પ્લે સ્ટોરમાં એપની સંખ્યા લાખોમાં પહોંચી છે ત્યારે તેમાંથી આખા પરિવારને ઉપયોગી એપ્સ શોધવી વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય છે. સદભાગ્યે, આ કામ હવે થોડું સહેલું બન્યું છે.
આગળ શું વાંચશો?
-
વિન્ડોઝ એપ સ્ટોરમાં પણ ફેરફાર
તમે હમણાં હમણાં ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લીધી છે? મોટા ભાગે એવું બનતું હશે કે તમારા સ્માર્ટફોન તમારે બદલે તમારાં સંતાનોનો જ કંટ્રોલ રહેતો હશે અને એ જ જુદી જુદી એપ ડાઉનલોડ કરવાનું કામ કરતાં હશે. જો તમે વાત ફરી તમારા કંટ્રોલમાં લેવા માગતા હો તો પ્લે સ્ટોરમાં તમને થોડી મદદ મળે તેમ છે.
પ્લે સ્ટોરને ફેમિલિ ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેમાં એક નવું ફેમિલિ સેક્શન પણ ઉમેરવામાં આવ્યું છે.
પ્લે સ્ટોરમાં લગભગ ૧૪ લાખથી વધુ એપ્સ હોવાનો અંદાજ છે અને ઇન્ટરનેટની જેમ જ પ્લે સ્ટોરમાં પણ ખરેખર ઉપયોગી એપ્સની સામે તદ્દન બિનઉપયોગી કે ‘વાંધાજનક’ એપ્સ પણ પાર વગરની છે. હવે પ્લે સ્ટોરમાં આખો પરિવાર માણી શકે એવી એપને ‘ફેમિલિ ફ્રેન્ડલી એપ’ તરીકે એક નવી ઓળખ આપવામાં આવશે. આવી એપ માટે એક હસતા તારાનો ખાસ સિમ્બોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
હવે તમે પ્લે સ્ટોરમાં એપ્સ, ગેમ્સ, મૂવીઝ કે બુક્સના સેક્શનમાં જશો તો તેમાં સ્ટારના આઇકોન સાથે ફેમિલિની અલગ કેટેગરી જોવા મળશે. તેના પર ક્લિક કરતાં, પાંચ અને તેથી નાનાં બાળકો માટેની એપ્સ, ૬થી ૮ વર્ષનાં બાળકો માટેની એપ, ૯થી મોટી વયના લોકો માટેની એપ્સ તથા પોપ્યુલર કેરેક્ટર્સની એપ્સનાં અલગ અલગ સેક્શન જોવા મળશે. જેમ કે પોપ્લુયલર કેરેક્ટર્સમાં છોટા ભીમ પર ક્લિક કરતાં, તેની તમામ એપ્સ અને ગેમ્સ એક સાથે જોવા મળશે.
એપ્સ, ગેમ્સ વગેરેનું આ રીતે ઉંમર મુજબનું કેટેગરાઇઝેશન દરેક પરિવારને ચોક્કસ ઉપયોગી થશે કારણ કે અત્યાર સુધી જુદી જુદી એપ્સમાં ખાંખાંખોળાં કરીને અંતે કંટાળીને મહેનત પડતી મૂકવાનો વારો આવતો હતો.
એ ઉપરાંત જે એપમાં ઇન-એપ પરચેઝનો વિકલ્પ હોય તેમાં બાય કે ઇન્સ્ટોલ બટન નીચે એની સ્પષ્ટ સૂચના તો હતી જ, પરંતુ ઘણા લોકો એવી ગોઠવણ કરતા હોય છે કે તેઓ પ્લે સ્ટોરમાં પોતાના ક્રેડિટ કાર્ડની વિગતો સ્ટોર કરી રાખે અને પછી ઇચ્છે ત્યારે એપમાંથી જ પરચેઝ કરી લે.
સરળતા ખાતર, આ માટે પાસવર્ડ ફરી આપવો જરૂરી ન બને એવું સેટિંગ થઈ શકતું હોય છે. જોકે હવે ૦-૧૨ વર્ષનાં બાળકો માટેની તમામ એપમાં, આપણે પાસવર્ડ આપવો જરૂરી ન હોય એવું સેટિંગ કર્યું હોય તો પણ ઇન-એપ પરચેઝ વખતે પાસવર્ડ પૂછવામાં આવશે.
ફેમિલિ સેક્શનમાં બીજો પણ એક ફેરફાર થયો છે. પ્લે સ્ટોરમાં અત્યાર સુધી બે જ પ્રકારની એપ જોવા મળતી હતી, ફ્રી અને પેઇડ. હવે તેમાં ત્રીજો પ્રકાર ઉમેરાયો હોય તેવું લાગે છે. દર અઠવાડિયે, કોઈ એક પેઇડ એપ એ અઠવાડિયાની ફ્રી એપ તરીકે ઓફર કરવામાં આવશે!
આમ છતાં, કરવા જેવું એક કામ હજી રહી જાય છે. આપણો અનુભવ છે કે મોટા ભાગની ફ્રી એપ એડ સપોર્ટેડ હોય છે અને તેમાં જોવા મળતી જાહેરાતો સૌ માટે યોગ્ય ન પણ હોય. પ્લે સ્ટોરમાં ફેમિલિ એપ્સમાં એડ તો રહેશે જ અને ગૂગલ સ્પષ્ટતા કરે છે કે ફેમિલિ એપમાંની એપને તે કોઈ રીતે કંટ્રોલ કરવામાં આવતી નથી. હા, આપણને કશું વાંધાજનક લાગે તો આપણે ગૂગલને જાણ કરી શકીએ છીએ!
સ્માર્ટફોન અને તેમાંની એપ્સ જે રીતે પારિવારિક જીવન પર હાવિ બની રહી છે એ જોતાં આટલા ફેરફાર પણ ચોક્કસ આવકારદાયક છે.
વિન્ડોઝ એપ સ્ટોરમાં પણ ફેરફાર
માઈક્રોસોફ્ટ કંપનીએ પણ પોતાના એપ્સ સ્ટોર તરફ વધુ ધ્યાન આપવાની શરૂઆત કરી છે. વિન્ડોઝ ફોન માટેના એપ્સ સ્ટોરમાં એપ્સની સંખ્યા હવે ત્રણ લાખના આંકને વટાવી ગઈ છે, છતાં સંખ્યાબંધ લોકપ્રિય એપ્સનું હજી વિન્ડોઝ વર્ઝન મળતું નથી. ઘણા કિસ્સામાં એવું બને છે કે આઈઓએસ કે એન્ડ્રોઈડની ઓફિશિયલ એપ્સ જેવું જ નામ ધરાવતી પણ કોઈ થર્ડ પાર્ટીએ બનાવેલી એપ વિન્ડોઝ એપ સ્ટોરમાં જોવા મળે.
માઈક્રોસોફ્ટ કંપનીએ હવે આ વાતને ગંભીરતાથી લીધી છે અને એપ સ્ટોરની સાફસૂફી કરવાની કવાયત હાથ ધરી છે. પરિણામે ભળતાં-સળતાં નામવાળી કે લગભગ એકસરખું કન્ટેન્ટ આપતી કે લોકોને ગેરમાર્ગે દોરે તેવા નામ અને આઈકોન ધરાવતી એપ્સ સ્ટોરમાંથી દૂર કરવામાં આવશે એવી કંપનીએ જાહેરાત કરી છે. અત્યાર સુધી આંતરરાષ્ટીય સ્તરે વિન્ડોઝ પીસી અને ટેબલેટ માટેની એપ્સ અલગ સ્ટોર પર અને સ્માર્ટ ફોન માટેની એપ્સ અલગ સ્ટોરમાં મળતી હતી. પરંતુ વિન્ડોઝ ૧૦ના આગમન સાથે તમામ ડિવાઈસીઝ માટે એક જ ઓપરેટિંગ સિસ્ટમ કાર્યરત થવાની હોવાથી અલગ અલગ એપ સ્ટોરને પણ એક કરવામાં આવશે.

