પ્રવાસનું વહેલાસર આયોજન કરી, જોઈતા દિવસે, જોઈતી ટ્રેનમાં રિઝર્વેશન મેળવી નિશ્ર્ચિંત બની જવું અને પછી પ્રવાસના મજાના દિવસો ગણતા રહેવાનો આનંદ કંઈક જુદો જ છે, પણ કામકાજ કે અભ્યાસ કે સ્વાસ્થ્ય જેવા કોઈ પણ કારણસર તમે મુસાફરીની ચોક્કસ તારીખ નક્કી કરી શકતા ન હો તો અગાઉથી રિઝર્વેશન કરાવી શકાતું નથી.
આગળ શું વાંચશો?
- દરેક વિગતો પહેલેથી ચકાસી રાખો
- ઓળખનો પુરાવો નક્કી કરી રાખો
- પેમેન્ટ કરવાની વિધિ નક્કી કરી લો
- પ્રવાસની વિગતો તૈયાર રાખો
- હવે સમય છે બુકિંગનો
- આટલું ખાસ ધ્યાન રાખશો
બાળકોની પરીક્ષાની તારીખ, તેમના નવા વર્ષનાં ટ્યુશન શરુ થવાની તારીખ, એ દરમિયાન આપણને પોતાને રજા મળવાની શક્યતા એ બધી વાતના અંકોડા મેળવીને પ્રવાસની તારીખ નક્કી કરીને રિઝર્વેશન કરાવવાનો પ્રયાસ કરીએ તો જોઈતી બધી જ ટ્રેન ફૂલ મળે!
આવું કંઈક તમારી સાથે થયું હોય અને તમે છેલ્લી ઘડીએ ટ્રેનમાં રિઝર્વેશન કરાવવા માગતા હો તો ત્યારે મદદે આવે છે તત્કાલ રિઝર્વેશનની સ્કીમ. રેલવે મોટા ભાગની ટ્રેનમાં અમુક સીટ ખાલી રાખીને, થોડો વધુ ચાર્જ લઈને, મુસાફરીની તારીખના ફક્ત એક દિવસ પહેલાં તત્કાલ રિઝર્વેશન કરાવવાની સુવિધા આપે છે.
આપણે આઇઆરસીટીસીની સાઇટ પર કે તેની સાથે કનેક્ટેડ સાઇટ્સ પરથી તત્કાલ ટિકિટ મેળવી શકીએ છીએ, પણ આ કામ સહેલું પણ નથી અને તત્કાલ થઈ પણ શકતું નથી!
પહેલી વાત એ કે આઇઆરસીટીસીની વેબસાઇટ અત્યંત ભારે ટ્રાફિક ધરાવતી વેબસાઇટ છે. ભારતના દર પાંચમાંથી એક ઓનલાઇન યુઝર આ સાઇટ પર આંટો દઈ આવ્યા હોય છે, દર મહિને તેના પર લગભગ ૧.૨ કરોડ યુનિક વિઝિટર્સ આવે છે. એમાંય સવારના ૧૦થી ૧૨ વાગ્યા દરમિયાન, જ્યારે તત્કાલ બુકિંગ થઈ શકે છે ત્યારે લગભગ પહેલા જ કલાકમાં ૪૦-૫૦ હજાર ટિકિટનું બુકિંગ થાય છે. એમાં આપણે આપણું નસીબ અજમાવવાનું હોય છે!
પરંતુ ફક્ત નસીબને સહારે રહેવાને બદલે કેટલીક ખાસ વાતની કાળજી લઈએ તો તત્કાલ ટિકિટ મેળવવાના ચાન્સ વધી શકે છે, આ રીતે…
દરેક વિગતો પહેલેથી ચકાસી રાખો
આગળનાં પાનાંઓમાં જણાવ્યા મુજબ, કોઈ પણ સાઇટ પરથી બુકિંગ કરાવવા માટે આઇઆરસીટીસીની સાઇટ પર રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. તેનું યુઝરનેમ અને પાસવર્ડ હાથવગાં રાખો અને બંને કામ કરે છે તે તત્કાલના સમય પહેલાં તપાસી લો.
ઓળખનો પુરાવો નક્કી કરી રાખો
સામાન્ય બુકિંગ વખતે ઓળખનો પુરાવો જરૂરી નથી, પણ તત્કાલ બુકિંગ કરાવતી વખતે, મુસાફરી દરમિયાન કયો પુરાવો બતાવશો તે જણાવવું પડે છે. તમારો પુરાવો સુનિશ્ચિત કરી લો.
પેમેન્ટ કરવાની વિધિ નક્કી કરી લો
તમે ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાના છો? તેને હાથવગું રાખો. ટિકિટ મળે તેમ હોય, પણ એ ઘડીએ કાર્ડ ગોતવા રહીએ એટલી વારમાં તો સિસ્ટમ આપણને લોગ-આઉટ કરી નાખશે. ફક્ત કાર્ડ હાથવગું હોય તે પૂરતું નથી. કાર્ડ ઇસ્યુ કરનારી બેન્કની સિસ્ટમ અનુસાર, ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ પૂછવામાં આવી શકે છે. એ યાદ ન હોય તો બે-ત્રણ સ્ટેપમાં ઓનલાઇન જનરેટ તો કરી શકાય, પણ એમાં કિંમતી સમય વેડફાશે.
પ્રવાસની વિગતો તૈયાર રાખો
આપણે જે જે ટ્રેનમાં ચાન્સ લેવો હોય તેના ટ્રેન કોડ કે ચોક્કસ નામ પહેલેથી જાણી લો. મુંબઈ, દિલ્હી, બેંગલોર (રેલવેમાં હજી બેંગલોર લખાય છે, બેંગાલુરુ નહીં!) વગેરેમાં એક કરતાં વધુ સ્ટેશન હોય છે. આપણે ગોવા જવું હોય તો સ્ટેશનના લિસ્ટમાં ક્યાંય ગોવા કે પંજાબમાં સુદ્ધાં નજરે ચઢશે નહીં, આપણે કામનું સ્ટેશન કયું છે તે પણ જાણી લો. સ્ટેશન્સના કોડ પહેલેથી જાણી લેશો તો ટાઇપ કરવામાં સમય બચશે.
હવે સમય છે બુકિંગનો
આપણે ૨૩ એપ્રિલની ટ્રેન માટે તત્કાલ રિઝર્વેશન જોઈતું હોય તો ૨૨ એપ્રિલે સવારના ૧૦ વાગ્યાથી તેના માટે બુકિંગ શરૂ થશે. એ સમય કરતાં દસેક મિનિટ પહેલાં જ આઇઆરસીટીસીની સાઇટ પર લોગ-ઇન થઈ જાઓ.જોકે, એ પહેલાં હજી કેટલીક તૈયારી કરવાની છે. નોટપેડ ખોલીને આપણી વિગતો તેમાં ટાઇપ કરી લો અને નોટપેડ તથા બ્રાઉઝરની વિન્ડો સ્ક્રીન પર સાથે દેખાય એ રીતે ઓપન રાખો. ટાઇપ કરવામાં તમને વાર લાગતી હોય તો નોટપેડમાંથી ઝડપથી કોપી-પેસ્ટ કરી શકાશે.
બીજો એક ઝડપી રસ્તો પણ છે – તમારા બ્રાઉઝરમાં વેબફોર્મ્સ ઓટોફિલ કરવાનો ઓપ્શન. ગૂગલ ક્રોમમાં, સેટિંગ્સમાં એડવાન્સ્ડ સેટિંગ્સમાં જાઓ અને તેમાં પાસવર્ડ્ઝ એન્ડ ફોર્મ્સમાં ઓટોફિલ ચાલુ કરી દો. અહીં તમે સલામત રીતે તમારું એડ્રેસ, ક્રેડિટ કાર્ડના નંબર વગેરે સેવ કરી રાખી શકો છો. પછી જ્યારે રિઝર્વેશન ફોર્મમાં આ વિગતો ભરવાની થાય ત્યારે ફક્ત એક ક્લિકથી તે ભરી શકાય છે.
પ્રવાસીઓની વિગતો ભરીને તમે આગળ વધો ત્યારે બર્થની પસંદગી અંગેનો વિકલ્પ જોવા મળશે. અહીં કોઈ ચોક્કસ વિકલ્પ આપવાને બદલે, ‘નન’ કહેવાથી, આપણે ઉપલી કે નીચલી બર્થ કહી હોય અને એ ઉપલબ્ધ ન હોય તો પણ ટિકિટ મળવાની તક રહેશે.
આ બધી વિગતો આપ્યા પછી ફોર્મ સબમિટ કરતાં પહેલાં આપણે માણસ છીએ એવું સાબિત કરવા કેપ્ચા તરીકે ઓળખાતી વિધિ પૂરી કરવાની રહે છે. આઇઆરસીટીસીની સાઇટ પર આપેલ કેપ્ચા કેસ સેન્સિટિવ હોય છે. તેમાં બતાવેલા અક્ષરો અને આંકડા બરાબર ઉકલતા ન હોય તો પેજ રીફ્રેશ કયર્િ વિના ઇમેજ બદલી શકાય છે. પછી તો પેમેન્ટ ગેટવે પસંદ કરો અને અગાઉથી તૈયાર રાખેલી વિગતો ભરીને તાબડતોબ પેમેન્ટ કરો!આ બધા જ તબક્કે તમે જોશો તેમ ઝડપ અને ચોક્સાઇ સૌથી અગત્યનાં છે. આપણે ટિકિટ મેળવવા માટે બીજા હજારો લોકો સાથે હરીફાઇ કરવાની છે અને તેમાં આગળ રહેવું હોય તો તેજ ગતિએ કામ આટોપ્યા વિના છૂટકો નથી!
આટલું ખાસ ધ્યાન રાખશો…
આઇઆરસીટીસીની વેબસાઇટમાં લોગ-ઇન થયા પછી
બ્રાઉઝરમાં બેક, ફોરવર્ડ કે રીફ્રેશ બટન પર ક્લિક કરશો,
કોઈ પણ વિકલ્પ કે બટન પર ડબલ ક્લિક કરશો,
બ્રાઉઝરમાં લાંબો સમય કોઈ જ એક્શન નહીં લો,તો સિસ્ટમ તમને આપોઆપ લોગ-આઉટ કરી દેશે અને ફરી લોગ-ઇન થઈ એકડેએકથી બધું જ ફરી કરવું પડશે.
આટલું ખાસ ધ્યાન રાખશો…
તત્કાલ માટેનું બુકિંગ ટ્રેન ઉપડવાના માત્ર એક દિવસ પહેલાં થઈ શકે છે. તત્કાલ બુકિંગ સવારના ૧૦.૦૦ વાગ્યે શરૂ થતું હોય છે.
તત્કાલ બુકિંગમાં કોઈ પ્રકારનું કન્સેશન માન્ય રહેતું નથી. સિનિયર સિટિઝનને પણ કોઈ કન્સેશન મળતું નથી.
તત્કાલમાં એક સાથે માત્ર ૪ વ્યક્તિનું બુકિંગ થઈ શકે છે.
તત્કાલ ટિકિટના બુકિંગ વખતે જ મુસાફરી વખતે કયું આઇડી-પ્રૂફ સાથે રાખશો તે જણાવવું પડે છે. જોે આઇડી-પ્રૂફ માત્ર એક વ્યક્તિનું જણાવી શકાય છે. પરંતુ મુસાફરી પહેલાં એ એક વ્યક્તિનું બુકિંગ કેન્સલ કરાવીએ તો બાકીની ત્રણેય વ્યક્તિનું બુકિંગ પણ રદ થાય છે!

