વિકિપીડિયામાં કોઈ આર્ટિકલમાં ઇમેજ કેવી રીતે અપલોડ કરાય?
સવાલ મોકલનારઃ પ્રતીક નારોલા
આપણે સૌ જાણીએ છીએ તેમ, મારા-તમારા જેવા એક સ્વયંસેવકો કોઈ રકમ મેળવ્યા વિના વિકિપીડિયા પર લેખો લખે છે. ઇન્ટરનેટ એક્સેસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ, કેટલાક અપવાદને બાદ કરતાં, વિકિપીડિયાના લેખોમાં સુધારા-વધારા કરી શકે છે.
છેલ્લે જુલાઈ ૧૮, ૨૦૧૪ના રોજ અપડેટ થયેલી માહિતી મુજબ, વિકિપીડિયા પર કુલ ૭૬,૦૦૦ લોકો સક્રિય રીતે પોતાનું યોગદાન આપ છે, આ લોકો સાથે મળીને ૨૮૫ ભાષામાં ૩,૧૦,૦૦,૦૦૦ (ત્રણ કરોડ દસ લાખ) લેખો પર કામ કરી રહ્યા છે!
આ સૌની જેમ તમે પણ વિકિપીડિયા પર નવા લેખ મૂકી શકો છો, હાલના લેખમાં સુધારા, ઉમેરા કરી શકો છો, હાલના લેખોમાંની ઇમેજને બદલે નવી ઇમેજ મૂકી શકો છો કે નવી જ ઇમેજ ઉમેરી શકો છો. વિકિપીડિયા પર આ ઉપરાંત પણ ઘણી રીતે યોગદાન આપી શકાય છે.
પણ, આ બધાની કેટલીક શરત છે.
જેમ કે, સૌથી પહેલાં વિકિપીડિયામાં તમારું એકાઉન્ટ હોવું જોઈએ. આ કામ બિલકુલ સહેલું છે. વિકિપીડિયામાં જઈ, સ્ક્રીન પર જમણે છેડે ઉપર આપેલી ‘ક્રિએટ એકાઉન્ટ’ લિંક ક્લિક કરો અને યુઝરનેમ, પાસવર્ડ નક્કી કરો તથા ઈ-મેઇલ એડ્રેસ આપો. ઈ-મેઇલ ઓપ્શનલ હોવા છતાં આપવો જરુરી છે, કેમ કે પાસવર્ડ ભૂલાઈ જાય તો રીસેટ કરવાથી લિંક આપણા ઈ-મેઇલ પર જ આવશે.
ઉપરાંત, તમારું એકાઉન્ટ ચાર દિવસથી વધુ જૂૂનું હોવું જોઈએ અને તમે વિકિપીડિયાા લેખોમાં ઓછામાં ઓછી ૧૦ વાર એડિટિંગ કર્યું હોવું જોઈએ. આટલું થયા પછી આપણું એકાઉન્ટ ક્ન્ફર્મ થય છે અને આપણે ઇંગ્લિશ વિકિપીડિયામાં ફાઇલ અપલોડ કરી શકીએ છીએ.
આ પછી જો તમે આગળ વધી શકો તો તમે જે ઇમેજ અપલોડ કરવા માગો છો તેા કોપીરાઇટ વિશેની લંબાણપૂર્વકની માહિતી પૂછવામાં આવશે. વિકિપીડિયા પરનું બધું મફત છે એ કોઈ પણ વાપરી શકે એમ આપણે માનીએ છીએ, પણ તેા ઉપયોગ, ખાસ કરીને ઇમેજ જેવા મીડિયાના ઉપયોગ માટે ખાસ્સા નિયમો અને શરતો છે.
ઘણા બધા લોકો ઇન્ટરનેટ પરથી જ ઇમેજ ડાઉનલોડ કરીને પછી વિકિપીડિયા દ્વારા ઓટોમેટિકલી પૂછવામાં આવતા સવાલોના અવરોધ ગમે તેમ પાર કરીને વિકિપીડિયામાં અપલોડ કરી દે છે. પરંતુ વિકિપીડિયાના હજારો સ્વયંસેવકો સતત વિકિપીડિયામાં થતા દરેક સુધારા પર નજર રાખતા હોય છે. વિકિપીડિયાની નીતિ અનુસારનુ હોય એવું બધું જ એ લોકો ડિલીટ કરે છે. આ કારણે વિકિપીડિયા પર મૂકાતી ઘણી ઇમેજ સહિતી સામગ્રીઓ બહુ ટૂંકા સમયમાં ડિલીટ થઈ જાય છે. જો તમે આ બધી શરતોનું પાલન કરી શકતા હો તો વિકિપીડિયામાં લોગ-ઇન થઈ, કોઈપણ લેખમાં ડાબી તરફની પેનલમાં ટૂલ્સ સેક્શનમાં ‘અપલોડ ફાઇલ’ પર ક્લિક કરો અથવા જે તે લેખમાં આપેલી એડિટ લિંક ક્લિક કરી આગળ વધો!

