ઈ-મેઇલના એટેચમેન્ટમાં કે કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કરતાં કમ્પ્યુટરમાં આવી પડેલી ઝીપ કે રાર ફાઇલ કેવી રીતે ઓપન કરવી તેની મૂંઝવણ છે? આવો સમજીએ આ પ્રકારની ફાઇલ્સના ઉપયોગની રીત.
આગળ શું વાંચશો?
- ફાઈલ કે ફોલ્ડર કમ્પ્રેસ કરવા માટે
- કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની ફાઈલ્સ એક્સ્ટ્રેક્ટ કરવા માટે
- આટલું નોંધી લેશોઃ
તમે ક્યારેક તો .zip કે .rar પ્રકારની ફાઇલના સંપર્કમાં આવ્યા હશો. મોટા ભાગે કોઈએ તમને ઈ-મેઇલમાં આવી ફાઇલ મોકલી હશે અથવા કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યો હશે તેની ફાઇલ ઝીપ ફાઇલ તરીકે આવી હશે અને પછી તેને ઓપન કેવી રીતે કરવી તેની ગૂંચવણ થઈ હશે.
zip કે rar ફાઇલ ‘આકર્ઇિવ’ ફાઇલ પણ કહેવાય છે. વાસ્તવમાં આવી ફાઇલ એક ક્ધટેઇનર જેવી હોય છે, જેની અંદર બીજી મૂળ ફાઇલ્સ ગોઠવાયેલી હોય છે. ઢગલાબંધ કપડાં આપણે સૂટકેસમાં પેક કરીએ તો તેની હેરફેર સરળ બને અને જ્યારે જરૂર પડે ત્યારે સૂટકેસ ખોલીને ઇસ્ત્રીબંધ કપડાં બહાર કાઢી શકીએ એના જેવી આ વાત કહી શકાય. એક કે એકથી વધુ ફાઇલનો લાંબા સમય માટે સંગ્રહ કરવો હોય કે તેની ઈ-મેઇલ કે બીજી કોઈ રીતે હેરફેર કરવી હોય ત્યારે આ વિધિનો ઉપયોગ થાય છે.
ઝીપ કે રાર ફાઇલ્સ ક્રિએટ કરવાના ત્રણ ફાયદા છે :
- એક કે વધુ ફાઇલને એક સિંગલ કન્ટેઈનર જેવી ફાઈલમાં મૂકી શકાય છે.
- આ રીતે બધી ફાઇલને કમ્પ્રેસ કરી શકાતી હોવાથી તેમની કુલ સાઇઝ ઘણી ઓછી થઈ જાય છે.
- ઝીપ ફાઇલને ઉપરથી પાસવર્ડ જેવું તાળું પણ મારી શકાય છે.
ઘણા બધા લોકો ‘ઝીપ’ અને ‘વિનઝીપ’ એટલે એક જ વાત એવું માનતા હોય છે, પણ વાસ્તવમાં એવું નથી. ઝીપ એ કમ્પ્રેસ્ડ આર્કાઈવ માટે વપરાતું એક સામાન્ય – જનરિક ફાઇલ ફોર્મેટ છે, જ્યારે વિનઝીપ કે વિનરાર વગેરે ઝીપ ફાઇલ્સ ક્રિએટ કે મેનેજ કરવા માટે વપરાતાં અલગ અલગ સોફ્ટવેરનાં નામ છે. આપણે તેનાં ફ્રી ટ્રાયલ વર્ઝન મેળવી શકીએ છીએ.
ઝીપ અને રાર મૂળ તો એક જ પ્રકારનું કામ કરતી બે પદ્ધતિ છે. રાર કમ્પ્રેશન ઝીપ કરતાં ધીમું પણ વધુ પાવરફૂલ કમ્પ્રેશન હોવાનું કહેવાય છે. તેમાં ફાઇલને એન્ક્રિપ્ટ કરવાની પદ્ધતિ વધુ મજબૂત હોવાથી મહત્ત્વની ફાઇલ્સનું કમ્પ્રેશન કરવું હોય તો રાર પદ્ધતિ વધુ સારી છે.
આટલી પ્રાથમિક માહિતી સાથે, હવે આપણે વિન્ડોઝ ૭માં કોઈ ફાઇલ કે ફોલ્ડરને કેવી રીતે કમ્પ્રેસ કરીને ઝીપ ફાઇલમાં ફેરવી શકાય તે સમજીએ અને તેની સાથોસાથ, ઝીપ ફાઇલને અનઝીપ કેવી રીતે કરાય તે પણ સમજી લઈએ.
ફાઇલ કે ફોલ્ડર કમ્પ્રેસ કરવા માટે
- વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને તમારે જે ફાઇલ કે ફોલ્ડરને કમ્પ્રેસ કરવું હોય તે નક્કી કરી લો.
- એ ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરો, જે મેનુ ખૂલે તેમાં ‘સેન્ડ ટુ’ વિકલ્પ પર માઉસ લઈ જતાં (ક્લિક કરવાની જરુર નથી) નવું મેનુ ખૂલશે, જેમાં ‘કમ્પ્રેસ્ડ (ઝીપ્ડ) ફોલ્ડર’ પર લેફ્ટ ક્લિક કરી દો.
- આપણી મૂળ ફાઇલ કે ફોલ્ડર જેમનાં તેમ રહેશે, પણ એ જે ફોલ્ડરમાં હશે એ જ ફોલ્ડરમાં વધુ એક ફોલ્ડર બનશે, જેનો આઇકન બાજુમાં બતાવ્યા મુજબનો કે તેના જેવો હશે.
- આ ઝીપ્ડ ફોલ્ડરને રાઇટ ક્લિક કરી, રીનેમનો ઓપ્શન પસંદ કરીને આપણે ફોલ્ડરનું નામ બદલી શકીએ છીએ.
આ રીતે આપણે કોઈ મિત્રને ગીતોની ફાઇલ્સ મેઇલ કરવી હોય કે પરિવારના સભ્યોને વિવિધ ફોટોગ્રાફ્સ એકસાથે મેઇલ કરવા હોય તો બધી ફાઇલ એક ફોલ્ડરમાં જમા કરી, તેનું કમ્પ્રેસ્ડ ફોલ્ડર બનાવી લઈએ તો એ એક જ ફોલ્ડર ઈ-મેઇલમાં એટેચ કરવાનું રહે છે.
હવે ધારો કે આ
પણને આ રીતે ઈ-મેઇલમાં ઝીપ્ડ ફોલ્ડર આવે તો તેને ડાઉનલોડ કર્યા પછી તેમાંની ફાઇલ્સ ઓપન કેવી રીતે કરવી તે જાણી લઈએ
કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની ફાઇલ્સ એક્સ્ટ્રેક્ટ કરવા માટે
- વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને આપણે ઝીપ્ડ ફોલ્ડર ઓપન કરવું છે તેને શોધી કાઢો.
- ઝીપ્ડ ફોલ્ડરને ડબલ-ક્લિક કરતાં એક વિન્ડો ખૂલશે, જેમાં ઝીપ્ડ ફોલ્ડરમાંનાં બધાં ફોલ્ડર્સ કે ફાઇલ્સ દેખાશે. તેમાંથી કોઈ એકને ઓપન કરવા માટે, એ ફાઇલ કે ફોલ્ડરને માઉસથી ડ્રેગ કરીને નવા લોકેશન પર લાવી દો.
- કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની બધી જ ફાઇલ કે ફોલ્ડરને બહાર કાઢવા માટે કમ્પ્રેસ્ડ ફોલ્ડરને રાઇટ ક્લિક કરતાં ત્રણ વિકલ્પ મળશે :
-
- એક્સ્ટ્રેક્ટ ઓલ : આ વિકલ્પ પર ક્લિક કરતાં, કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની બધી ફાઇલ, આપણે વિન્ડોઝ એક્સપ્લોરરમાં ક્યાં સેવ કરવી છે એ પૂછવામાં આવશે, લોકેશન કહેવાથી બધી ફાઇલ (કે ફોલ્ડર્સ) તે જગ્યાએ સેવ થશે, જેને આપણે હંમેશની જેમ ઓપન કરી શકીશું.
- એક્સ્ટ્રેક્ટ હીયર : આ વિકલ્પ પર ક્લિક કરતાં, જે તે ફોલ્ડરમાં જ બધી ફાઇલ (કે ફોલ્ડર્સ) સેવ થશે.
- એક્સ્ટ્રેક્ટ ટુ (કમ્પ્રેસ્ડ ફોલ્ડરનું નામ) : આ વિકલ્પ પર ક્લિક કરતાં, એ જ જગ્યાએ કમ્પ્રેસ્ડ ફોલ્ડરનું જ નામ ધરાવતું એક સામાન્ય ફોલ્ડર બનશે જેમાં કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની બધી ફાઇલ (કે ફોલ્ડર) ઓપન સ્વરુપે સેવ થશે. સામાન્ય વપરાશ માટે આ વિકલ્પ સૌથી સહેલો રહેશે.
આટલું નોંધી લેશો :
ફોટોગ્રાફસ કે ગીતોની ફાઇલ પહેલેથી જ એકદમ કમ્પ્રેસ્ડ થયેલી હોય છે. એટલે ઘણા બધા ફોટોગ્રાફસ કે ગીતોની ફાઇલને આપણે એક ફોલ્ડરમાં કમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરીએ તો તેમની કુલ સાઇઝમાં ખાસ કશો ફેર પડતો નથી. હા, ફક્ત એક ફોલ્ડર બનવાને કારણે તેને ઈ-મેઇલ કરવાનું સરળ બનશે.
તમે કેટલીક ફાઇલ્સને કમ્પ્રેસ કરીને તેનું ઝીપ્ડ ફોલ્ડર બનાવી લો, પછી ખ્યાલ આવે કે એક ફાઇલ તો બહાર રહી ગઈ છે, જેને આપણે ઝીપ્ડ ફોલ્ડરમાં સામેલ કરવાની હતી, તો ચિંતા કરવાની જરુર નથી. એ ફાઇલને માઉસથી ડ્રેગ કરીને ઝીપ્ડ ફોલ્ડર પર લઈ જતાં, તે ઝીપ્ડ ફોલ્ડરમાં કોપી થઈ જશે (મૂળ ફાઇલ જેમની તેમ રહેશે).


