(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સમજીએ મોબાઇલમાં આધાર એપનો ઉપયોગ

જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી – અત્યાર સુધી આ શબ્દો આપણે જીવન વીમા માટે જ સાંભળતા આવ્યા છીએ. પરંતુ હવે આ શબ્દો આધાર કાર્ડને પણ પૂરેપૂરા લાગુ પડે છે.

ફોન માટે નવું સિમ કાર્ડ મેળવવું હોય કે બેન્કમાં નવું ખાતું ખોલાવવું હોય તો આધાર કાર્ડ હવે અનિવાર્ય બની ગયું છે. ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે મૃત્યુનો દાખલો મેળવવા માટે પણ મૃતકનું આધાર કાર્ડ જોઈશે એવી વાત આવી હતી. જોકે પછી સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઈ મૃત વ્યક્તિની ઓળખનો આતંકવાદીઓ ગેરલાભ ન ઉઠાવે એ માટેનો આ પ્રયાસ છે, તે ફરજિયાત નથી.

આમ પણ રાઇટ ટુ પ્રાઇવસીને સર્વોચ્ચ અદાલતે મૂળભૂત અધિકાર ગણાવ્યા પછી આધારનું કોકડું થોડું ગૂંચવાયું અને આધારકાર્ડ આધારિત પેમેન્ટ વ્યવસ્થા હજી આપણે ત્યાં બહુ ચલણમાં આવી નથી પરંતુ એક વાર ચિત્ર સ્પષ્ટ થયા પછી આધાર આધારિત વ્યવસ્થાઓ વેગ પકડશે તો પછી આપણે ડગલે ને પગલે આપણા આધાર કાર્ડની જરૂર પડવાની છે.

આ ધ્યાને રાખીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટિ ઓફ ઇન્ડિયાએ આપણા આધાર કાર્ડ ડેટા માટે એક ખાસ મોબાઇલ એપ લોન્ચ કરી છે.

આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઇડ માટે ઉપલબ્ધ છે. આ એપ અત્યારે બીટા વર્ઝનમાં છે અને તેમાંના ડેટાની સલામતી માટે પ્રમાણમાં સારી વ્યવસ્થા હોવા છતાં જો તમારો મોબાઇલ ફોન ખોવાય તો તમારા આધાર કાર્ડ સંબંધિત ડેટા પણ જોખમાઈ શકે છે. અલબત્ત જો તમે મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ શરૂ કરી દીધો હોય તો જોખમનું પ્રમાણ લગભગ સરખું જ છે!

આ પૂર્વભૂમિકા ધ્યાને રાખીને તમે આધારની મોબાઇલ એપનો લાભ લેવા માગતા હો તો તેનાં હાલનાં જમા-ઉઘાર પાસાં જાણી લઇએ.

એટલું યાદ રાખશો કે તમે આધાર કાર્ડ કરાવતી વખતે તેમાં તમારો જે મોબાઇલ નંબર નોંધાવ્યો હોય એ મોબાઇલ નંબર ધરાવતા સ્માર્ટફોનમાં જ આ એપ ચાલશે. વોટ્સએપ જેવી એપમાં આપણે જે નંબર આપ્યો હોય તે સિવાયના સ્માર્ટફોનમાં વોટ્સએપ ડાઉનલોડ કરીને તેને એક્ટિવેટ કરવા માટેનો ઓટીપી આપણે મૂળ મોબાઇલ નંબર ધરાવતા ફોનમાં મેળવી શકીએ છીએ અને તેને જે ફોનમાં વોટ્સએપ ચલાવવા માગતા હોઈએ તેમાં મેન્યુઅલી ટાઇપ કરી શકીએ છીએ. પરંતુ એમઆધાર એપમાં આવી ટ્રિક ચાલશે નહીં. તેમાં સલામતી ફીચર તરીકે જે તે મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી આપોઆપ રીડ અને વેરિફાઇ થાય તેવી વ્યવસ્થા છે.

આથી આધાર કાર્ડમાં નોંધાવેલા મોબાઇલ નંબર ધરાવતા સ્માર્ટફોનમાં એમઆધાર એપ ઇન્સ્ટોલ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ.

અહીં એમઆધાર સર્ચ કરો. યાદ રાખશો કે આધાર સંબંધિત ઘણી બિનઅધિકૃત એપ પણ પ્લેસ્ટોર પર હોવાથી આ સત્તાવાર એપનો સ્પેલિંગ બરાબર ટાઇપ કરશો અને તેના ડેવલપર તરીકે યુઆઈડીએઆઈનું નામ બે ત્રણ વાર બરાબર તપાસીને પછી એપ ડાઉનલોડ કરશો.

એપ ઇન્સ્ટોલ થયા પછી તેને ઓપન કરશો ત્યારે સૌથી પહેલાં તમારો નવો પાસવર્ડ નક્કી કરવાનું કહેવામાં આવશે. આધાર કાર્ડ સંબંધિત ડેટાનો જ્યારે પણ તમે આ એપ દ્વારા ઉપયોગ કરો ત્યારે આ પાસવર્ડની જરૂર પડશે એટલે એ તમને સહેલાઇથી યાદ રહેવો જરૂરી છે. પરંતુ સાથોસાથ બીજા કોઈ તે જાણી ન લે એવો અઘરો હોવો પણ જરૂરી છે.


પાસવર્ડ સેટ થઈ ગયા પછી તમને તમારા આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનું કહેવામાં આવશે અથવા તમે ફોનમાંના ક્યુઆર કોડ રીડરથી, તમારા ફિઝિકલ આધાર કાર્ડ પરનો ક્યુઆર કોડ સ્કેન કરી શકો છો. એ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે. જ્યારે એપ આ વેરિફિકેશન કોડ આવવાની રાહ જોઈ રહી હોય ત્યારે ફોનમાં બીજી કોઈ એપમાં જશો નહીં.

આગળ કહ્યા મુજબ આ કોડ એપ આપોઆપ રીડ કરશે અને તે વેરિફાય થશે તો આધારના સર્વર પરનો તમારો તમામ ડેટા તમારા મોબાઇલમાંની એપ સાથે સિન્ક થઈ જશે.

જો તમારા પોતાના આધાર ડેટા ઉપરાંત પરિવારના અન્ય સભ્યો માટે પણ તમારો પોતાનો જ નંબર આપ્યો હોય તો એમનો ડેટા આ એપમાં સિન્ક કરી શકશો. જોકે, એક સ્માર્ટફોનમાં માત્ર ત્રણ પ્રોફાઇલ સિન્ક કરી શકાય છે.

તમે કદાચ જાણતા હશો કે આધારની વેબસાઇટ પર જઈને આપણે આપણી બાયોમેટ્રિક્સ વિગતો સહિતનો ડેટા લોક કરી શકીએ છીએ. આપણા સિવાય બીજી કોઈ વ્યક્તિ આપણા ડેટાનો બિનઅધિકૃત ઉપયોગ ન કરી શકે એ માટે આપણો ડેટા લોક રાખવો જરૂરી છે.

આ રીતે આધારની સાઇટ પર જઇને તમે ડેટા લોક કર્યો ન હોય તો તમે આધારની એપમાં એ કામ સહેલાઇથી કરી શકશો. ખરેખર તો એપ પોતે તમને ડેટા લોક કરવાનું સૂચવશે.

એટલું યાદ રાખશો કે તમે ડેટા લોક રાખશો તો જ્યારે પણ નવું સીમકાર્ડ કઢાવતી વખતે કે અન્ય કોઈ સંજોગમાં તમારે આધાર આધારિત વેરિફિકેશન કરવાનું થાય ત્યારે પહેલાં તમારે ડેટા અનલોક કરવો પડશે.

જ્યારે આપણો આધાર ડેટા અનલોક હોય ત્યારે આપણે આ એપ મારફત સહેલાઇથી ઇકેવાયસી કે ક્યુઆર કોડ જનરેટ કરીને વેરિફિકેશન માટે કોઈની પણ સાથે શેર કરી શકીએ છીએ. આપણે બ્લુટૂથ કે ઇમેઇલ દ્વારા પણ આ ડેટા શેર કરી શકીએ છીએ.

આગળ કહ્યું તેમ આધાર એપમાં આવું કોઈ પણ પગલું ભરતી વખતે આપણે પહેલેથી પસંદ કરેલો પાસવર્ડ એન્ટર કરવો પડશે.

જો તમે સ્માર્ટફોન બદલો અને નવા ફોનમાં જૂના (આધારમાં રજિસ્ટર્ડ) મોબાઇલ નંબરવાળું સીમ નાખીને તે ફોનમાં એમઆધાર એપ ઇન્સ્ટોલ કરશો તો જૂના ફોનમાં તમારો પ્રોફાઇલ સિન્ક્ડ રહેશે નહીં, પરંતુ નવા ફોનમાં અગાઉની જેમ બધી વિધિ કર્યા પછી પ્રોફાઇલ એક્ટિવેટ કરી શકાશે. (તમને ખ્યાલ હશે કે ભીમ એપ પણ આ જ રીતે કામ કરે છે.)

આધાર કાર્ડ સાથેનો તમારો બાયોમેટ્રિક ડેટા લોક રાખવાનું આ એપને કારણે સહેલું બન્યું છે. આપણી વિગતોનો  કોઈ બિનઅધિકૃત ઉપયોગ ન કરે તે માટે આ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!