એક તરફ ભારતમાં મોટી મોટી આઇટી કંપનીઓમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કંપનીઓ આવક અને ખર્ચનો તાલમેલ જાળવી રાખવા માટે કર્મચારીઓની મોટાપાયે છટણી કરી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકામાં ટેકનોલોજી કંપનીઓ આખા દેશના અર્થતંત્ર પર રાજ કરવા લાગી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે તેમનું બિઝનેસ બેકગ્રાઉન્ડ જોતા અમેરિકાની મોટી બેંક્સ અને કન્સ્ટ્રકશન કંપનીઓના શેરમાં જબરો ઉછાળો આવ્યો હતો. લોકોને અપેક્ષા હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્ષેત્રોમાં તેજી લાવશે પરંતુ છ મહિના પછી એ આશાઓ હજી સાકાર થઈ નથી પણ અમેરિકાના અર્થતંત્રમાં ટેક કંપનીઓનો દબદબો સતત વધી રહ્યો છે.
૨૦૧૭ના વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં એપલ, આલ્ફાબેટ (ગૂગલની મૂળ કંપની), ફેસબુક, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓનો શેરબજારમાં આવેલા ઉછાળામાં ૩૭ ટકા જેટલો સિંહફાળો રહ્યો છે. તેની સામે અમેરિકન અર્થતંત્રની અન્ય કંપનીઓ એક ટકા કરતા પણ ઓછી વૃધ્ધિ બતાવી શકી છે.
આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, વિશ્વના અર્થતંત્રમાં ટેકનોલોજીની ભૂમિકા બહુ મોટી રહેવાની છે.

