કરિયર સેન્ટ્રલમાં સામાન્ય રીતે આપણે આઇટી સંબંધિત માર્ગદર્શન મેળવીએ છીએ, આ વખતે જરા ઓફટ્રેક જઈને, પરદેશમાં અભ્યાસ વિશેની માહિતી મેળવીએ.
આગળ શું વાંચશો?
- પરદેશમાં ભણવા જવાનાં કારણો
- એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી?
પરદેશ જઈને ભણવું એ આજકાલનું નથી. ચીની પ્રવાસીઓ હ્યું-એન-સંગ અને ફાહિયન આજથી સદીઓ પહેલાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા ભારત આવ્યા હતા. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં ભારત ઉપરાંત પણ બીજા અનેક દેશના વિદ્યાર્થીઓ હતા એવી નોંધ મળેલી છે. હાલના સમયમાં ફોરેન ભણવા જવાનું પ્રચલન વધતું જાય છે, પરંતુ એ વિશે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા ઘણી મૂંઝવણ પણ અનુભવે છે. આપણે એ સંદર્ભે આ વખતે કેટલાક પ્રાથમિક મુદ્દાઓની ચર્ચા કરીએ.
પરદેશમાં ભણવા જવાનાં કારણો
- ગુણવત્તા : ભારતમાં અનેક ખ્યાતનામ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ હોવા છતાં કડવી વાસ્તવિકતા એ છે કે વિશ્વની ટોચની ૧૦૦ યુનિવર્સિટીમાંથી એક પણ ભારતમાં નથી. આ બાબતને એક અલગ રીતે જોઈએ. ભારતની મોટા ભાગની યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાનોના સ્નાતકોની કક્ષા આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણેની નથી.
- કોર્સ : કેટલાક કોર્સ કે (સુપર) સ્પેશિયલાઇઝેશન ફક્ત પરદેશમાં અને એ પણ ગણીગાંઠી સંસ્થાઓમાં ઉપલબ્ધ હોય છે.
- પ્રવેશ પદ્ધતિ અને બેઠકોની સંખ્યા : ભારતની આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ.ની પ્રવેશકસોટી વિશ્વની સૌથી વધુ અઘરી કસોટીમાં ગણના પામે છે. એવું જ કંઈક અન્ય અનેક સંસ્થાનોનું છે. આમ થવાનું કારણ મર્યાદિત બેઠકો છે. આને કારણે અનેક પ્રતિભાવાન લોકો પણ ફક્ત થોડા માર્ક માટે પ્રવેશ નથી પામી શકતા અને ના છુટકે તેમણે પરદેશ જવું પડે છે.
- માળખાગત સુવિધાઓ અને સગવડો : ઘણી ભારતીય સંસ્થાના કોર્સમાં પ્રવેશ મેળવ્યા બાદ, તેમાં સુવિધાઓનો અભાવ નડી શકે છે. લાઇબ્રેરી, વર્કશોપ, સાધનો અને ક્યારેક તો પ્રોફેસર/લેક્ચરર વગેરે સંતોષકારક ન હોય એવું બને. આ પરિસ્થિતિથી બચવા માટે અનેક લોકો બહાર ભણવા ઉપર આધાર રાખે છે.
- સંશોધનની તકો : ભારતમાં કમનસીબે પસંદગીના વિષય પર ઉચ્ચ અભ્યાસની તકો તો ઓછી જ છે, પણ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે સંશોધન કે વિકાસની તકો તો કદાચ નહીંવત્ છે. માટે એ ક્ષેત્રે જવા માગતા લોકો માટે પણ ફોરેન ભણવા જવું લગભગ અનિવાર્ય બની ગયું છે.
- નોકરી કે વ્યવસાયની તકો : ખૂબ મહેનત, પુષ્કળ સ્પાર્ધાનો મુકાબલો, માળખાગત સુવિધાઓના અભાવની વિટંબણાઓ વેઠીને ડિગ્રી મેળવ્યા પછી શરૂ થાય નોકરી મેળવવાનો સંઘર્ષ. વસ્તીના પ્રમાણમાં નોકરીઓ અને ખાસ કરીને સારી નોકરીઓ, ઓછી હોવાને લીધે એમાં પણ ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોને એવો પણ અનુભવ થાય છે કે શરૂઆતનાં થોડાં વર્ષો ઇન્ડિયામાં કાઢ્યા બાદ કારકિર્દીનાં વિકાસ માટે ના છુટકે પરદેશ સ્થળાંતર કરવું જ પડે છે. આને કારણે અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થી સીધા પરદેશમાં જ ઉચ્ચ શિક્ષણ લઈને ત્યાં જ સેટલ થવાનું વલણ રાખે છે.
- પરદેશમાં સેટલ થવાની તકો : વિવિધ કારણોસર પરદેશમાં સ્થાઈ થવાની ઈચ્છા ધરાવતા લોકો સ્વાભાવિક જ બેચલર કે માસ્ટર્સ ડિગ્રી જે તે દેશમાંથી લેવાનો આગ્રહ રાખે છે. ત્યાંની ડિગ્રી લીધી હોય તો ત્યાં વર્ક પરમીટ, કે સિટીઝનશીપ સરળતાથી મળે છે.
- પરદેશમાં ભણવાનો અને કામ કરવાનો અનુભવ : ફોરેનમાં રહીને ભણવાનો અનુભવ, ત્યાંની સિસ્ટમ, કલ્ચર વગેરેને નજીકથી ઓળખવાની તક આગળ જતાં ખૂબ કામ લાગી શકે. એ સાથે જો ત્યાં થોડો સમય કામ કર્યું હોય તો એ અનુભવનું ભાથું અગત્યનું બની રહે છે. સ્વદેશમાં જ રહેવાનો પ્લાન હોય તો પણ થોડાં વર્ષો માટે પરદેશમાં ભણવાનો અને કામ કરવાનો અનુભવ લેવા માટે જનારાની સંખ્યા ઘણી છે.
- ભણવાનું ઓછું અને કમાવાનું વધુ : કેટલાક લોકો ખરેખર ભણવાને બદલે ત્યાં જઈને ડોલર કે પાઉન્ડ કમાવાની ફિરાકમાં વધુ હોય છે. ભણતર સાથે બાંધછોડ કરવાનાં માઠાં પરિણામો જોકે ક્યારેક ભોગવવાનાં આવે છે.
એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી?
ખાસ રાખવા જેવી ચીવટ :
- પ્રવેશ પ્રક્રિયા : જે તે દેશમાં અને કોર્સમાં એડમિશન લેવું હોય તેના પ્રવેશની શું પૂર્વશરતો હોય છે એ જાણી લેવું. IELTS-TOEFL, GMAT, GRE જેવી પરીક્ષાઓ આપવાની હોય તો તેની તૈયારી કરી લેવી. પરદેશ ભણવાનો જો પ્લાન હોય તો આગલા વર્ષથી જ તૈયારી શરૂ કરવી. જો બેચલર ડિગ્રી પછી શરૂઆત કરશો તો કદાચ વચ્ચે એક વર્ષ ગુમાવાનું આવશે. વળી જો આગલા વર્ષથી તૈયારી શરૂ કરી હશે તો IELTS-TOEFL, GMAT, GRE વગેરે માટે સારી રીતે તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહેશે.
- કયા દેશમાં જવું? : આમ તો અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જવાનું ચલણ વિદ્યાર્થીઓમાં પહેલેથી છે, પણ છેલ્લાં થોડાં વર્ષોથી અનેક બીજા દેશો આ યાદીમાં ઉમેરાયા છે. કયા દેશમાં ભણવા જવું છે, એનો નિર્ણય સમજી વિચારીને લેવો. ક્યારેય નામ ન સાંભળ્યું હોય કે નકશામાં ક્યાં આવ્યું એ પણ ખબર ન હોય, તો તે દેશમાં જતાં પહેલાં પૂરી સાવધાની રાખવી. અમુક લોકો જે દેશમાં કોઈ સગા રહેતા હોય અને ખાસ કરીને જે શહેરમાં રહેતા હોય ત્યાં એડમિશન લેવાનો આગ્રહ રાખે છે, પણ યાદ રાખો પરદેશ ભણવા જવા પાછળનો આપણે હેતુ શ્રેષ્ઠ શિક્ષણ છે, માટે લોકેશન જેવાં કારણોસર તેમાં બાંધછોડ ન કરવી જોઈએ.
- યુનિવર્સિટી અને કોર્સ વિશે પૂરતું સંશોધન : જેમ આપણે ત્યાં સરેરાશ કે તેનાથી પણ નીચો ક્રમાંક ધરાવતી યુનિવર્સિટી અને કોલેજો હોય છે, એવું જ ફોરેનમાં પણ હોય છે. આવી સંસ્થાઓમાં સ્વાભાવિક જ સરળતાથી પ્રવેશ મળે, ફી પણ ઓછી હોય અને ક્યારેક તો IELTS-TOEFL જેવી પરીક્ષાઓ વિના પણ પ્રવેશ મળી જાય, પણ આવી સંસ્થાઓથી ખાસ ચેતવા જેવું હોય છે. ક્યારેક આવી ડિગ્રીની પરદેશમાં તો ઠીક, ઘરઆંગણે પણ વેલ્યુ હોતી નથી. સૌથી વધુ લેભાગુ પ્રકારની કોલેજોથી ચેતવાનું હોય છે. આવી સંસ્થાઓ પાસે માન્યતા હોતી નથી અને ફીની લાલચમાં વિદ્યાર્થીઓને વારંવાર સેમિસ્ટર રીપીટ કરાવે છે. તપાસ કરતાં તમને તમારા ઓળખીતા વર્તુળમાં આવા અનેક કિસ્સા મળી રહેશે. ઇન્ટરનેટ, ફેસબુક, વોટ્સએપ વગેરેના જમાનામાં આવી માહિતી મેળવવી ખૂબ સરળ છે.
- ભણી રહ્યા પછી નોકરી અને કારકિર્દી અંગેની વાસ્તવિકતા : કેટલીક ડિગ્રીઓ કે કોર્સની ડીમાંડ જે તે દેશમાં તો ખૂબ જ હોય છે, પણ ઘરઆંગણે ખાસ સ્કોપ હોતો નથી. હવે જો અમુક સંજોગોમાં પરદેશમાં સેટલ ન થવાય અને ભારત પાછા આવવાનું થાય તો શું સ્થિતિ થાય? આ ઉપરાંત ઘણા કોર્સ કર્યા પછી ખૂબ સારી જોબ મળે છે એવી માન્યતાઓ ફેલાવવામાં આવે છે, ખાસ કરીને એજન્ટો દ્વારા, પણ આવા કોર્સમાં એડમિશન લેતાં પહેલાં એ વિચાર કરી લેવો કે આપણાથી આ કામ થશે કે નહીં. થોડા સમય પહેલાં નર્સિંગનો ટ્રેન્ડ ઉપડેલો, દેખાદેખી અને સરળતા ખાતર થઈને અનેક લોકોએ એમાં ઝંપલાવી તો દીધું અને પછી પસ્તાયા. આ લખનારની જાણકારી પ્રમાણે બાયો-ટેક્નોલોજીમાં પણ આવું જ કઈક થયું હતું.
આવતા અંકમાં એજ્યુકેશન અબ્રોડ વિશે આ ક્ષેત્રના નિષ્ણાતો, પરદેશમાં ભણી ચૂકેલી વ્યક્તિઓ અને અન્ય માહિતીની ચર્ચા કરીશું. આપને કોઈ ચોક્કસ જાણકારી જોઈતી હોય તો લખી જણાવશો.
