમાં આ એક્સટેન્શન ઓપન કરશો એટલે તેમાં નોટ્સ ઉમેરવાની વિન્ડો અને બીજા વિકલ્પો દેખાશે. વીડિયો ચાલુ હોય ત્યારે તમે જુદા જુદા સમયે નોંધ ટપકાવી શકશો અને એ આપોઆપ સેવ થઈને નીચેની પેનલમાં ઉમેરાતી જશે. કોઈ પણ નોટ પર ક્લિક કરી, વીડિયો એ જ સમયથી ફરી પ્લે કરી શકાશે!

