ગૂગલ હેંગઆઉટમાં હવે વોઇસકોલિંગની સુવિધા ઉમેરાઈ છે, જેની મદદથી તમે યુએસ કે કેનેડામાં રહેતા પરિચિતો સાથે બિલકુલ મફત કે નજીવા દરે વાતચીત કરી શકો છો.
એનઆરઆઇની ‘ઇન્ડિયા વિઝિટ’ની આ મોસમમાં તમારે ત્યાં પણ કોઈ એનઆરઆઇ પરિવાર આવે તો, “તમારા ઇન્ડિયામાં તો હજી એવું ને એવું એવી વાતોને કાઉન્ટર કરવા માટે તમારી પાસે એક મુદ્દો હશે. ગૂગલ હેન્ગઆઉટ પર જે સુવિધા હજી હમણાં સુધી અમેરિકા અને કેનેડાના લોકોને જ મળતી હતી તે હવે આપણે ત્યાં પણ મળી ગઈ છે.
જી, વાત છે ઇન્ટરનેટ પરથી વોઇસ કોલિંગ સુવિધાની. ગયા મહિને ગૂગલે જાહેરાત કરી છે કે હવે ભારતમાં પણ પોતાના મોબાઇલમાં કે જીમેઇલમાં હેંગઆઉટ સર્વિસનો ઉપયોગ કરતા લોકો ઇન્ટરનેટ પરથી, બિલકુલ ફ્રી કે બહુ ઓછા દરે ઇન્ટરનેશનલ વોઇસ-કોલ્સનો લાભ લઈ શકશે. મતલબ કે તમે આખા વિશ્વમાં ગમે ત્યાં રહેતા તમારા કુટુંબીજન કે પરિચિતો સાથે એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ પરથી વોઇસ-કોલ કરી શકશો.
બંને છેડે હેંગઆઉટ હોય તો વાત બિલકુલ મફત છે. ઉપરાંત, તમે યુએસ અને કેનેડા ફોન કરતા હો તો એ મોટા ભાગે બિલકુલ ફ્રી રહેશે, અન્ય દેશોમાં બહુ નજીવા દરે વાત થઈ શકશે.
આ નવી સુવિધાનો લાભ લેવા માટે, જો તમે પીસીમાં જીમેઇલમાંથી કે આઇઓએસ પર હેંગઆઉટનો ઉપયોગ કરતા હો તો તો તમારે કશું જ નવું કરવાની જર નથી, ફક્ત એન્ડ્રોઇડના યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર (https://play.google.com/store)માંથી હેંગઆઉટ ડાયલર (hangoutsdialer) નામની વધુ એક એપ ડાઉનલોડ કરવાની રહેશે.
તમે તમારા સ્માર્ટફોનમાં હેંગઆઉટ ઓપન કરી, હેંગઆઉટ ડાયલરની મદદથી તમારા કોઈ પરિચિતના મોબાઇલ પર ફોન કરો અને એ વ્યક્તિ પણ હેંગઆઉટમાં સાઇન-ઇન હોય તો તેમના સ્ક્રીન પર એવો મેસેજ આવે કે તમે તમારા ગૂગલ એકાઉન્ટ તરીકે જવાબ આપી રહ્યા છો (મતલબ કે ફોન ભલે તમારા ફોન નંબર પર આવ્યો હોય, તમે જવાબ ગૂગલ એકાઉન્ટથી આપી રહ્યા છો).
મજા એ છે કે આ રીતે જ્યારે કોઈના હેંગઆઉટ પરથી આપણા હેંગઆઉટ પર ફોન આવે ત્યારે આપણે જેટલાં સાધનમાં ગૂગલ એકાઉન્ટથી હેંગઆઉટ પર સાઇન-ઇન હોઈએ એ બધામાં ઇનકમિંગ કોલનો મેસેજ મળે. ચાહો તેમાં કોલ રીસિવ કરીને વાત કરો!
ઓકે, તો શું આનો મતલબ એવો થયો કે આપણે ગૂગલ હેંગઆઉટમાંથી જેના મોબાઇલમાં હેંગઆઉટ ન હોય તેને કે પછી કોઈના લેન્ડલાઇન પર પણ કોલ કરી શકીએ? હા અને ના.
ઇન્ટરનેટ દ્વારા ફોન કોલની સુવિધા વોઇપ (VoIP) તરીકે ઓળખાય છે. આપણા દેશમાં આ પ્રકારની ટેલિફોની માટેના કાયદા હજી કડક છે, એટલે આંતરરાષ્ટ્રીય કોલ કરીએ તો હેંગઆઉટની સુવિધા વિનાના નંબર પણ કોલ શક્ય છે, જ્યારે ભારતમાં ને ભારતમાં આ રીતે કોલિંગ શક્ય નથી.
વોઇસમાં વાઇ-ફાઇ કે ૩જી/૪જી ડેટા પ્લાનની મદદથી કોલ કરી શકાય છે. તમે જાણતા જ હશો તેમ વાઇબર જેવી કેટલીક ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસમાં પણ વોઇસ કોલિંગ ફીચર ઉમેરાયેલ છે. ફેસબુકે પણ મેસેન્જર યુઝર્સ વચ્ચે મફત વોઇસ કોલ્સની સગવડ આપવાનું શરૂ કર્યું છે. વોટ્સએપમાં પણ ટૂંક સમયમાં આ સગવડ ઉમેરાય તેવી શક્યતા છે.
આ રીતે ઇન્ટરનેટ પર મફત વાત થઈ શકતી હોય તો તો પછી મોબાઇલ ફોન કંપનીઓએ તો નાહી નાખવાનું રહ્યું, એવું વિચારતા હો તો જરા ભૂલ થાય છે.
પહેલી વાત એ કે આ રીતે વાત ભલે ઇન્ટરનેટના માધ્યમથી થતી હોય, એ ખરેખર સાવ મફત હોતી નથી. બીજી વાત એ કે આપણા દેશમાં મોબાઇલમાં ડેટા પ્લાનનું સ્ટ્રક્ચર એ પ્રકારનું છે કે કંપનીઓને ખાસ અને ખરેખરું નુક્સાન થતું નથી (જોકે કંપનીઓ મોટું નુક્સાન થઈ રહ્યું હોવાનું કહે છે.)
વોટ્સએપના જ ઉદાહરણથી વાત કરીએ તો, તમે જ કહો, વોટ્સએપ આવ્યા પહેલાં, જ્યારે ફક્ત ચાર્જેબલ એસએમએસની સુવિધા હતી ત્યારે તમે આટલા એસએમએસની આપલે કરતા હતા? ના. મતલબ કે લોકો મફત માનીને વધારાના મેસેજ મોકલતા થયા છે, પણ એ ચાર્જેબલ હોય તો તેઓ આટલા મેસેજ કરતા ન હોત.
મતલબ કે ફોન કંપનીઓ તેમની આવક ગુમાવી રહી નથી! ઉપરાંત બધા લોકો વાઇ-ફાઇ પર વોટ્સએપનો ઉપયોગ કરતા નથી. તેમણે ડેટા પ્લાન ખરીદવો પડે છે, મતલબ કે મોબાઇલ કંપનીઓને આવક તો થાય જ છે!
સૌથી મોટો મુદ્દો એ છે કે આપણે ત્યાં ૩જી-૪જીની વાતો થતી હોવા છતાં, જો તમે ગૂગલ હેંગઆઉટ પરથી વોઇસ કોલિંગ કરી જુઓ તો સમજાશે કે વોઇલની ક્લેરિટી સાદા ફોન કોલ જેટલી સ્પષ્ટ નથી (વીડિયોમાં તો ઘણી તકલીફ છે) અને અવાજ બીજા છેડે પહોંચવામાં થોડો ગેપ પણ રહે છે.
એથીય મોટો મુદ્દો, વાઇબર હોય કે હેંગઆઉટ, તમારે એ સર્વિસ બહારના લોકો સાથે વાત કરવી હોય તો કેટલાક રૂપિયા જમા કરવા પડે છે – હેંગઆઉટના કિસ્સામાં લગભગ રૂ.૬૦૦. જોકે ક્રેડિટ કાર્ડથી એટલી રકમ જમા કરાવ્યા પછી તમે કોઈને ફોન કરો તો ગૂગલ પહેલી એક મિનિટ મફત વાત કરાવવાની કૃપા કરે છે – ઇન્ટરનેશનલ કોલ્સ માટે!

