જેમ આપણે ઇન્ટરનેટમાં જોઈતી માહિતી આપતી સાઇટ્સ શોધીએ છીએ, તેમ બધી સાઇટ્સ આપણી નજરમાં આવવા માટે મથતી હોય છે. ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન વગેરે ક્ષેત્રનો મેળવીએ પ્રાથમિક પરિચય, આ લેખમાં.
છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં ઈન્ટરનેટ અને ખાસ તો ગૂગલ.કોમના વિકાસના પગલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સર્ચ એન્જિન માર્કેટિંગ જેવાં ક્ષેત્રોમાં તકો ઊભી થઈ છે. આ તકો આઇટી અને સોફ્ટવેર ક્ષેત્રે બિનપરંપરાગત છે. એટલે કે ઈન્ટરનેટને લગતું કામ હોવા છતાં તેને સોફ્ટવેર પ્રોગ્રામિંગ સાથે કોઈ સીધી લેવાદેવા નથી. ઘણા બધા મિત્રોને ઓનલાઈન માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સર્ચ એન્જિન માર્કેટિંગ વગેરે વિશે પૂરતો ખ્યાલ હોતો નથી અથવા તો આ બધું એક જ એમ માનતા હોય છે.
આ લેખમાં આપણે આ બધા વિશે ચર્ચા કરીશું.
નીચેના ડાયાગ્રામથી
ડિજિટલ માર્કેટિંગ, SEM, SEO, SMM વગેરે વિશેનો સારો ખ્યાલ આવે છે. ઘણા મિત્રો (આ ક્ષેત્રે કામ કરતા લોકો પણ) ડિજિટલ માર્કેટિંગ અને ઓનલાઈન માર્કેટિંગને એક જ મને છે, પણ એવું નથી.
ડિજિટલ માર્કેટિંગની સર્વગ્રાહી વ્યાખ્યામાં મોબાઇલ માર્કેટિંગનો પણ સમાવેશ થાય છે. મોબાઇલ માર્કેટિંગમાં પરંપરાગત SMSથી (સ્માર્ટફોન એપ્સ ઉપરાંત) પણ માર્કેટિંગ કરવામાં આવે છે જે GSM કે CDMA નેટવર્કનો ઉપયોગ કરે છે, ઈન્ટરનેટનો નહીં. ATM કે અન્ય કીઓસ્કમાં પણ કેટલીક વાર જાહેરાતો મૂકેલી હોય છે. આ ઉપરાંત રેસ્ટોરાં કે અન્ય જાહેર સ્થળોએ ટી.વી. મૂકીને (ટી.વી. ચેનલો દ્વારા નહીં) જાહેરાતો બતાવામાં આવે છે – આ સૌ ડિજિટલ માર્કેટિંગનાં વિવિધ સ્વરુપો છે અને તેમાં જરુરી નથી કે ઈન્ટરનેટનો ઉપયોગ થતો હોય, માટે તે ઓનલાઈન માર્કેટિંગ નથી. આમ ઓનલાઈન માર્કેટિંગ એ ડિજિટલ માર્કેટિંગનો ભાગ છે પણ બંને એક જ નથી! કેટલાક નિષ્ણાતો તો સેટેલાઈટ ટીવી અને એફ. એમ. રેડિયોના માધ્યમને પણ ડિજિટલ માર્કેટિંગ ગણાવે છે.
SEM, SEO અને SMM હાલના સમયમાં ખૂબ પ્રચલિત થયા છે અને કારકિર્દીના એક સરસ વિકલ્પ તરીકે ઉભર્યા છે. રસપ્રદ અને વિચારતા કરી મૂકે એવી બાબત એ છે કે આ કારકિર્દી ૧૦-૧૨ વર્ષ પહેલાં અસ્તિત્વમાં જ નહોતી, અરે SMM (Social Media Marketing) તો ૩-૪ વર્ષ પહેલાં જ ઊભર્યું છે- જેમાં facebook, youtube અને twitterનો ખૂબ મોટો ફાળો છે!
SEM, SEO અને SMM આમ તો ખૂબ વ્યાપક વિષયો છે અને તેમના પર સ્વતંત્ર લેખ કરવા પડે એમ છે, પણ આપણે તેમને હાલ પૂરતા ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ :
SEM (Search Engine Marketing):
SEMને સરળ રીતે સમજાવવું હોય તો એમ કહી શકાય કે જેમ આપણે અખબાર કે મેગેઝિનમાં પૈસા આપીને જાહેરાત છપાવીએ છીએ એમ સર્ચ એન્જિનમાં ધાર્યા કીવર્ડ માટે જાહેરાત આપી શકાય. એને PPC (Pay Per Click) કહે છે, એટલે કે વેબસાઈટ પર જેટલી વાર ક્લિક મળે તેટલા જ રુપિયા આપવાના. ફક્ત રુપિયા આપીને જ SEMમાં ધાર્યા પરિણામો મેળવી શકાતાં નથી, એ માટે ખૂબ રિસર્ચ અને એનાલિસિસ કરવું પડે છે. ROF (Return on Investment) એટલે કે (સર્ચ એન્જિનમાં જાહેરખબર આપવાના) મૂડીરોકાણની સામે વળતર વગેરેનો અભ્યાસ કરીને રણનીતિમાં સતત ફેરફાર કરવો પડે છે. માટે વધુ સારું એ પડે કે આ કામ SEM/SEOના જાણકારને આપવામાં આવે. ગૂગલ માટે Adwords છે, તો Yahoo માટે Overture અને Bing.com માટે BingAds જેવા પ્રોગ્રામ્સ છે જે થકી જે તે સર્ચ એન્જિનમાં જાહેરખબર આપીને તેને મોનિટર કરી શકાય છે. દા.ત. ગૂગલમાં magazine for IT and software inGujarati એ કીવર્ડ નાખીને સર્ચ કરીએ તો સામાન્ય પરિણામોની સાથે સાયબરસફર.કોમની જાહેરાત નજરે પડે.
SEO (Search Engine Optimization):
SEOથી સર્ચ એન્જિનમાં ધાર્યા કીવર્ડ માટે ફ્રી સર્ચ રિઝલ્ટ્સમાં સ્થાન મેળવવાનું હોય છે. આને ઓર્ગેનિક લિસ્ટિંગ કહે છે. Optimization શબ્દનો અર્થ છે અસરકારક બનાવવું, એટલે Search Engine Optimizationનો અર્થ થાય સર્ચ એન્જિન માટે વેબસાઈટને એ રીતે ડિઝાઈન કરવી કે એ ધાર્યા કીવર્ડ માટે સર્ચ રિઝલ્ટમાં સાઈટ બને એટલી ઉપર આવે. Search Engine Optimization એક જટિલ પ્રક્રિયા છે કારણ કે તે માટે લગભગ ૪-૬ બાબતો કારણભૂત બને છે. વળી દરેક સર્ચ એન્જિનનું પોતાનું એક આગવું આલગોરિધમ હોય છે જેના દ્વારા સર્ચ રિઝલ્ટ નક્કી થાય છે.
દરેક સર્ચ એન્જિનનો પોતાનો એક સ્પાઈડર અથવા બોટ હોય છે જે સતત ઈન્ટરનેટને ફંફોસ્યા કરે છે. કોઈ નવી સાઈટ આવી હોય, કોઈ સાઈટમાં નવું ક્ધટેન્ટ હોય કે નવી લિંક ઉમેરાઈ હોય વગેરે માહિતી લઈને તે સર્ચ એન્જિનને આપે છે. આમ આપણને જ્યારે સર્ચ કરીએ ત્યારે તાજી માહિતી મળે છે. SEOમાં એટલે જ કોઈ પણ નવી સાઈટ માટે દરેક સર્ચ એન્જિન સ્પાઈડરને ખેંચી લાવો જરુરી છે.
મજાની વાત એ છે કે આ સ્પાઇડર આપણી નજરે વેબસાઇટને જોતો નથી. એ સાઇટના ઉપલા આવરણ (જે આપણને દેખાય છે તે)ની પાછળ રહેલી માહિતી એટલે કે Meta Tags અને બીજી માહિતી જુએ છે.
એક વાર સ્પાઈડર આવી જાય પછી તે Meta Tags (HTML ટેગ્સ) content, પોસ્ટિંગ, અન્ય સાઈટ પરથી આવતી લિંક્સ વગેરેને આધારે તે વેબસાઈટ કયા વિષયને લગતી છે, તેમાં શેને અંગેની માહિતી છે, વેબસાઈટ કેટલી વિશ્ર્વનીય છે અને તેને સર્ચ રિઝલ્ટમાં કેટલી ઉપર મૂકી શકાય તે નક્કી કરે છે.
દા.ત. સાયબરસફરની વેબસાઈટના મેટા ટેગ્સ બાજુના પેજ પર બતાવ્યા છે એ પ્રમાણે છે. SEO માસ્ટરનું કામ વેબસાઈટને એ રીતે તૈયાર કરવાનું હોય છે કે તે ઝડપથી અને ધાર્યા કીવર્ડ માટે સર્ચ રિઝલ્ટ્સમાં ઉપર આવવા માડે. આ કામ સોફ્ટવેરથી ઓટોમેટીકલી પણ થઈ શકે અને જાત મહેનતથી પણ થઈ શકે – કઈ પદ્ધતિ વધુ સારી એ બાબતે નિષ્ણાંતોમાં મતભેદ પ્રવર્તે છે. હેકિંગમાં જેમ White Hat અને Black Hat હેકર્સ હોય છે એમ SEOમાં પણ White Hat અને Black Hat એમ બે વિચારધારા છે. White Hat SEO ને Ethical SEO પણ કહી શકાય.
SEOની બાબત સરળ રીતે સમજવી હોય તો આ વીડિયો જુઓ http://searchengineland.com/guide/what-is-seo આ ઉપરાંત આવા અનેક વીડિયો અને બ્લોગ્સ છે (http://moz.com/blog http://mashable.com/category/seo/) જે વાંચીને SEO સમજી અને શીખી શકાય છે.
SEOનું ફિલ્ડ ખૂબ વિશાળ છે અને પુષ્કળ તકો રહેલી છે. શીખવામાં પ્રમાણમાં સરળ છે પણ સામે સ્પર્ધા પણ એટલી જ છે.
SMM (Social Media Marketing):
Social Media Marktingને ઘણા લોકો ફક્ત ફેસબુક માર્કેટિંગ માને છે. SMMમાં ફેસબુક ઉપરાંત ગૂગલ પ્લસ, ટ્વીટર, યૂટ્યુબ, લિંક્ડઇન (આ લખનાર ખુદ લિંક્ડઇન પર ખૂબ સક્રિય છે) અને બ્લોગ્સનો (હા! બ્લોગ એ Social Media છે!) સમાવેશ થાય છે. જખખ પેઈડ અને ફ્રી (ઓર્ગેનિક) એમ બંને પ્રકારનું હોય છે, અલબત્ત ઓર્ગેનિક પોપ્યુલારિટીની જેટલી અસર પડે એ પેઈડની ન જ પડે. વળી ભાષા અને પ્રદેશ પ્રમાણે સર્ચ એન્જિન અને સોશિયલ મીડિયા સાઈટ્સ બદલાય છે, દા.ત. રશિયામાં ગૂગલને બદલે yandec.com અને ફેસબુકને બદલે vk.com વધુ પોપ્યુલર છે. એ પ્રદેશને ટાર્ગેટ કરવો હોય તો એ પ્રમાણેની સાઈટ્સમાં માર્કેટિંગ કરવું પડે.
SEO, SEM and SMMમાં પ્રવેશી કેવી રીતે શકાય? શું શિક્ષણ લેવું પડે?
આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે કોઈ ઔપચારિક શિક્ષણ નથી લેવું પડતું, કે નથી કોલેજ કે અન્ય સંસ્થાઓમાં આ પ્રકારની તાલીમ મળતી. SEOને DIY (Do it Yoursefl)પ્રકારનું કામ કહી શકાય, કારણ કે કોઈ પણ વ્યક્તિ તે જાતે શીખીને કરી શકે છે! (આ લખનારે પણ ભૂતકાળમાં સફળતાપૂર્વક SEO પર હાથ અજમાવ્યો છે.) આ માટે ઇન્ટરનેટ પર જ ખૂબ સાહિત્ય ઉપલબ્ધ હોય છે, જેના દ્વારા પ્રાથમિક માહિતી સરળતાથી મળી રહે છે. જાત મહેનત અને પ્રયોગો દ્વારા ખૂબ શીખી શકાય છે.
હવે જોકે અનેક જગ્યાએ આ માટેના વર્કશોપ અને ટ્રેનિંગ પ્રોગ્રામ થવા માંડ્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં પણ હવે આવી તાલીમ આપતા પ્રોગ્રામ થાય છે. આ ઉપરાંત IndieSEO જેવું ગ્રુપ પણ અવારનવાર SEO અને SEM પર વર્કશોપ રાખે છે જેમાં તેઓ ગુજરાત બહારના નિષ્ણાતોને પણ બોલાવે છે. Impulse Outsourcingના પ્રિયલ પરીખ (૯૮૭૯૩૪૪૯૨૨) અને TreatSEOના ભાવિન ભાવસાર (૯૮૨૩૫૦૬૩૬૬૪) SEOની તાલીમ અને માર્ગદર્શન આપે છે.
SEO માટે વેબ ડિઝાઈનનું જ્ઞાન હોય તો ખૂબ કામ લાગે. ખાસ કરીને HTML, Meta-tags,Content વગેરેનું થોડું જ્ઞાન હોય તો તે SEO માટે ખૂબ કામ લાગે. SEM માટે એડવટર્ઈિઝિંગની સમજણ હોય તો તે ખૂબ કામ લાગે.
આ ક્ષેત્રે નોકરીની તકો કેવી હોય છે? કયા પ્રકારની કંપનીઓમાં નોકરી મળે છે?
આપણે આગળ જોયું એમ હાલના સમયમાં સર્ચ એન્જિનમાં આગળનાં રિઝલ્ટ પેજ પર આવવામાં કે ધાર્યા ગ્રાહકો ખેંચી લાવવા માટે ખૂબ સ્પર્ધા છે, માટે સ્વાભાવિક જ SEO, SEMના ક્ષેત્રે ખૂબ તકો રહેલી છે. વેબ ડેવલપમેન્ટ, ઈ-કોમર્સ, માર્કેટિંગ એજન્સીઓ, સોફ્ટવેર કંપની વગેરેમાં આવી જગ્યાઓ ખાલી હોય છે.
આ પ્રકારના કામમાં જોકે નોકરી કરતાં ફ્રીલાન્સિંગનું પ્રચલન વધારે છે. SEO, SEM કે SMMના નિષ્ણાતો એક કંપની સાથે કામ કરવાને બદલે સ્વતંત્ર રીતે કામ કરવાનું વધુ પસંદ કરે છે. આમ કરવા પાછળ વધુ પૈસા મળવા, એક સમયે એક કરતાં વધુ ક્લાયન્ટ સાથે કામ કરવાની તક, સમયની અનુકૂળતા રહેવી વગેરે કારણો હોય છે.
શું આ ક્ષેત્રે તકો ફક્ત મોટાં શહેરોમાં જ હોય છે? બહેનો માટે આ ક્ષેત્ર કેવું?
આ કામ સંપૂર્ણપણે ઓનલાઈન કરવાનું હોય છે અને ઘણા કિસ્સાઓમાં ક્લાયન્ટ બીજાં શહેરો કે પરદેશમાં હોય છે. માટે આ કામ કરવા માટે ઓફિસમાં હોવું જરુરી નથી કે નથી કોઈ ભૌગોલિક સીમાડા નડતા. ફ્રીલાન્સર તરીકે તમે નાના શહેર કે ગામડામાં પણ બેસીને આ કામ કરી શકો. અલબત્ત, તમારી પાસે સંદેશવ્યવહારનાં સાધનો અને ખલેલ રહિત ઈન્ટરનેટ કનેક્શન હોવાં જોઈએ.
સમયનું બંધન નહીં, ફ્રીલાન્સિંગની તકો અને સાદા લેપટોપ કે ડેસ્કટોપથી ઘરેબેઠાં પણ આ કામ થઈ શકવાને લીધે બહેનો માટે તો આ ક્ષેત્ર ખૂબ અનુકૂળ રહે છે. જોકે એની સામે આ ક્ષેત્રમાં સ્પર્ધા પણ એટલી જ છે અને સતત આવતા રહેતા બદલાવોને લીધે સતત માહિતગાર પણ રહેવું પડે છે. આ ક્ષેત્રમાં ફક્ત અને ફક્ત પરિણામો મહત્ત્વનાં હોય છે.
સોશિયલ મીડિયાનાં જમાનામાં SEO કેટલું મહત્ત્વનું રહ્યું છે?
Google+, Facebook, Linkdin.com, કે Twitter SEOના વિરોધી નહીં પણ પૂરક છે. ધાર્યા વેબ ટ્રાફિક માટે હવે ફક્ત SEO જ નહીં પણ સોશિયલ મીડિયામાં પણ હાજરી અને પોપ્યુલારિટી (ઓર્ગેનિક અને પેઈડ) હોવી જરુરી છે. આ ઉપરાંત હવે તો મોબાઇલ માર્કેટિંગ (સ્માર્ટફોન એપ્સ વડે) પણ જોર પકડતું જાય છે.
SEO, SEM, SMMના સહિયારા પ્રયોગથી હવે ફક્ત સર્ચ રિઝલ્ટમાં આવવાના બદલે બ્રાન્ડ આઇન્ડેન્ટિટી ઊભી થાય એવો ટ્રેન્ડ વધુ છે.
SEO, SEM and SMMમાં પ્રવેશવા ઇચ્છતી વ્યક્તિઓએ શું ધ્યાન રાખવું જોઈએ?
એક તો ઉપર જોયું એમ આ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી બદલાવ આવે છે, વત્તા ઈન્ટરનેટ ટેકનોલોજી પણ ઝડપથી બદલાયા કરે છે માટે સતત અભ્યાસથી માહિતગાર રહેવું પડે. બીજું ઝડપી રિઝલ્ટને બદલે પદ્ધતિસર કામ કરીને રિઝલ્ટ લાવવા જોઈએ, જે વધુ સમય ટકે છે. એ ઉપરાંત ધીરજ રાખીને ક્લાયન્ટને મહત્તમ વળતર મળે એ રીતે કામ કરવાની તૈયારી રાખવી પડે. પ્રયોગાત્મક રહેવાથી પણ સારાં પરિણામે મળી શકે.
કરિયર સેન્ટ્રલ ડિક્શનરી
અલગોરિધમ : સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ પ્રક્રિયા કે ગણતરીનાં અગાઉથી નક્કી કરેલાં સ્ટેપ્સ જેનાથી છેવટનું પરિણામ મળે એટલે અલગોરિધમ. દા.ત. ટેક્સની ગણતરી. અલગોરિધમથી જટિલ અને ખૂબ મોટા પ્રમાણમાં માહિતીને સરળતાથી વર્ગીકૃત કરી શકાય છે. આપણને જાણીને આનંદ થાય કે આધુનિક અલગોરિધમનો પાયો પ્રાચીન ભારતીય ગણિતમાં છે, જેને આરબોએ પશ્ચિમમાં પહોંચાડ્યું.
મેટા ટેગ્સ : મેટાડેટા એટલે શું માહિતી છે એનો ડેટા. બોટલની અંદર શું છે એ લેબલ વાંચીને ખબર પડે એ રીતે શેને લાગતો ડેટા છે એ મેટાડેટાથી ખબર પડે. વેબ સાઈટમાં મેટા ટેગ્સ HTML કોડમાં હોય છે જેનું કામ વેબસાઈટ શેને લગતી છે એ જણાવવાનું છે, જે SEO માટે ખૂબ અગત્યનું હોય છે.

