ફેસબુક પર તમે ફક્ત નજીકના મિત્રો સાથે શેર કરેલી કેટલીક વાતો હવે દુનિયાની કોઈ પણ વ્યક્તિને ફેસબુકના સર્ચ રિઝલ્ટમાં જોવા મળી શકે છે. જો તમને એનાથી કોઈ ફેર ન પડતો હોય તો જુદી વાત છે, પણ જો તમે તમારી પોસ્ટ્સ મિત્રો પૂરતી જ મર્યાદિત રાખવા માગતા હો તો…
ફેસબુકમાં લોગ-ઇન થયા પછી, ઉપરના મેનુમાં જમણા છેડે તાળા જેવી નિશાની પર ક્લિક કરો.
અહીં ‘હૂ કેન સી માય સ્ટરફ’ પર ક્લિક કરો.
અહીં તમને મુખ્ય બે વિકલ્પ દેખાશે, પબ્લિક અને ફ્રેન્ડ્સ. જો તમે તમારી પોસ્ટ્સ ફેસબુકના સર્ચમાં પણ ઉમેરાય તેમ ઇચ્છતા હો તો પબ્લિક પસંદ કરો. પોસ્ટ મર્યાદિત રાખવા માટે ફ્રેન્ડ્સ પસંદ કરો (જાણીને નવાઈ લાગશે કે તમારી પોસ્ટ ફક્ત તમે જ જોઈ શકો એવો એક વિકલ્પ પણ ફેસબુક આપે છે!).
તમારી પોસ્ટ કોણ જોઈ શકે અને કોણ ન જોઈ શકે એ વધુ પાકે પાયે તમે નક્કી કરવા માગતા હો તો ‘મોર ઓપ્શન્સ’ પર ક્લિક કરી, તેમાં ‘કસ્ટમ’ પર ક્લિક કરો. હવે તમે અમુક ચોક્કસ મિત્રોનાં નામ લખી શકો છો, અથવા ફ્રેન્ડ્સ લખી શકો, અથવા ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ લખી શકો.
જોકે એક વાત યાદ રાખશો કે આ સેટિંગ્સ કાયમી નથી. તમે જ્યારે નવું સ્ટેટસ અપડેટ કરો ત્યારે ત્યાંથી પણ તમે, તમારું સ્ટેટસ ફક્ત મિત્રો માટે રાખવા માગો છો કે પબ્લિક રાખવા માગો છો તે નક્કી કરી શકો છો.
વધુ એક વાત પર ધ્યાન આપજો – મૂળ સેટિંગ્સમાં તમે તમારી પોસ્ટ ફક્ત મિત્રો જોઈ શકે એવું સેટિંગ કર્યું હોયઅને સ્ટેટસ અપડેટ કરતી વખતે કોઈ એક પોસ્ટ માટે તમે પબ્લિક શેરિંગ પસંદ કરો, તો ફેસબુક એને જ તમારું ડિફોલ્ટ સેટિંગ માની લેશે! મતલબ કે ફરી તમે ફ્રેન્ડ્સ પસંદ કરો નહીં ત્યાં સુધી નવાં બધાં સ્ટેટસ અપડેટ પબ્લિક જ રહેશે.
આ તો નવી પોસ્ટની વાત થઈ. જૂની પોસ્ટને પ્રાઇવેટ કરવી હોય તો? તો ફરી, લોકવાળા સેટિંગમાં, ‘સી મોર સેટિંગ્સ’ પર ક્લિક કરો. અહીં, તમને તમારી તમામ જૂની પોસ્ટની સમીક્ષા કરીને તેને પબ્લિકમાંથી પ્રાઇવેટ કરવાનો વિકલ્પ મળશે. આ વિકલ્પ છે, પણ ઉપયોગી નથી, કેમ કે ફેસબુક પરની દરેક પોસ્ટ તમે ક્યાંથી તપાસવા જવાના? એને બદલે, તેના પછીનો ‘લિમિટ પાસ્ટ પોસ્ટ્સ’ પર ક્લિક કરશો એટલે સિસ્ટમ તમને ચેતવશે કે તમારી પોસ્ટ મિત્રો સિવાય કોઈ જોઈ શકશે નહીં! એ જ તમે ઇચ્છતા હો તો ફરી ‘લિમિટ ઓલ્ટ પોસ્ટ્સ’ પર ક્લિક કરી દો.
સમગ્ર ફેસુબકને સર્ચ કરી શકવાની સગવડ એક રીતે, લોકો માટે એક આખી નવી દુનિયાનો પરિચય કરાવે તેવી છે અને ઇચ્છો તો એમાં તમારી પોતાની દુનિયાને બીજાની નજરથી દૂર રાખી શકો છો!
