(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપની બનાવટી એપ: ચિંતાનાં ઘણાં કારણ છે!

હજી આપણે સૌ સ્માર્ટફોનના સ્માર્ટ યૂઝર બનવાની મથામણ કરી રહ્યા છીએ ત્યાં આપણા માટે એક ચિંતાજનક સમાચાર છે – સ્માર્ટફોનનો ગેરલાભ લેનારા લોકો એટલા સ્માર્ટ બની ગયા છે કે એ ગૂગલ જેવી મહાકાય અને સ્માર્ટ ટેક્નોલોજીની જન્મદાતા જેવી કંપનીને પણ ઊંઠાં ભણાવી શકે છે!

તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશો, એટલે આગળની વાત ધ્યાનપૂર્વક વાંચજો!

આગળ શું વાંચશો?

  • ખરેખર શું બન્યું હતું?

  • આ એપથી નુક્સાન શું હતું?

  • નુકસાન ગૂગલનું નહીં, આપણું છે!

  • પ્લે સ્ટોરમાં એપ ડાઉનલોડ કરતી વખતે શું ધ્યાન રાખશો?

  • યુસી બ્રાઉઝર પ્લે સ્ટોરમાંથી ગાયબ થયું અને પછી પાછું ઉમેરાયું

ખરેખર શું બન્યું હતું?

થયું એવું કે ગયા મહિને, ગૂગલના ધ્યાનમાં આવ્યું કે તેના પ્લે સ્ટોરમાં અત્યંત લોકપ્રિય વોટ્સએપના નામે એક ફેક – બિલકુલ બનાવટી એપ ઘૂસી ગઈ છે.

ગૂગલે એ એપને પ્લે સ્ટોરમાંથી દૂર કરી અને તેના ડેવલપર પર વધુ કોઈ એપ રજૂ કરવા સામે પ્રતિબંધ મૂકી દીધો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ બનાવટી એપ દસ લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા હતા!

બાજુનો સ્ક્રીનશોટ જોશો તેમ, આ એપ પહેલી નજરે, કોઈ રીતે બનાવટી લાવે તેવી નહોતી. બધે વોટ્સએપનો, સૌનો જાણીતો લોગો પણ હતો. એપને બીજા યૂઝર્સ તરફથી ચાર સ્ટાર મળેલા હતા અને સંખ્યાબંધ લોકોએ તેનાં વખાણ કરતા રીવ્યૂ પણ લખ્યા હતા. એપનું નામ હતું – ‘અપડેટ વોટ્સએપ મેસેન્જર’ તેના ડેવલપર તરીકે વોટ્સએપનું જ નામ હતું.

એપના આ નામમાં ગરબડ હતી, જેના તરફ, ઇન્ટરનેટનો પૂરતો અનુભવ ન ધરાવતા લોકોનું ધ્યાન જાય એવી શક્યતા નહોતી.

આપણે પોતાના ફોનમાં વોટ્સએપ જેવી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કર્યા પછી, એપના ડેવલપરે તેમાં કોઈ નવી સુવિધાઓ ઉમેરી હોય તો તેનો લાભ લેવા માટે આપણે એ એપના નવા વર્ઝનથી પોતાના ફોનમાંની એપને અપડેટ કરવી પડે.

જો તમારા ફોનમાં વોટ્સએપ એપ હોય તો તેને અપડેટ કરવા માટે તમારે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. એવું લાગે છે કે ઘણા લોકોને આ સાદી વાતની જાણકારી ન હોવાનો હેકર્સે લાભ લીધો, કેમ કે વોટ્સએપ ‘અપડેટ’ કરી આપતી નવી એપ દસેક લાખ લોકોએ ડાઉનલોડ કરી!

હવે, જો તમે સ્માર્ટફોનના સ્માર્ટ યૂઝર હો તો તમે જાણતા જ હો કે એપને અપડેટ કરવા માટે આપણે નવી કોઈ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવી ન પડે, આપણા સેટિંગ્સ અનુસાર કાં તો એપ આપોઆપ ડેવલપ થાય અથવા આપણે પોતે પ્લે સ્ટોરમાં જઈ, વોટ્સએપ સર્ચ કરીએ એટલે તેને અપડેટ કરવાનો વિકલ્પ મળે.


પરંતુ દુ:ખદ હકીકત એ છે કે સ્માર્ટફોનના બધા યૂઝર સ્માર્ટ હોતા નથી. પરિણામે, આ બનાવટી એપ દસ લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી.

આ એપથી નુક્સાન શું હતું?

આ વાત બરાબર સમજવા જેવી છે. બે-ચાર વર્ષ પહેલાં આવી કોઈ બનાવટી એપ બનાવવામાં આવતી ત્યારે તેના ડેવલપર્સનો ઇરાદો મોટા ભાગે આપણા સ્માર્ટફોન પર કબજો જમાવીને તેમાંની માહિતી, ખાસ કરીને આપણા યૂઝરનેમ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેની વિગતો ચોરવાનો રહેતો હતો. ઘણી એપ પ્રીમિયમ ચાર્જવાળી એસએમએસ સર્વિસમાં મેસેજ મોકલવા માંડે છે. આ માટે એવી બનાવટી આપણી પાસે કેટલીય જાતની પરમિશન્સ માગવી પડતી હતી.

હવે આવી બનાવટી એપ્સના ડેવલપર્સ બહુ મોટી લાલચ રાખવાના બદલે, નજીવી પરમિશન્સ માગીને ટૂંકા સમયમાં – આપણા ભોગે – થાય એટલી કમાણી કરી લેવાનો રસ્તો અપનાવવા લાગ્યા છે.

વોટ્સએપની બનાવટી એપના ડેવલપર્સે એવું જ કર્યું. જે લોકો પોતાની વોટ્સએપ એપ અપડેટ કરવા માટે જો આ એપ ઇન્સ્ટોલ કરે, તેમના ફોનના હોમ સ્ક્રીન પર, એક બ્લેન્ક એપ આઇકોન તરીકે સ્થાન જમાવી દે. આ એપ આપણા ખાનગી ડેટામાં ખાંખાંખોળાં નહોતી કરતી, ફક્ત, આપણે જ્યારે ફોનમાંની બીજી જુદી જુદી એપ જોઈએ ત્યારે તેમાં પેલી બનાવટી એપ, સાચુકલી જાહેરાત બતાવતી હતી.

મોબાઇલમાં, આપણે કોઈ એપ ડેવલપ કરીએ અને તેમાં ગૂગલ જેવી કંપનીને વિવિધ જાહેરાતો બતાવવાની છૂટ આપીએ તો જ્યારે આપણી એપમાં જાહેરાત બતાવવામાં આવે, ત્યારે ગૂગલ તેની કમાણીમાંથી આપણને એ એપના ડેવલપર તરીકે અમુક ભાગ આપે (વધુ વિગતવાર માહિતી માટે જુઓ : ‘કેવી રીતે ચાલે છે ઇન્ટરનેટનું અર્થતંત્ર?’ સપ્ટેમ્બર 2016નો અંક).

વોટ્સએપની આ બનાવટી એપ આ રીતે આપણા મોબાઇલમાં વિવિધ જાહેરાત બતાવીને ગૂગલ જેવી કંપની પાસેથી કમાણી કરતી હતી. દસ લાખ જેટલા મોબાઇલમાં બતાવાતી જાહેરાતની કમાણી કેટલી મોટી થાય એ વિચારી જુઓ!

નુકસાન ગૂગલનું નહીં, આપણું છે!

આવી બનાવટી એપથી આપણને પહેલું નુક્સાન એ છે કે ફોનના ઉપયોગ સમયે આપણે જોવી પડતી જાહેરાતોનું પ્રમાણ અચાનક વધી જાય. સ્માર્ટફોનમાં મોટા ભાગની એપમાં હવે જાહેરાતોનું પ્રમાણ વધી જ રહ્યું છે, તેમાં આ પ્રકારે વધુ એક એપ, આપણી ઇચ્છા વિરુદ્ધ, આપણા ફોનમાં ઉમેરાય જાય અને તે, ફરી આપણી વિરુદ્ધ, જાહેરાતો જ બતાવ્યા કરે અને આપણને એનું કારણ પણ ન સમજાય તો? ભૂલે ચૂકે આપણે આમાંની કોઈ જાહેરાત પર ક્લિક કર્યું હોય તો એ એ જાહેરાત બતાવનાર એટવર્ટાઇઝિંગ નેટવર્કના ચોપડે તે વાત ચઢી જાય અને એ જાહેરાત પછી આપણને ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે દેખાવા લાગે એ વધુ એક ઉપાધિ!

આ બંને વોટ્સએપ સ્ક્રીનશોટના તફાવત શોધી શકો?

આ સાથેના બંને સ્ક્રીનશોટ્સમાં તમને બહુ નજીવા ફેરફાર દેખાશે. ઉપલો સ્ક્રીનશોટ, પ્લે સ્ટોરમાં બનાવટી એપના પેજનો છે અને નીચલો સ્ક્રીનશોટ અસલી એપના પેજનો છે. બનાવટી એપનું નામ જ જુદું છે, પણ બિનઅનુભવી લોકો તેને વોટ્સએપ અપડેટ કરવા માટે જરૂરી સમજી બેઠા.

એપ ડેવલપર કંપની તરીકે બંને પેજ પર WhatsApp Inc. જ લખેલું છે એ ખાસ જુઓ. બનાવટ કરનારી કંપની, વોટ્સએપની સાચી કંપનીના એકાઉન્ટ વિના વોટ્સએપની કંપનીનું નામ લખી જ ન શકે, પણ બનાવટી એપ ડેવલપર્સે, હવે ઇન્ટરનેટ પર બહુ મોટું જોખમ ઊભું કરી રહેલી એક એવી તરકીબ અજમાવી કે ગૂગલ કંપનીના સોફ્ટવેર પણ આ બનાવટ પારખી ન શક્યાં (વધુ વિગતો માટે જુઓ મે, ૨૦૧૭ અંક).

એટલે જ, ૧ બિલિયન વાર ડાઉનલોડ થયેલી અસલી એપની આ બનાવટ પણ ૧ મિલિયનના આંકે પહોંચી ગઈ.

એપ ડાઉનલોડ કરતી વખતે તમે આ સંખ્યા જુઓ છો? પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરતી વખતે કઈ કઈ બાબતો તરફ ધ્યાન આપવું જોઈએ એની પછીના પેજ પર આપી છે.

પ્લે સ્ટોરમાં એપ ડાઉનલોડ કરતી વખતે શું ધ્યાન રાખશો?

  • ફોનમાં શક્ય એટલી ઓછી એપ્સ ઇન્સ્ટોલ કરો.
  • બને ત્યાં સુધી વારંવાર સંભળાતી, જાણીતી કંપનીની એપ્સ જ ડાઉનલોડ કરો.
  • ડાઉનલોડ કરતી વખતે બીજા કેટલા લોકોએ તે ડાઉનલોડ કરી છે, બીજા લોકોએ કેવા રીવ્યૂ આપ્યા છે, એ જ કંપનીની બીજી કઈ અને કેવી એપ્સ છે વગેરે પણ તપાસો.
  • વોટ્સએપની બનાવટી એપના કિસ્સામાં, કંપનીનું નામ એકસરખું હતું, ડાઉનલોડ સંખ્યા દસ લાખ જેટલી ઊંચી હતી, રીવ્યૂ પણ ઘણા હતા… આમ ફક્ત આટલું તપાસવું પણ પૂરતું નથી, વધુ સજાગ રહેવું પડશે.
  • એપના પેજ પર, એપ ડેવલપરની વેબસાઇટ આપી હોય તો તે પણ તપાસો.
  • આ કિસ્સામાં જોયું તેમ પ્લે સ્ટોર પણ સંપૂર્ણ સુરક્ષિત નથી, તેમ છતાં, તેના સિવાય કોઈ પણ વેબસાઇટ કે સોશિયલ મીડિયામાં આવેલી લિંક પર ક્લિક કરીને કોઈ એપને ઇન્સ્ટોલ કરવાનો પ્રયાર કરશો નહીં.

યુસી બ્રાઉઝર પ્લે સ્ટોરમાંથી ગાયબ થયું અને પછી પાછું ઉમેરાયું

ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સમાં યુસી બ્રાઉઝર અત્યંત લોકપ્રિય બન્યું હોવા છતાં છેલ્લાં થોડા સમયથી આ બ્રાઉઝર સતત વિવાદોમાં રહ્યું છે.

સૌથી પહેલાં, ચીનની અલીબાબા કંપનીની માલિકીના આ બ્રાઉઝર સામે યૂઝર્સની મંજૂરી કે જાણ વિના તેમનો ડેટા ચીનના સર્વરમાં મોકલાતો હોવાના આક્ષેપો થયા. ભારતમાં વધુ ને વધુ લોકપ્રિય બનવા માટે આ બ્રાઉઝરે ભારતમાં સંખ્યાબંધ મીડિયા હાઉસ સાથે ટાઇ-અપ કરીને તેમનું કન્ટેન્ટ યુસી બ્રાઉઝરમાં જોવા મળે તેવી ગોઠવણ કરી. પરિણામે યુસી બ્રાઉઝર એપ માત્ર એક બ્રાઉઝર બની રહેવાને બદલે ભારતની વિવિધ ભાષામાં ન્યુઝ અને અન્ય કન્ટેન્ટ પ્રોવાઇડ કરતી એપ પણ બની ગઈ.

અલબત્ત આ કન્ટેન્ટમાં મોટાભાગે અશિષ્ટ અને અશ્ર્લિલ કહી શકાય તેવા વીડિયો અને સમાચારોની ભરમાર રહેવાને કારણે ઘણાં લોકોને પોતાના સ્માર્ટફોનમાં આ બ્રાઉઝરની હાજરી ખૂંચવા લાગી હતી (સંખ્યાબંધ ચાઇનીઝ મેન્યુફેકચરરના હેન્ડસેટમાં આ બ્રાઉઝર ધરાર સામેલ હોય છે અને તેને દૂર કરી શકાતું નથી).

આ દરમિયાન ગયા મહિને આ બ્રાઉઝર અચાનક ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ થઈ ગયું.

પ્લેસ્ટોરમાં માલવેર ધરાવતી એપ્સની સંખ્યા વધવાને કારણે ગૂગલ હવે પ્લેસ્ટોરની સાફસફાઇ બાબતને વધુ ગંભીરતાથી પગલાં લે છે અને તેની નીતિઓનું પાલન ન કરતી હોય તેવી એપ્સને પ્લેસ્ટોર પરથી દૂર કરી દે છે.

યુસી બ્રાઉઝર ભારતમાં લગભગ અડધા કરોડ જેટલી સંખ્યામાં ડાઉનલોડ થયા પછી પ્લેસ્ટોર પર ગૂગલની સાફસુફીમાં આ રીતે ઝપાટામાં આવી જતાં આશ્ચર્ય સર્જાયું હતું.

વધુ નોંધપાત્ર વાત એ હતી કે, યુસી બ્રાઉઝર તરફથી સ્પષ્ટતામાં માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે, તેની એપમાં કેટલાંક સેટિંગ્સ ગૂગલની નીતિ અનુસાર નહોતાં. યુસી બ્રાઉઝરે આ સેટિંગ્સ કયાં હતાં તેની કોઈ સ્પષ્ટતા કરી નહોતી. અલબત્ત થોડા સમય પછી યુસી બ્રાઉઝર ફરીથી પ્લેસ્ટોરમાં દેખાવા લાગ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!