નોકરી/કામકાજ અને પરિવાર – આ બંને વચ્ચે સંતુલન સાધવું હંમેશા મુશ્કેલ હોય છે. ગૂગલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પેટ્રિક પાઇશેટે હમણાં આ જ કારણસર, ગૂગલમાં સાત વર્ષની નોકરી પછી રાજીનામું આપ્યું. પેટ્રિકે પોતે શા માટે રાજીનામું આપ્યું એ પણ ગૂગલ+ પર શેર કર્યું. ગૂગલના સહસ્થાપક લેરી પેજે એમની એ નોટને ‘એક સૌથી અસાધારણ સીએફઓ તરફથી સૌથી અસાધારણ લીવિંગ નોટીસ’ ગણાવી અને સાથે લખ્યું કે ‘વેલ વર્થ રીડિંગ, ઇટ વિલ વાર્મ યોર હાર્ટ. (અચૂક વાંચશો, તમારું હૃદય હૂંફ અનુભવશે). તમે પણ વાંચો, પેટ્રિકના એ ‘અસાધારણ’ પત્રનો ભાવાનુવાદ…
ગૂગલમાં ચીફ ફાઇાન્શિયલ ઓફિસર તરીકે સાત વર્ષ કામ કર્યા પછી, મારા પરિવાર સાથે વધુ સમય ગાળવા માટે નિવૃત થઈશ. મારી જેમ ઘણા લોકો કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવા મથતા હશે એ એટલે જ હું મારા વિચારો તમારી સાથે શેર કરવા માગું છું.
ગયા સપ્ટેમ્બરમાં અમે આફ્રિકામાં રજાઓ ગાળી. આખી રાત ક્લાઇમ્બિંગ કર્યા પછી, આફ્રિકાની ટોચ સમા માઉન્ટ કિલિમાન્જારો પર અમે સૂર્યોદય જોઈ રહ્યાં હતાં ત્યારે મારી પત્નીએ અચાનક મને કહ્યું, “હેય, આપણે આમ જ આગળ વધતાં રહીએ તો? આફ્રિકા આખે આખું જોઈએ, પછી ભારત જઈએ, બાજુમાં જ તો છે. ત્યાંથી, હિમાલય, એવરેસ્ટ, બાલી, ગ્રેટ બેરિયર રીફ… મેં પત્નીને ટીપીકલ સીએફઓ જેવો જવાબ આપ્યો હતો, “આમ ફરતા રહેવું મને પણ ગમે, પણ હજી સમય પાક્યો નથી. ગૂગલમાં મારે હજી કેટલું કરવાનું છે, મારી કારકિર્દી… ત્યારે પત્નીએ કિલર ક્વેશ્ચ પૂછ્યો, “તો સમય ક્યારે પાકશે? આપણો સમય? મારો સમય?
થોડાં અઠવાડિયાં પછી હું ફરી કામે વળગ્યો, પણ પેલા સવાલે પીછો ન છોડ્યો. પછી હું વિચારે ચઢ્યો. બાળકો મોટાં થઈને પોતાને રસ્તે છે. બીજું, છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી મેં લગભગ સતત કામ કર્યું છે. જ્યારે જરુર ન હોય ત્યારે પણ હું કામ કરતો રહ્યો છું. મને એવો અફસોસ છે, અને આનંદ પણ છે. મે મારું કામ ગમે છે, મારા સાથી કર્મચારીઓ, મિત્રો, દુનિયામાં પરિવર્તન લાવવાની તકો… બધું જ.
પણ આ ઉનાળે અમે લગ્ની ૨૫મી વર્ષગાંઠ ઉજવીશું. અમારાં બાળકો મજાકમાં કહે છે કે આટલાં વર્ષમાં અમે પતિ-પત્નીએ એટલો ઓછો સમય સાથે ગાળ્યો છે કે લગ્નજીવન સફળ નીવડ્યું કે નહીં એ કહેવું હજી વહેલું છે. એમને શું ખબર કે અમે કેવી યાદો સાથે સર્જી છે! પણ એક વાત નક્કી છે, હું એવી વધુ યાદો ઇચ્છું છું ને પત્નીને હજી ઘણી વધુ યાદોનો હક છે.
ટૂંકી વાત એટલી કે ‘તું હજી થોડાં વધુ વર્ષ રાહ જોઈ લે’ એવું પત્નીને કહેવાનું કોઈ કારણ હું શોધી શક્યો નથી.
ગૂગલમાં કામ કરવું એ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ છે. જિંદગી સૌથી મજાની છે, પણ અંતે તમારે સંખ્યાબંધ સમાધાનો કરવાં પડે છે. પ્રોફેશન અને પર્સનલ લાઇફ વચ્ચે તો ખાસ. સદનસીબે હવે જીવનના એવા મુકામે પહોંચ્યો છું કે મારે બહુ મુશ્કેલ વિકલ્પોમાંથી પસંદગી કરવાની નથી.
