જગત આખામાં ફૂટબોલ ફીવર છવાયો છે, પરંતુ આ વખતનો વર્લ્ડકપ ઘણી બધી રીતે કંઈક જુદો છે. આપણા મીડિયાની નજરમાં ન આવેલા આ મુદ્દાઓ જાણી લો અહીં…
આગળ શું વાંચશો?
- દૂધનું દૂધ, પાણીનું પાણી કરી આપતી ગોલલાઈન ટેકનોલોજી
- વેનેશિંગ સ્પ્રેઃ કામચલાઉ લક્ષ્મણરેખા આંકવાની કમાલ
- હાઈટેક પ્રસારણ
- બ્રાઝુકા બોલબાહરી પરિબળો સામે અવિચળ
ટ્વેેન્ટી-ટ્વેેન્ટીની ક્રિકેટ મેચ હોય કે ઓલિમ્પિક – ફૂટબોલ વર્લ્ડ કપ – વિમ્બલ્ડન જેવી વિશ્વપ્રસિદ્ધ રમતસ્પર્ધાઓ, તેમાં ખેલાડીઓના પ્રદર્શન જેટલું જ રોમાંચકારી પરિબળ નવી ટેક્નોલોજીનું હોય છે, પરંતુ તે પડદા પાછળ રહીને કામ કરતી હોવાથી તેની ચર્ચા પ્રમાણમાં ઓછી થાય છે.
રમતના મેદાનમાં અમ્પાયર કે રેફરીથી થતી ભૂલ વર્ષો સુધી રમતોની અનિશ્ચિતતાનો હિસ્સો ગણાતી હતી. અંચઈ વિના, ફક્ત દબાણ અને ચૂકને કારણે એક ખેલાડીને ખોટો આઉટ આપી દેવાથી કે ખોટો ગોલ આપી દેવાથી કોઈની બાજી બને, તો કોઈની બગડી જતી હતી. અજાણતાં થતા આવા અન્યાયને ખેલાડીઓએ પણ નિયતિ તરીકે સ્વીકારી લેવો પડતો હતો.
ક્રિકેટમાં ટેક્નોલોજીનું આગમન અને તેનો પગપેસારો ૧૯૭૦-૧૯૮૦ના દાયકામાં શરુ થયાં (ક્રિકેટમાં વપરાતી કરામતી ટેક્નોલોજી વિશે પછીના લેખમાં વિગતે વાત કરવામાં આવી છે.) બાકીની રમતોએ પણ માનવીય નિર્ણયશક્તિની મયર્દિાને બદલે ટેક્નોલોજીની ચોકસાઈ અપનાવવાનું શરુ કર્યું, પરંતુ અમેરિકામાં સોકર અને બાકીના જગતમાં ફૂટબોલ તરીકે ઓળખાતી ચીલઝડપની રમત ટેક્નોલોજી અંગીકાર કરવાની બાબતમાં ગોકળગાય પુરવાર થઈ. દર ચાર વર્ષે રમાતા અને ‘ફિફા’ – ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફૂટબોલ એસોસિયેશન – દ્વારા આયોજિત ફૂટબોલના વિશ્વકપમાં ગોલ જેવી નિણર્યિક બાબત રામભરોસે – એટલે કે રેફરીભરોસે- છોડી દેવામાં આવી હતી.
રેફરી ગમે તેટલો તટસ્થ, કાબેલ, નિષ્ઠાવાન અને બાજનજર ધરાવનારો હોય, તો પણ ફૂટબોલની રમતની ખાસિયત જેવી ઝડપ સાથે અને ખેલાડીઓના ઝુંડની આરપાર, સતત એકસરખી ચોકસાઈથી શી રીતે કામ પાડી શકે? ઘણી વાર એવું બને કે રેફરી ખેલાડી સાથે દોડતો હોય તો પણ બરાબર નિણર્યિક ઘડીએ તેની અને બોલ ‘લઈને’ ચાલતા ખેલાડીની વચ્ચે બીજા બે-ચાર-પાંચ ખેલાડીઓનું ઝૂમખું આવે અને રેફરી કે ‘બાઉન્ડરી’ની બહાર ઊભા રહીને નિરીક્ષણ કરતા લાઇન્સમેનની દૃષ્ટિ અવરોધાય. એ સિવાય પણ બોલ લાઇનની બહાર પડ્યો કે અંદર એની પંચાત હોય.
સૌથી વધારે માથાકૂટ જોકે ગોલ વખતે થાય. કારણ કે તેની પર હાર-જીતના ફેંસલાનો આધાર હોય. બોલ સીધેસીધો ગોલપોસ્ટની જાળીમાં પહોંચી જાય તો ઉત્તમ, પણ એ ગોલપોસ્ટ પર ક્યાંક અથડાયો તો? એ ક્યાં ટકરાયો, ગોલપોસ્ટની સહેજ અંદર અફળાઈને પછી બહાર ફંટાયો કે ગોલપોસ્ટના બહારના દાંડા સાથે ‘ટચ એન્ડ ગો’ ખેલીને બારોબાર નીકળી ગયો, ગોલ કરવા માટે આવશ્યક એવી ગોલપોસ્ટ પર દોરેલી લક્ષ્મણરેખા તેણે ઓળંગી કે નહીં – આવા અનેક મૂંઝવનારા પ્રશ્નો ઊભા થાય. તેનો જવાબ નિરાંતે વિચારીને નહીં, પણ તત્કાળ, સ્થળ પર અને હજારો ઉત્તેજિત પ્રક્ષકો તથા ઉશ્કેરાટથી થનગનતા ખેલાડીઓના દબાણની વચ્ચે લેવાનો હોય.
આવા સંજોગોમાં કેવું પરિણામ આવી શકે તેનું સૌથી જાણીતું ઉદાહરણ ૧૯૬૬ના ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચનું છે. લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં ખેલાયેલી આ મેચ જીતીને ઇંગ્લેન્ડ પહેલી અને એકમાત્ર વાર ફૂટબોલમાં વિશ્વવિજેતા બન્યું. મેચના સમય દરમિયાન બંને ટીમ ૨-૨ના સ્કોર સાથે બરાબરી પર હતી, પરંતુ એક્સ્ટ્રા ટાઇમમાં ઇંગ્લેન્ડને આગળ લઈ જનાર ત્રીજો ગોલ ગરબડવાળો સાબિત થયો. ફૂટેજ પરથી જણાયું હતું કે મેચમાં ગોલની હેટ્ટ્રિક ફટકારનાર ઇંગ્લેન્ડના જ્યોર્જ હર્સ્ટે બીજા ગોલ વખતે કિક મારી, ત્યારે બોલ ગોલપોસ્ટની ઉપરના ભાગે અથડાઈને બરાબર તેઓની નીચે દોરેલી રેખા પર પડ્યો હતી. એટલે કે ગોલના નિયમ પ્રમાણે, બોલે રેખા ઓળંગી ન હતી. સ્વિસ રેફરી અને રશિયન લાઇન્સમેન એ હકીકત પામી શકયા નહીં. તેમણે ગોલ જાહેર કર્યો. ત્યાર પછી વધુ એક ગોલ થયો અને ઇંગ્લેન્ડ ૪-૨થી જીતી ગયું. (ભૂલથી જાહેર થયેલા આ વિવાદાસ્પદ ગોલની વીડિયો : https://www.youtube.com/watch?v=0Uhe_l1h3w8)ચાર દાયકા પછી એ જ ઘટનાક્રમનું પુનરાવતર્ર્ન, અલબત્ત ફાઇનલમાં નહીં પણ લીગ મેચમાં થયું. જેમાં ઇંગ્લેન્ડ માનવીય ભૂલનું લાભાર્થી નહીં, પણ નુકસાનાર્થી હતું. ઇંગ્લેન્ડના ફ્રેન્ક લેમ્પર્ડે છેક ૨૦૧૦ના ફૂટબોલ વર્લ્ડ કપમાં જર્મની સામે કરેલો ગોલ રેફરીના ખોટા નિર્ણયને કારણે રદબાતલ ઠર્યો હતો. (ખરા છત્ાાં ખોટા ઠરેલા ગોલની વીડિયો : https:/www.youtube.com/watch?v=WML0aP4jo_g
આ પ્રકારના કિસ્સા જ્યારે પણ બને ત્યારે મેચ પૂરી થયાનાં વર્ષો સુધી ‘જો આમ થયું હોત તો શું થાત?’ એવી અટકળો રમતપ્રેેમીઓમાં અને પ્રસાર માધ્યમોમાં થતી રહે છે. બ્રાઝિલ, આર્જેન્ટિના, સ્પેન જેવા કેટલાક દેશોમાં ફૂટબોલ માટે લોકોની ઘેલછા જોતાં, આવી એકાદ ભૂલ અને તેની પરિણામ પર પડેલી અસર આખા દેશની ફૂટબોલઘેલી જનતા માટે અને દેશના એકંદર જુસ્સા માટે કારી ઘા જેવી બની શકે છે.
ફૂટબોલ વર્લ્ડ કપમાં નવી ટેક્નોલોજી માટે ‘ફિફા’એ ઉઘાડેલા દરવાજા પાછળનું બીજું સંભવિત્ા કારણ છે : રમતના મેદાનની બહાર ટેક્નોલોજીની બોલબાલા. અમસ્તી પણ ફૂટબોલના વર્લ્ડ કપની ગણતરી રેકોર્ડબ્રેક પ્રેક્ષકો ધરાવતી રમતસ્પધર્ઓિમાં થાય છે. એક અંદાજ પ્રમાણે, કુલ ૩.૨ અબજ લોકોએ વર્ષ ૨૦૧૦ના ફૂટબોલ વર્લ્ડ કપની એક કે વધુ મેચ ટીવી પર જોઈ. તેની ફાઇનલ મેચ ટીવી પર જોનાર દર્શકોની સંખ્યા હતી : ૭૧.૫ કરોડ.
આ વખતે પ્રેક્ષકોની સંખ્યામાં વધારો જ થવાનો છે. સાથોસાથ ‘ડિજિટલ ઓડિયન્સ’ – કમ્પ્યુટર, ટેબલેટ, સ્માર્ટફોન થકી મેચ જોનારા, તેઓની સાથે સંકળાનારા લોકોમાં પણ ભારે ઉછાળો આવશે. તેમાંમાંથી ઘણા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર સક્રિય અને ફક્ત મેચ જોઈને સંતોષ માનવાને બદલે, વધુ ને વધુ માહિતીની, નવીનતા અને રોમાંચની અપેક્ષા રાખનારા હશે. વેબસાઇટ્સ પર અને મોબાઇલ ફોન થકી શરતો લગાડનારા શોખીનો પણ ઊમટી પડશે. એ સૌના પ્રતાપે મેચ ચાલુ હોય ત્યારે ઇન્ટરનેટ પરનો ડેટા ટ્રાફિક વધીને ૨૫ ટેરાબાઇટ પ્રતિ સેક્ન્ડ સુધી પહોંચી જાય એવી સંભાવના છે. તેમને સંતોષવા માટે ખાનગી કંપનીઓ મોબાઇલનાં વિવિધ ‘એપ્સ’ તૈયાર કરી ચૂકી છે.
સ્વાભાવિક છે કે ‘ફિફા’ને પણ બદલાતા સમયને અનુપ ટેક્નોલોજી અપનાવવાની ફરજ પડે. તેનાથી ખર્ચ વધશે, પણ રમતપ્રેમીઓને જલસા પડવાના છે. ‘સૌથી હાઈટેક ફૂટબોલ ટૂનર્મિેન્ટ’નું બિરુદ પામેલો આ વખતનો ‘ફિફા’ વર્લ્ડ કપ કમસે કમ ખોટા નિર્ણયો માટે તો જાણીતો નહીં બને, એટલું ટેક્નોલોજીએ સુનિશ્ચિત કરી આપ્યું છે.
દૂધનું દૂધ, પાણીનું પાણી કરી આપતી ગોલલાઇન ટેક્નોલોજી

ફૂટબોલ વિશ્વકપ, ૧૫ જૂન, ૨૦૧૪. ફ્રાન્સ અને હોન્ડુરાસ વચ્ચેની મેચમાં કશી રસાકસી થાય એવી શકયતા ન હતી. ફ્રાન્સ ૩-૦થી મેચ જીતી ગયું, પણ આ મેચ ફૂટબોલના ઇતિહાસમાં સ્થાન પામી તેનું કારણ બીજું હતું : ફૂટબોલ વિશ્વકપના ઇતિહાસમાં પહેલી વાર, આ મેચમાં ફ્રાન્સના બીજા ગોલનો ફેંસલો ‘થર્ડ અમ્પાયર’ જેવી ‘ગોલ-લાઇન’ ટેક્નોલોજીની મદદથી આપવામાં આવ્યો.
જર્મન કંપની ‘ગોલક્ન્ટ્રોલ’ દ્વારા વિકસાવાયેલી આ ટેક્નોલોજીમાં સ્ટેડિયમના બંને છેડે સાત-સાત હાઈ સ્પીડ કેમેરા એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી જુદા જુદા ખૂણેથી તેમનું લક્ષ્ય સતત ગોલપોસ્ટ પર રહે. ગોલ કરવા અને અટકાવવા માટે ખેલાડીઓ વચ્ચે ચડસાચડસી ચાલતી હોય ત્યારે બોલ ખરેખર ગોલ લાઇનને પાર કરી ગયો કે નહીં, એ સાદા એકશન રિપ્લે પરથી જાણી શકાતું નથી. એ વખતે ગોલ-લાઇન ટેક્નોલોજી દ્વારા તહેનાત સાત કેમેરામાંથી મળતાં દૃશ્યોના આધારે હળવી ધ્રુજારી અને દૃશ્ય સંકેત રેફરીના સ્માર્ટ વોચમાં પહોંચી જાય છે. ઘડિયાળમાં ‘ગોલ’ લખેલું આવી જાય એના આધારે રેફરી રાહ જોયા વિના છતાં ચોકસાઈથી પરિણામ જાહેર કરી શકે છે. સ્ટેડિયમના છાપરા પર રહેલા હાઈ સ્પીડ કેમેરા દ્વારા ગોલ લાઇનના સંદર્ભે ફૂટબોલનું સ્થાન નક્કી કરવામાં પાંચ મિલિમીટરથી વધારે ફરક પડી શકતો નથી.
એક સ્ટેડિયમને ‘ગોલક્ધટ્રોલ’ની ગોલલાઇન સિસ્ટમથી સજ્જ કરવાનો ખર્ચ આશરે અઢી લાખ ડોલર આવે છે. ફૂટબોલ વર્લ્ડ કપમાં તેનો ઉપયોગ કરતાં પહેલાં વર્ષ ૨૦૧૧માં તેના સફળ અખતરા થઈ ચૂકયા છે અને તેને ‘ફિફા’ તરફથી માન્યતા પણ મળી ગઈ છે.
વેનિશિંગ સ્પ્રે : કામચલાઉ લક્ષ્મણરેખા આંકવાની કમાલ

સૌંદર્ય પ્રસાધન તરીકે વપરાતા વેનિશિંગ ક્રીમની વાત નથી. આ તો ફૂટબોલના મેદાનનું સૌંદર્ય બગાડ્યા વિના, રમતની ચોકસાઈમાં ઉમેરો કરતી શોધ છે. નામ પ્રમાણે કામ આપતું ‘વેનિશિંગ સ્પ્રે’ દેખાવમાં દાઢી કરવા માટે વપરાતા ફોમ જેવું લાગે. ડબ્બામાંથી તેને બહાર કાઢવાની પ્રક્રિયા પણ કંઈક એવી જ છે. ફરક એટલો કે આ સ્પ્રેે ચહેરાને બદલે મેદાન પર છાંટવામાં આવે છે.
ફૂટબોલની રમત દરમિયાન ફાઉલ થાય- ખેલાડીથી ઇરાદાપૂર્વક કે અજાણતાં ભૂલ થાય- ત્યારે રેફરી સામેની ટીમને ફ્રી કિક આપે છે. જે સ્થાનેથી ફ્રી કિક વાગવાની હોય તેનાથી ૯.૧૫ મીટર (૧૦ યાર્ડ) દૂર પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ હરોળ બનાવીને કિકને રોકવા ઊભા રહે છે, પરંતુ ૯:૧૫ મીટર દૂર ઊભા રહેલા થનગનભૂષણ ખેલાડીઓ કિક વાગતાં પહેલાં આગળ જાય તેનું જોખમ હંમેશાં રહે છે. આર્જેન્ટિનાના પત્રકાર પાબ્લો સિલ્વાને ફૂટબોલની એક મેચમાં એવો કડવો અનુભવ થયો. એટલે તેમણે રસાયણશાસ્ત્રના એક જાણકારની મદદથી એવું સ્પ્રે બનાવવાનું નક્કી કર્યું જેના વડે મેદાન પર સ્પષ્ટ લાઇનદોરી આંકી શકાય, સામેના ખેલાડીઓને બરાબર તેની પાછળ ઊભા રાખી શકાય અને સ્પ્રે દ્વારા થયેલી લીટી બે મિનિટ પછી આપમેળે ભૂંસાઈ પણ જાય. આ સંશોધન શકય બનતાં તેનું પ્રચલિત નામ વેનિશિંગ સ્પ્રે પડ્યું. તેનું સત્તાવાર નામ છે ૯:૧૫ (જે ૧૦ યાર્ડનું મીટરમાં અંતર સૂચવે છે.) આ ટેક્નોલોજી અગાઉ બીજી સ્પર્ધાઓમાં ઉપયોગમાં લેવાઈ છે, પણ વિશ્વકપમાં પહેલી વાર તેનો ઉપયોગ થયો.
હાઈ ટેક પ્રસારણ

કરોડોની સંખ્યામાં દર્શકો ટીવી પર ફૂટબોલનો વર્લ્ડ કપ જોવાના હોય અને આ પ્રસારણની ડિજિટલ સ્વરૂપે સાચવણી થવાની હોય, ત્યારે એ ક્ષેત્રે કશુંક નવું ન થાય તો જ નવાઈ. વર્લ્ડ કપના પ્રસારણના હકો એચબીએસ કંપની પાસે છે, પરંતુ પ્રસારણની અભૂતપૂર્વ ગુણવત્તા માટે તેણે ‘સોની’ સાથે હાથ મિલાવ્યા છે. ‘સોની’ ૨૨૪ હાઈ ડેફિનેશન (એચડી) કેમેરાની મદદથી આખા વિશ્વકપની તમામ સ્પર્ધાઓનું લગભગ ૨૫૦૦ કલાકનું ફૂટેજ ઝડપશે.
આ વખતનો પહેલી વાર ‘ફિફા’ વર્લ્ડ કપના શૂટિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન (યુએચડી) ફોર્મેટનો ઉપયોગ પણ થવાનો છે. ‘યુએચડી ફોર-કે’ જેવા ટેક્નિકલ નામનો સાદો અર્થ એટલો કે તેની સ્પષ્ટતા હાઈ ડેફિનેશન ફોર્મેટ કરતાં ચાર ચાસણી ચડે એવી અને શબ્દાર્થમાં ચાર ગણી વધારે છે. આ ફોર્મેટમાં ફાઇનલ સહિતની કુલ ત્રણ જ મેચનું પ્રસારણ થશે.
મોટા ભાગના લોકોનાં ટીવી, કેબલ અને ઇન્ટરનેટ નેટવર્ક અલ્ટ્રા હાઇડેફિનેશન પ્રસારણ ઝીલી શકવાની ક્ષમતા ધરાવતાં નથી. એટલે તેમના માટે અત્યારે યુએચડીનો કશો અર્થ ન સરે, પરંતુ ટેક્નોલોજીની વર્તમાન ઝડપ ધ્યાનમાં રાખતાં, આવનારાં વર્ષોમાં હાઈટેક ઉપરાંત અલ્ટ્રા હાઈટેકનો પણ જમાનો આવશે. ત્યારે એ ફોર્મેટમાં શૂટ થયેલો ‘ફિફા’નો આ પહેલો વર્લ્ડ કપ હશે.
બ્રાઝુકા બોલ બાહરી પરિબળો સામે અવિચળ

ફૂટબોલની રમતમાં ખેલાડીઓનાં કૌશલ્ય ઉપરાંત ખુદ ફૂટબોલનાં લક્ષણો અને તેના માટે જવાબદાર એવી તેની બનાવટનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં. ગયા વિશ્વકપમાં જાબુલાની બનાવટના ફૂટબોલ સામે ઘણી ફરિયાદો થઈ હતી. ખેલાડીઓને લાગતું હતું કે કિકની ઝડપ સિત્તેરેક કિલોમીટર પ્રતિ કલાકથી વધી જાય ત્યારે બોલ ‘કહ્યામાં રહેતો ન હતો’ અને મનમરજી પ્રમાણે ગતિ કરતો હતો. તેને કારણે ખેલાડીઓની અને ગોલકીપરની ગણતરી અવળી પડતી હતી.
આ ફરિયાદો નિવારવા માટે ‘અડીદાસ’ કંપનીએ જુદી પદ્ધતિથી ફૂટબોલ તૈયાર કર્યો અને અઢી વર્ષ સુધી વિશ્વના ટોચના ફૂટબોલ ખેલાડીઓ સહિત બીજા ખેલાડીઓ પાસે એ બોલનું પરીક્ષણ કરાવ્યું. તેમાંથી પાસ થયા પછી તેને ‘ફિફા’ વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું છે. આ બોલનું નામ શું રાખવું તેના માટે દસેક લાખ ફૂટબોલ ચાહકોએ અભિપ્રાયો આપ્યા હતા. તેમાંથી બહુમતીથી ‘બ્રાઝુકા’ નામ પસંદ થયું. તેનો અર્થ છે ‘બ્રાઝિલને લગતું’ અથવા ‘બ્રાઝિલની જીવનશૈલી સાથે સંબંધિત.’
‘યુરેથેન’ જેવું વૈજ્ઞાનિક નામ ધરાવતા રબર જેવા પદાર્થના છ એકસરખા ટુકડાને એકબીજામાં ભિડાવીને (જિગ સો પઝલ જેવા ઇન્ટરલોકિગંથી) ‘બ્રાઝુકા’ બોલ તૈયાર કરવામાં આવ્યો છે. પહેલી જ વાર અડીડાસ કંપનીએ બોલની અંદર એચડી કેમેરા ફિટ કર્યા છે, જેને નામ આપ્યું છે બ્રાઝુકેમ. આ કેમેરા ૩૬૦ ડીગ્રી દૃશ્યો ઝીલે છે. અડીડાસની યુટ્યૂબ ચેનલ પર આ દૃશ્યો જોઈ શકાય છે.

