(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દુબઈનું જરા જુદું દૂરદર્શન

એક સ્થળના અનેક ફોટોગ્રાફ્સ લઈને તેમાંથી સર્જાતા પેનોરમા વિશે તો હવે તમે જાણો છો. દુબઈમાં આ ટેક્નોલોજીને જરા આગળ વધારીને, વીડિયો જેવો અનુભવ આપતા ઇન્ટરએક્ટિવ પેનોરમા સર્જવાનું કામ શરૂ થયું છે

૩૬૦ ડીગ્રી પેનોરમિક હવે કોઈ ખાસ નવી વાત રહી નથી. વિશ્વની અનેક લક્ઝરી હોટેલ્સથી માંડીને રીયલ એસ્ટેટ ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટનો લોકોને ઘેરબેઠાં નિકટનો પરિચય કરાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગૂગલ મેપ્સ પર જઈને આપણે કેટલીય રેસ્ટોરાં અને રીટેઇલ શોરૂમમાં પણ આ જ ટેક્નોલોજીથી ‘ડોકિયાં’ કરી શકીએ છીએ.

પણ પહેલી નજરે જૂની લાગતી આ વાતમાં કંઈક વિશેષ નવીનતા આવે તો આપણે એની નોંધ લેવી પડે.

આપણે જાણીએ છીએ કે અખાતના દેશો પાસે અઢળક નાણાં છે અને આ દેશો નાણાંનો ઉપયોગ કરીને જુદા જુદા ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતોને પોતાને ત્યાં તેડાવીને અવનવી અજાયબીઓ સર્જતા રહે છે, પછી વાત વિશ્વની સૌથી ઊંચી ઇમારતો સર્જવાની હોય કે પછી ચંદ્ર પરથી પણ દેખાય એવા દરિયાનાં પાણીને આંતરીને રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ ડેવલપ કરવાની હોય.

હવે આવી અજાયબીઓ આખી દુનિયાને બતાવવાની રીત પણ અજબ હોવી જોઈએને?! કદાચ એટલે જ દુબઈના ક્રાઉન પ્રિન્સે હમણાં પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટીવટર એકાઉન્ટ્સથી, એક અનોખી વેબસાઇટ લોન્ચ થઈ રહી હોવાની જાહેરાત કરી છે : http://dubai360.com/

 આ વર્ષા અંત સુધીમાં સૂર્ંણણ તૈયાર થઈ જારી આ વેબસાઇટમાં દુબઈ શહેરનાં જાણીતાં ટુરિસ્ટ આકર્ષણોના ૩૬૦ ડીગ્રી પેનોરમિક વ્યૂ જોવા મળશે, પણ અહીં વાત જુદી એ રીતે છે કે તેમાં ટાઇમ-લેપ્સ વીડિયો અને ૩૬૦ ડીગ્રી પેનોરમિક વ્યૂનું મિશ્રણ કરવામાં આવ્યું છે! ન સમજાયું? એ સમજવા માટે આપણે આ સાઇટ પર મૂકાયેલ આ પ્રકારના વ્યૂની એક ઝલક જોવી પડે (તેને લોડ થતાં સારો એવો સમય લાગશે એટલે તમારી પાસે સારું કમ્પ્યુટર અને સારું નેટ કનેેક્શન હોવું જોઈશે). આ ઝલક સાઇટ પર વીડિયો સ્વરુ‚પે પણ જોઈ શકાય છે.

એ ઝલકમાં, દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૪ કલાક દરમિયાન થતી ગતિવિધિઓને આવરી લેવામાં આવી છે. એરપોર્ટના બિલ્ડિંગના બિલકુલ કેન્દ્રમાંથી સારી એવી ઊંચાઈએથી, સતત ૩૦ કલાક સુધી કેપ્ચર કરાયેલા આ વ્યૂ  દરમિયાન ૧,૦૦૦થી વધુ પ્લેન્સને એરપોર્ટ પર ઉતરતાં કે ચઢતાં જોઈ શકાય છે. પરિણામે એક બિઝી એરપોર્ટ પર એક આખો દિવસ અને રાત કેવી રીતે વિતે છે એ આપણે જોઈ શકીએ છીએ.

આ અનોખો પેનોરમિક વ્યૂ તૈયાર કરવા માટે કુલ ચાર કે ૧ડીએક્સ કેમેરા કામે લગાડવામાં આવ્યા. આ ચારેય કેમેરો એકમેક સો સિન્ક કરવામાં આવ્યા. આ ચારેય કેમેરાથી દર પાંચ સેક્ધડે ચાર ફોટોગ્રાફનો એક સેટ કેપ્ચર કરવામાં આવ્યો. આવું સતત ૩૦ કલાક સુધી કરીને, એરપોર્ટની ચારેય દિશાના કુલ ૮૮,૦૦૦ જેટલા ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. આ તમામ ફોટોગ્રાફને એકમેક સાથે સ્ટીચ કરીને તેમાંથી કુલ ૨૨,૦૦૦ અલગ અલગ પેનોરમા તૈયાર કરવામાં આવ્યા!

આ સમગ્ર શૂટિંગનો સમયગાળો ૩૦ કલાકનો છે, પણ ટાઇમ-લેપ્સ ટેક્નોલોજીને પ્રતાપે આપણે તેને ગણતરીની મિનિટ્સમાં જોઈ શકીએ છીએ.

આ પેનોરમા તૈયાર કરવા માટે ૩૦ કલાકમાં ૮૮,૦૦૦થી વધુ ફોટોગ્રાફ્સ લેવાયા, તેને એકમેક સાથે સ્ટીચ કરીને ૨૨,૦૦૦થી વધુ પેનોરમા બનાવવામાં આવ્યા છે અને છેવટે તેમાંથી એક મલ્ટિમીડિયા પેનોરમા તૈયાર થયો, જે ઇન્ટરએક્ટિવ પણ છે, એટલે કે આપણે વીડિયો જોઈ રહ્યા હોઈએ એવું લાગે, પણ માઉસથી ડ્રેગ કરીને એરપોર્ટના જુદા જુદા ખૂણા તરફ નજર દોડાવી શકીએ!


આ ૩૬૦ ડીગ્રી વીડિયો માત્ર પીસીમાં જોઈ શકાય છે, મોબાઇલ પર કે સારું કન્ફિગરેશન ન ધરાવતા પીસીમાં ઇન્ટરએક્વિટ પેનોરમાને બદલે નોન-ઇન્ટરએક્ટિવ વીડિયો જોવો હોય તો એ સગવડ પણ કરવામાં આવી છે.

આ વીડિયોમાં કુલ ૨૪ કલાકનો સમયગાળો દશર્વિતા તમામ ઇમેજીસને ટાઇમલેપ્સ ટેક્નોલોજી ઝડપી બનાવીને એક નાના પૃથ્વીના ગોળા પર પ્રોજેક્ટ કરી હોય એ રીતે દર્શાવે છે. આપણે આ વીડિયો ધ્યાનથી જોઈએ તો દુબઇના એરપોર્ટનું એક આખું ટર્મિનલ કલાક કાંટાની જેમ ફરે છે અને ફક્ત ૩.૨૨ મિનિટના આ વીડિયોમાં એરપોર્ટ પર એક ૨૪ કલાકની – દિવસ અને રાત – દરમિયાનની ગતિવિધિઓ જોઈ શકાય છે!

આ સાઇટ પૂરેપૂરી તૈયાર થશે ત્યારે દુબઈ શહેરનાં બીજાં સંખ્યાબંધ જોવાલાયક સ્થળોના આ પ્રકારના ઇન્ટરએક્ટિવ, મલ્ટિમીડિયા પેનોરમા માણવા મળશે.

 

આપણે પણ બનાવી શકીએ ટાઇમ-લેપ્સ વીડિયો

તમે ટીવી પર ફટાફટ દોડી જતાં વાદળો કે કળીમાંથી ફટાક દઈને ખીલી ઊઠતા ફૂલનાં દૃશ્યો જોયાં હશે. આ ટાઇમ-લેપ્સની કમાલ છે. આ ટેક્નોલોજીમાં જે તે દૃશ્યોને સામાન્ય કરતાં ઓછા ફ્રેમ-રેટથી કેપ્ચર કરવામાં આવે છે, ત્યાર પછી એ બધી ફ્રેમ્સને ઘણા વધુ ફ્રેમ-રેટથી જોવામાં આવે ત્યારે ફાસ્ટફોરવર્ડની જેમ એ દશ્યો ટૂંકા સમયમાં જોઈ શકાય.

અત્યાર સુધી ટાઇમ-લેપ્સ વીડિયોગ્રાફી એક ખચર્ળિ ટેકનિક હતી. એમાં ખાસ પ્રકારના મોંઘા કેમેરા જોઈએ, તેને એકદમ સ્થિર રાખવા સ્ટેડી-માઉન્ટ કે ટ્રાઇપોડ જોઈએ, ઇમેજ કે મોશન સ્ટેબિલાઇઝેશનનાં મોંઘાં સોફ્ટેવર જોઈએ… આ બધું ભેગું કરીએ તો અને ત્યારે આપણે ટાઇમ-લેપ્સ વીડિયો બનાવી શકીએ.

પણ હવે વાત સાવ સહેલી બની ગઈ છે, એટલિસ્ટ એપલ યુઝર્સ માટે. ઇન્સ્ટાગ્રામે ઓગસ્ટમાં હાયપરલેપ્સ નામની એક ફ્રી એપ લોન્ચ કરી છે, જેની મદદથી તમે તમે કેપ્ચર કરેલા વીડિયોને ટાઇમ-લેપ્સમાં ફેરવી મિત્રો સાથે શેર કરી શકો છો. આવી બીજી કેટલીક એપ છે, ઇન્સ્ટાગ્રામની હાયપરલેપ્સમાં જે સ્મૂધનેસ છે એ બીજામાં મળતી નથી.

એન્ડ્રોઇડધારકોને આ સુવિધા તરત મળવાની શક્યતા ઓછી છે કેમ કે એ માટે ગૂગલે એન્ડ્રોઇડના કેમેરામાં જ કેટલાક ફેરફાર કરવા પડે તેમ છે.

ત્યાં સુધી, ઇન્સ્ટાગ્રામની હાયપરલેપ્સથી કેવા ટાઇમ-લેપ્સ વીડિયો બનાવી શકાય એ અહીં જુઓ : http://vimeo.com/104409950

 

આશાનું નવું કિરણ આપતી ટાઇમ-લેપ્સ ટેક્નોલોજી

ટાઇમ-લેપ્સ ટેક્નોલોજી માત્ર ભપકાદાર શહેરોના ઠાઠમાઠનો દેખાડો કરવા માટે વપરાય છે એવું નથી. એક સ્વસ્થ બાળકના જન્મમાં પણ આ ટેક્નોલોજી નિમિત્ત બની શકે છે.

આપણે જાણીએ છીએ કે સંતાનસુખથી વંચિત દંપતિ માટે ‘ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન – આઇવીએફ’ ટેક્નોલોજી મોટા વરદાનરૂપ બની છે. જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે વધુ ઓળખીએ છીએ એવી આ ટેક્નોલોજીમાં સ્ત્રીના અંડબીજ અને પુરુષના શુક્રાણુનો લેબોરેટરીની ડિશમાં મેળાપ કરાવવામાં આવે છે. તેમાં જો ફલન થાય તો પછી એ ગર્ભાંકુર, ચોક્કસ અવસ્થાએ પહોંચ્યા પછી તેને સ્ત્રીના ગભર્શિયમાં મૂકવામાં આવે છે. આને તબીબી ભાષામાં એમ્બ્રિયો ટ્રાન્સફર કરે છે.

આ પ્રક્રિયાને સફળ થતાં વાર લાગે છે, પહેલા જ પ્રયત્ને ગર્ભ યોગ્ય રીતે વિકસે એવું બનતું નથી. કેમ? કારણ કે તબીબી નિષ્ણાતોના મતે,  લગભગ અડધોઅડધ માનવ ગર્ભાંકુરોમાં રંગસૂત્રોને ખામી હોય છે. પરિણામે ગર્ભાધાન થયા પછી પણ આ ગર્ભાંકુરો ગભર્શિયની દીવાલ સાથે જોડાઈ શકતા નથી અને ગર્ભ ટકતો નથી. આઇવીએફ ટ્રીટમેન્ટમાં શરૂઆતમાં નિષ્ફળતા મળવાનું આ સૌથી મોટું કારણ હોય છે. ગર્ભાંગુરમાં રંગસૂત્રને લગતી ખામી છે કે નહીં એ જાણવા માટે અત્યાર સુધી એક જ રસ્તો હતો – એક તબીબી પ્રક્રિયા કરીને વિકસી રહેલા ગર્ભાંકુરની બહારની સપાટી પરથી એક કે બે કોષ લઈને તેને લેબોરેટરીમાં તપાસવામાં આવે. આ પ્રક્રિયામાં ગર્ભાંકુરના બીજા કોષોને નુક્સાન થવાનુ જોખમ પણ ખરું.

આઇવીએફ ટ્રીટમેન્ટમાંના આ સૌથી મોટા અવરોધને ઘણે અંશે દૂર કરવામાં ટાઇમલેપ્સ ટેક્નોલોજી મદદરૂપ થાય છે. ‘ટાઇમલેપ્સ એમ્બ્રિયો ઇમેજિંગ ટેકનોલોજી’ તરીકે જાણીતી આ શોધ, પ્રજનનશાસ્ત્રમાં છેલ્લાં ૩૦ વર્ષની બહુ મોટી સિદ્ધિ ગણાય છે.

જ્યારે લેબોરેટરીની ડિશમાં ગર્ભાંકુર વિકસી રહ્યા હોય ત્યારથી તેને ગભર્શિયમાં મૂકવા જેવી અવસ્થા સુધી પહોંચતાં ચારેક દિવસનો સમય લાગે છે. આ ગાળા દરમિયાન, ગર્ભાંકુરોને તેમને અનુકૂળ વાતાવરણમાં જ રાખીને તેની સતત ફોટોગ્રાફી કરવામાં આવે છે – આ દરમિયાન લાઇટ એક્સ્પોઝરથી ગર્ભાંકુરને નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવે છે. એક રીતે, માઇક્રોસ્કોપની મદદથી ગર્ભાંકુર પર સતત નજર રાખવા જેવી જ આ વાત થઈ.

ત્યાર પછી નિષ્ણાતો આ સમગ્ર ઇમેજ ફૂટેજને ફાસ્ટફોરવર્ડની જેમ ટૂંકા સમયમાં જોઈ શકે છે ને ગર્ભાંકુરમાં કોઈ ખામી જણાય તો પછી તેને ગભર્શિયમાં મૂકવાનું જ ટાળવામાં આવે છે. ટૂંકમાં આ ટેક્નોલોજીની મદદથી, જેના સફળ જન્મની વધુમાં વધુ શક્યતા હોય એવા ગર્ભાંકુરને જ જન્મ તરફ આગળ ધપાવી શકાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!