તમે પર્વતની ધાર પર ઊભા હો અને નીચે નજર નાખો તો ચાર હજાર ફૂટ ઊંડી ખીણ દેખાતી હોય તો તમે આગળ ડગલું માંડો ખરા? જવાબ આપતાં પહેલાં એટલું વિચારી લો કે દસ માળના બિલ્ડિંગની અગાશીએથી નીચે નાખતાં તમને કેવી લાગણી થાય છે? આ એવાં લગભગ ૩૫-૪૦ બિલ્ડિંગ ઉપરાઉપર ગોઠવ્યા પછી, છેક ટોચના માળેથી નીચે જોવા જેવી વાત છે!
અમેરિકાના એરિઝોના રાજ્યમાં ગ્રાન્ડ કેન્યન વિસ્તારમાં કોલોરાડો નદીનાં વિશાળ કોતરોમાં એક સ્થળે, પ્રવાસીઓ નજર સામે ખીણ હોવા છતાં પર્વતની ધાર છોડીને આગળ પગલાં ભરે છે, એટલું જ નહીં, પર્વતની કિનારથી ૭૦ ફૂટ દૂર સુધી આંટો પણ મારે છે. ધડકતા દિલે, સાચવી સાચવીને તેઓ એક એક પગલું ભરે છે ત્યારે પગ નીચે ઊંડી ખીણ સતત દેખાય છે!
બાજુની તસવીર કે સાથે આપેલ વીડિયો જોશો તો આ સ્થિત વધુ સમજાશે!
૧૯૯૬માં લાસ વેગાસના એક બિઝનેસમેનને ગ્રાન્ડ કેન્યનની મુલાકાત દરમિયાન દુનિયાને એક એન્જિનીયરિંગની અજાયબી ભેટ આપવાનો વિચાર આવ્યો. તેમણે આ વિસ્તારના આદિવાસીઓની મંજૂરી લઈને પર્વતની ધાર પરથી આગળ ચાલી શકાય એવું, ઘોડાની નાળ જેવું એક વિશાળ સ્ટ્રક્ચર તૈયાર કરાવ્યું, નામ આપ્યું સ્કાયવૉક.
આ સ્કાયવોકમાં સ્ટીલના માળખા પર નીચે અને આજુબાજુ કાચની દીવાલો છે, જેથી લગભગ કોઈ અવરોધ વિના નીચેની ખીણમાં પથરાયેલી પૃથ્વીની અજબ કુદરતી રચના જોઈ શકાય. સમગ્ર સ્કાયવૉકનું માળખું કુલ ૭૧ ફૂલ્લી લોડેડ બોઇંગ એરપ્લેન્સનો ભાર ખમી શકે એટલું મજબૂત છે. આ સ્કાયવોક એક સાથે ૮૨૨ લોકોનું વજન સહી શકે છે, પણ તેના પર એક સમયે ૧૨૦ લોકોને જ જવાની છૂટ છે.
તમારે પણ સ્કાયવોક પર ચાલવાનો આનંદ માણી શકો છો,
યુટ્યૂબમાં(Grand Canyon Skywalk) સર્ચ કરી જુઓ!
