એવી કોઈ શાળા કે કોલેજની કલ્પના કરી જુઓ, જેમાં જઈને તમે જુદા જુદા અનેક વિષય પરના ત્રીસ હજારથી વધુ લેક્ચર્સ એટેન્ડ કરી શકો! અને વિષયની વિવિધતા પણ અપાર! એમ સમજો કે દુનિયાની સૌથી નામાંકિત યુનિવર્સિટીઓમાં તમે એક સાથે એડમિશન લઈ લીધું, એ પણ કોઈ પ્રવેશ પરીક્ષા આપ્યા વિના કે કોઈ ફી ભર્યા વિના!
વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો અને પ્રોફેશનલ્સ માટે આ વિરાટ જ્ઞાનખજાનાની વાત કરતાં પહેલાં, આવું કેવી રીતે શક્ય બને છે અને એ શા માટે મહત્વનું છે એ થોડું સમજી લઈએ.
વિશ્વઆખાના જ્ઞાનનું એકત્રીકરણ
ઇન્ટરનેટને આપણે સૌ માહિતીનો ખજાનો ગણીએ છીએ, પણ જ્યારે, જે તે સમયે આપણને જરૂરી માહિતી શોધવા બેસીએ ત્યારે અચૂકપણે નાકમાં દમ આવી જતો હોય છે.
કારણ સાદું છે, દુનિયાભરની માહિતી વિવિધ સ્વપે ઇન્ટરનેટ પર ખડકાઈ રહી છે અને તેનું પ્રમાણ એટલું વિરાટ અને ઘણે અંશે વેરવિખેર છે કે આપણે તેનો સહેલાઈથી યોગ્ય ઉપયોગ કરી શકતા નથી.
આ સવાલ ફક્ત આપણો નથી, અનેક લોકોનો છે અને પરિણામે તેના જુદા જુદા ઘણા ઉપાય પણ શોધવામાં આવી રહ્યા છે.
ઇન્ટરનેટ પરની વેરવિખેર માહિતીને શક્ય એટલી સુવ્યવસ્થિત કરવાના અને ‘એક્સેસિબલ’ જરૂર હોય ત્યારે તરત હાથવગી કરવાના મુખ્ય રસ્તાઓમાં, સર્ચ એન્જિન, આરએસએસ ફીડ, ડિસ્કવરી એન્ડ સોશિયલ રેકમન્ડેશન્સ, મેશઅપ્સ અને ક્ધટેન્ટ એગ્રીગેશન વગેરેનો સમાવેશ થાય છે.
ઇન્ટરનેટ પરની માહિતીને જરૂરિયાત મુજબ શોધવામાં સર્ચ એન્જિન આપણને ઘણી મદદ કરી શકે છે, પણ અંતે તો એ જોઈતી માહિતી વિશે જુદાં જુદાં કયાં વેબવેજીસમાં વધુ માહિતી મળશે એટલું બતાવીને આંગળી ચિંધ્યાનું પુણ્ય જ કમાય છે. ઇન્ટરનેટ પરની માહિતીની વિષય મુજબ ગોઠવણીનો બીજો એક રસ્તો આરએસએસ ફીડ છે. આ વિશે આપણે એપ્રિલ ૨૦૧૨ના અંકમાં અને હમણાં સપ્ટેમ્બર ૨૦૧૫ના અંકમાં મુદ્દાસર વાત કરી છે. આ ટેક્નોલોજીથી આપણે જુદી જુદી સાઇટ પર મૂકાતું નવું કન્ટેન્ટ એક સ્થળે જોઈ શકીએ છીએ.
સર્ચ એન્જિન અને આરએસએસ ફીડ ઘણે અંશે વ્યક્તિગત પસંદગીની વાત છે, જ્યોર ‘ડિસ્કવરી એન્ડ સોશિયલ રેકમન્ડેશન’ પર આધાર રાખતી સર્વિસીઝમાં હ્યુમન ટચનો મહિમા છે. ઘણા ભેજાબાજોએ એવી વિવિધ વેબસર્વિસ વિક્સાવી છે, જેમાં ઇન્ટરનેટ પરની અનેકવિધ માહિતી સર્ચ કરતા અનેક લોકો, તેમને જે જે વેબપેજ ઉપયોગી લાગે તેને લાઇક કરે અને બીજા લોકોને એ વેબપેજ જોવાની ભલામણ કરે. આ બધું એ વેબસર્વિસની વેબસાઇટ પર જુદા જુદા વિષય મુજબ ગોઠવાતું જાય, જેને આપણા જેવા લોકો, આપણી પસંદના વિષય મુજબ બ્રાઉઝ કરી શકીએ! સ્ટમ્બલઅપોન કે ડીગ વગેરે આ પ્રકારની વેબસર્વિસ છે.
ઇન્ટરનેટ પરની જુદી જુદી માહિતીને પરસ્પર સાંકળતો અને તેમાંથી કંઈક નવી જ જાણકારી મેળવવાનો સ્રોત ઊભો કરતો વધુ એક મજેદાર રસ્તો એટલે મેશઅપ. મેશઅપ એટલે કોઈ એવું વેબપેજ કે વેબએપ્લિકેશન, જેમાં વિવિધ સ્રોતમાંથી મેળવેલી માહિતી એક જ, સામાન્ય રીતે ગ્રાફિકલ ઇન્ટરફેસમાં દર્શાવવામાં આવે.
હવે વાત આવે છે આપણા મૂળ મુદ્દા તરફ. કન્ટેન્ટ એગ્રીગેશન એટલે કોઈ એક વેબસાઇટ પર કોઈ ચોક્કસ વિષય વિશે વિવિધ સ્રોતમાંની માહિતીને એગ્રીગેટ એટલે કે એકત્ર કરવી. એગ્રીગેટર મૂળ તો આરએસએસ ફીડના સિદ્ધાંત પર જ કામ કરે છે.
એગ્રીગેટરનું સાદું ઉદાહરણ છે ગૂગલ ન્યૂઝ. આપણે ગૂગલ ન્યૂઝની વેબસાઇટ પર જઈને દુનિયાભરના સમાચાર જાણી શકીએ છીએ, કેમ કે આ સાઇટ પર ઇન્ટરનેટ પરની વિવિધ, ૫૦,૦૦૦થી વધુ ન્યૂઝ સાઇટ્સ પરથી સમાચારોની હેડલાઇન્સ એકત્ર કરીને, જુદા જુદા સમાચાર મુજબ અને વાચકની પસંદ મુજબ ગોઠવવામાં આવે છે! સામાન્ય રીતે આપણે, રોજ સવારે કોઈ એક છાપું પકડીને તેમાં જુદા જુદા સમાચાર પર નજર ફેરવીએ છીએ. ગૂગલ ન્યૂઝમાં તેનાથી ઉલટું છે. તેમાં પહેલાં સમાચારો પર નજર ફેરવી શકાય અને પછી એ જ સમાચાર જુદાં જુદાં અખબારોએ કેવી રીતે છાપ્યા છે તે તપાસવા કોઈ અખબાર પસંદ કરી શકાય!
એગ્રીગેશન એ ઇન્ટરનેટ પરની આપાર માહિતીને એકત્ર કરવાનો એક મહત્વપૂર્ણ કીમિયો છે.

લર્નર્સ ટીવી
આપણો લેખ જેના વિશે છે એ લર્નર્સ ટીવી (www.learnerstv.com)પણ એક પ્રકારની એગ્રીગેટર સર્વિસ છે – આ સાઇટ પર જઈને આપણે, ભારતની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને ખાન એકેડમી ઉપરાંત, દુનિયાની બીજી ટોચની ૧૨ યુનિવર્સિટીનાં લેવાતાં લેકચર્સનું રેકોર્ડિંગ જોઈ શકીએ છીએ.
આ બધું વીડિયો, એનિમેશન, સ્ટડીનોટ્સ, પ્રેઝન્ટેશન્સ વગેરે સ્વરૂપે વહેંચાયેલો છે અને તેને જુદા જુદા અનેક વિષય મુજબ ગોઠવવામાં આવ્યો છે. આપણે કોઈ પણ વિષય પર ક્લિક કરીને તેનાં સંખ્યાબંધ લેક્ચર્સમાં ઊંડા ઊતરી શકીએ છીએ.
તમે જોશો તેમ આમાંના મોટા ભાગના વીડિયો યુટ્યૂબ પર ઉપલબ્ધ છે, અહીં ફક્ત તેમની વિષયવાર ગોઠવણ કરવામાં આવી છે. કેટલીક કોલેજે પોતાના વીડિયો ફક્ત યુટ્યૂબ પર જ દેખાય, બીજી કોઈ સાઇટ પર નહીં એવાં સેટિંગ કર્યાં હોય તો તેના વીડિયો લર્નર્સ ટીવી સાઇટ પર લિસ્ટ થયેલા હોવા છતાં લર્નર્સ ટીવી સાઇટ પર જોઈ ન શકાય એવું બની શકે છે.
આમાંના ઘણા વીડિયો ખાસ્સા લાંબા હોવાથી વિદ્યાર્થીઓને એ જોવાનું સુવિધાજનક ન હોય એવું બની શકે છે, પણ મહત્વની વાત એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના વિષયમાં ખરેખર જાણકાર બનવા માગતી હોય તો તેણે જાણવી જરૂરી અપાર માહિતીનો ઓવરવ્યૂ આ એક સાઇટ પરથી સહેલાઈથી મળી રહે છે. પછી એ વિષયમાં વધુ ઊંડા ઊતરવું હોય તો તો આખું ઇન્ટરનેટ છે જ!

