સવાલ લખી મોકલનારઃ ભરત ગણાત્રા, ભૂજ
આમ તો, મિનિ ટૂલબાર એક કામની સગવડ છે કેમ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેક્સ્ટ સાથે કામ કરતી વખતે, ટેક્સ્ટ સિલેક્ટ કરતાં અલ્લાદિનના જીનની જેમ, આપણે સિલેક્ટ કરેલી ટેક્સ્’ની બાજુમાં જ આ મિનિ ટૂલબાર હાજર થાય છે અને ટેક્સ્ટમાં આપણે જે ફોર્મેટિંગ કરવું હોય તે તેમાંથી કરી શકાય છે.
તેમ છતાં, જો મથાળે આપેલ રિબનની મદદથી જ કાયમ ફોર્મેટિંગ કરવાની ટેવ પડી ગઈ હોય તો, ટેક્સ્ટ સિલેક્ટ કરતાં તરત દેખા દેતો મિનિ ટૂલબાર અગવડદાયક બની શકે છે. તેને બંધ કરવા માટે ઓફિસ બટન પર ક્લિક કરી, વર્ડ ઓપ્શન્સમાં જાઓ. અહીં પોપ્યુલર ફીચર હેઠળ, ‘શો મિનિ ટૂલબાર ઓન સિલેક્શન’ સામેના બોક્સને અનચેક કરી દો.
હવે તમને મિનિ ટૂલબાર નડશે નહીં!
અચ્છા, માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોર્મેટિંગની વાત નીકળી છે તો ફટાફટ ફોર્મેટિંગના કેટલાક કિમિયા પણ જાણી લો!
તમારા લખાણમાંના કોઈ શબ્દને બોલ્ડ કરવો હોય તો સામાન્ય રીતે, તમે માઉસથી એ શબ્દ સિલેક્ટ કરીને પછી રિબનમાં હોમ ટેબમાં બોલ્ડના ‘બી’ પર ક્લિક કરતા હશો, બરાબર? તેનો ટૂંકો રસ્તો અજમાવી જુઓ, જે શબ્દને બોલ્ડ કરવો હોય તેના પર કર્સર હોય ત્યારે Ctrl+a પ્રેસ કરો, શબ્દ તરત બોલ્ડ થઈ જશે. આ જ રીતે, ઇટાલિક, અન્ડરલાઇન વગેરેનું ફોર્મેટિંગ પણ અજમાવી જુઓ.
કોઈ પણ શબ્દને સિલેક્ટ કરવા માટે તેને ડબલ-ક્લિક કરો.
આખું વાક્ય સિલેક્ટ કરવા માટે કંટ્રોલ કી પ્રેસ કરી, આખા વાક્યમાં ગમે ત્યાં માઉસથી ક્લિક કરો. વાક્યથી શઆતથી પૂર્ણવિરામ સુધીનું આખું વાક્ય સિલેક્ટ થઈ જશે.
આખો પેરેગ્રાફ સિલેક્ટ કરવા માટે તેના પર માઉસથી ફટાફટ ત્રણ વાર ક્લિક કરો.
આખું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવા માટે Ctrl+a પ્રેસ કરો.
તમે કોઈ એક જગ્યાએથી લખાણ કોપી કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરો ત્યારે તેનું ફોર્મેટિંગ જાળવવું ન હોય તો પેસ્ટ કર્યા પછી જોવા મળતા પેસ્ટ ઓપ્શન્સના બટન પર ક્લિક કરો અને તેમાં ‘કીપ ટેક્સ્ટ ઓન્લી’ વિકલ્પ પસંદ કરો.
પેરેગ્રાફના અંતે આડી લીટી ઉમેરવી હોય તો હાઇફન કી (સૌથી ઉપર ઝીરો પછીની કી) ત્રણ કે વધુ વાર પ્રેસ કરીને એન્ટર પ્રેસ કરો. આ લીટી જાડી જોઈતી હોય તો શિફ્ટ કી સાથે આ જ વિધિ ફરી કરો.


