(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ચ્યુઅલ રીયાલિટી કેટલી રીયલ?

થોડા સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે જે નવો બઝવર્ડ બનવાનો છે તે વર્ચ્યુઅલ રીયાલિટીથી દુનિયા કેવી બદલાશે તેનો થોડો અંદાજ મેળવીએ, સ્પોર્ટસ ક્ષેત્રે આ ટેક્નોલોજી કેવી કમાલ કરશે તેની ઝલક જાણીને.

આગળ શું વાંચશો?

  • સ્પોર્ટ્સમાં વીઆર – શા માટે?
    સ્પોર્ટ્સમાં વીઆર – કઈ રીતે?

આવનારાં વર્ષોમાં આપણે એક શબ્દ વારંવાર સાંભળવાના છીએ, અથવા કહો કે અનુભવવાના છીએ – વર્ચ્યુઅલ રીયાલિટી (વીઆર). વાસ્તવિક નહીં, છતાં તદ્દન વાસ્તવિક લાગે એવી આભાસી વાસ્તવિકતા!

દુનિયાભરની અનેક ટેક્નોલોજી કંપની અત્યારે વર્ચ્યુઅલ રીયાલિટીને વાસ્તવિકતામાં પલટાવી નાખવા માટે કમર કસી રહી છે. ટેક્નોલોજીના આ નવા ફિલ્ડમાં કેટલો કસ હશે એનો અંદાજ આ એક બાબત પરથી આવશે – ઓક્યુલસ વીઆર (મૂળ લેટિન ભાષાના શબ્દ ઓક્યુલસનો અર્થ છે, આંખ!) નામની એક અમેરિકન કંપની વીઆર ટેક્નોલોજી વિક્સાવી રહી છે, હજી તો તેની બિલકુલ પહેલી પ્રોડક્ટ વર્ષ ૨૦૧૬ની શ‚રૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે, પણ ફેસબુકે ગયા વર્ષે આ કંપની ૨ અબજ યુએસ ડોલર ચૂકવીને ખરીદી લીધી છે!

કેટલીક મૂવીઝ, ખાસ કરીને હોલીવૂડની ૩-ડી મૂવીઝ આપણે સારા મલ્ટિપ્લેક્સમાં જોઈએ તો થ્રી ડાયમેન્શનલ વ્યૂઇંગથી ‘ડાયનાસોર હમણાં આપણી પર ત્રાટકશે’ એવો અનુભવ કરી શકીએ. આમ છતાં, એ અનુભવ વાસ્તવિકતાથી જોજનો દૂર છે. આપણી અને ફિલ્મ સ્ક્રીન વચ્ચે ખાસ્સું અંતર હોય – વચ્ચે બીજા પ્રેક્ષકોનાં માથાં પણ દેખાતાં હોય, આપણી નજરનો જે એંગલ બને તેમાં ફિલ્મનો સ્ક્રીન થોડો જ ભાગ રોકતો હોય – સ્ક્રીનની આજુબાજુનો ભાગ પણ આપણે જોઈ શકીએ… આ બધાને કારણે ૩-ડી અનુભવ તદ્દન વાસ્તવિક બની શકે નહીં.

૨-ડી મૂવી અને ૩-ડી મૂવીના અનુભવ વચ્ચે જે અંતર છે, તેના કરતાં અનેક ગણો તફાવત ૩-ડી મૂવી અને વર્ચ્યુઅલ રીયાલિટી વચ્ચે છે. વર્ચ્યુઅલ રીયાલિટીની ટેક્નોલોજીના મુખ્ય બે ભાગ છે, એક વીઆર કન્ટેન્ટ (જેમ કે ૩-ડી મૂવી) અને બીજું, વીઆર હેડસેટ (જેમ કે ૩-ડી ગ્લાસીસ).

વીઆર હેડસેટ તેના નામ મુજબ માથા પર, આંખો પર જડબેસલાક ગોઠવાઈ જાય એ રીતે પહેરવાનું સાધન છે, જે પહેર્યા પછી આપણે કોઈ પણ વીઆર કન્ટેન્ટ જોઈએ (વધુ યોગ્ય શબ્દ છે, અનુભવીએ!) એટલે આપણી આસપાસ ઊભી થાય વર્ચ્યુઅલ રીયાલિટી, ખરેખરી લાગતી આભાસી દુનિયા! ‘જુરાસિક વર્લ્ડ’ મૂવી જેવું કન્ટેન્ટ વીઆરમાં ઉપલબ્ધ હોય અને આપણે વીઆર હેડસેટ પહેરીને ઊભા ઊભા તેનો અનુભવ કરીએ તો એક તબક્કે ગબડી પડીએ એ નક્કી!

વર્ચ્યુઅલ રીયાલિટી એટલો વિશાળ વિષય છે કે તેની વિગતવાર વાત કરવા બેસીએ તો આ અંકનાં બધાં પાનાં પણ ઓછાં પડે, એટલે આપણે આગામી અંકોમાં તેનાં વિવિધ પાસાં જાણતા રહીશું, પણ અત્યારે ફક્ત એક ક્ષેત્ર – આપણા મનગમતા સ્પોર્ટ્સના ક્ષેત્રમાં વીઆરથી કેવાં પરિવર્તન આવવાનાં છે એની ઝલક જાણી લઈએ.

 

સ્પોર્ટ્સમાં વીઆર – શા માટે?

૨૦૧૫ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે ટકરાઈ ત્યારે એ મેચ ટીવી પર લગભગ ૧ અબજ લોકોએ જોઈ હતી. સમર ઓલિમ્પિક્સની રમત તો એથી પણ ક્યાંય આગળ છે, જેને દુનિયાની ૭૦ ટકા વસતી, પાંચેક અબજ લોકો ટીવી પર જુએ છે.

અત્યાર સુધી સ્પોર્ટ્સની આવી કોઈ પણ મેચ જોવા માટે આપણી પાસે બે જ વિકલ્પ છે, જાતે સ્ટેડિયમમાં પહોંચી જાઓ, અથવા ટીવી પર જુઓ. દુનિયાના જુદા જુદા ખૂણે રમાતી દરેક મેચ જોવા સ્ટેડિયમમાં જઈ શકાય નહીં અને ટીવી પર જોવામાં સ્ટેડિયમ જેવી થ્રિલ નથી.

એટલું ચોક્કસ કે વર્ષો અગાઉ દૂરદર્શન પર જોવા મળતી, ધોળાં કપડાં પહેરેલા ક્રિકેટર્સની બોરિંગ મેચને આજના ટીવી કવરેજે તદ્દન બદલી નાખી છે. સ્પોર્ટ્સનું ટીવી કવરેજ અનેક નવા કેમેરા એંગલ્સ, ડ્રોનથી શૂટિંગ અને ઇમર્સીવ ગ્રાફિક્સને કારણે દિવસે દિવસે વધુ ને વધુ આધુનિક બનતું જાય છે, તેમ છતાં, એ હકીકત યથાવત રહે છે કે સ્ટેડિયમમાં મેચ જોવાનો આનંદ તો સ્ટેડિયમની કેપેસિટી હોય એટલા લોકોને જ મળી શકે છે.


સ્પોર્ટ્સનું કુલ માર્કેટ, ટીવી બિઝનેસ સહિત ૭૦૦ અબજ યુએસ ડોલરનું હોવાનો અંદાજ છે. જો લોકોને ઘેરબેઠાં સ્ટેડિયમ જેવો અનુભવ આપી શકાય તો આ માર્કેટ હજી કેટલું વિસ્તરે એ વિચારી જુઓ!

 

સ્પોર્ટ્સમાં વીઆર – કઈ રીતે?

વર્ચ્યુઅલ રીયાલિટી ટેક્નોલોજીથી સ્પોર્ટ્સના કવરેજ અને બિઝનેસ બંનેમાં ધરમૂળથી પરિવર્તન આવી શકે છે. હવે સંખ્યાબંધ કંપનીઓ ફોર-કેના હાઇ રેઝોલ્યુશન કેમેરાથી લીધેલા ૧૮૦ કે ૩૬૦ ડીગ્રીના કવરેજથી સ્પોર્ટ્સ મેચ જોવાના અનુભવને બિલકુલ બદલવાની મથામણ કરી રહી છે.

પરિણામે આખી દુનિયાના લોકો, ગમે ત્યાં રમાતી મેચ માટે ગમે ત્યાંથી લાઇવ ઇવેન્ટનો આનંદ માણી શકે એવું બની શકે છે.

આ દિશામાં વિકસી રહેલી ટેક્નોલોજી લાઇવ મેચના ૩ડી રેકોર્ડિંગમાંથી સ્ટેડિયમનું વર્ચ્યુઅલ એન્વાયર્નમેન્ટ ઊભું કરે છે, એ પણ લગભગ રીયલ ટાઇમમાં. પરિણામે, કોલકતાના ઇડન ગાર્ડનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી હોય ત્યારે આપણે ગુજરાતના ઇડરમાં ઘેર બેઠાં આંખો પર વીઆર હેડસેટ પહેરીને ઇડન ગાર્ડનમાંની કોઈ પણ સીટ પસંદ કરી શકીએ, ત્યાંથી મેચ જોઈ શકીએ અને હજારો પ્રેક્ષકોની ચિચિયારીઓમાં સૂર પૂરાવી શકીએ, એવી સ્થિતિ સર્જાઈ શકે છે.

વાસ્તવિકતા અને આભાસ વચ્ચેની ભેદરેખા હવે એકદમ ધૂંધળી બની રહી છે. જુરાસિક વર્લ્ડમાં આપણે ખુલ્લાં જંગલો, તેમાં ફરતાં ડાયનોસોર અને તેમની આસપાસ માણસો જોયાં એમાંનાં ઘણાં દ્રશ્યો કમ્પ્યુટર-જનરેટેડ ઇમેજરી એટલે કે સીજીઆઇની કમાલ હતી, માણસો અને જંગલનાં દ્રશ્યો સાચાં, ડાયનોસોરનાં પણ મોડેલ્સ, પણ બધાંનું અલગ અલગ શૂટિંગ થયા પછી બધું એક હોવાનો આભાસ ઊભો કરવામાં આવ્યો.

એ જ રીતે મેચના અનુભવને વાસ્તવિક બનાવમાં આવશે. તેને વધુ વાસ્તિવક બનાવવા માટે, કેટલીક કંપની વર્ચ્યુઅલ રીયાલિટીમાં સોશિયલ મીડિયાનો એંગલ પણ ઉમેરવાનો પ્રયાસ કરી રહી છે, વાત વીઆરની છે એટલે તેમાં સોશિયલ ઇન્ટરએક્શન પણ, લગભગ વાસ્તવિક જેવું હશે. અમદાવાદ અને મુંબઈમાં બેઠેલા દોસ્તો કોલકતાના સ્ટેડિયમમાં સાથે બેસીને મેચ જોતાં જોતાં વિરાટના લેગવર્કની ચર્ચા કરે એવો એ અનુભવ હશે.

સ્પોર્ટ્સમાં વીઆરની પરાકાષ્ઠા એ હશે, જ્યારે આપણે ઇચ્છીએ તો બેટ્સમેન કે વિકેટકીપરની જગ્યાએથી મેચ જોવાનો આનંદ પણ માણી શકીશું.

ટૂંકમાં, આવનારાં વર્ષોમાં સ્પોર્ટ્સના લાઇવ કવરેજ અને તેના વીર્ચ્યુઅલ રીકન્સ્ટ્રક્શનથી મેચ લાઇવ જોઈ શકનારા લોકોનું પ્રમાણ સ્ટેડિટમની કેપેસિટી કરતાં અનેકગણું વધી જશેઅને આ બધું બહુ દૂરનું ભવિષ્ય નથી.

આવતા જ વર્ષે, ઓક્યુલસનો હેડસેટ બજારમાં વેચાવા લાગશે. સોની અને વાઇવ જેવી કંપની પણ તેની લગોલગ આવી રહી છે. અલબત્ત, સાવ શરૂઆતના સ્માર્ટફોનની જેમ આ શરૂ‚આતના હેડસેટ નબળા હશે અને આપણા હાથ સુધી પહોંચતાં હજી વધુ વાર લાગશે. મોબાઇલમાં અત્યારે વીઆર કમ્પેટિબલ એપ પણ આવવા લાગી છે. ગૂગલ જેવી કંપની સાવ પૂંઠામાંથી વીઆર હેડસેટ બનાવવા લાગી છે, એ બધું જોતાં વર્ચ્યુઅલ રીયાલિટી ઝડપથી રીયાલિટી બનવા લાગે એ દિવસો દૂર નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!