લોકો ટીવી સામે કે મૂવી જોતાં જોતાં પણ જેના પરથી નજર હટાવી શકતા નથી એ મોબાઇલ એપ્સ બનાવવી અને તેમાંથી કમાણી કરવી એ સહેલું નથી. તમે એ દિશામાં આગળ વધવા માગતા હો તો આ ઈ-બુક્સ ચોક્કસ કામ લાગશે.
આગળ શું વાંચશો?
- આઈઓએસ સસિકટલી
- ૩ ઈઝી સ્ટેપ્સ ટુ મોનેટાઈઝ એન્ડ્રોઈડ એપ્સવીથ એડ્સ
- હાઉ ટુ મેક એન એપઃ એચીએમએલ૫
ઇન્ટરનેટની દુનિયામાં એક નવો શબ્દપ્રયોગ ચલણી બન્યો છે : ‘મોબાઇલ ફર્સ્ટ’. એક સમય એવો હતો, જ્યારે લોકો માત્ર ડેસ્કટોપ કે લેપટોપને ધ્યાનમાં રાખીને વેબસાઇટ બનાવતા હતા, પછી પીસીની સાથોસાથ મોબાઇલ ડિવાઈસીઝ પણ ધ્યાને લેવી જોઈએ એવો વિચાર વહેતો થયો અને હવે એવો સમય આવ્યો છે કે ઇન્ટરનેટના માધ્યમથી ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવા માટે મોબાઈલ સૌથી વધુ મહત્ત્વની બાબત બની ગઈ છે. દુનિયાના કેટલાક દેશો તો એવા પણ છે જ્યાં ઇન્ટરનેટનો પ્રસાર ઘણો મોડો થયો છે અને એટલે ત્યાંના લોકો પીસીને બદલે સીધા જ મોબાઇલથી પહેલી વાર વર્લ્ડ વાઇડ વેબના સંપર્કમાં આવ્યા છે.
ઇન્ટરનેટ એક્સેસ કરી શકતા સ્માર્ટફોન અત્યંત સસ્તા બનતાં ઇન્ટરનેટનો પ્રસાર પણ તેજ ગતિએ વધી રહ્યો છે, એ જોતાં મોબાઇલ એપ ડેવલપર બનવું એ આજના સમયનો ‘હોટ કરિયર ઓપ્શન’ ગણાય છે. પરંતુ ઘણાં ક્ષેત્રોની જેમ અહીં પણ ડિમાન્ડ વધુ છે તો તેની સામે સપ્લાય પણ અનેકગણો વધુ છે.
એન્ડ્રોઇડ કે આઇઓએસ જેવાં પ્લેટફોર્મ પર એપ્સની સંખ્યા લાખોમાં છે એટલે તમારી એપ ખરેખર ‘લાખોમાં એક’ લાગે એવી હોય તો જ એ એપ તમને નાણાં અને નામના અપાવી શકે.
જો તમે આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય કે હોબી કે પેશનથી એપ્સ ડેવલપમેન્ટમાં ઝંપાવ્યું હોય તો એપ ડેવલપમેન્ટની કેટલીક પાયાની બાબતો બરાબર સમજી લેવી જરૂરી છે. વાત એપનું કોડિંગ કરવાની હોય, તેના મોનેટાઇઝિંગની હોય, યુઝર ઇન્ટરફેસની હોય કે એપ માટે યુએક્સ ડિઝાઈન કરવાની હોય, જો દરેક બાબતમાં તમે ઊંડા ઊતરી શક્યા હો તો તમે એપની ગળાકાપ હરીફાઇમાં આગળ રહી શકો છો.
અહીં આપેલી કેટલીક ફ્રી ઇ-બુક્સ તમને આમાં ચોક્કસ મદદરૂપ થશે.
આઇઓએસ સસિંક્ટલી
૧૧૮ પેજની આ ઇ-બુકમાં, આઇઓએસ માટે એપ ડેવલપ કરતા સૌ કોઈને ઉપયોગી એવી ભરપૂર માહિતી છે. તેમાં આઇઓએસની બેઝિક વાતો ઉપરાંત મલ્ટિ-સીન એપ્લિકેશન્સ અને ઓડિયો એપ્સ સહિતના મુદ્દાઓ આવરી લેવાયા છે.
આ ફ્રી ઇ-બુક ઓફર કરતી સાઇટ પર જઈ તમે નામ, મેઇલ એડ્રેસ, કંપની અને ફોન નંબર આપીને ફ્રી એકાઉન્ટ ખોલાવશો એટલે તમને ઇ-બુકને પીડીએફ કે કિન્ડલની ફાઇલ તરીકે ડાઉનલોડ કરવાની લિંક મળશે. ફાઇલ ફક્ત ૧.૫ એમબીની છે.
ડાઉનલોડ પેજ પર લખ્યા અનુસાર, તમે આ બુક વિશે તમારા એકાઉન્ટ પર ટવીટ કરીને ૧૬ જીબી આઇપેડ મિનિ (વાઇ-ફાઇ) જીતી શકો છો! કંપનીની સાઇટ પરથી તમે બીજી પણ ઘણી ફ્રી ઇ-બુક્સ ડાઉનલોડ કરી શકો છો.
ડાઉનલોડ લિંક : http://goo.gl/ki7As
૩ ઇઝી સ્ટેપ્સ ટુ મોનેટાઇઝ એન્ડ્રોઇડ એપ્સ વીથ એડ્ઝ
એપ્સની દુનિયામાં ફક્ત એપ બનાવવાથી કામ પૂરું થતું નથી, એમાંથી કમાણી પણ થવી જોઈએ.
ફક્ત ૪૧ પેજની, ૩.૬ એમબીની અને સરસ રીતે ડિઝાઇન થયેલી આ ફ્રી ઇ-બુકમાં એન્ડ્રોઇડ એપ્સને મોનેટાઇઝ કરવાની સરળ સમજણ આપી છે. મોબાઇલ એડવર્ટાઇઝિંગ શું છે, મોબાઇલ એડનાં જુદાં જુદાં ફોર્મેટ્સ કયાં હોય છે, તમારા લક્ષ્ય નક્કી કરીને તમારે કેવા ફોર્મેટની પસંદગી કરવી જોઈએ, એપ્સ પર એડ્સ ચાલુ થયા પછી એનું એનાલિટિક્સ અને તેના આધારે ઓપ્ટિમાઇઝેશન વગેરે બાબતો ઉપરાંત, આ ક્ષેત્રના જુદા જુદા ટેકનિકલ શબ્દોની સમજણ પણ બુકના અંતે આપેલી છે.
ડાઉનલોડ લિંક :http://appflood.com/a/app-monetization-guides-tips-and-strategies
હાઉ ટુ મેક એન એપ : એચટીએમએલ ૫
એપ ડેવલપર્સને હંમેશા એક મૂંઝવણ સતાવતી હોય છે, પોતાની એપ વેબ બેઝ્ડ બનાવવી કે નેટિવ કે પછી બંનેની ગરજ સારે એવી હાઇબ્રિડ એપ બનાવવી?
માનવું મુશ્કેલ છે પણ ફેસબુક જેવી જાયન્ટ કંપનીના એન્જિનીયર્સને પણ ફેસબુકની મોબાઇલ એપ બનાવતી વખતે આ મૂંઝવણ થઈ હતી. ૧.૫ એમબીની આ ફ્રી-ઇબુકમાં તમને વેબ વિરુદ્ધ નેટિવ એપ્સની થોડી ક્વિક સમજ સાથે, જો તમે એચટીએમએલ૫માં એપ્સ બનાવવા માગતા હો તો તે માટે કયાં ટૂલ્સ તમને ઉપયોગી થઈ શકે એ પણ આ સમજાવવામાં આવ્યું છે.
સાથોસાથ એક એચટીએમએલ૫ એપનું ઉદાહરણ પણ વિગતવાર સમજાવવામાં આવ્યું છે.
ડાઉનલોડ લિંક : http://www.kinvey.com/how-to-make-an-app-html5
યાદ રાખશો, જો તમે થોડું ગૂગલિંગ કરશો તો આ બધી બુક્સમાં આવરી લેવાયેલા મુદ્દાઓ વિશે ઘણી બધી માહિતી મળી આવશે, પણ આ ઈ-બુકમાં એક સાથે, સરળ રીતે સમજાય તે રીતે, મુદ્દાસર માહિતી મળવાનો મોટો લાભ છે.
આ બધી જ બુક કોઈ ને કોઈ કંપનીએ પોતાની સર્વિસીઝ કે પ્રોડક્ટની જાહેરાત માટે તૈયાર કરેલી ઇ-બુક છે, પરંતુ તેનાથી આપણો ફાયદો ઓછો થતો નથી. આપણે તેને ડાઉનલોડ કરવા માટે સાચું ઈ-મેઇલ એડ્રેસ આપવું પડશે અને એટલે આ કંપનીઝ સ્પષ્ટ કહે છે તેમ તમને કંપની તરફથી પ્રમોશનલ મેઇલ્સ આવે એવું બની શકે છે. જોકે આપણે ગમે ત્યારે તેને અનસબસ્ક્રાઇબ કરી શકીએ છીએ.

