તમે પ્લેનમાં કેટલી વાર મુસાફરી કરી છે? બે શક્યતા છે – કાં તો ક્યારેય નહીં, અથવા ઘણી વાર. પણે જો એમ પૂછવામાં આવે કે તમે પ્લેનમાં પાઇલટની સાથે કોકપીટમાં રહીને મુસાફરી કરી છે, તો? એક જ જવાબ હોઈ શકે – ક્યારેય નહીં, સિવાય કે તમે પોતે પાઇલટ હો.
આ અશક્ય લાગતી વાત આપણે સંભવ કરી શકીએ છીએ, રીયલ રીતે નહીં તો વર્ચ્યુઅલ રીતે!
મલેશિયન પ્લેન ગાયબ થયા પછી તેના પાઇલટની ભૂમિકા વિશે અને કોકપીટમાં પાઇલટની સાથે કોઈ હોવા અંગે ઘણા તર્કવિતર્કો થયા હતા. એ બધું જાણી-વાંચીને તમને ઝબકારો થયો હોત કે પાઇલટની ખરેખર કામગીરી કેવી હોય છે, તો તમે કદાચ આ વીડિયો સુધી પહોંચી શક્યા હોત – http://youtu.be/BBTbTCLEp4M
૪૨-૪૩ મિનિટના આ વીડિયોમાં, બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરથી બ્રાઝિલના જ સાઓ પાઉલો શહેર વચ્ચેની સમગ્ર ફ્લાઇટનો, કોકપીટમાં રહીને વીડિયો ઉતારવામાં આવ્યો છે. પ્લેન ટેકઓફ કરે તે પહેલાં ગ્રાઉન્ડ પર શું શું ચેક કરવામાં આવે, કોકપીટમાં પાઇલટ શું શું તપાસે, ફરી ફરી તપાસે, પ્લેન કેવી રીતે ટેક-ઓફ થાય, વાદળાં વચ્ચેથી પસાર થાય ત્યારે પાઇલટને કેવાં દૃશ્યો દેખાય (પ્લેન બહારના કેમેરાથી પણ આ દૃશ્યો ઝીલાયાં છે), ઉડાન દરમિયાન પાઇલટ્સ કેવી રીતે તેમનું પેપરવર્ક કરે, છેવટે પ્લેન ધીમે ધીમે નીચે આવે અને લેન્ડ થઈને રન-વે પર સરકતું સરકતું એરપોર્ટના બિલ્ડિંગ પાસે સ્થિર થાય ત્યાં સુધીનું બધું જ આ વીડિયોમાં જોઈ શકાય છે!
શાળાઓમાં ક્યારેક ફૂરસદે બાળકોને આ વીડિયો બતાવવામાં આવે તો એમની આંખોમાં ઊંચે ઊડવાનાં સપનાં અંજાય એ નક્કી.
થોડું ગૂગલિંગ કરશો તો એવિએશનના વીડિયોઝ ધરાવતી સંખ્યાબંધ સાઇટ્સ મળી આવશે. કેટલીક સાઇટ્સ પરથી છ કેમેરાથી શૂટ થયેલા આવા હાઇ-રેઝોલ્યુશન વીડિયો ખરીદી પણ શકાય છે.

