ભારતીય ચલણી નોટો આજકાલ ચર્ચામાં છે, અસલી-નકલી કારણોસર. નકલી નોટોના મોટા પડકારને પહોંચી વળવા રિઝર્વ બેન્ક વિવિધ પગલાં લઈ રહી છે, એમાંનું એક પગલું છે લોકજાગૃતિ કેળવતી એક ખાસ વેબસાઇટ.
આગળ શું વાંચશો?
- આરપાર જોવાથી બનતી સખ્યા
- વોટરમાર્ક
- રંગબદલતી સંખ્યા
- ફ્લુરોસન્ટ રંગનો ઉપયોગ
- સિક્યુરિટી થ્રેડ
- ઉપસેલા રંગ
- છૂપાયેલી સંખ્યા
- તદ્દન ઝીણા અક્ષરો
- ઓળખ ચિહ્નો
- નોટપ્રિન્ટ થયાનું વર્ષ
ચલણી નોટનું ચલણ વિકસ્યું આ રીતે
વર્ષ ૨૦૧૩ના અંત ભાગમાં, સોશિયલ મીડિયા પર અને વાસ્તવિક વિશ્વમાં એક ચર્ચાએ ખાસ જોર પકડ્યું હતું, જાન્યુઆરી ૨૦૧૪થી બેન્કો હાથેથી લખાણ લખેલી ચલણી નોટો સ્વીકારશે નહીં! નવા વર્ષનો પહેલો મહિનો વીતી ગયો છે અને હવે સ્પષ્ટતા થવા લાગી છે કે રિઝર્વે બેન્કે ઓગસ્ટ, ૨૦૧૩માં બધી બેન્કોને સૂચના આપી હતી કે ચિતરામણવાળી નોટો નાગરિકોને ફરી આપવાને બદલે રિઝર્વ બેન્કમાં જમા કરાવવી, જેથી રિઝર્વ બેન્ક નવી નોટ જારી કરે. આ વાતમાંથી પેલી અફવાએ જોર પકડ્યું. ગયા મહિને, રિઝર્વ બેન્કે લોકોને ૨૦૦૫થી જૂની નોટ બેન્કમાં બદલાવી લેવાની પણ સૂચના આપી છે.
જોકે લોકોને ચિતરામણવાળી, ફાટેલી કે જૂની નોટો કરતાં નકલી નોટોની સૌથી વધુ ચિંતા હોય છે. અખબારી અહેવાલો અનુસાર, ભારતીય ચલણી નોટો માટે લગભગ ૯૫ ટકા કાગળ યુરોપથી આયાત કરવામાં આવે છે. ચલણી નોટ અસલી હોવાનું સાબિત કરતી સલામતી લાક્ષણિકતા, જેમ કે – વોટરમાર્ક અને મેગ્નેટિક પટ્ટી – કાગળના ઉત્પાદન સમયે જ તેમાં ઉમેરવામાં આવે છે. એવી શંકા છે કે પાકિસ્તાનની આઇએસઆઇ યુરોપની કંપનીઓ પાસેથી ભારત જેવો જ કાગળ, શાહી અને મેગ્નેટિક પટ્ટી ઇમ્પોર્ટ કરે છે અને કરાચી, મુલતાન, ક્વેટા, લાહોર અને પેશાવરમાં પાકિસ્તાની સરકારના અંકુશ હેઠળના પ્રેસમાં નકલી ભારતીય ચલણી નોટ પ્રિન્ટ કરે છે, જે અસલી નોટ જેવી લગભગ બધી જ લાક્ષણિકતા ધરાવતી હોય છે. તેનો સામનો કરવા, રિઝર્વ બેન્કે નોટ અસલી છે કે નકલી એ પારખવામાં ભારતીય નાગરિકોને મદદપ થવા એક ખાસ વેબસાઇટ તૈયાર કરી છે :
http://www.paisaboltahai.rbi.org.in/
આ વેબસાઇટ પર ૧૦થી માંડીને ૧૦૦૦ પિયાની નોટની સલામતી લાક્ષણિકતાઓ સમજાવવામાં આવી છે. અહીં આપણે પાંચસો પિયાની નોટના સલામતી મુદ્દા સમજીએ. પાંચસોની નોટ, ગાંધીજીની તસવીર જમણી તરફ રહે એ રીતે હાથમાં લઈને નીચે આપેલી બાબતો ચકાસી જુઓ.
૧. આરપાર જોવાથી બનતી સંખ્યા
ડાબી તરફ અશોક ચિહ્નની ઉપર ફૂલ જેવા આકાર વચ્ચે ફૂલની પાંદડીઓ જોઈ શકાય છે. તેની બરાબર પાછળ એવી પાંદડીઓ જોવા મળે છે. નોટને પ્રકાશ સામે ધરીને જોવાથી, બંને તરફની આ પાંદડીઓ એકમેક સાથે બરાબર જોડાઈને પાંચસોની સંખ્યા દર્શાવે છે.
૨. વોટરમાર્ક
નોટમાં ડાબી તરફની કોરી લાગતી જગ્યામાં ગાંધીજીની તસવીર છૂપાયેલી છે. એની સાથે પાંચસોની સંખ્યા પણ એ જ રીતે લખેલી છે. નોટને પ્રકાશ સામે ધરીને જોવાથી આ બંને બાબત સ્પષ્ટપણે જોવા મળે છે.
૩. રંગ બદલતી સંખ્યા
નોટમાં બરાબર વચ્ચે, મોટા ફોન્ટમાં લખેલી પાંચસોની સંખ્યા, નોટને બરાબર સપાટ રાખીને જોતાં લીલા રંગની દેખાય છે, પરંતુ નોટને જરા ત્રાંસી કરીને જોતાં તેનો રંગ બદલાઈને બ્લુ થાય છે. અલબત્ત, પૂરતા અજવાળામાં જોવાથી જ આ તફાવત પકડી શકાય છે.
૪. ફલુરોસન્ટ રંગનો ઉપયોગ
આ લાક્ષણિકતા નરી આંખે પકડી શકાતી નથી. નોટમાં નોટનો નંબર, સિક્યોરિટી થ્રેડ અને આખી નોટમાં કેટલેક ઠેકાણે વિખરાયેલી નિશાનીઓ જ્યારે અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં જોવામાં આવે ત્યારે ચળકતા રંગમાં જોવા મળે છે. બેન્ક કે હવે મોટા મોલમાં પણ આ રીતે અલ્ટ્રાવાયોલેટ લાઇટથી નોટ તપાસતાં મશીન જોવા મળે છે.
૫. સિક્યુરિટી થ્રેડ
નોટમાં જમણી તરફ દેખાતી નાની નાની પટ્ટી જુદા જુદા એંગલથી જોઈએ તો લીલા કે બ્લુ એમ બદલાતા રંગની દેખાય છે. તેમાં ભારત અને આરબીઆઇ લખેલું હોય છે. નોટને પ્રકાશ સામે જોઈએ તો આગળ-પાછળ મળીને એક સળંગ પટ્ટી જોઈ શકાય છે.
૬. ઉપસેલા રંગો
નોટની મધ્યમાં લખેલા પાંચ સો પયે, નોટની ઉપર હિન્દી તથા ઇંગ્લિશમાં લખેલ ભારતીય રીઝર્વ બેન્ક તથા મહાત્મા ગાંધીની તસવીર ઉપસી આવે તેવા રંગથી પ્રિન્ટ કરવામાં આવેલ છે. સ્પર્શ કરતાં અક્ષરોમાં આ તફાવત તરત સમજાશે, પણ તસવીરમાં બહુ ફેર જણાશે નહીં.
૭. છૂપાયેલી સંખ્યા
નોટની જમણી તરફની ડિઝાઇનમાં પણ બારીક નજરે જોતાં ૫૦૦ની સંખ્યા લખેલી જોઈ શકાય છે.
૮. તદ્દન ઝીણા અક્ષરો
ગાંધીજીની તસવીર અને જમણી બાજુની ડિઝાઇન વચ્ચેના ભાગમાં તદ્દન ઝીણા અક્ષરે હારબંધ રીતે આરબીઆઈ અને ૫૦૦ લખેલું છે. મેગ્નિફાઇંગ ગ્લાસથી જ આ વાંચી શકાય છે.
૯. ઓળખ ચિહ્ન
નોટની ડાબી તરફ, અશોક ચિહ્નની ઉપર એક ગોળ ટપકું જોઈ શકાય છે. સ્પર્શ કરતાં, આ ટપકું પણ ઉપસેલું જણાય છે. વાસ્તવમાં, અંધ વ્યક્તિ પણ આ કઈ નોટ છે તે સ્પર્શથી જાણી શકે તે માટેની આ કરામત છે. ૧૦ પિયાની નોટમાં આવી કોઈ નિશાની હોતી નથી, પણ તેથી ઉપરની દરેક નોટમાં આવી અલગ અલગ નિશાની હોય છે. જોઈ શકતી વ્યક્તિ ફક્ત સ્પર્શથી આ તફાવત સમજી ન શકે, પણ અંધ વ્યક્તિ તફાવત પકડી લે છે!
૧૦. નોટ પ્રિન્ટ થયાનું વર્ષ
નોટની પાછળના ભાગે, બરાબર મધ્યમાં નીચે જે તે નોટ કયા વર્ષમાં પ્રિન્ટ થઈ તે છાપેલું હોય છે.
ચલણી નોટનું ચલણ વિક્સ્યું આ રીતે…
આજે આપણે જેને પેપર મની તરીકે ઓળખીએ-જાણીએ છીએ તે સ્વરુપમાં ભારતીય ચલણી નોટો અઢારમી સદીના અંતમાં ચલણી બની. ભારતમાં, શઆતના સમયમાં પ્રેસિડેન્સી બેન્ક્સ તરીકે ઓળખાતી બેન્ક ઓફ બેંગાલ, બેન્ક ઓફ બોમ્બે, બેન્ક ઓફ મદ્રાસ જેવી સેમી-ગર્વમેન્ટ બેન્ક્સે પોતાની ચલણી નોટો જારી કરી હતી. એ ઉપરાંત, બેન્ક ઓફ હિન્દોસ્તાન, જનરલ બેન્ક ઈન બેન્ગાલ એન્ડ બાહર અને બેંગાલ બેન્કની પણ ચલણી નોટ હતી.
૧૮૬૧માં પેપર કરન્સી એક્ટ આવ્યો, જેના કારણે પ્રેસિડેન્સી બેન્ક્સ અને પ્રાઇવેટ બેન્કને બદલે માત્ર ભારત સરકારને ચલણી નોટ જારી કરવાની સત્તા મળી.- ૧૯૨૮માં મહારાષ્ટ્રના નાસિકમાં કરન્સી નોટ પ્રેસ સ્થાપવામાં આવ્યું. ૧૯૩૨થી અહીં છપાતી નોટમાં વોટરમાર્ક જેવી સલામતી ઉમેરાઈ.
૧ એપ્રિલ, ૧૯૩૫માં રીઝર્વે બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, તેની સેન્ટ્રલ ઓફિસ કલકત્તામાં હતી. રીઝર્વ બેન્કની સ્થાપના પહેલાં બધી ચલણી નોટમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છપાતું હતું, રીઝર્વ બેન્કની સ્થાપના પછી, તેના નામ સાથેની નોટ જારી થવા લાગી.- ૧૯૪૭માં ભારતને આઝાદી મળી, પરંતુ ભારત ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ગણતંત્ર બન્યો. ત્યાં સુધી રીઝર્વે બેન્કે બ્રિટિશ રાજ સમયની ચલણી નોટો જારી કરી.
૧૯૪૯માં ભારત સરકારે એક રુપિયાની નવી ડિઝાઇન તૈયાર કરી ત્યારે તેમાં બ્રિટિશ કિંગના સ્થાને ગાંધીજીની તસવીર મૂકવાનો પ્રસ્તાવ હતો, પણ પછી તેના સ્થાને સ્વતંત્ર ભારતના નિશાન તરીકે અશોક ચિહ્ન મૂકવામાં આવ્યું.- ૧૯૫૪માં ૧,૦૦૦, ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ મૂલ્યની ચલણી નોટો ફરી જારી કરાઈ.
- ૧૯૭૨માં ૨૦ અને ૧૯૭૫માં ૫૦ રુપિયાની નોટો જારી થઈ.
- ૧૯૭૮માં ૧,૦૦૦થી ઊંચા મૂલ્યની નોટો પાછી ખેંચી લેવામાં આવી.
- ૧૯૯૬માં હાલ ચલણમાં જોવા મળતી મહાત્મા ગાંધી શ્રેણીની નોટો રજૂ થઈ, જેમાં નવા વોટરમાર્ક, ઉપસેલા રંગો તેમ જ અંધ વ્યક્તિઓ માટે નોટની ઓળખ સરળ બનાવતી નિશાની વગેરે વિશેષતાઓ ઉમેરાઈ.

