જે સતત વિકસે અને સતત વિસ્તરે એ જ ખરેખર ઉપયોગી ટેક્નોલોજી. આપણાં અખબારોમાં ટેક્નોલોજી સંબંધિત સમાચારો ઓછા પ્રસિદ્ધ થાય છે, પણ ઇન્ટરનેટ પર કેટલીક સાઇટ્સની નિયમિત મુલાકાત લઈએ તો સમજાય કે માનવજાતને વર્ષોથી પજવતા કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે ટેક્નોલોજી ક્ષેત્રે બહુ ઝડપથી આગેકૂચ થઈ રહી છે.
આગળ શું વાંચશો?
- મોબાઈલ ક્લાઉડ
- એક્સટ્રીમ ડેટા
- કોન્ટેકસ્ટરીચ સિસ્ટમ્સ
- પ્રાઈવસી
- ન્યુરોમોર્ફિક ચીપ્સ
- વર્ચ્યુઅલ રીયાલિટી
- ૩-ડી પ્રિન્ટિંગ
- ડ્રોન સ્માર્ટ ગ્રીન એનર્જી
અહીં વીતેલા વર્ષ ૨૦૧૪ અને આવતા વર્ષ ૨૦૧૫ બંનેને ધ્યાનમાં રાખીને વિવિધ ટેક્નોટ્રેન્ડ્ઝની વાત આલેખી છે. આમાંથી કેટલાક મુદ્દા આપણને અત્યારે જ સીધી અસર કરે તેવી નવીન શોધોની વાત કરે છે, તો કેટલાક આવનારા લાંબા સમય સુધી વિકસતા રહીને માનવજીવન માટે આશીર્વાદરુપ બને તેવા છે.
તમે ટેકનોલોજીના અભ્યાસુ હો કે ન હો, આ મુદ્દાઓ જાણવા જેવા છે. અહીં આપણે ફક્ત તેની ઝલક આપી છે, જો તમે કોઈ બાબત વિશે ઊંડાણભરી માહિતી મેળવવા ઇચ્છતા હો તો યમશજ્ઞિંભિુબયતિફરફિ.ભજ્ઞળ પર જણાવશો.
મોબાઇલ ક્લાઉડ :
એક તરફ ક્લાઉડ કમ્પ્યુટિંગ વિસ્તરી રહ્યું છે ને બીજી તરફ મોબાઇલ સાધનોમાં મેમરી,બેટરી, પ્રોસેસિંગ પાવરની મયર્દિા હોવા છતાં તેનો વ્યાપ કમ્પ્યુટર કરતાં વધી રહ્યો છે. હવે મોબાઇલને ધ્યાનમાં રાખીને ગમે ત્યાંથી, ગમે ત્યારે એક્સેસ થઈ શકે તેવી બિઝનેસ સર્વિસીઝ વધી છે અને હજી વધશે.
એક્સ્ટ્રીમ ડેટા :
બિગ ડેટા હવે જૂની વાત થઈ. કદ, ઝડપ અને વિવિધતા – ત્રણેય રીતે વિશ્ર્વમાં માહિતીનો વિરાટ ગંજ ખડકાઈ રહ્યો છે. આવનારા સમયમાં માહિતી મેળવવી મુશ્કેલ નહીં હોય, પણ જે માહિતીને યોગ્ય રીતે જાળવી શકશે અને પોતાને જોઇતાં તારણો કાઢી શકશે તે બીજાથી આગળ રહી શકશે.
કોન્ટેક્સ્ટ રીચ સિસ્ટમ્સ :
ઇન્ટરનેટ ઓફ થિંગ્સની વાત આપણે ઘણી સાંભળી છે, પરંતુ હવે ફક્ત વેબ સાથે કનેક્ટેડ નહીં, પરંતુ પોતે મેળવેલા ડેટા અને વેબ પાસેથી મળતા ડેટાને સરખાવી તેને આધારે, જે તે સ્થિતિના સંદર્ભે – કોન્ટેક્સ્ટમાં ‘જાતે નિર્ણય’ લઈ શકે તેવાં સાધનો અને સિસ્ટમ્સ વિકસી રહ્યાં છે.સ્માર્ટ મશીન્સ : જગતભરનો ડેટા અને તેની મદદથી, સ્થિતિના સંદર્ભમાં એક્શન લઈ શકે તેવી સિસ્ટમ્સ – આ બે બાબતના સંગમથી સ્માર્ટ મશીન્સ વિકસશે. ગૂગલ અને બીજી સંખ્યાબંધ ટેક કે ઓટો કંપની ડ્રાઇવરલેસ કાર વિક્સાવી રહી છે તે આ દિશામાંની જ ગતિ છે.
પ્રાઇવસી : સેલિબ્રિટીના ફોટોઝથી માંડીને સોની જેવી કંપનીના ડેટાની ચોરી આ વર્ષે સમાચારમાં રહી. વિવિધ સર્વિસીઝનું ડેવલપમેન્ટ અને વ્યક્તિગત પ્રાઇવસી, બંને અલગ અલગ દિશામાં જતાં હોવાથી, પ્રાઇવસી સાથે નવી ટેક્નોલોજીના નવા લાભ મેળવી શકાય એવાં સંશોધનો આવનારા સમયની જરુરિયાત બનશે.
ન્યુરોમોર્ફિક ચીપ્સ :
કમ્પ્યુટરની પ્રોસેસર ચીપ્સ તેની ક્ષમતાની સીમા સુધી પહોંચી ગઈ હોવાનું મનાય છે, પણ હવે ઘણે અંશે માનવ મગજની જેમ વિચારી, સમજીને પગલાં લઈ શકે એવી ચીપ પર સંશોધન ચાલી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ધસેપ્ટને આગળ ધપાવતી ચીપ બહુ નજીકમાં સંભવ બનશે.
વર્ચ્યુઅલ રીયાલિટી : આંખ પર ખાસ ગેજેટ પહેર્યા પછી આભાસી દુનિયામાં પહોંચાડી દેતી આ ટેક્નોલોજી અત્યારે ગેમિંગમાં ધમાલ મચાવે છે ને ટૂંક સમયમાં ઘણી વિસ્તરશે, પણ ભવિષ્યમાં ટેલિપ્રેઝન્સ, એન્જિનીયરિંગ, કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇનિંગ, આફતના સમયમાં સહાયની તાલીમ વગેરેમાં પણ ઉપયોગી થશે.
૩-ડી પ્રિન્ટિંગ :
કોઈ વસ્તુનો ડિજિટલ આકાર સર્જી તેને ‘પ્રિન્ટ’ કરી વાસ્તવિક આકાર આપતી ટેક્નોલોજી છેલ્લા થોડા સમયમાં ગજબ વિકસી છે. ગયું આખું વર્ષ બંદૂકથી માંડીને આખાં બિલ્ડિંગ ૩-ડી પ્રિન્ટથી સર્જાયાં હોવાના સમાચાર આપણે વાંચ્યા. આવનારા સમયમાં ડિજિટલ ફેબ્રિકેશન ક્રાંતિકારી પરિવર્તનો લાવશે.
ડ્રોન :
પિત્ઝાની ડિલિવરીથી માંડીને ટેરર કેમ્પ પર એટેક માટે વપરાતા ડ્રોનનો પરદેશનાં વિશાળ ખેતરોમાં, પાકને જોઈતા પાણી કે જીવાતના ઉપદ્રવનો ક્યાસ કાઢવા માટે મોટા પાયે ઉપયોગ શરુ થયો છે. ડ્રોન અનેક જરુરિયાતોમાં સૌથી સસ્તો ને સૌથી અસરકારક વિકલ્પ સાબિત થાય તેમ છે.
સ્માર્ટ ગ્રીન એનર્જી :
ઊર્જા ક્ષેત્ર સૌરઊર્જા અને પવનઊર્જાનું મહત્ત્વ સૌ જાણીએ છીએ, હવે આ ક્ષેત્ર સ્માર્ટ બની રહ્યાં છે. હવે વિરાટ ડેટા ઉપલબ્ધ હોવાથી હવામાન સંબંધિત અત્યંત વ્યાપક, સચોટ માહિતી મળે છે, તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરાતાં ગ્રીનએનર્જીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધી રહ્યું છે.

