વોટ્સએપમાં વોઇસ કોલિંગ સુવિધા આખરે શરુ થઈ ગઈ છે. તમને એ કેટલી ઉપયોગી થશે કે તમે એનો ખરેખર કેટલો ઉપયોગ કરશો એ તો સમય કહેશે, પણ અત્યારે તેની વિગતો સમજી લઈએ
આગળ શું વાંચશો?
- વોઈસ કોલિંગ શું છે
- વોટ્સએપ વોઈસ કોલિંગમાં ખર્ચ કેટલો?
- આ સુવિધા બધાને ઉપલબ્ધ છે?
- વોઈસ કોલિંગ કેવી રીતે મળે?
આજકાલ ‘કેમ છો’ના બદલે લોકો એકબીજાને ‘વ્હોટ્સ અપ’ પૂછતા થઈ ગયા છે અને એ કામ વધુ સહેલું બનાવતી વોટ્સએપ સ્માર્ટફોન્સમાં આવી ગયા પછી તો લોકો આ એપ માટે જાણે કે ક્રેઝી ક્રેઝી થઈ ગયા છે! લોકોની આતુરતા અને આકર્ષણને પારખીને વોટ્સએપ દ્વારા કંઈક નવીનતા તેમાં આવતી રહે છે અને આવી જ એક નવીન સુવિધા હાલમાં આવી છે વોટ્સએપ વોઇસ કોલિંગ.
દુનિયાની સૌથી વધુ લોકપ્રિય ગણાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસમાં હવે યુઝર્સ માટે વોઇસ કોલિંગ ફિચરનો ઉમેરો થયો છે અને આ વિશેષતાને કંપની તબક્કાવાર રીતે યુઝર્સ સુધી પહોંચાડી રહી છે, એવા સમયે વોઇસ કોલિંગ સાથે સંકળાયેલા બધા સવાલોના જવાબ મેળવીએ.
વોઇસ કોલિંગ શું છે?
અત્યાર સુધી તો તમને ખબર છે એમ વોટ્સએપમાં યુઝર્સને ટેક્સ્ટ મેસેજિસ મોકલવાની સુવિધા હતી. આ સાથે ફાઈલ્સ પણ તમે મોકલી શકો છો, જેમાં ફોટોઝ, મ્યુઝિક અને વીડિયો પણ મોકલી શકાય છે, પરંતુ હવે વોટ્સએપમાં મોબાઇલ ડેટા અથવા તો વાઇ-ફાઇ દ્વારા વોઇસ કોલ્સની પણ સુવિધા આપવામાં આવી છે, જે વીઓઆઈપી એટલે કે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ પર ચાલે છે.
વોટ્સએપ વોઇસ કોલિંગમાં ખર્ચ કેટલો?
મજાની વાત એ છે કે આ સેવા એકદમ ફ્રી છે. વોટ્સએપ દ્વારા આ સેવા માટે સ્કાયપી કે વાઇબરની જેમ ચાર્જ લેવામાં આવતો નથી. વોટ્સએપ વોઇસ કોલિંગમાં ડેટા કનેક્શનનો કે વાઇ-ફાઇનો ઉપયોગ થાય છે. આ ડેટા જોકે ચાર્જેબલ હોય છે એ આપણે જાણીએ છીએ. તેમાં ટુજી કે થ્રીજી ડેટાનો અનલિમિટેડ પ્લાન હોય તો તો ઇન્ટરનેટની સ્પીડ જ જોવાની રહે છે, પણ મર્યિદિત પ્લાન હોય તો તમારા પ્લાન અનુસાર ખર્ચ થઈ શકે છે.
આ સુવિધા બધાને ઉપલબ્ધ છે?
થોડી તકલીફની વાત એ છે કે વોટ્સએપ વોઇસ કોલિંગ સુવિધા તબક્કાવાર આપવામાં આવી રહી છે તેનો અર્થ એ થયો કે અત્યારે મર્યાદિત યુઝર્સ પૂરતી આ સેવા ઉપલબ્ધ છે. હાલમાં કંપની તમામ એન્ડ્રોઇડ યુઝર્સને આ સુવિધા પહોંચાડી રહી છે. જેમાં એક ઇનવાઇટ વિન્ડો અમુક કલાકો સુધી ખુલી રહે છે અને પછી બંધ થઈ જાય છે અને ફરી કોઈ પણ જાણ વિના ખુલી પણ જાય છે.
અહીં એક આડવાત જણાવીએ તો હાલમાં કેટલાક સમાચારો એવા આવ્યા હતા કે અમુક હેકર્સ માલવેર કે વાઇરસયુક્ત લિન્ક બનાવી વોટ્સએપ વોઇસ કોલિંગ ઇનવાઇટ મોકલે છે અને તેને ઓપન કરતાં તમારા ફોનમાં માલવેર કે વાઇરસ ઘૂસી જઈને તમારી અંગત માહિતી અને ડેટા ચોરી લે છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે ફોનમાં પણ થોડી તકલીફ થઈ જાય છે, પરંતુ આવું કદાચ અમુક જ કિસ્સામાં બન્યું છે. તેથી હિતાવહ એ છે કે વોટ્સએપની પ્રોપર લિન્કને જ ક્લિક કરવી એમ સિક્યુરિટી કંપની ક્વીક હિલે એક બ્લોગમાં જણાવ્યું છે. જો તમને વોટ્સએપ પર “Hey, I am inviting you to try WhatsApp calling click here to activate now – http://WatsappCalling.com” આવો મેસેજ આવી કોઈ લિન્ક સાથે મળે તો તેને ક્લિક કરશો નહીં.
હમણાં કેટલાક લીક થયેલા સ્ક્રીનશોટ્સથી એ ખ્યાલ આવ્યો છે કે આઈફઓનમાં વોટ્સએપના એક બીટા વર્ઝનમાં વોઇસ કોલિંગ વિશેષતા છે. જેનો અર્થ એ થયો કે હવે ટૂંક સમયમાં આઈફોન યુઝર્સ માટે પણ આ સુવિધા શરૂ થઈ શકે છે. જોકે હજુ સુધી એપલના ઓએસ કે અન્ય નોન-એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર આ સુવિધા ક્યારે મળશે તેની સમયમર્યાદા હજુ જાણી શકાઈ નથી.
વોઇસ કોલિંગ કેવી રીતે મળે?
એન્ડ્રોઇડ પર આ સુવિધા મેળવવા માટે તમારા ફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ.
વોટ્સએપ સામાન્ય રીતે જે નવી સુવિધાઓ આપે તે કંપનીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાતા વર્ઝનમાં પહેલાં આપે અને એન્ડ્રોઇડ કે આઇઓએસના એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાતા વર્ઝનમાં પછી. એટલે એપસ્ટોરમાંથી અપડેટ કરેલા વર્ઝનમાં હજી આ સુવિધા ન હોય એવું બની શકે છે.
નવાઈની વાત એ છે કે વોટ્સએપ પર લોકો વાત કરવા લાગ્યા હોવા છતાં, વોટ્સએપની ઓફિશિયલ સાઇટ, બ્લોગ કે પ્લેસ્ટોરના પેજ પર તેનો કોઈ સત્તાવાર ઉલ્લેખ નથી (એટલિસ્ટ આ લખાય છે ત્યારે)!
લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કર્યા પછી જેમણે આ સુવિધા એક્ટિવ કરાવી હોય તેમને કહી શકાય કે તેઓ તમારા નંબર પર વોટ્સએપ કોલ કરે (આ સુવિધા મેળવવાની આ એક જ રીત છે). અહીં એક વાત યાદ રાખજો કે મિસકોલ દ્વારા વોઇસ કોલિંગ સુવિધા એક્ટિવેટ નહીં થાય. એ માટે વ્યક્તિએ કોલ રિસિવ કરવો પડશે અને તેને ડિસકનેક્ટ કરતાં પહેલા થોડી સેકન્ડ રાહ જુઓ. ત્યાર બાદ યુઝરને નવો, ત્રણ ટેબવાળો લેઆઉટ જોવા મળશે જેમાં કોલ્સ, ચેટ્સ અને કોન્ટેક્ટ્સના વિકલ્પો જોવા મળશે.
આમ જોવા જાવ તો વોટ્સએપ વોઇસ કોલિંગ સુવિધા અન્ય વીઓઆઈપી સુવિધા સ્કાયપી, વાઇબર અને હેંગઆઉટ્સની જેમ જ કામ કરે છે અને આ બધામાં આખરે તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી કેવી છે તેના પર કોલિંગની ગુણવત્તાનો આધાર રહે છે.
બીજી એક વાત, વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સથી ટેલિકોમ કંપનીઓની એસએમએસની કમાણીમાં તો મોટું ગાબડું પડ્યું જ છે, તો વોઇસ કોલિંગ એમને વધુ જોખમી લાગે જ. એટલે યુએઇની એક મોટી ટેલિકોમ કંપનીએ તેના નેટવર્ક પરથી વોટ્સએપ કોલિંગ પર રોક લગાવવાની શરૂઆત કરી દીધી હોવાના અહેવાલ છે. જોકે વાઇ-ફાઇના જમાનામાં આ પ્રતિબંધ કેટલો અસરકારક રહે છે એ જોવાનું રહ્યું.

