લાંબા સમયથી ગાજી રહેલી પેમેન્ટ બેન્ક્સ આખરે શરૂ થવા લાગી છે. એરટેલ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક બની છે અને તેના પગલે ભારતીય પોસ્ટની પેમેન્ટ બેન્ક પણ શરૂ થવામાં છે. પેટીએમની પેમેન્ટ બેન્ક પણ પહેલા તબક્કામાં શરૂ થઈ ગઈ છે.
અલબત્ત, આવી બેન્કનાં લાઇસન્સ મેળવનારી અન્ય કંપનીઓ હજી કોઈ આયોજન જાહેર કર્યાં નથી.
પેમેન્ટ બેન્ક્સ ભારતની બેન્ક વ્યવસ્થામાં કેવો ભાગ ભજવશે એ તો આવનારો સમય કહેશે, પણ આપણા માટે બિલકુલ નવી આ બેન્ક્સ કેટલી કામની છે એ સમજવા માટે, અત્યારે ઇન્ડિયા પોસ્ટ અને એરટેલની પેમેન્ટ બેન્કનાં કેટલાંક પાસાં સરખાવી લઈએ.
પેટીએમ બેન્ક, તેના વોલેટની જેમ જ ચાલશે, તેમાં બીજો કોઈ મોટો ફેર નથી.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક
- ૩ પ્રકારનાં ખાતાં ખોલી શકાય: સફલ, સુગમ અને સરલ. સફલ અને સુગમ ખાતામાં વધુમાં વધુ રૂ. એક લાખનું બેલેન્સ રાખી શકાય અને સુગમમાં વધુમાં વધુ રૂ. પચાસ હજાર સુધીનું બેલેન્સ રાખી શકાશે.
- ખાતા અનુસાર ત્રિમાસિક સરેરાશ બેલેન્સ મુજબ વ્યાજ મળશે. સરેરાશ બેલેન્સ રૂ. ૨૫૦૦૦થી ઓછું હોય તો વાર્ષિક ૪.૫ ટકા, ૨૫૦૦૦થી ૫૦૦૦૦ વચ્ચે હોય તો વાર્ષિક ૫ ટકા અને ૫૦,૦૦૦થી ઉપર હોય તો વાર્ષિક ૫.૫ ટકા વ્યાજ.
- દરેક ખાતા માટે પ્રિ-ડેબીટ કાર્ડ આપશે. આ કાર્ડ રૂપે કાર્ડ હશે કે વિઝા/માસ્ટરકાર્ડ હશે તેની સ્પષ્ટતા નથી.
- નેફ્ટ, આઇએમપીએસ, આધારિત પેમેન્ટ સિસ્ટમ, યુપીઆઈ અને યુએસએસડીની મદદથી ફંડ ટ્રાન્સફર કરી શકાશે.
- નજીવી ફી સાથે ઘેર બેઠાં કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોઅલ, બેલેન્સ, આધાર ટુ આધાર ફંડ ટ્રાન્સફર જેવી સુવિધા આપશે.
એરટેલ પેમેન્ટ્સ બેન્ક
- અલગ અલગ પ્રકારનાં ખાતાં નથી. વ્યક્તિનો મોબાઇલ નંબર તેમનો બેન્ક ખાતા નંબર બનશે (એરટેલ ઉપરાંત અન્ય કોઈ પણ કંપનીનો મોબાઇલ નંબર).
- બચત ખાતામાંની રકમ માટે વાર્ષિક ૭.૨૫ ટકાનું વ્યાજ + રૂ. એક લાખનો વ્યક્તિગત અકસ્માત વીમો + એરટેલના ગ્રાહકો માટે ફ્રી ટોકટાઈમ જેવા લાભ.
- કોઇ ફિઝિકલ ડેબિટ કાર્ડ આપશે નહીં. જોકે માસ્ટર કાર્ડના વર્ચ્યુઅલ કાર્ડની મદદથી ખાતેદાર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.
- ખાતેદાર પોતાના ખાતામાંથી રોકડ રકમ ઉપાડશે તો રૂ. ૪૦૦૦થી ઓછી રકમ માટે રૂ. ૨૫ સુધીનું અને તેથી વધુ રકમ માટે રકમના ૦.૬૫ ટકા જેટલો ચાર્જ લાગશે. ખાતુ બંધ કરવાનો ચાર્જ પણ રહેશે.
- બધી જ લેવડદેવડ મોબાઇલ પર કે એરટેલનાં કેન્દ્રો પરથી થઈ શકશે.
