(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યુટરને ધરાર રીસ્ટાર્ટ કરતાં પહેલાં…

કમ્પ્યુટરમાં અગત્યનું કામ કરી રહ્યા હોઈએ ત્યારે કોઈ પ્રોગ્રામ કે વિન્ડોઝ એક્સપ્લોરર અટકી પડે ત્યારે સામાન્ય રીતે કમ્પ્યુટરે રીસ્ટાર્ટ કર્યા વિના છૂટકો રહેતો નથી – પણ આપણે એ છેલ્લો રસ્તો ટાળી શકીએ છીએ.

આગળ શું વાંચશો?

  • કોઈ પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે ત્યારે…
  • વિન્ડોઝ એક્સપ્લોરર અટકી પડે ત્યારે..

“એક કામ કરોને, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરી દો! આવી સલાહ તમે ક્યારેક ને ક્યારેક અચૂક સાંભળી હશે, અથવા પોતે જ કમ્પ્યુટરની સમસ્યાના છેલ્લા ઉપાય તરીકે, કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરી દેવાનું વિચાર્યું હશે.

પણ, જો તમે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હો, પાંચ-સાત પ્રોગ્રામ ઓપન કર્યા હોય, તેની સાથોસાથ કોણ જાણે કેટલીય ટેબમાં ઇન્ટરનેટ સર્ફિંગ પણ ચાલી રહ્યું હોય તો એ બધું બંધ કરીને કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવું અને પછી બધું જ ફરી એકડે-એકથી શરૂ કરવું એ સહેલું કામ નથી. કંટાળાને બાજુએ રાખીએ તોય આપણો ઘણો કિંમતી સમય આમાં વેડફાઇ જાય.

સદભાગ્યે દરેક સ્થિતિમાં કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવું જરૂરી હોતું નથી. આવો સમજીએ.

કોઈ પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે ત્યારે…

આપણે કોઈ પ્રોગ્રામમાં કામ કરી રહ્યા હોઈએ ત્યારે ભૂલથી કંઈક ખોટા કમાન્ડ અપાઈ જાય અને પ્રોગ્રામ ગૂંચવાડે ચઢી જાય, અથવા તો એકથી વધુ પ્રોગ્રામમાં કામ કરી રહ્યા હોઈએ અને ચાલુ પ્રોગ્રામમાં કંઈક ખોટકો આવી જતાં પ્રોગ્રામ રીસે ચઢીને આપણને કશો રીસ્પોન્સ જ ન આપે, બિલકુલ ફ્રીઝ થઈ જાય એવું ઘણી વાર બનતું હોય છે. આપણે જુદી જુદી જગ્યાએ અને જુદી જુદી રીતે ક્લિક કરીને થાકીએ ત્યારે છેક સિસ્ટમ આપણને જાણ કરે કે ‘ધી પ્રોગ્રામ ઇઝ નોટ રીસ્પોન્ડિંગ’. આપણને થાય કે એ તો ખબર જ છે, એનો ઉપાય શું છે એ કહે ભાઈ!

ઓપરેટિંગ સિસ્ટમનાં જૂનાં વર્ઝનમાં આ સમસ્યા વધુ હતી. હવે તેનું પ્રમાણ ઓછું થયું છે, છતાં પ્રોગ્રામ ફ્રીઝ તો થાય જ છે. આવી સ્થિતિમાં આખું કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવાને બદલે આપણે ફક્ત એ એક પ્રોગ્રામને ફરજિયાત બંધ કરી શકીએ છીએ.

આ માટે વિન્ડોઝમાં ટાસ્ક મેનેજર નામની એક કામની સગવડ છે. તેની મદદથી વિન્ડોઝમાં અટકી પડેલા કોઈ પણ પ્રોગ્રામને બંધ કરી શકાય છે. Ctrl+Shift+Esc કી એક સાથે પ્રેસ કરીને આપણે વિન્ડોઝ ટાસ્ક મેનેજર ઓપન કરી શકીએ છીએ. અથવા સ્ક્રીન પર છેક નીચેના ટાસ્ક બારમાં ખાલી જગ્યામાં માઉસથી રાઇટ ક્લિક કરતાં ‘સ્ટાર ટાસ્ટ મેનેજર’નો વિકલ્પ મળે છે.

ટાસ્ક મેનેજરમાં પહેલા ટેબમાં કમ્પ્યુટરમાં હાલની ઘડીએ ચાલુ તમામ એપ્લિકેશન્સની માહિતી મળે છે. આપણો જે પ્રોગ્રામ ફ્રીઝ થઈ ગયો હશે તેના સ્ટેટસમાં ‘નોટ રીસ્પોન્ડિંગ’ વાંચવા મળશે. આ પ્રોગ્રામ પર માઉસથી એક વાર ક્લિક કરો અને નીચે આપેલા ‘એન્ડ ટાસ્ક’ બટન પર ક્લિક કરી, એ પ્રોગ્રામને બંધ કરી દો. જો હજી વિન્ડોઝ તરફથી કોઈ નોટીસ મળે તો તેને કેન્સલ કરતાં એ પ્રોગ્રામ બંધ થશે અને કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવાની નોબત રહેશે નહીં. જો વારંવાર આવું થતું હોય તો બની શકે કે તમારા કમ્પ્યુટરમાંની રેમ ઓછી પડતી હોય, જેને નવી રેમ ખરીદીને વધારી શકાય છે.

વિન્ડોઝ એક્સપ્લોરર અટકી પડે ત્યારે…

વિન્ડોઝમાં ફાઇલ મેનેજર તરીકે આપણે સૌ વિન્ડોઝ એક્સપ્લોરરનો ઉપયોગ કરીએ છીએ (વિન્ડોઝ ૮માં તે ફાઇલ મેનેજર તરીકે ઓળખાય છે). આપણે આપણાં ડોક્યુમેન્ટ્સ, ફોલ્ડર્સ વગેરે સાથે આ એક્સપ્લોરરની મદદથી જ કામ પાર પાડતા હોઈએ છીએ.

ઘણી વાર આ વિન્ડોઝ એક્સપ્લોરર ખોટકાઈ પડે એવું બની શકે છે. આ સ્થિતિમાં પણ આપણને પહેલો વિચાર Ctrl+Alt+Del કી બે વાર પ્રેસ કરીને અથવા સીપીયુમાં જ રીસ્ટાર્ટનું બટન પ્રેસ કરીને છૂટકારો કરવાની ઇચ્છા થઈ આવે, પણ એ છેલ્લા રસ્તા સુધી જવાની જરૂર નથી.


કી-બોર્ડમાં વિન્ડો કી પ્રેસ કરીને સ્ટાર્ટ મેનુ ઓપન કરો. હવે Ctrl+Shift કી પ્રેસ કરી રાખો અને સ્ટાર્ટ મેનુમાં કોઈ પણ ખાલી જગ્યામાં માઉસથી રાઇટ ક્લિક કરો. આથી પ્રોપર્ટીઝ અને એક્ઝિટ એક્સપ્લોરર એવા બે વિકલ્પ જોવા મળશે. તેમાં એક્ઝિટ એક્સપ્લોરર પર ક્લિક કરો. ક્લિક કરતાં જ આપણાં ફોલ્ડર્સ બંધ થઈ જશે, નીચેનો આખો ટાસ્કબાર ગાયબ થશે અને ડેસ્કટોપ પણ ખાલીખમ થઈ જશે!

જોકે ચિંતા કરવાની જરૂર નથી. વિન્ડોઝ એક્સપ્લોરર બંધ થવાથી આમ થયું છે. તેને ફરી ચાલુ કરવા માટે, ફરી Ctrl+Shift+Esc કી એક સાથે પ્રેસ કરીને આપણે વિન્ડોઝ ટાસ્ક મેનેજર ઓપન કરીએ. તેમાં નીચે ‘ન્યૂ ટાસ્ક’નું બટન જોવા મળશે. તેના પર ક્લિક કરો અને જે બોક્સ જોવા મળે તેમાં explorer.exe લખો ઓકે પ્રેસ કરો. વિન્ડોઝ એક્સપ્લોરર ફરી શરૂ થશે અને બધું રાબેતા મુજબ જોવા મળશે!

આ ઉપરાંત, આપણા કમ્પ્યુટરમાં વિન્ડોઝના અપડેટ્સ ઇન્સ્ટોલ થાય કે અન્ય કોઈ પ્રોગ્રામ આપણે ઇન્સ્ટોલ કરીએ ત્યારે પણ એ વિધિ પૂરી થતાં, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવાની જરૂર ઊભી થઈ શકે છે, જે અનિવાર્ય પણ હોય છે. એટલે આપણું ઘણું બધું કામ ચાલુ હોય, સમયની મારામારી હોય ત્યારે કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરવાનું ટાળીએ એ બરાબર, પણ જ્યારે જરૂરી બને ત્યારે તેને રીસ્ટાર્ટ કરવાથી તમામ પ્રોસેસ ફરીથી યોગ્ય રીતે કામ કરે એમાં સરવાળે લાભ જ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!