સવાલ મોકલનાર : હેમંત ચુડાસમા, અમદાવાદ
એપલ કંપનીના આઇફોન અને ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનમાં એક પાયાનો તફાવત એ છે કે એપલના આઇફોનમાં એપલે ડિઝાઇન કરેલી આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ ફેરફાર વગર ઉપયોગમાં લેવામાં આવે છે કારણે આઇફોનના મેન્યુફેક્ચરિંગ પર એપલનો જ અંકુશ છે. જ્યારે એન્ડ્રોઇડના કિસ્સામાં વિવિધ હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપનીને ગૂગલ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડનું બિલકુલ પાયાનું વર્ઝન તદ્દન ફ્રી આપે છે અને મેન્યુફેકચરિંગ કંપની તેમાં પોતપોતાની રીતે વિવિધ સુવિધા ઉમેરે છે.
આમ છતાં ઘણી કંપની પોતાનાં કેટલાંક મોડેલમાં એન્ડ્રોઇડના મૂળ વર્ઝનમાં કોઈ ફેરફાર કર્યા વગર પણ તેને ઉપયોગમાં લે છે. એન્ડ્રોઇડના જે વર્ઝનમાં ગૂગલની મૂળ ડિઝાઇન સિવાય લગભગ કોઈ ફેરફાર કરવામાં ન આવ્યા હોય તેને સ્ટોક એન્ડ્રોઇડ કહેવામાં આવે છે. ક્યારેક તેને વનિલા (બીજી કોઈ ફ્લેવર ઉમેર્યા વિનાનો આઇસ્ક્રીમ!) પણ કહેવામાં આવે છે.
સ્ટોક એન્ડ્રોઇડવાળા ફોનમાં એન્ડ્રોઇડનું જ્યારે પણ નવું વર્ઝન આવે ત્યારે તે આપણને ઝડપથી મળવાની શક્યતા વધી જાય છે.
સ્ટોક એન્ડ્રોઇડ વર્ઝન ધરાવતા ફોન અને મેન્યુફેકચરિંગ કંપનીએ ઉમેરેલી સુવિધાઓ ધરાવતા ફોનમાં યૂઝર્સ માટે દેખીતો તફાવત એ હોય છે કે, સ્ટોક એન્ડ્રોઇડ વગરના ફોનમાં કંપની તરફથી કેટલીક એપ્સ પણ ધરાર ઉમેરવામાં આવી હોય છે. હવે સ્માર્ટફોનમાં સ્પેસની સમસ્યા પ્રમાણમાં ઓછી થઈ છે પરંતુ અગાઉ ચાર કે આઠ જીબીની સ્પેસ ધરાવતા ફોનમાં જો કંપનીએ સ્ટોક એન્ડ્રોઇડમાં પોતાના ફેરફાર કર્યા હોય અને બીજી એપ્સ ધરાર ઉમેરી હોય તો એ બધું ફોનમાં સરવાળે વધુ જગ્યા રોકે છે. ઉપરાંત મોટા ભાગની કંપની પોતે ઉમેરેલી એપ્સ અનઇન્સ્ટોલ પણ કરવા દેતી નથી.
સ્ટોક એન્ડ્રોઇડવાળો ફોન લેવાના કેટલાક દેખીતા ફાયદા છે.
વધુ સ્ટોરેજ સ્પેસ : સ્ટોક એન્ડ્રોઇડમાં કોઈ પણ પ્રકારની બિનજરૂરી એપ્સ ઉમેરેલી હોતી નથી કે મૂળ ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ ફેરફાર ન કરવામાં આવ્યો હોવાથી ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં વધુ સ્ટોરેજ સ્પેસ મળે છે.
બહેતર પર્ફોર્મન્સ : સામાન્ય રીતે મોટી અને જાણીતી હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપની સ્ટોક એન્ડ્રોઇડમાં ફેરફાર કરે તો પણ તેનાથી ફોનના પર્ફોર્મન્સમાં કોઈ ફેર ન પડે તેની કાળજી લેતી હોય છે પરંતુ ઘણી કંપની આવી કાળજી રાખ્યા વિના, ખાસ કરીને બજેટ ફોનના સ્ટોક એન્ડ્રોઇડમાં ફેરફાર કરે તો તેની દેખીતી અસર ફોનના પર્ફોર્મન્સ પર પડી શકે છે અને આવા ફોનમાં બેટરી વધુ પ્રમાણમાં ખર્ચાય તેવું પણ બની શકે છે.
ઝડપી અપડેટ્સ : સ્ટોક એન્ડ્રોઇડવાળા ફોનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં એન્ડ્રોઇડનું જ્યારે પણ નવું વર્ઝન આવે ત્યારે તે આપણને ઝડપથી મળવાની શક્યતા વધી જાય છે. જો મેન્યુફેક્ચરિંગ કંપનીએ એન્ડ્રોઇડના એક વર્ઝનમાં ખાસ્સા ફેરફાર કર્યા પછી પોતાનો મોબાઇલ લોન્ચ કર્યો હોય અને એન્ડ્રોઇડનું નવું વર્ઝન આવે તો ત્યારે કંપનીએ ફરીથી નવા વર્ઝનમાં પણ અગાઉ જેવા ફેરફાર કરવા પડે છે. ઘણી કંપની આવો ખર્ચ ન કરવાનું પસંદ કરે છે અને પરિણામે તેના જૂના વર્ઝન ધરાવતા મોબાઇલમાં નવું વર્ઝન અપડેટ કરવાની સુવિધા આપતી નથી.
આપણા કરતાંય ગૂગલને આ સમસ્યા વધુ સતાવે છે.

