આખી દુનિયાને સ્માર્ટફોન તરફ વળતી જોઈને, માઇક્રોસોફ્ટે વિન્ડોઝના નવા વર્ઝનને તમામ પ્રકારના ડિવાઇસમાં એક સરખો અનુભવ આપે તેવું બનાવવાની કોશિશ કરી છે. જોકે અત્યારે તેની ખૂબીઓ કરતાં પ્રાઇવસીની ચિંતા વધુ ચર્ચાઈ રહી છે.
લાંબો સમય રાહ જોવડાવ્યા પછી, ખાસ તો એ ‘બિલકુલ મફતમાં મળશે’ એવી વાતોને કારણે વધુ ઉત્સુકતા જગાવ્યા પછી વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ છે.
આપણે ત્યાં હજી પણ સંખ્યાબંધ પીસી ૨૪ ઓગસ્ટ, ૨૦૦૧માં લોન્ચ થયેલી વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, ઘણા લોકો વિન્ડોઝ ૭ સુધી પહોંચ્યા છે અને ખાસ કરીને સારાં બ્રાન્ડેડ લેપટોપ સાથે મળેલ વિન્ડોઝ ૮ અને તેની શ્રેણીની ઓપરેટિંગ સિસ્ટમ સુધી બહુ ઓછા લોકો પહોંચ્યા છે, ત્યારે સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે વિન્ડોઝ ૧૦ ખરેખર મફતમાં મળશે? અને મળશે તો કોને મળશે?
આ સવાલનો જવાબ તમે આ લેખમાં આપેલા ફ્લોચાર્ટ પરથી મેળવી લો અને પછી, વિન્ડોઝ ૧૦ વિશે વધુ વિગતો જાણવા આગળ વાંચો…
વિન્ડોઝ ૧૦નું સૌથી મહત્વનું પાસું ‘કન્ટીનમ’ નામના શબ્દમાં સમાયેલું છે. એ વિશે વધુ જાણતાં પહેલાં, થોડા ફ્લેશબેકમાં જઈએ.
એક સમયે આખી દુનિયામાં પીસીનો અને બીજા શબ્દોમાં કહીએ તો માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ જેવા ઓફિસ પ્રોગ્રામ્સનો દબદબો હતો. પછી દુનિયા આગળ વધી, લોકોના હાથમાં સ્માર્ટફોન આવી ગયા, આખી દુનિયાનું ફોકસ પીસી પરથી સ્માર્ટફોન પર ટ્રાન્સફર થઈ ગયું. પીસી અને ઓફિસ પ્રોગ્રામ્સને કારણે સ્માર્ટફોનમાં પણ માઇક્રોસોફ્ટનું રાજ વિસ્તરી શક્યું હોત, પણ તેની સરખામણીમાં થોડો સમય બ્લેકબેરીનો જમાનો રહ્યો, પણ અંતે મેદાન માર્યું એપલની આઇઓએસ અને ગૂગલની એન્ડ્રોઇડે. ગૂગલે ધીમે ધીમે એન્ડ્રોઇડ ઉપરાંત ક્રોમબુક અને ગૂગલ ડ્રાઇવ અને ડોક્સ, સ્પ્રેડશીટ વગેરેની મદદથી લોકોને પોતાના લગભગ ફ્રી પ્રોગ્રામ્સ તરફ વાળવાનું શરૂ કર્યું ત્યારે છેક માઇક્રોસોફ્ટે સ્માર્ટફોન તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું.
પહેલાં માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ૮થી પીસીને ટચ સ્ક્રીનવાળા ટેબલેટનું સ્વરૂપ આપવાની કોશિશ કરી, પણ એમાં ખાસ સફળતા ન મળ્યા પછી વિન્ડોઝ ૧૦ અને તેમાંની ‘કન્ટીનમ’ ખાસિયત આ દિશામાંનું કંપનીનું સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
જો તમારી પાસે જેન્યુઇન વિન્ડોઝ ૧૦ ધરાવતું ડેસ્કટોપ કે લેપટો, ટેબલેટ અને વિન્ડોઝ ફોન હોય તો શું થશે તે જાણી લો. જો તમે કીબોર્ડ અને માઉસથી વિન્ડોઝ ૧૦ સાથે ઇન્ટરએક્ટ કરશો તો સિસ્ટમ તેની ‘કન્ટીનમ’ ખાસિયતથી જાણી શકશે કે તમે પીસીનો એક્સ્પીરીયન્સ ઇચ્છો છો. જો તમે ટચસ્ક્રીનની જેમ ટચ કરશો તો સિસ્ટમ ટેબલેટની જેમ વર્તશે. ફોન માટે વિન્ડોઝ ૧૦ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ હશે, પણ ફોન સાથે માઉસ અને કીબોર્ડ (અને હોય તો મોનિટર પર) જોડતાં ફોન પીસીના સીપીયુની જેમ જ વર્તે કે પીસી જેવી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો અનુભવ આપે એવું બનશે (આ સગવડ ક્યારે મળશે તેની સ્પષ્ટતા નથી).
મૂળ મુદ્દો એ છે કે માઇક્રોસોફ્ટ પીસી, ટેબલેટ અને સ્માર્ટફોનમાં એક સરખી ઓપરેટિંગ સિસ્ટમ અને લગભગ એક સરખો અનુભવ આપવા માગે છે. આ જ કારણે, વિન્ડોઝ સ્ટોરમાંથી એક વાર ખરીદેલી એપ જુદા જુદા કોઈ પણ ડિવાઇસમાં ચલાવી શકાશે. યુનિવર્સલ સ્વરૂપ ધરાવતી આ એપ જે ડિવાઇસમાં ચલાવવામાં આવે, તેને અનુરૂપ સ્વરૂપ લઈ લેશે.
પીસીના અનુભવની વાત કરીએ તો, વિન્ડોઝ ૮માં નવા જોવા મળેલા ફૂલ સ્ક્રીન સ્ટાર્ટ સ્ક્રીનની સાથે સ્ટાર્ટ બટન કે મેનુ ગાયબ થઈ ગયું હતું. ઘણા લોકોને આ ફેરફાર માફક આવ્યો નહોતો. વિન્ડોઝ ૧૦માં ફરી સ્ટાર્ટ મેનુ અને તેમાંના વિવિધ પ્રોગ્રામ્સના શોર્ટકટ્સ હાજર છે. આખરે વિન્ડોઝ ૧૦માં સ્માર્ટફોનની જેમ મલ્ટીપલ હોમ સ્ક્રીનની સગવડ પણ મળી છે. તેમાં સ્નેપ નામની એક સગવડ છે, જેનાથી વિવિધ એપને બાજુબાજુમાં ફટાફટ એરેન્જ કરી શકાશે. ટાસ્કબારમાં એક ટાસ્ક વ્યૂનું બટન છે, જેને ક્લિક કરતાં, તમારી તમામ ઓપન ફાઇલ્સ, વિન્ડોઝ અને ડેસ્કટોપ્સ જોઈ શકાય છે.
એપલના સિરી અને એન્ડ્રોઇડના નાઉના જવાબ જેવી માઇક્રોસોફ્ટની કોર્ટના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટવિન્ડોઝ ૧૦ને પ્રતાપે ફોન ઉપરાંત ડેસ્કટોપમાં પણ આવી ગઈ છે. સિસ્ટમમાં વોઇસ રેક્ગીશન ફીચર સેટ કર્યા પછી, તમે મૌખિક હુકમો છોડીને પીસી પાસેથી કામ લઈ શકશો. કોર્ટનાની મદદથી તમે મેપ્સમાં ડિરેક્શન પૂછી શકશો, હવામાનની સ્થિતિ પૂછી શકશો અને ઇચ્છો તો મૌખિક રીતે ઈ-મેઇલ લખાવીને તમારા કોન્ટેક્ટને મેઇલ મોકલી પણ શકશો.
પીસીનો ખાસ્સો ઉપયોગ કરનારા લોકો જાણે છે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના હાર્દમાં તેની કંટ્રોલ પેનલ હોય છે, જેનાથી સિસ્ટમનાં વિવિધ સેટિંગ કરી શકાય છે. વિન્ડોઝ ૧૦માં સ્માર્ટફોન જેવું જ એક સેટિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
જોકે આ વર્ઝન સાથે માઇક્રોસોફ્ટે આપણા વપરાશ અંગે પાર વગરની માહિતી તારવી લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને એ કારણે ઘણા નિષ્ણાતો અપગ્રેડ કરવાની ઉતાવળ ન કરવાની સલાહ આપે છે. જો તમારા પીસીમાં તમે અલગ અલગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યાં હોય તો તે વિન્ડોઝ ૧૦માં ચાલશે કે નહીં તેની તપાસ પણ કર્યા પછી, અપગ્રેડ કરવા વિશે વિચારજો.
તમને વિન્ડોઝ ૧૦ ફ્રી અપગ્રેડ મળી શકે?



