તમારા ફોનમાં ગુજરાતી ફોન્ટ કેમ દેખાય એની ચિંતા છોડી દો! હવે વોટ્સએપ જેવી એપમાં પણ ગુજરાતી વાંચવાની સરસ સુવિધા ઉપલબ્ધ છે અને ફોનમાંનું બધું જ ગુજરાતી હોય એવા દિવસો પણ આવી ગયા છે.
મોબાઇલમાં ગુજરાતી વંચાવું જોઈએ એ જરૂરિયાત એક છે, પણ આ જરૂરિયાત જે લોકોને છે એ બે પ્રકારના છે!
એક, એવા લોકો જેમની જરૂર વોટ્સએપમાં આવેલા ગુજરાતી મેસેજીસ વાંચવા પૂરતી હોય. એ લોકો સ્માર્ટફોનનના જૂના જોગી હોય અને સ્માર્ટફોનન ખરીદતી વખતે જરૂરી સ્પેસિફિકેશન્સની એમની યાદીમાં ગુજરાતી ફોન્ટની જરૂરિયાતનો ક્રમ ઘણો નીચે હોય. બીજો પ્રકાર એવા લોકોનો છે, જેમને ફોનમાં બધું જ અંગ્રેજીમાં હોવાને કારણે તકલીફ પડતી હોય.
એ હકીકત છે કે સ્માર્ટફોનનનો વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે અંગ્રેજી ભાષા જેમને બિલકુલ ફાવતી નથી, પણ સ્માર્ટફોનન જેમના હાથમાં આવી ગયા છે એવા લોકોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.
કમ્પ્યુટર-ઇન્ટરનેટ પર સ્થાનિક ભાષાઓ માટે, નવાં બધાં પીસીમાં કોઈ વધારાના ફોન્ટ નાખ્યા વિના વિવિધ ભાષાનું કન્ટેન્ટ વાંચી શકાય એવી યુનિકોડ ફોન્ડની સગવડ વર્ષોથી આવી ગઈ અને તેની સરખામણીમાં સ્માર્ટફોનનનું ચલણ વધ્યું એ વાતને પણ વર્ષો થયાં હોવા છતાં એન્ડ્રોઇડ જેવી બહોળા પ્રમાણમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનનમાં હજી પણ ગુજરાતી (કે બીજી સ્થાનિક ભાષાના) ફોન્ટ હશે જ એવી ખાતરી હોતી નથી! પીસીમાં આપણે નવા ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, પણ સ્માર્ટફોનનને રૂટ કર્યા વિના એ શક્ય હોતું નથી.
સદભાગ્યે, ઉપર લખ્યા એ બંને પ્રકારના લોકોની તકલીફ હળવી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ઘણે અંશે સફળ પણ થઈ રહ્યા છે.
પહેલાં તો, જે લોકો પોતાના મોબાઇલમાં ગુજરાતી વેબસાઇટ્સ વાંચવા માગતા હતા તેમની સમસ્યા તો યુસી બ્રાઉઝરનો ઉપયોગ કરવાથી અને ફાયરફોક્સમાં ગુજરાતી લેંગ્વેજ પેકેજનું એડઓન ઇન્સ્ટોલ કરી દેવાથી ઉકેલાઈ જાય છે. ફેસબુકની એપમાં જે લોકો ગુજરાતી ફોન્ટનો ઉપયોગ ઇચ્છે છે તેમને ફેસબુની મુખ્ય નહીં તો લાઇટ એપમાં થોડી-ઘણી અગવડો સાથે આ સગવડ મળી જાય છે.
વોટ્સએપનો પ્રશ્ન પણ હવે ઘણી સારી રીતે ઉકેલાઈ ગયો છે. એન્ડ્રોઇડ ફોનની ખાસિયત કે ખામી એ છે કે તેમાં ઓપરેટિંગ સિસ્ટમમાં ફોન્ટ ન હોય, પણ એપમાં ફોન્ટ હોય તો તેમાં ગુજરાતી દેખાઈ શકે ખરું. પરિણામે પ્લે સ્ટોરમાં થોડી તપાસ કરો તો એવી ઘણી બધી એપ મળી જાય, જેમાં વોટ્સએપ કે ફેસબુક જેવી જગ્યાએ જોવા મળતું (પણ ન વંચાતું!) ગુજરાતી કન્ટેન્ટ કોપી કરીને પેલી ક્ધવર્ટર એપમાં પેસ્ટ કરતાં ત્યાં ગુજરાતી વાંચી શકાય (આ રીતે એપમાં ગુજરાતી લખીને પછી ઇચ્છીએ ત્યાં પેસ્ટ કરી શકાય એવી એપ પણ ઘણી આવી ગઈ છે).
હવે આમાં ગુજરાતી લેક્સિકોન તરફથી એક સરસ ઉમેરો થયો છે. ૨૪ ઓગસ્ટે ગુજરાતી વિશ્વભાષા દિવસ (કવિ નર્મદનો જન્મદિવસ) નિમિત્તે ગુજરાતી લેક્સિકોને ગુજરાતી ફોન્ટ રીડર એપ રજૂ કરી છે. આ એપ ઇન્સ્ટોલ કરી, તમે વોટ્સએપમાં કોઈ ગુજરાતી અને ખાલીખમ ભાસતો મેસેજ જુઓ તો ફક્ત તેને હળવો સ્પર્શ કરતાં એ મેસેજને કોપી કરવાનો વિકલ્પ કરશે. તેને કોપી કરતાં, વોટ્સએપની ઉપર જ એક વિન્ડોમાં એ મેસેજ ગુજરાતીમાં વાંચી શકાશે! આપણે ટેક્સ્ટને બીજે ક્યાંય પેસ્ટ કરવાની જરૂર રહેતી નથી. જોકે અમુક ફોનમાં જોડિયા અક્ષરો હજી બરાબર વંચાતા નથી, પણ આટલી સગવડેય ઘણા લોકો માટે ઘણી છે!
જેમને મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ તો જોઈએ જ એવા લોકો માટે ઘણી ભારતીય કંપનીઓ સ્થાનિક ભાષાઓની સગવડ ઉમેરી રહી છે. ઇન્ટેક્સે માતૃભાષા એપની મદદથી આ સગવડ કરી છે, તો માઇક્રોમેક્સે બીજી રીતે. આઇબોલનાં ઘણાં ખરાં ટેબલેટમાં પણ ગુજરાતી ફોન્ટ હોય છે. સેમસંગના લગભગ તમામ મોડેલમાં ઘણા સમયથી ગુજરાતી અને બીજી સ્થાનિક ભાષાના ફોન્ટ જોવા મળે છે.
હવે વાત કરીએ બીજા પ્રકારના લોકોની, જેમને સ્માર્ટફોનનમાં જોવા મળતું બધું લખાણ પોતાની ભાષામાં હોય તો વધુ માફક આવે તેમ છે. સેમસંગના સ્માર્ટફોનન ખરીદનારા લોકો આ કેટેગરીમાં આવતા નથી, છતાં કંપનીએ ફોનના સમગ્ર ઇન્ટરફેસને સ્થાનિક ભાષામાં ફેરવવાની સગવડ આપી છે (આવી શરૂઆત કદાચ નોકિયા કંપનીએ સાદા ફોનમાં કરી હતી). આ સગવડ લોન્ચ થઈ ત્યારે એપ્લિકેશન્સ માટે અરજી શબ્દ વાંચીને ભદ્રંભદ્રને પણ રમૂજનાં ગલગલિયાં થાય એવી સ્થિતિ હતી, પણ હવે સ્થિતિ ખાસ્સી સુધરી છે.
હજી આગળની વાત એ છે કે ફર્સ્ટટચમોબાઇલ (firstouchmobile.com) જેવી કંપનીઓ સ્થાનિક ભાષામાં જ ચલાવી શકાય એવી આખે આખી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી રહી છે. અલબત્ત આ ઓએસ એન્ડ્રોઇડ આધારિત જ હશે. ઓએસ ઉપરાંત, ૧૦ જેટલી ભારતીય ભાષાઓમાં દસ હજારથી વધુ એપ્લિકેશન્સ પણ મળે એવી સ્થાનિક ભાષાની આખી ઇકોસિસ્ટમ વિક્સાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
મુખ્ય પ્રવાહના એન્ડ્રોઇડમાં આ બધું ઘણે અંશે આવી જ ગયું છે એટલે અલગ ઓએસ કેટલી સફળ રહેશે એ બાબતે આપણને શંકા રહે, પણ સ્માર્ટફોનનના વેચાણમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સને પાછળ રાખી દેનારી માઇક્રોમેક્સ કંપની પોતે આ પહેલ કરી રહી છે એટલે સમાજના અમુક વર્ગમાં એને બહોળી લોકપ્રિયતા મળી પણ શકે છે. ભારતમાં ચાઈનીઝ હેન્ડસેટની બોલબાલા વધ્યા પછી માઇક્રોમેક્સે કંઈક નવી પહેલ કર્યા વિના છૂટકો પણ નથી.
આ ઓએસમાં ભારતીય ભાષાઓનું કીબોર્ડ હશે, જે સ્થાનિક ભાષાના શબ્દો, માત્રા વગેરે પ્રીડિક્ટ પણ કરી શકશે અને તે દરેક ભાષાના બે લાખ શબ્દોથી સમૃદ્ધ હશે. તેમાં ટ્રાન્સલેશન અને ટ્રાન્સલિટરેશન (એટલે કે ફક્ત લિપિ ફેરવાય) પણ આંગળીના ઇશારે થઈ શકે તેવી સગવડ હશે.
પહેલવહેલો સ્માર્ટફોનન ખરીદનારા ઘણા લોકો માટે આવો ફોન વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

