(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેકેશનમાં લૂંટવા જેવો ખજાનો

વેકેશનમાં કોઈ ભાર વિના મસ્તીથી સમય પસાર કરવો હોય કે પછી – ફરી ભાર વિના – કશુંક નવું શીખવું હોય તો અહીં આપેલી સાઇટ્સ ફંફોસી જુઓ.

આગળ શું વાંચશો?

  • સૂપટોય્ઝ
  • ફનબ્રેઈન
  • મીનીક્લિપ
  • સુમોપેઈન્ટ
  • ડ્રોસ્પેસ

આખરે આવી ગયું છે વેકેશન! આખું વર્ષ બુક્સ, નોટબુક્સ, ક્લાસવર્ક અને હોમવર્ક કર્યા પછી, આખરે રીલેક્સ થવાનો સમય! વિદ્યાર્થીઓ ઉપરાંત મમ્મી-પપ્પાને પણ થોડો હાશકારો થાય એવો આ સમય છે, પણ સાથોસાથ નવું ટેન્શન ઊભું થાય છે. બિલકુલ ફ્રી થઈ ગયેલાં સંતાનો – પછી તે પહેલા ધોરણમાં હોય કે બારમા ધોરણમાં – સતત પૂછે છે, “મમ્મી, હું શું કરું? વેકેશનમાં ટાઇમ કેવી રીતે પાસ કરવો કે કરાવવો એ સમસ્યા હોય તો અહીં આપેલી વેબસાઇટ્સ પર નજર ફેરવી લો. અમુકમાં પ્યોર મસ્તી છે, તો અમુકમાં કશુંક નવું શીખવાનું પણ મળશે.

સાવ નાનાં બાળકોથઈ માંડીને મોટેરાં સુધીનાં સૌ કોઈને મજા પડે એવી આ વેબસાઇટ્સ છે. પણ, એમની ખરી મજા બીજી વાતમાં છે – આ વેકેશનમાં પરિવારના સૌ કોઈ અલગ અલગ કંઈક કરે એને બદલે આ સાઇટ્સ પર સાથે કંઈક કરી જુઓ!

સૂપટોય્ઝ

વેકેશનમાં ટાબરિયાંઓને એમનો ખજાનો ખોલીને રમતાં જોવામાં જે આનંદ છે એવો આનંદ તો કદાચ ટાબરિયાંને પોતાને, રમત રમવામાં પણ નહીં આવતો હોય! જોકે બાળકને તો સતત નવીનતા જોઈએ, એકનું એક રમીને એ જલદી કંટાળી જાય ને એની કલ્પનાશક્તિ જેટલી જ ઝડપે એનો રમકડાંનો ખજાનો વધી શકતો ન હોય તો શું કરવું? સૂપટોય્ઝના શરણે જવું! સૂપટોય્ઝ (www.souptoys.com)માં બિલકુલ નિજાનંદમાં, જાત સાથે જ રમમાણ થઈને આડુંઅવળું કર્યા કરવાનો મહિમા છે.

ઓસ્ટ્રેલિયાના કેટલાક અલગારી વિડિયો ગેમર્સ, પ્રોગ્રાામર્સ, આર્ટિસ્ટ્સ, મ્યુઝિશિયન્સ, ડિઝાઇનર્સ, ફિલ્મ મેકર્સ વગેરે લોકોએ તેમનામાં રહેલા બાળકને મૂરઝાવા ન દીધું અને એમાંથી સર્જાયાં આ સૂપટોય્ઝ. ૫થી ૧૨ વર્ષનાં બાળકો માટે બનેલી પણ મોટાંને પણ ક્યારેક મજા પડે એવાં આ રમકડાંથી રમવા શું કરવાનું? સાઇટ પર પહોંચવાનું, હોમપેજ પર સૌથી ઉપર જ, ‘ગેટ ફ્રી ટોય બોક્સ’ પર ક્લિક કરીને ટોયબોક્સ ડાઉનલોડ કરવાનું. પછી તેના પર ડબલક્લિક કરીને આ પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લેવાનો. પ્રોગ્રામ નેટ એક્સેસ કરવાની મંજૂરી માગે તો આપવાની.

પછી તો તમારા ડેસ્કટોપ પર જ એક બોક્સ ખૂલશે જેમાં, ફૂટબોલ, ટેનિસ બોલ, બાસ્કેટ બોલ, રિંગ, બેરિંગના બોલ, મેગ્નેટ, જુદી જુદી કાર, ઢીંગલા, ઢીંગલી વગેરે વગેરે કેટલુંય ભર્યું હશે. જે ઇચ્છો તેને માઉસની મદદથી ડેસ્કટોપ ખેંચી લો અને રમવા માંડો.

બોક્સની નીચે આપેલાં બટન્સ પર ક્લિક કરશો એટલે પ્રિસેટ પ્લેસેટ્સ પણ ખૂલશે. એમાં રમકડાં પહેલેથી કંઈક ચોક્કસ ગોઠવણથી ગોઠવેલાં હશે. એમાં કંઈક અટકચાળું કરશો એટલે ફિઝિક્સના નિયમો મુજબ આખી ગોઠવણમાં બધું રમણભમણ થવા લાગશે! હા, અહીં દરેક રમકડું ફિઝિક્સના નિયમોને અનુસરે છે.

અહીં કોઈ મશીનગનની ધણધણાટી નથી, અહીં કોઈનો શિકાર કરવાનો નથી કે કોઈથી બચવાનું નથી, કોઈ વિલન નથી, કોઈ ટાર્ગેટ નથી, અહીં તો જીતવાનું કે નંબર વન પણ બનવાનું નથી! અહીં તો ફક્ત મનમાં સૂઝે એ જ કરવાનું છે અને એમાંથી આનંદ લૂંટવાનો છે.

કામનો બહુ ભરાવો ન હોય તો છોકરાંની સાથે મોટાં માટે આ સરસ સ્ટ્રેસરીલિવર છે!
મમ્મીઓને આ સાઇટ સૌથી વધુ ગમશે, કેમ કે અહીં છોકરું રમીને ધરાઈને બધું જેમનું તેમ છોડી ઊભું થઈ જાય પછી મમ્મીએ ઝીણી ઝીણી ચીજો વીણી વીણીને ટબમાં ‘ભરો’ કરવાની રહેતી નથી, અહીં તો માઉસનો એક ઇશારો કર્યો અને પ્લેઈંગ રૂમ થઈ ગયો ક્લીન!

ફનબ્રેઈન

જરા મોટાં અને સ્કૂલે જવા થનગની રહેલાં કે તેમનાથી મોટાં બાળકો માટે મસ્ત સાઇટ છે – ફનબ્રેઇન (www.funbrain.com) બાળકો એકલાં રમે તો એમ અથવા મમ્મી કે પપ્પા એમને કંપની આપે તો અહીં આપેલી ગેમ્સ બાળકોને સ્કૂલ એડમિશનના ઇન્ટરવ્યૂ માટે બરાબર તૈયાર કરી શકે એવી છે. સાઇટ પર મસ્તીભરી મેથ ગેમ્સનો ખજાનો છે. નાની નાની સંખ્યાના સરવાળા-બાદબાકી રમત-રમતમાં શીખવી દેતી આ સાઇટની ગેમ્સ રમો કે પછી પ્લેગ્રાઉન્ડમાં જઈને ફક્ત મોજમસ્તી કરાવતી ગેમ્સ રમો, વેકેશન ક્યાં પૂરું થઈ ગયું એ ખબર પણ નહીં પડે.


આ સાઇટ પ્રીસ્કૂલથી સાત-આઠ ધોરણ સુધીનાં બાળકોને કામ લાગે એવી છે. સાઇટ પર ટીચર્સ અને પેરેન્ટ્સ માટે અલગ વિભાગ પણ છે.

ઇન્ટરનેટ પર ગેમ્સનો તો રાફડો ફાટ્યો હોય એવી સ્થિતિ છે, પણ એમાં વિશ્વસનીય, રમતની સાથે ખરેખર શીખવે એવી સાઇટ્સ શોધવી બહુ મુશ્કેલ છે. ૧૯૯૭માં શરુ થયેલી ફનબ્રેઇન આ ખોટ પૂરી કરે છે.

મીનીક્લિપ

ટીવી અને ઇન્ટરનેટના ઓવર એક્સપોઝરથી બાળકો એમનું બાળપણ બહુ ઝડપથી ગુમાવી રહ્યાં છે, આપણે ખુલ્લા મેદાનમાં લખોટી, ભમરડા કે મોઇ-દાંડિયાથી જે રમતો રમ્યાં એ આપણાં બાળકોને રમવા મળતી નથી… આ બધી વાત સાચી. સોળ આની સાચી. પણ, પછી બે જ રસ્તા છે. ‘હવે પહેલાં જેવું રહ્યું નથી’ એવો અફસોસ કરતા રહી બાળકોને પણ મૂંજી બનાવો અથવા એમને જેમાં મજા પડે છે એમાં એમની સાથે જોડાઈ જાઓ (તમે પોતે પણ ઑફિસના કમ્પ્યૂટર પર પત્તાંની ગેમ રમો જ છોને!). જે તાકાત પોઝિટિવ એટીટ્યૂડમાં છે એ બીજા કશામાં નથી. ઇન્ટરનેટની ગેમને પણ પોઝિટિવલી લો તો એમાંથી પણ ફાયદા દેખાશે ને મળશે! તો વાત છે મીનીક્લિપ.કોમની (http://www.miniclip.com).

૨૦૦૧માં, લંડનની યુનિવર્સિટીમાંથી તાજા જ નીકળેલા એક ગેમરસિયાએ આ સાઇટ બનાવી. બીજી સાઇટને બ્રેકઇવનનાં ફાફાં હોય છે ત્યારે આ સાઇટ બીજા વર્ષથી નફો કરવા લાગી. અહીં સૌ કોઈ મફત ગેમ રમી શકે છે, આવક એડ્ઝમાંથી છે. સાઇટની મજા, એની ગેમની સિમ્પલીસિટીમાં છે. આ સાઇટે બિલકુલ હલકી-ફૂલકી, નાનાથી માંડીને મોટાંને રસ પડે, મન થાય ત્યારે ભારેખમ ડાઉનલોડિંગ કે ઇન્સ્ટોલેશનના ચક્કરમાં પડ્યા વિના ફટાક દઈને રમવા લાગી જવાય એવી નાની નાની ગેમ્સ બનાવી. સંખ્યાબંધ ગેમ્સ મગજ કસવું પડે ને રમતરમતમાં મોટી શીખ આપે એવી છે. જેમ કે અમુક ટુ-પ્લેયર ગેમમાં બીજાને હરાવવાના નથી પણ એકબીજાની મદદથી બંનેએ જીતવાનું છે! અલબત્ત, મોટા ભાગની ગેમ ચસ્કો લગાડે તેવી છે. બાળકોને રમવા દો કે તમે પોતે રમો, પણ જરા સંભાલ કે!

સુમોપેઈન્ટ

ડિજિટલ ટેકનોલોજીના વિકાસ સાથે કલાના ક્ષેત્રમાં પણ જબરજસ્ત પરિવર્તન આવી રહ્યાં છે. પીંછીના બદલે માઉસના સ્ટ્રોક્સથી ડિજિટલ ક્રિએટિવિટી ડેવલપ કરવી હોય તો તમને ગમશે આ સાઇટ – http://www.sumopaint.com/www/

આ સાઇટ કહો તો સાઇટ અને સર્વિસ કહો તો સર્વિસ, ખરેખર એક ફુલ ફ્લેજડ એપ્લિકેશન છે. જેમ ફોટોશોપના જાણકાર લોકો તેમાં ફોટોગ્રાફમાં અનેક પરિવર્તનો કરી શકે છે એ રીતે, સુમોપેઇન્ટ ઇમેજ એડિટિંગ અને પેઇન્ટિંગ માટેની એપ્લિકેશન છે. આ પ્રોગ્રામ આપણા વેબ બ્રાઉઝરની અંદર જ ચાલે છે, એટલે તેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેતી નથી.

તમે પર જઈને કોઈ નવી બ્લેન્ક ફાઇલ ઓપન કરીને તેમાં માઉસથી પેઇન્ટિંગ શરૂ કરી શકો, અથવા તમારા કમ્પ્યુટરમાંથી કોઈ ઇમેજ અપલોડ કરીને તેના પર કામ કરી શકો, અલબત્ત તેના માટે ફ્લેશ પ્લેયર હોવું જરૂરી છે.
સુમોપેઇન્ટને બરાબર સમજ્યા વિના તેનો ઉપયોગ શરૂ કરવામાં જોખમ છે. અહીં આપેલો તેનો વીડિયો અને અન્ય ટ્યુટોરિયલ્સ જોયા પછી હાથ અજમાવો તો વધુ સારું.

ડ્રોસ્પેસ

પેન્સિલથી કાગળ પર કલાકૃતિઓ સર્જવી ગમે છે? રેલ્વે સ્ટેશન કે બગીચામાં સ્કેચબુક અને પેન્સિલનો ઢગલો લઈને સ્કેચિંગ કરતા વિદ્યાર્થીઓની ઇષર્િ આવે છે? જો સ્કેચિંગ તમારા માટે ખરેખર રસનો વિષય હોય અને આ વિષયના એકલવ્ય થવાની તૈયારી હોય તો તમારા માટે કામની વેબસાઇટ છે ડ્રોસ્પેસ : http://www.drawspace.com/

આ સાઇટ પર જાતે જ ડ્રોઇંગ શીખવામાં ઉપયોગી એવા ૨૦૦ જેટલા લેસન્સ ડાઉનલોડ કરી શકાય છે. સાઇટ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, બીગીનર, ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ્ડ લેવલ્સ. ત્રણેય ભાગમાં ડ્રોઇંગ શીખવા માટે સૌથી પહેલાં તો અવલોકન કરતાં કેમ શીખવું, રેખાઓ સાથે રમત કેમ માંડવી, પરસ્પેક્ટિવ શું છે, વગેરેથી માંડીને લોકોના ચહેરાના આબેહૂબ હાવભાવ ઝીલતાં પોર્ટેટ કેવી રીતે તૈયાર કરવાં તેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યુંં છે. પેન્સિલ સ્કેચિંગ ઉપરાંત રંગો સાથે કામ કરવું હોય તો તેની પણ પૂરતી માહિતી ઉપલબ્ધ છે. વેકેશનમાં થોડા દિવસ, થોડા કલાકના ક્લાસીસ કરીને ડ્રોઇંગ ભૂલી જવું હોય તો અલગ વાત છે, પણ આ વિષયમાં ઊંડો રસ હોય અને તેનાં જુદાં જુદાં પાસાં બારીકાઈથી સમજવાં હોય તો ડ્રોસ્પેસ અદ્ભુત છે. સાઇટ પર પેઇડ ક્લાસીસના વિકલ્પ પણ છે, પણ જેટલું ફ્રી છે એટલું પણ પૂરતાથી વધુ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!