ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી સહેલી અને સગવડદાયક બની રહી છે તેની સાથોસાથ લોકોના સારા અને નરસા અનુભવો પણ વધી રહ્યા છે.
ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી સહેલી અને સગવડદાયક બની રહી છે તેની સાથોસાથ લોકોના સારા અને નરસા અનુભવો પણ વધી રહ્યા છે. ગયા મહિને ઓનલાઇન શોપિંગ અંગેના લેખના પ્રતિસાદમાં વિવિધ વાચકોએ તેમના અનુભવ લખી મોકલ્યા, તેમાંથી એક વાચકનો અનુભવ વિશેષ નોંધપાત્ર છે. વાંચો અને યોગ્ય-અયોગ્યનો જાતે જ નિર્ણય કરો!
હેમેન્દ્રભાઈ મહેતા તેમનાં પત્ની કલ્પનાબહેન સાથે વડોદરામાં રહે છે. બંને દીકરી વિદેશમાં સ્થાયી થઈ છે. દંપતિ ૮૦ વર્ષની વય વટાવી ચૂક્યું છે. ટીવી પર અવારનવાર ‘બિલકુલ સહેલાઈથી, ફટાફટા બનાવો રોટલી’ પ્રકારની જાહેરાતો જોઈને હેેમેન્દ્રભાઈને વિચાર આવ્યો કે આ રીતે રોટીમેકરથી રોટલી બની શકતી હોય તો વૃદ્ધ પત્નીને રાહત રહેશે. એમણે જુલાઈ ૨૬, ૨૦૧૪ના રોજ નાપતોલ.કોમ પર રોટીમેકરનો ઓર્ડર આપ્યો અને તેનું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું. રોટીમેકર સાથે તેમને એક આટામેકર અને મફત હોટપોટ મળવાનું હતું, રૂ. ૩૯૯ના શીપિંગ ચાર્જ સાથે કુલ રકમ ચુકવવામાં આવી રૂ. ર૮૯૮/-.
નિશ્ચિત સમયમાં ઓર્ડરની ડિલિવરી ન મળતાં એમણે નાપતોલ.કોમ કંપની સાથે અને પછી જેના દ્વારા ડિલિવરી મળવાની હતી તે કુરિયર કંપનીનો વારંવાર સંપર્ક કર્યો અને પછી ઓગસ્ટ ૮, ૨૦૧૪ના રોજ તેમને બોક્સ મળ્યું. હેમેન્દ્રભાઈએ ‘સાયબરસફર’ને ઈ-મેઇલમાં લખ્યું છે કે ‘અમે ઉત્સાહથી બોક્સ ખોલ્યું, યુઝર મેન્યુઅલ્સ વાંચ્યાં અને રોટલી બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો, પણ વારંવારના પ્રયાસ છતાં જાહેરાતમાં બતાવ્યા મુજબ રોટલી બની નહીં.
હેમેન્દ્રભાઈએ ૧૦મી અને ૧૮મી ઓગસ્ટે રોટીમેકર કામ ન આપતું હોવાનું કહી, યોગ્ય વ્યક્તિ દ્વારા માર્ગદર્શન માટે કંપનીને ઈ-મેઇલ કર્યો. જેના જવાબમાં એ જ દિવસે નાપતોલ.કોમ તરફથી તેમને ઈ-મેઇલ દ્વારા કહેવામાં આવ્યું કે તમામ એક્સેસરીઝ અને ઓરિજિનલ પેકેજિંગ સાથે પ્રોડક્ટ વડોદરાની એક કુરિયર કંપનીને પહોંચાડી દો, જેથી તેના રીફંડ તરીકે નાપતોલના કેશ વાઉચર આપવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.
હેમેન્દ્રભાઈએ વળતો જવાબ મોકલ્યો કે તેઓ પ્રોડક્ટ રીટર્ન કરવા માગતા નથી, પણ તે બરાબર કામ આપે એવું ઇચ્છે છે, એમના માટે પ્રોડક્ટ જરૂરી હતી એટલે તો એમણે એ ખરીદી હતી. જવાબમાં ફરીથી કંપનીએ પ્રોડક્ટ પરત મોકલી આપવા જણાવ્યું.
હવે હેમેન્દ્રભાઈને કંપની પર વિશ્વાસ રહ્યો નથી એટલે એ એક હાથે પ્રોડક્ટ આપીને બીજા હાથે રકમ લેવા મક્કમ છે, જ્યારે કંપની તેની પોલિસી અનુસાર પ્રોડક્ટ યોગ્ય રીતે પરત આવે તો જ રીફંડની પ્રક્રિયા કરવા કહે છે.
હેમેન્દ્રભાઈનો ઈ-મેઇલ આવ્યા પછી ‘સાયબરસફર’ તરફથી ૧૬ ઓક્ટોબરે નાપતોલ.કોમનો સંપર્ક કરવામાં આવ્યો તો ‘૨૪ કલાકની અંદર’ યોગ્ય વ્યક્તિ દ્વારા રોટીમેકરના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવાની ખાતરી આપવામાં આવી. ત્યાર પછી ૩૦ ઓક્ટોબરે નાપતોલ.કોમ તરફથી હેમેન્દ્રભાઈને કોલ ગયો અને કલ્પનાબહેન હાજર હોવાથી તેમને પ્રોડક્ટનો ઉપયોગ સમજાવવાની કોશિશ થઈ, પણ રોટીમેકરમાં ત્યાર પછી પણ રોટલી બની નહીં.
છેવટે ૨૧ નવેમ્બરે ‘સાયબરસફર’ તરફથી કંપનીના સીઈઓને એક ઈમેઇલમાં તમામ વિગતો સાથે કેટલાક પ્રશ્ર્નો મોકલવામાં આવ્યા, જેના નાપતોલ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર-વેબકેર તરફથી નીચે મુજબ શબ્દશ: જવાબ મળ્યા :
પ્રશ્ન : પ્રોડક્ટની મોડી ડિલિવરી વિશે ખુલાસો કરશો.
કંપનીનો જવાબ : “લોજિસ્ટિક ઈસ્યુઝને કારણે મોડું થયું, પરંતુ અમે ઝડપી ડિલિવરી માટે બનતા બધા પ્રયાસ કર્યા
પ્રશ્ન : ગ્રાહક દંપતિની ઉંમર ૮૦થી વધુ છે. કંપનીએ પ્રોડક્ટ કોઈ ખર્ચ વિના પરત લેવાની તૈયારી બતાવી છે, પરંતુ તેઓ પ્રોડક્ટ યોગ્ય રીતે વાપરી શકાય એટલું જ ઇચ્છે છે. કંપની તરફથી યોગ્ય માર્ગદર્શન આપી ન શકાય?
કંપનીનો જવાબ : “અમે વૃદ્ધ દંપતિ સાથે વાત કરી છે અને તેમની ફરિયાદ સામે તેમને સહયોગ આપીશું.પ્રશ્ન : કંપનીની સાઇટ પર કોઈ વસ્તુ રીટર્ન કરવામાં આવે તો ઓનલાઇન પેમેન્ટના કિસ્સામાં, જે તે ખાતામાં રકમ રીફંડ કરવામાં આવશે એવું જણાવાયું છે. હેમેન્દ્રભાઈના કિસ્સામાં કેશ વાઉચર આપવાનું જણાવાયું છે (જેને વટાવવા ફરી નાપતોલ.કોમ પર ખરીદી કરવી પડે). સ્પષ્ટતા કરશો.
કંપનીનો જવાબ : “જો ગ્રાહક કેશ વાઉચર મેળવવા માગતા ન હોય તો અમે ચોક્કસ રીફંડની પ્રોસેસ કરીશું.
પ્રશ્ન : સાઇટ પર આ પ્રોડક્ટ ‘બ્રાન્ડેડ’ હોવાનું જણાવાયું છે, પરંતુ પ્રોજેક્ટ પેજ પર કોઈ બ્રાન્ડનો ઉલ્લેખ નથી. સાઇટના બોટમ મેનુમાં ટોપ બ્રાન્ડ્સના લિસ્ટમાં પણ ‘બ્રાન્ડેડ’ શબ્દ એક બ્રાન્ડ તરીકે લખાયો છે. કંપનીના મતે ‘બ્રાન્ડ’ એટલે શું તે સ્પષ્ટ કરશો.
કંપનીનો જવાબ : “વેચાયેલી પ્રોડક્ટ એક બ્રાન્ડેડ પીસ છે, તે જેન્યુઇન છે અને એટલે તેને બ્રાન્ડેડ કહેવામાં આવી છે.ઓનલાઇન શોપિંગ ઘણું સગવડભર્યું હોવાને કારણે વધુ ને વધુ લોકો તેની તરફ વળી રહ્યા છે, તેની સાથોસાથ ટીવી પર અને અખબારોમાં વિશ્વસનીય બ્રાન્ડનેમ વિનાની કે ‘બ્લેકચેરી’ જેવાં મળતાં આવતાં બ્રાન્ડનેમવાળી તેમ જ પ્રોડક્ટની ઉપયોગીતા વિશે વધુ પડતી અતિશયોક્તિ કરતી અને ‘હમણાં ને હમણાં ઓર્ડર નહીં કરો તો અચૂક પસ્તાશો’ પ્રકારે ઉતાવળા નિર્ણયનો આગ્રહ કરતી જાહેરાતો સતત વધી રહી છે. હેમેન્દ્રભાઈ લખે છે કે અખબારો આવી જાહેરાતોમાંથી કમાણી કરતાં હોવાથી તેના વિરુદ્ધ લખવા કોઈ તૈયાર નથી.
હેમેન્દ્રભાઈએ ’૬૦ના દાયકામાં લંડનમાં ફોનશોપિંગ કર્યું હતું અને વસ્તુ પસંદ ન પડતાં કંપનીએ કોઈ જ પ્રશ્ન વિના પરત સ્વીકારીને રકમ રીફંડ કરી હતી. જ્યારે ભારતમાં તેમને જુદો જ અનુભવ થયો. આ કિસ્સામાં આપ શું માનો છો? અભિપ્રાય editor@duplics.cybersafar.in પર જણાવશો.
પ્રિન્ટમાં જઈ રહ્યો છે ત્યારે નાપતોલ.કોમ તરફથી ‘સાયબરસફર’ને ખાતરી આપવામાં આવી છે કે તેમની કુરિયર કંપનીની વ્યક્તિ હેમેન્દ્રભાઈ પાસેથી રોટીમેકર પરત લાવશે અને ત્યારે ને ત્યારે હેમેન્દ્રભાઈને તેમણે ચૂકવેલી રકમનું રોકડમાં વળતર મળી જશે!


